અધ્યાય - ૬૭ - શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ઉપર અર્થદીપિકા ટીકા લખી શ્રીહરિને આપી ને શ્રીહરિએ કરેલી તેની ખૂબ પ્રશંસા.

શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ઉપર અર્થદીપિકા ટીકા લખી શ્રીહરિને આપી ને શ્રીહરિએ કરેલી તેની ખૂબ પ્રશંસા. ભગવાન શ્રીહરિના પ્રગટ પ્રતાપથી ઘટેલી અનેકવિધ આશ્ચર્યકારી ઘટનાઓનું વર્ણન.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ !
ભગવાન શ્રીહરિએ શતાનંદ સ્વામીને આજ્ઞા કરી તે દિવસ સંવત ૧૮૮૫ ના આસોવદ ધનતેરસનો હતો. તે દિવસે જ શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીને ગુંથવાની શુભ શરુઆત કરી.૧

સંવત ૧૮૮૫ના કારતક સુદ બીજને દિવસે માત્ર પાંચ દિવસમાં પૂર્ણ કરી. શિક્ષાપત્રીના બસોને બાર શ્લોકો થયા.ર

ત્યારપછી શતાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે તે શિક્ષાપત્રી ઉપર સત્પ્રમાણોનાં વચનોએ યુક્ત અર્થદીપિકા ટીકા લખવાનો પ્રારંભ કર્યો. એ ટીકા માગસર સુદ પંચમીને દિવસે સંપૂર્ણ કરી. (શિક્ષાપત્રી રચવાની સાથે તેની ટીકા રચવાની આજ્ઞા પણ શ્રીહરિએ કરેલી. એ પ્રથમ કહ્યું નહિ છતાં અર્થ ઉપરથી જાણી લેવું.)૩

હે રાજન્ !
એ માગસર સુદ પાંચમની તિથિએ બપોર પછીની સભાને મધ્યે મુક્તાનંદ સ્વામી આદિ સંતોની સાથે વિરાજમાન ભગવાન શ્રીહરિને શતાનંદ સ્વામીએ ટીકાએ સહિત શિક્ષાપત્રી ગ્રંથ સમર્પણ કર્યો.૪

ભગવાન શ્રીહરિ પોતાની શિક્ષાપત્રીને ટીકાએ સહિત નિહાળીને બહુજ સંતોષ પામ્યા, ને તે જ સભામાં શતાનંદમુનિની બહુપ્રકારે પ્રશંસા કરી, ને બોલ્યા કે, જેવો અમારો હૃદયગત અભિપ્રાય હતો. તેવો સંપૂર્ણ અભિપ્રાય આ શતાનંદ મહર્ષિએ આ શિક્ષાપત્રીની ટીકામાં સમગ્રપણે ઉતાર્યો છે.પ-૬

એમ કહી સમર્થ શ્રીહરિ અતિશય પ્રસન્ન થઈ પોતાના કંઠમાં રહેલી પુષ્પની માળા શતાનંદ સ્વામીએ આપી ને અતિ હર્ષપૂર્વક બન્ને હાથ તેમના મિતક ઉપર ધારણ કર્યાં.૭

હે રાજન ત્યાર પછી શ્રી હરિએ નિત્યાનંદ સ્વામી પાસે શિક્ષાપત્રી સભામાં વંચાવી. તે સાંભળીને સંતો, હરિભક્તો તથા સ્વયં શ્રીહરિ મહા આનંદને પામ્યા.૮

ત્યાર પછી ફરી કહેવા લાગ્યા કે હે સંતો-ભક્તો ! તમે સર્વે સાંભળો, જે મારા હોય તેમણે આ શિક્ષાપત્રીનો પ્રતિદિન નિયમપૂર્વક પાઠ કરવો. અથવા ભણ્યા ન હોય તેમણે બીજાના મુખેથી તેનું શ્રવણ કરવું.૯

હે સંતો ! હે ભક્તો !
આ શિક્ષાપત્રીનો પાઠ પ્રતિદિન ભોજન કર્યા પહેલાં પવિત્ર થઇને સ્વસ્તિક આસને બેસીને કરવો, ને પછીથી ભોજનરૃપ પ્રસાદ લેવો. રોગાદિ આપત્કાળમાં આ નિયમ ન જળવાય તો દોષ નથી.૧૦

