ભગવાન શ્રીહરિએ કરેલી સ્વધામ-ગમનની લીલા. શ્રીહરિનું વજ્રાઘાત સમાન વચન સાંભળી ભક્તોને આવી ગયેલી મૂર્છા. જેઠસુદ દશમીનો દિવસ ઉગ્યો ને શ્રીહરિએ કરી સ્વધામ ગમનની તૈયારી. આકાશ માર્ગે વિમાન લઇ અક્ષરધામના પાર્ષદોનું આગમન. શતાનંદ સ્વામીએ રચેલા વિવિધ ગ્રંથોની યાદી.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ !
સંવત ૧૮૮૬ ના જેઠ સુદ નવમીના છેલા ભાગમાં ભગવાન શ્રીહરિ ફરી પોતાના મનમાં બુદ્ધિપૂર્વક વિચાર કરવા લાગ્યા કે, અમે આ પૃથ્વી પર જે કાર્ય માટે આ અવતાર ધારણ કર્યો એ સર્વે કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું છે. કંઇ પણ કાર્ય કરવું બાકી રહ્યું નથી.૧-ર
સર્વે અધાર્મિક તથા ધર્મ અને સાધુઓનો દ્રોહ કરનારા અસુરગુરુઓ તથા અસુર રાજાઓને અમે અમારા પ્રતાપથી પરાસ્ત કર્યા છે.૩
વળી અધર્મવંશી એવા લોભ, ઇર્ષા, કામ, ક્રોધ, માન, અને દંભાદિ વગેરે દોષો ને પણ સત્શાસ્ત્રના ઉપદેશથી તથા અમારા પ્રગટ પ્રતાપથી આશ્રિત ભક્તજનોના મનમાંથી મૂળે સહિત દૂર કર્યા છે.૪
તેમજ ધર્મવંશી એવા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય દયા, ક્ષમા અને સંતોષ વિગેરે ગુણોનું આ ધરાતલ ઉપર રહેલા અમારા આશ્રિત ભક્તજનોનાં હૃદયમાં અમે સારી રીતે સ્થાપન કરેલું છે.૫
તે જ રીતે સ્વધર્મ, જ્ઞાન, અને વૈરાગ્યે યુક્ત માહાત્મ્યજ્ઞાને સહિત નવધા ભક્તિવાળી ઉપાસના રીતિનું સર્વ મનુષ્યોના કલ્યાણ માટે, સર્વે દિશાઓમાં, ઘરે ઘરે અને વ્યક્તિ વ્યક્તિએ પ્રવર્તન કરેલું છે, જેનાથી સર્વે મનુષ્યોનું નક્કી કલ્યાણ થશે.૬
ધર્મ અને ભક્તિને તથા ઉદ્ધવજીને અમે દુર્વાસાના શાપ થકી મુક્ત કર્યા છે. અને અન્ય મરીચ્યાદિ મહર્ષિઓને પણ દુર્વાસાના શાપથી ઘણે ભાગે મુક્ત કરી દીધા છે.૭
આ પૃથ્વીપર ઉપનિષદોની સમગ્ર બ્રહ્મવિદ્યા અને અનેક પ્રકારની અષ્ટાંગયોગની કળાઓનું પ્રત્યેક વ્યક્તિમાં પ્રવર્તન કરેલું છે. તેમ જ અમે અહિંસામય યજ્ઞોની આ પૃથ્વી પર પ્રવૃત્તિ કરી છે.૮
વળી આ પૃથ્વીપર દેવ, બ્રાહ્મણ, તીર્થ, ચારવેદ, સાચા સાધુ અને શ્રીમદ્ભાગવતાદિ સત્શાસ્ત્રોની માન્યતા પ્રવર્તાવી છે.૯
તેમજ કૌલાગમાદિ અસત્શાસ્ત્રોનું તથા નાસ્તિકોના મતોનું ખંડન કરીને આ લોકમાં સનાતન વૈદિક ધર્મનું સ્થાપન કરેલું છે.૧૦
આલોકમાં અમારા આશ્રિત જનોના સુખને માટે મંદિરો કરાવી અમારી નરનારાયણાદિ મૂર્તિઓની સ્થાપના કરેલી છે.૧૧
