જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તેને જાગ્રત અને સ્વપ્નમાં દેખાતાં ચિહ્નોનું ભગવાન શ્રીહરિએ કરેલું નિરૃપણ.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ !
અસ્વતંત્ર સમાધિવાળા યોગીઓએ આલોકમાં જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં ઉત્પન્ન થતાં ચિહ્નોથી પોતાના શરીરનો પાત થાય તેના પહેલાંજ પોતાના
નજીક આવેલા મૃત્યુનો નિર્ણય કરી લેવો. તેમાં પ્રથમ જાગ્રત અવસ્થામાં અનુભવાતાં નિકટવર્તી મૂત્યુનાં ચિહ્નો કહીએ છીએ.૧
જેનું મૃત્યુ નજીક આવેલું છે. તેવો યોગીપુરુષ દેવમાર્ગ, ધ્રુવ, શુક્ર, ગુરુ અને અરુન્ધતીના તારાને જોઇ શકતો નથી. તેમજ પોતાની છાયાને જોઇ શકતો નથી.ર
વળી એ યોગીને સૂર્ય, અગ્નિ અને ચંદ્રમા નિસ્તેજ દેખાય છે. આકાશમાં ચંદ્ર અને તારામંડળ બે બે રૃપે દેખાય છે.૩
વળી જેનું મૃત્યુ નજીક છે, એવા યોગીને પોતાની ઉલટી, મળમૂત્ર સુવર્ણના રંગ જેવાં દેખાય છે. તેમ જ વૃક્ષો પણ સુવર્ણનાં દેખાય છે.૪
વળી એ યોગીને કાદવ કે રેતીમાં પોતાનાં પગલાં અર્ધાં અર્ધાં દેખાય છે. પડછાયામાં છિદ્રો દેખાય છે. તળાવ આદિકના જળમાં પોતાના શરીરનું પ્રતિબિંબ મસ્તક વગરનું દેખાય છે.પ
જ્યારે સ્વભાવસિદ્ધ દુર્બળ શરીરમાં આકસ્મિક અત્યંજ સોજા ચડે, અથવા સ્થૂલ શરીર તત્કાળ કૃશ થઇ જાય, આ પણ મૃત્યુ નજીક આવ્યાનાં લક્ષણો છે.૬
જે યોગીનો દેહ ઘેટાંની જેવો અતિશય દુર્ગંધવાળો થઇ જાય, અથવા બળેલા શબની ગંધ જેવો ગંધ મારવા માંડે, તેનું મૃત્યુ નજીક આવ્યું છે એમ જાણવું.૭
સ્નાન કરવા માત્રમાં જ જે યોગીનું હૃદય અને પગ વિના વિલંબે સુકાઇ જાય, તે યોગી અલ્પ સમયમાં જ મૃત્યુ પામે છે.૮
જે યોગીની ખાધેલી તથા પીધેલી કંઇ પણ વસ્તુ પેટમાં પચે નહિ, અને કોઇ પણ દવા ગુણકારી થાય જ નહિ, તેનું પણ મૃત્યુ નજીક આવ્યુ છે, એમ જાણવું.૯
તાળવું, ઉદર અને હૃદયમાં દાહ થાય, નાક અને કાન વાંકા વળી જાય, સર્વ અંગના સાંધાઓમાં શૂળ ઉપડે, તે લક્ષણો મૃત્યુ નજીક આવયાનાં જાણવાં.૧૦
જમીને તૃપ્ત થવા છતાં, જે યોગીને ફરી તત્કાળ ભૂખ લાગવા માંડે, અને જેને દીવાના ગંધનું જ્ઞાન ન થાય, તેનું મૃત્યુ નજીક આવ્યું જાણવું.૧૧
બીજાના નેત્રની કીકીમાં પોતાના મુખનું પ્રતિબિંબ ન દેખાય તથા પોતાના કાનમાં આંગળીઓ ભરાવી બંધ કરે, છતાં પ્રાણનાદનું શ્રવણ ન થાય, તો સમજવું કે મૃત્યુ નજીક આવ્યું છે.૧૨