દિવસે પાઠ કરવાની અનુકુળતા ન થઇ હોય તો રાત્રીએ પોતાનો સાંયકાળનો નિત્યવિધિ કર્યા પછી એક જ સ્થળે બેસીને આનો પાઠ આદરપૂર્વક કરવો.૧૧

જે રીતે પોતાના હૃદયમાં આ શિક્ષાપત્રીનો અર્થ સ્પષ્ટ સ્ફુરાયમાન થાય, તે રીતે મારા આશ્રિતોએ હમેશાં ધીરેથી સ્પષ્ટ અક્ષરોના ઉચ્ચારણ સાથે પાઠ કરવો.૧૨

હે રાજન્ !
આ પ્રમાણેનાં ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી સર્વે સંતો-ભક્તો તે જ ક્ષણે ઊભા થઇ શ્રીહરિને પ્રણામ કરી, અમે જેમ તમે કહ્યું તે જ પ્રમાણે ચોક્કસ કરશું. એમ બોલ્યા.૧૩

ત્યાર પછી ભગવાન શ્રીહરિએ શતાનંદ સ્વામીને કહ્યું કે હે મહાબુદ્ધિશાળી મુનિ ! હવે તમારા મનમાં જેની ઇચ્છા છે, તેવા સર્વોત્તમ સત્સંગિજીવન નામના ગ્રંથની રચના કરો. કારણ કે એ કાર્ય કરવા માટે તમે સમર્થ છો.૧૪

તમારી બુદ્ધિને ભગવાન શ્રીકૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત થઇ છે. એમ અમને સર્વેને ભાસે છે. જો એમ ન હોય તો ટીકાએ સહિત શિક્ષાપત્રીને અનુસારે અમારો હૃદયગત અભિપ્રાય કહેવાને માટે કોણ સમર્થ થઇ શકે ?૧૫

હે રાજન્ !
આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તેથી બ્રહ્માદિ દેવતાઓને પણ દુર્લભ એવો ભગવાન શ્રીહરિનો અનુગ્રહ પામેલા શતાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી પોતાને નિવાસસ્થાને આવ્યા.૧૬

ત્યારપછી ભગવાન શ્રીહરિના વરદાનથી ભૂત, વર્તમાન અને ભવિષ્યના સંપૂર્ણ જ્ઞાને સહિત તથા સકલ શાસ્ત્રોના જ્ઞાને સહિત ભગવાન શ્રીહરિનાં સમગ્ર ચરિત્રોના જ્ઞાન સાથેની સર્વજ્ઞાતા પ્રાપ્ત કરેલા યોગીરાટ્ શતાનંદ સ્વામીએ સંવત ૧૮૮૫ ના માગસર સુદ છઠ્ઠના દિવસે આ સત્સંગિજીવન નામે શાસ્ત્રની રચના કરવાનો પ્રારંભ કર્યો.૧૭

શતાનંદ મહર્ષિ એક એક પ્રકરણની રચના સંપૂર્ણ કરતા ગયા અને પોતાના નિવાસ સ્થાને વિરાજમાન સર્વ નિયંતા પરમેશ્વર ભગવાન શ્રીહરિને એક એક અક્ષર કરીને સંપૂર્ણપણે સંભળાવતા ગયા.૧૮

ભગવાન શ્રીહરિએ તે સમયે હમેશાં પોતાની સાથે રહેલા શુકાનંદ મુનિને સાથે રાખી આદર પૂર્વક આ ગ્રંથનું શ્રવણ કર્યું ને તેનાથી અતિશય રાજી થયા.૧૯

હે રાજન્ !
સત્શાસ્ત્ર શ્રવણથી અતિરિક્ત બીજા સર્વે વ્યવહારિક કાર્યોનો ત્યાગ કરી ભગવાન શ્રીહરિ શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધ અને પંચમ સ્કંધનું વારંવાર શ્રવણ કરતા હતા.ર૦

શ્રીહરિ બપોર પછીના સમયે પોતાને નિવાસસ્થાને રહેલી વેદિકા ઉપર વિરાજમાન થઇને પોતાના અનન્ય શરણાગત ભક્તોને પોતાનું દર્શન આપતા.૨૧