ભક્તિમાર્ગની અખંડ પ્રવૃત્તિ રહે, તે માટે ધર્મવંશી દ્વિજમાં આચાર્યપણાની સ્થાપના કરી, દીક્ષાવિધિનું પ્રવર્તન કર્યું છે.૧ર
આ પૃથ્વી પર અમારા આશ્રિતોમાં સદાચાર પ્રવર્તાવવા સર્વે શાસ્ત્રોના સારરૃપ શિક્ષાપત્રીનું અમે પ્રવર્તન કર્યું છે.૧૩
અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, ગૃહસ્થો, બન્ને પ્રકારની સ્ત્રીઓ, ત્યાગી સાધુઓ અને બીજા નાના મોટા સર્વે જનોના ધર્મોનું અમે સારી રીતે પ્રતિપાદન કર્યું છે.૧૪
અમે સર્વે વ્રતો તથા ઉત્સવોનો સમગ્ર વિધિ પણ કહ્યો છે અને અષ્ટાંગયોગના સમગ્ર વિધિનું પણ નિરૃપણ કર્યું છે.૧પ
કલિયુગને વિષે ભવિષ્યમાં થનારા જનોના ઉધ્ધારને માટે શતાનંદ મુનિ દ્વારા સત્સંગિજીવન ગ્રંથની રચના પણ કરાવી છે. તે ગ્રંથ પણ સમાપ્ત થવા આવ્યો છે. માત્ર તિરોધાન લીલાનું વર્ણન બાકી છે.૧૬
આ પ્રમાણે અમારે જાતે જે કાર્ય કરવાનાં હતાં, તે સર્વે સંપૂર્ણ થયાં. બસ હવે અત્યારે જ પૃથ્વીપરથી અમે સ્વધામ ગમન કરશું.૧૭
પરંતુ અત્યારે જ જો અમે અંતર્ધાન થઇ જઇશું, તો અમારે વિષે અતિશય સ્નેહવાળા સર્વે અમારા આશ્રિત જનો એ જ ક્ષણે દેહ છોડી દેશે.૧૮
એથી અમારો વિયોગ સહન કરવા અસમર્થ અમારા આશ્રિતોને શાંતિ થાય અમારી પાછળ પોત પોતાનો દેહ ન છોડે એવો ઉપાય કરીને, પછી થી સર્વોત્તમ અમારા અક્ષરધામમાં સીધાવીએ.૧૯
હે પ્રતાપસિંહ રાજન્ !
આ પ્રમાણે વિચાર કરી, ભગવાન શ્રીહરિ વર્ણિરાજ મુકુંદાનંદ બ્રહ્મચારીને મોકલી, દુર્ગપુરમાં હાજર રહેલા સર્વે આશ્રિતજનોને તત્કાળ બોલાવ્યા.ર૦
તેમાં રામપ્રતાપ ને ઇચ્છારામ બન્ને ભાઇઓ તત્કાળ શ્રીહરિની સમીપે આવ્યા. પોતપોતાની માતાઓ સુવાસિની તથા વરિયાળીની સાથે અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી પણ તત્કાળ આવ્યા.ર૧
મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી પણ તત્કાળ ત્યાં આવ્યા.રર
વળી આનંદાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી આદિ અનેક મુખ્ય મુખ્ય સંતો તથા અન્ય સર્વે સંતો તત્કાળ શ્રીહરિની સમીપે પધાર્યા.ર૩
ગૃહસ્થ ભક્તોમાં દીનાનાથ આદિ બ્રાહ્મણો, સોમલાખાચર, સુરાખાચર, દાદાખાચર અને નાંજા જોગીયા આદિક અનેક ક્ષત્રિય ભક્તજનો પણ તત્કાળ ત્યાં આવ્યા.ર૪
રતનજી, મિયાંજી, ભગુજી, આદિક પાર્ષદો પણ તત્કાળ ત્યાં આવ્યા. તેવી જ રીતે જયાબા અને લલિતાબા આદિ અનેક સ્ત્રી ભક્તો પણ તત્કાળ ત્યાં આવ્યાં.૨૫
હે રાજન્ !