ઇન્દ્રિયોથી ગ્રહણ કરાતા વિષયોનું સારા કે નરસાનું અલગ અલગ ભાન ન થાય, તો સમજવું કે મૃત્યુ નજીક આવ્યું છે.૧૩
નેત્રોનું ભ્રમણ, નાભિપ્રદેશ કૃશ થવો, દાંત અંદરથી કાળા પડી જવા, સ્વભાવમાં વિપરીતપણુ થઇ જવું, આ સર્વે મૃત્યુ નજીક આવ્યાનાં ચિહ્નો છે.૧૪
તેમજ પૂજ્ય પુરુષોનું અપમાન અને દાન આપવા યોગ્ય વ્યક્તિ પાસેથી દાન લેવાની ઇચ્છા, ઇત્યાદિ જાગ્રત અવસ્થામાં મૃત્યુનાં ચિહ્નો જાણવાં.૧૫
હવે સ્વપ્નમાં જે ચિહ્નો દેખાય છે, તે કહીએ છીએ. જે યોગી સ્વપ્નમાં રીંછ, વાનર, ગર્દભ અથવા ઊંટ રૃપી વાહન ઉપર બેસી દક્ષિણ દિશા તરફ ગતિ કરે, તેમનું મૃત્યુ નજીક આવ્યું જાણવું.૧૬
જે યોગી સ્વપ્નમાં ઊંડી ખાઇમાં પડયો હોય ને તેને કોઇ રુંધી રાખતો હોય, એવું દેખાય તો સમજવું કે મૃત્યુ નજીક આવ્યું છે. તથા તે સ્વપ્નમાં પ્રેત સાથે આલિંગન કરતો હોય, તેને પણ જાણવું કે મૃત્યુ નજીક આવ્યું છે.૧૭
જે સ્થળે જળમાં ડૂબી જાય, અથવા અગ્નિમાં પ્રવેશ કરે, અથવા વિષનું પાન થાય, અથવા કાદવમાં ખૂંપી જાય, આ સર્વે મૃત્યુ નજીક આવ્યાનાં ચિહ્નો જાણવાં.૧૮
જે યોગી સ્વપ્નમાં તેલથી શરીરે સ્નાન કરી, નગ્નદશામાં જાસૂદના ફૂલની માળા ધારણ કરી, દક્ષિણ દિશામાં જાય, તો તેનું મૃત્યુ નજીક આવ્યું જાણવું.૧૯
હે રૃડીબુદ્ધિવાળા મુનિ ! આવાં અનેક સ્વપ્ન સંબંધી ચિહ્નો છે. જેનાથી યોગી પોતાનું મૃત્યુ નજીક આવેલું જાણી શકે છે.ર૦
પોતાને જે દિવસથી મૃત્યુ-નજીકનાં ચિહ્નોનો અનુભવ થાય, તે દિવસથી આરંભીને ડાહ્યા યોગીએ તત્કાળ સાવધાન થઇ જવું.૨૧
પોતાના શરીરને અને સમગ્ર જગતને નાશવંત માની તેમાંથી વૈરાગ્ય પામેલા યોગીએ ભગવાન શ્રીહરિની નવધા ભક્તિમાં પ્રીતિવાળા થઇ, તેમાં મગ્ન થઇ જવું.૨૨
ભગવાનનો ભક્ત યોગી નિર્ભય થઇ કાળે કરીને શરીરનું મૃત્યુ થાય ત્યારે સ્વતંત્રતા પામેલા યોગીની જેમ જ ભગવાન શ્રીહરિના પરમ ધામને પામે છે.૨૩
હે મુનિવર્ય !
આવો યોગનો મહિમા રહેલો છે. તેથી પોતાનું કલ્યાણ ઇચ્છતા પુરુષોએ આ યોગને આદરપૂર્વક સિદ્ધ કરવો, સાધવો.૨૪
પૂર્વે પણ આલોકમાં ઘણા બધા મહર્ષિઓ તથા સેંકડો રાજાઓ પણ આ યોગથી પોતાને મનોવાંછિત ગતિ પામ્યા છે. તેથી ઉદારબુદ્ધિવાળા ભગવાનના ભક્તોએ આ યોગને અવશ્ય સાધવો.૨૫
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતાં શ્રીહરિએ મૃત્યુ નજીક આવ્યાના કાળના જ્ઞાનનું નિરૃપણ કર્યું, એ નામે પાસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૫--