ભગવાન શ્રીહરિના પ્રગટ પ્રતાપથી ઘટેલી અનેકવિધ આશ્ચર્યકારી ઘટનાઓનું વર્ણન :-

ભગવાન શ્રીહરિની સમીપે ક્યારેક બે - ત્રણ દિવસે, ક્યારેક પાંચ - છ દિવસે, ક્યારેક ત્રણ - ચાર દિવસે અનેક પ્રકારની આશ્ચર્યરૃપ ઘટનાઓની વાર્તાઓ થવા લાગી.રર

હે રાજન્ !
સાક્ષાત્ આશ્ચર્યનું દર્શન કરનારા પુરવાસી ભક્તજનો તથા દેશાંતરમાંથી દર્શને આવતા ભક્તજનો સભામાં ભગવાન શ્રીહરિની આગળ તે ઘટેલ આશ્ચર્યની વાતો કરતા હતા. એ વાર્તાઓ હું તમને સંભળાવું છું.ર૩

હે રાજન્ !
નરનારાયણદેવ, લક્ષ્મીનારાયણદેવ, તથા ગોપીનાથજીદેવ આદિક ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓ ભગવાન શ્રીહરિએ સ્થાપી છે.ર૪

તે મૂર્તિઓને મધ્યે જે ભગવાન શ્રીકૃષ્ણનાં સ્વરૃપો જે મંદિરમાં જે દિવસથી ભગવાન શ્રીહરિએ સ્થાપેલાં, તે મંદિરમાં તે દિવસથી આરંભીને આશ્ચર્યકારી ઘટનાઓ ઘટતી હતી. તે આશ્ચર્યને ભગવાન શ્રીહરિના આશ્રિત ભક્તજનો તેમજ અભક્તજનો, તેમાં પણ પુરુષો તથા સમગ્ર સ્ત્રીઓ પણ નિહાળતાં હતાં.૨પ-૨૬

હે રાજન્ !
તે આશ્ચર્યો શું હતા ? તે તમને સંભળાવું છું. ક્યારેક ક્યારેક ભગવાન શ્રીહરિએ સ્થાપેલી નરનારાયણાદિક મૂર્તિઓ પ્રત્યક્ષ ભગવાનની જેમ મનોહર અનેક પ્રકારની ક્રિયાઓ કરતી.ર૭

ક્યારેક ક્યારેક તે મૂર્તિઓ પોતાનાં દર્શન કરવા આવનાર જનોને જોઇ હાસ્ય કરતી. ક્યારેક ક્યારેક મનુષ્યોએ અર્પણ કરેલા પુષ્પના હારો તથા પૂજાના ઉપચારોને સ્વયં પોતાના હાથે જ ગ્રહણ કરી લેતી.ર૮

ક્યારેક તો તે મૂર્તિઓ ભક્તજનોએ પોતાની આગળ નિવેદન કરેલા ચાર પ્રકારનાં અન્નને પ્રગટ થઇને જમતી. ક્યારેક નિવેદન કરેલા દૂધને તથા જળ તે પ્રગટ થઇને પાન કરતી.ર૯

ક્યારેક તે મૂર્તિઓ કોઇ સંકટના કારણે પોતાનાં દર્શન કરવા નહીં આવી શકેલા એવા નિત્ય દર્શનના નિયમવાળા ભક્તજનોને ગામાન્તરોમાં જઇને ત્યાં પોતાનું સાક્ષાત્ દર્શન આપતી.૩૦

તે મૂર્તિઓ યથાશક્તિ ધન-ધાન્યાદિ અર્પણ કરી પોતાની માનતા લીધેલા કેટલાક ભક્તજનોને તેમની માનતા પૂર્ણ કરવા પુત્રોનું પ્રદાન કરતી. વળી કેટલાકે માનતામાં માગેલા પોતાના અતિ બળવાન વેરીઓ થકી ઉત્પન્ન થયેલા સંકટનું નિવારણ પણ કરતી હતી.૩૧