મુક્તાનંદ સ્વામી આદિ સર્વે શ્રીહરિની સમીપે તત્કાળ આવી, તેમને નમસ્કાર કરી, તેમની સમીપે યથાયોગ્ય સ્થાને સૌ બેસી ગયા. તે સમયે ભગવાન શ્રીહરિ સર્વે પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સંતો-ભક્તો ! તમે સર્વે અમારૃં સત્ય વચન સાંભળો. અમે સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધારીને આવેલા સાક્ષાત પરમેશ્વર છીએ, એ તમે નક્કી જાણો.ર૬-ર૭
અમે જે જે કાર્યો કરવા માટે મનુષ્ય યોનિમાં અવતાર ધારણ કર્યો, તે સર્વે કાર્ય અમે પૂર્ણ કરી લીધાં છે. હવે કોઇ કાર્ય કરવું બાકી રહ્યું નથી. એ નક્કી વાત છે.ર૮
એથી અમે અમારા ધામમાં જશું. તેથી તમે સર્વે ક્ષુદ્ર જીવોની જેમ અમારી પાછળ શોક ન કરશો. આ અમારૃં વચન અવશ્ય પાલન કરજો.૨૯
શ્રીહરિનું વજ્રાઘાત સમાન વચન સાંભળી ભક્તોને આવી ગયેલી મૂર્છા :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ઉપરોક્ત વજ્રઘાત સમાન ભગવાન શ્રીહરિનું વચન સાંભળી સર્વે મેઘવર્ષાની જેમ અશ્રુઓ વહેડાવતા ઊંચે સાદે રડવા લાગ્યા ને અત્યંત આકુળ - વ્યાકુળ થવાથી એ જ ક્ષણે પૃથ્વી પર ઢળી પડયા.૩૦
તેમાંથી કોઇ સંતો ભક્તો મૂર્છા પામી ગયા. કોઇ સમાધિમાં લીન થઇ ગયા, તો કોઇ સંતો - ભક્તોનાં નેત્રોમાંથી રુધિરનાં બિંદુઓ ટપકવા લાગ્યાં.૩૧
સર્વે ભક્તજનો અત્યંત વિલાપ કરવા લાગ્યા ને બેહોશ થઇ કહેવા લાગ્યા હે શ્રીહરિ ! અમને તમારી સાથે લઇ જાઓ. અમને તમારી સાથે લઇ જાઓ.૩૨
હે રાજન્ !
સંતો - ભક્તોની આવી પરિસ્થિતિ જોઇ ભગવાન શ્રીહરિ પોતાના હૃદયમાં ચિંતા કરવા લાગ્યા કે આ ભક્તજનો અમારો વિયોગ સહન નહીં કરી શકવાથી નક્કી પ્રાણનો ત્યાગ કરશે.૩૩
માટે આ પૃથ્વી પર અમારા આશ્રિત સિવાયનાં મનુષ્યોના કલ્યાણને માટે અને અમે સ્થાપન કરેલા ઉદ્ધવ સંપ્રદાયના ધર્મમાર્ગની પ્રવૃત્તિ માટે આ સર્વે સંતો - ભક્તો ને અહીં પૃથ્વી પર રાખવા એજ યોગ્ય છે, અમારી સાથે ધામમાં લઇ જવા યોગ્ય નથી.૩૪
એથી અમારા યોગ ઐશ્વર્યના પ્રભાવથી આ સર્વેનાં મનની તત્કાળ દૃઢતા કરવામાં આવે એ જ યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી ભગવાન શ્રીહરિએ સર્વેના હૃદયમાં ધૈર્યશક્તિનો પ્રવેશ કરાવ્યો.૩પ
જેવો ધૈર્યશક્તિનો પ્રવેશ થયો તેવા જ સર્વે મૂર્છામાંથી જાગ્રત થઇ દેહસ્મૃતિને પામ્યા ને સભામાં બેઠા થયા. એ સમયે ભક્તપ્રિય પરમેશ્વર ભગવાન શ્રીહરિ તેઓને આશ્વાસન આપતાં કહેવા લાગ્યા કે, તમે સર્વે હવે ચિંતા ન કરશો. અમે હવે પૃથ્વી પર જ રહેવાના છીએ. (હમણાં જે નામ અને સરનામું છે તે જરા બદલાશે, તે તમે સમજી લ્યો) વડતાલમાં અમે અમારી સ્થાપના કરેલી યુગલમૂર્તિ શ્રીલક્ષ્મીનારાયણદેવ સ્વરૃપે સાક્ષાત્ રહેશું.૩૬-૩૭
તેવી જ રીતે અમદાવાદમાં અમે શ્રીનરનારાયણ સ્વરૃપે અને આ ગઢપુરમાં ગોપીનાથજી સ્વરૃપે પ્રત્યક્ષ રહેશું. આ પ્રમાણે અમે જ્યાં પણ અમારી મૂર્તિઓ સ્થાપી છે ત્યાં તે સ્વરૃપે અમે પ્રત્યક્ષ પ્રમાણ હાજર રહેશું.૩૮
હે સંતો - ભક્તો અમારામાં અને અમારા સ્થાપન કરેલા આ સર્વે સ્વરૃપોમાં કોઇ પણ જાતનો ભેદ સમજવો નહિ. કારણ કે આ પૃથ્વી પર સાક્ષાત્ પ્રગટ સ્વરૃપે મૂર્તિરૃપમાં અમે જ રહેલા છીએ.૩૯
અને એ મૂર્તિ સ્વરૃપમાં અમારી સેવા પૂજા કરનારને અમે અમારૃં પ્રત્યક્ષ દર્શન આપવાના જ છીએ. એ મૂર્તિઓ અત્યારે પણ પ્રત્યક્ષ પ્રમાણની જેમ જ વર્તી રહી છે.૪૦
એ મૂર્તિઓનું સેવન એ પ્રત્યક્ષ અમારું સેવન છે, એમ તમે નક્કી જાણજો. તેથી તમે સર્વે પ્રગટ ભાવે હમેશાં મૂર્તિરૃપમાં અમારૃં સેવન કરજો.૪૧
તેવી જ રીતે અમારી આગળ બેઠેલા આ અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજીને અમે તમારા સૌના ગુરુસ્થાને બેસાડયા છે. એથી તમે તેમને યથાયોગ્ય અમારા પ્રગટ સ્વરૃપે માનજો.૪ર
તમો સર્વે અમારા પ્રગટ સ્વરૃપરૃપ શિક્ષાપત્રીમાં કહેલા પોતપોતાના ધર્મોનું અધિકારને અનુસારે વર્તન કરજો. ક્યારેય પણ બીજાની જેમ અમારો શોક કરશો નહિ.૪૩
અમારી પાછળ કોઇએ પણ કોઇ પણ રીતે આત્મઘાત કરવો નહિ. તેમજ અન્ન ખાવાનો ત્યાગ પણ કરવો નહિ. આ અમારાં વચન અનુસાર જે નહિ વર્તે, તે અમારો નથી. તેની આલોક કે પરલોકમાં અમે ક્યાંય પણ રક્ષા કરશું નહિ.૪૪
સુવ્રતમુનિ કહે છે હે રાજન્ !