હે રાજન્ !
ક્યારેક ક્યારેક તે મૂર્તિઓ ધનપ્રાપ્તિ માટે પોતાનું સેવન કરતા નિર્ધન જનોને, કોઇ ધનવાનને સ્વપ્નમાં પ્રેરણા કરી બહુ પ્રકારનું ધન આપાવતી.૩ર

ક્યારેક તે મૂર્તિઓનું દર્શન કરનાર જનોને તત્કાળ સમાધિ થતી. ક્યારેક તે મૂર્તિઓમાં દર્શન કરનારા જનોને ઘણા બધા તેજનું દર્શન પણ થતું.૩૩

આ પ્રમાણે અનેક પ્રકારનાં અતિ અદ્ભૂત આશ્ચર્યો તે તે મંદિરોમાં થતાં જેથી પૃથ્વી પરનાં ઘણાં બધાં મનુષ્યો તે આશ્ચર્યો નિહાળી મૂર્તિઓનો આશ્રય કરતાં હતાં. પછીથી આ મૂર્તિઓ છે તે જ સાક્ષાત્ ભગવાન છે એમ માનવા લાગતાં હતાં.૩૪

ઉપરોક્ત અનેક પ્રકારનાં આશ્ચર્યો જોઇ ગઢપુરમાં ભગવાન શ્રીહરિની સમીપે આવતા કેટલાક જનો તે સર્વે આશ્ચર્યોને સભામાં બેઠેલા શ્રીહરિને જેમ છે તેમ સંભળાવતા હતા.૩પ

તેને સાંભળીને સભામાં બેઠેલા હરિભક્તો બહુ જ આશ્ચર્ય પામતા, ને જાણતા જે આ સર્વે પ્રતાપ આ પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિકૃષ્ણનો છે.૩૬

હે રાજન્ !
ભગવાન નારાયણમુનિ પૂર્વોક્ત સર્વે આશ્ચર્યવૃતાંત સાંભળીને તે સભામાં બેઠેલા પોતાના ભક્તજનોને પણ સંભળાવતા, ને કહેતા કે હે ભક્તજનો ! આ સાક્ષાત્ ભગવાન શ્રીહરિકૃષ્ણને વિષે અને નરનારાયણાદિ મૂર્તિઓને વિષે કોઇ ભેદ નથી, આટલું તમે નક્કી જાણજો.૩૭-૩૮

હે રાજન્ !
આ પ્રમાણેનાં ભગવાન શ્રીહરિકૃષ્ણનાં વચન સાંભળી સર્વે ભક્તજનો પરમ આનંદ પામતા. આ રીતે શ્રીહરિ નરનારાયણાદિ પોતાની મૂર્તિઓ દ્વારા પોતાના પ્રગટ પ્રતાપનો વિસ્તાર કરતા હતા.૩૯

આ પ્રમાણે રહેતા, પોતાના ભક્તજનોનું મંગળ કરનારી મૂર્તિને ધરતા, આત્મારામ, ને સંતોના શ્યામ, ભગવાન શ્રીહરિને સંવત ૧૮૮૫ના માગસર સુદ ચંપા છઠ્ઠથી આરંભીને અત્યાર સુધીમાં દોઢ વર્ષ વીતી ગયું.૪૦

હે પ્રતાપસિંહ રાજન્ !
આ પ્રમાણેનો ભગવાન શ્રીહરિનો પ્રતાપ આ પૃથ્વી પર ચારે તરફ સમુદ્ર પર્યંત ગામડે ગામડે ને નગરે નગરે વ્યાપી ગયો. પુરુષો અને સ્ત્રીઓ સર્વત્ર ઘેર ઘેર આ ભગવાન શ્રીહરિના નિર્મળ યશનું પ્રેમથી બહુ પ્રકારે એકાગ્ર મનથી હમેશાં ગાન કરવા લાગ્યાં.૪૧


આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શતાનંદ સ્વામીએ રચેલી શિક્ષાપત્રી અને અર્થદીપિકા ટીકાની ભગવાન શ્રીહરિએ ખૂબજ પ્રશંસા કરી તેમજ શ્રીહરિએ સ્થાપેલી નરનારાયણાદિ મૂર્તિઓના પ્રગટ પ્રતાપનુ નિરૃપણ કર્યું, એ નામે સડસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૭--