આ પ્રમાણે ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી આંખમાંથી અશ્રુ વહેવડાવી રહેલા તે સર્વે ભગવાન શ્રીહરિની આવા પ્રકારની જ ઇચ્છા છે અને આપણ સૌને એમ જ વર્તવું જોઇએ, એમ જાણીને ઊભા થયા, નમસ્કાર કરી શ્રીહરિનાં વચનો મસ્તકે ધારણ કર્યાં.૪પ
ત્યાર પછી સર્વે (સંતો - ભક્તો - બહેનો) ભગવાન શ્રીહરિને પ્રણામ કરી બે હાથ જોડી કહેવા લાગ્યા કે હે ભગવન્ ! અમારું મન એક તમારા ચરણકમળને વિષે જ હમેશાં સ્થિર રહે.૪૬
હે પ્રભુ !
અમે જીવબુદ્ધિથી ક્યારેક આપના અપરાધ કર્યા હોય, તે સર્વે અપરાધો માફ કરજો.૪૭
અમે જ્યારે પણ આપનું ધ્યાન કરીએ, મનથી ચિંતવન કરીએ ત્યારે તમારું પ્રત્યક્ષ દર્શન આપજો. તમારી એકાંતિકી ભક્તિ કરવામાં વિઘ્ન કરનારી કુમતિ અમને ક્યારેય ન સુઝે, તથા વિષમ દેશ-કાળાદિકના યોગથી ક્યારેય પણ એ ભક્તિમાં વિઘ્ન ન થાય, એવી કૃપા કરજો.૪૮
હે પ્રભુ !
તમે અમને જલ્દીથી તમારી સમીપે તેડી લેજો. આ પ્રમાણે તમારા જ એક ચરણકમળનો આશ્રય કરનારા અમારી તમારી પાસે પ્રાર્થના છે.૪૯
હે રાજન્ !
આ પ્રમાણે સર્વેનાં પ્રાર્થના વચનો સાંભળી ભગવાન શ્રીહરિ તેઓને અભય વરદાન આપતાં કહ્યું કે તમે જે માગ્યું છે, તે પ્રમાણે જ થશે. હવે અમે આહ્નિક વિધિ કરીએ છીએ. તમે સર્વે તમારા સ્થાન કે જાઓ.પ૦
હે નિષ્પાપ રાજન્ !
ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી સર્વે જનોએ તેમને નમસ્કાર કર્યા, ને જાણે પોતાના પગ આદિ અંગ ભાંગી ગયાં હોય તેવી પરિસ્થિતિવાળા થઇ આંખમાં અશ્રુ સારતા, હૃદયમાં એક શ્રીહરિનું જ ચિંતવન કરતા, માંડ માંડ પોતપોતાના સ્થાને ગયા.પ૧
હે રાજન્ !
તે જ સમયે પૃથ્વીપર બહુ પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા. તીક્ષ્ણ સ્પર્શવાળો વાયુ અતિતીવ્રવેગથી વાવા લાગ્યો. જેનાથી અનેક વૃક્ષો પૃથ્વી પર પડવા લાગ્યાં.પર
અગ્નિ પોતાની જ્વાળાઓથી જાણે આખા આકાશને ગ્રસી લેતો હોય તેમ અનેક ગામોને ચોતરફથી બાળવા લાગ્યો. અર્થાત્ પૃથ્વીના તળીયાથી ઊંચે આકાશ પર્યંત જાણે અગ્નિની જ્વાળાઓ બળતી હોય તેવી ભીષણ ગરમી પડવા લાગી. આકાશમાં વજ્રપાતના ધ્વનિ થવા લાગ્યા. પૃથ્વી પર ઉલ્કાપાતો થવા લાગ્યા.પ૩
કોઇ કોઇ સ્થળે તો પાષાણવૃષ્ટિ પણ થઇ. ક્યાંક રુધિરની વૃષ્ટિ થઇ. આવું બધું જોઇને મનુષ્યોના હૃદયમાં એ અવસરે એકાએક ત્રાસ ઉત્પન્ન થયો.પ૪
સાધુઓનાં મન એજ ક્ષણે ઉદ્વેગથી ઘેરાઇ ગયાં. આકાશમાં ગ્રીષ્મકાળનો સૂર્ય પણ હવે સાવ નિસ્તેજ દેખાવા લાગ્યો છે.પપ
ભાવિ અપ્રિય થવાનું સૂચન કરનારાં ભક્તોમાં પુરુષોનાં ડાબાં અંગો સ્ફુરવા લાગ્યા અને સ્ત્રીઓનાં જમણાં અંગો સ્ફુરવા લાગ્યા.પ૬
આવા એકાએક ઉત્પન્ન થયેલા ઉત્પાતોને જોઇ. તેને જાણનારા પુરુષો આ સર્વે ભગવાન શ્રીહરિના અંતર્ધાનના નિમિત્તને સૂચવનારા ઉત્પાતો છે, એમ માનવા લાગ્યા.૫૭
જેઠસુદ દશમીનો દિવસ ઉગ્યો ને શ્રીહરિએ કરી સ્વધામ ગમનની તૈયારી :-
હે રાજન્ !
સંવત ૧૮૮૬ ના જેઠ સુદ દશમને દિવસે પ્રભાતે ભગવાન શ્રીહરિએ સ્નાન કર્યું. આહ્નિક વિધિ કરી બ્રાહ્મણોને ગાય આદિકનાં દાનો આપ્યાં.પ૮
ત્યારપછી ફરી શ્રીહરિએ સ્નાન કર્યું, ને ધોયેલાં પવિત્ર વસ્ત્રો ધારણ કરી, ભાલમાં ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું. ગાયના છાણથી લીંપેલી ધરતી પર દર્ભ અને તલને પધરાવી એ ભૂમિ ઉપર શ્રીહરિ સિદ્ધાસન વાળીને બેઠા. નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિને સ્થિર કરી, પોતાના અતિશય પ્રતાપનો આવિષ્કાર કરી, શરીરમાંથી અદર્શનીય મહાતેજ પ્રગટ કર્યું ને પોતાના મનથી સ્વસ્વરૃપનું ધ્યાન કરવા લાગ્યા.પ૯-૬૦
એ સમયે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની સમીપે જ હાથ જોડીને ઊભા હતા.૬૧
આકાશ માર્ગે વિમાન લઇ અક્ષરધામના પાર્ષદોનું આગમન :-
હે રાજન્ !
તે જ સમયે આકાશમાર્ગે ભગવાન શ્રીહરિના અક્ષરધામમાંથી આવેલા પાર્ષદો અને બ્રહ્માદિ દેવતાઓનાં કરોડો વિમાનોની એકાએક હારમાળા સર્જાઇ, તેનાં સર્વે સંતો - ભક્તો અને બહેનોને દર્શન થયાં.૬ર
દિવ્ય અક્ષરધામમાંથી પધારેલા અક્ષરમુક્તોએ દિવ્ય પુષ્પો અને વસ્ત્રાલંકારાદિ દિવ્ય ઉપચારોથી ભગવાન શ્રીહરિની પૂજા કરી ને ધામમાં પધારવાની સ્તુતિ કરી. તે સમયે તેઓની સાથે ભગવાન શ્રીહરિ સંવત ૧૮૮૬ ના જેઠ સુદ દશમીને દિવસે આલોકમાંથી અંતર્ધાન થઇ સ્વધામ પધાર્યા.૬૩
પોતાના માર્ગમાંથી પસાર થઇ રહેલા ભગવાન શ્રીહરિની અતિ ઉત્સાહપૂર્વક મહા ઉપચારોથી પૂજા કરીને બ્રહ્માદિ દેવોને મહાન ઉત્સવ થયો, ને તેઓ દુંદુભિ આદિ વાજિંત્રોનો મહા ધ્વનિ કરવા લાગ્યા.૬૪
હે રાજન્ ભગવાન શ્રીહરિનું પૂજન કરી રહેલા બ્રહ્માદિ દેવતાઓએ વધાવેલા ચંદનાં બિંદુઓની અને પુષ્પોની પૃથ્વી પર વૃષ્ટિ થઇ, ને તે તે પદાર્થો પૃથ્વી પર ક્યાંક ક્યાંક પડેલાં દેખાયાં.૬પ
બ્રહ્માદિ દેવતાઓએ પ્રથમ અતિશય શ્વેતવર્ણના ઘાટા મહા તેજનો પુંજ નિહાળ્યો, ને ત્યાર પછી તત્કાળ તેઓની દૃષ્ટિ આગળથી ભગવાન શ્રીહરિ અક્ષરમુક્તોએ સહિત અદૃશ્ય થઇ ગયા. શરીરમાંથી અતિશય તેજપુંજ નીકળતો હોવાથી ભગવાન શ્રીહરિને કોઇ જોઇ શકતું ન હતું.૬૬
પછી જેમ વીજળી અદૃશ્ય થાય, અથવા દીવાની જ્યોત જેમ અદૃશ્ય થાય, તેને મનુષ્યો જોઇ શકતાં નથી, તેમ ભગવાન શ્રીહરિના સ્વધામગમનને મહાતેજના કારણે કોઇ જોઇ શક્યું નહિ.૬૭
તેજ શાંત થયું, તે સમયે ભગવાન શ્રીહરિની સમીપે રહેલા નિત્યાનંદ સ્વામી આદિ સંતો ભગવાન શ્રીહરિની માત્ર મૂર્તિનાં દર્શન પામી અતિશય વિસ્મય પામી ગયા. ભગવાન શ્રીહરિએ ધારણ કરાવેલી હૃદયશક્તિથી ધીરજ ધારણ કરી તત્કાળ ઉચ્ચ સ્વરે ભગવાન શ્રીહરિનું નામ સંકીર્તન કરવા લાગ્યા.૬૮
હે રાજન્ !
નામ સંકીર્તનનો ધ્વનિ સાંભળી સર્વે સંતો - ભક્તો ભગવાન શ્રીહરિને નિવાસસ્થાને દોડી આવ્યા. શ્રીહરિને અંતર્ધાન થયેલા જોઇ, અતિશય કરુણ રુદન સાથે બહુજ વિલાપ કરવા લાગ્યા.૬૯
ત્યારપછી તે સર્વે જનો ભગવાન શ્રીહરિની ઇચ્છા મૂજબ ધીરજ ધારણ કરી, શોક રહિત થઇ, ઉચ્ચ સ્વરે નામ સંકીર્તન કરવા લાગ્યા.૭૦
ત્યારપછી સર્વે ભગવાન શ્રીહરિનાં અનેક પ્રકારનાં અતિ આશ્ચર્યકારી ચરિત્રોનું સ્મરણ કરતા કરતા ને કીર્તન કરતાં કરતાં મહાદુઃખથી દિવસો પસાર કરવા લાગ્યા.૭૧
હે રાજન્ !
અખંડમૂર્તિ સચ્ચિદાનંદ સ્વરૃપ ભગવાન શ્રીહરિનું પ્રાગટય અને તિરોધાન તો એક લીલામાત્ર છે, એમ તમે જાણો.૭ર
ભગવાનની આ પ્રાગટય અને તિરોધાન લીલામાં અસુરો મોહ પામે છે. પરંતુ રાધિકાપતિ ભગવાનની યોગમાયાના પ્રભાવને જાણતા તેમના ભક્તજનો તેમાં ક્યારેય પણ મોહ પામતા નથી.૭૩
જેવી રીતે નટની માયાને જોનારાઓને મોહ થાય છે. પરંતુ તેની કરામતને જાણનારાઓને તેમાં મોહ થતો નથી. તેવી જ રીતે ભગવાનની યોગમાયાના વૈભવને જાણતા તેમના ભક્તજનોને તેમની અંતર્ધાન લીલામાં ક્યારેય પણ મોહ થતો નથી.૭૪
શતાનંદ સ્વામીએ રચેલા વિવિધ ગ્રંથોની યાદી :-
હે રાજન્ !
ત્યારપછી મુનિરાટ્ શતાનંદ સ્વામી ભગવાન શ્રીહરિના વિયોગમાં આકુળ-વ્યાકુળ રહેતા, છતાં શ્રીહરિના સ્વરૃપના ધ્યાનથી ધીરજ ધારણ કરી ગઢપુરમાં એક વર્ષ પર્યંત નિવાસ કરીને રહ્યા.૭પ
સત્સંગિજીવન ગ્રંથની પૂર્ણાહુતિ કરી, એ ગ્રંથનું તત્ત્વપૂર્વક સંશોધન કરી, તેમના સમગ્ર અર્થને પોતાના હૃદયમાં ધારણ કરી, પોતાના શિષ્યોને તેનો સંપૂર્ણ અભ્યાસ કરાવ્યો.૭૬
ત્યારપછી સમગ્ર સત્સંગિજીવન શાસ્ત્રના અર્થનો સંક્ષેપથી યથાર્થ બોધ કરાવતા ભગવાન શ્રીહરિના એક હજાર નામવાળા સર્વમંગલ સ્તોત્રની સ્વંય સ્વામીએ રચના કરી.૭૭
ત્યારપછી વળી યોગીરાટ્ શતાનંદ સ્વામીએ તે સર્વમંગલ સ્તોત્રના અર્થને અતિશય સંક્ષેપથી ગ્રહણ કરી, ભક્તજનોને નિત્યપાઠ કરવા માટે જનમંગલસ્તોત્રની રચના કરી.૭૮
હે રાજન્ !
ત્યારપછી દુર્ગપુર આદિક જે જે સ્થાનોમાં સભાને વિષે સંતો- ભક્તોની આગળ ઉચ્ચારાયેલાં, ને મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ સાંભળેલાં, ભગવાન શ્રીહરિનાં સર્વે વચનામૃતો હતાં, તે સર્વે વચનામૃતોની મધ્યે મુક્તાનંદ સ્વામી આદિક સંતોએ બસોને બાસઠ વચનામૃતોનું સ્મરણ કરી સત્સંગીઓના હિતને માટે ગ્રંથરૃપે અલગ લખી રાખેલાં હતાં.૭૯-૮૦
એ વચનામૃતોને પણ રમણીય પદ્યમાં (શ્લોકમાં) ગ્રંથ રચવાની ભગવાન શ્રીહરિએ પૂર્વે પોતાને આજ્ઞા કરેલી, તેનું સ્મરણ કરીને શતાનંદ સ્વામીએ એક સુંદર ગ્રંથની રચના કરી.૮૧
તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાન શ્રીહરિકૃષ્ણની નવધા ભક્તિના સ્વરૃપનો સારી રીતે બોધ કરાવતા એવા હરિવાક્યસુધાસિંધુ નામના ગ્રંથની રચના કરી.૮૨
હે રાજન્ !
ત્યારપછી શતાનંદ સ્વામીએ સર્વેને સુખપૂર્વક બોધ થાય તે માટે શિક્ષાપત્રીની અન્વયદીપિકા નામની બીજી ટીકાની પણ રચના કરી, ત્યારપછી ઉદ્ધવસિદ્ધાંત નામના ગ્રંથની રચના કરી.૮૩
પછીથી શતાનંદ સ્વામીએ ભક્તિ અને ધર્મના બે સ્તોત્રની રચના કરી. તેમાં શ્રીભક્તિનાં અને શ્રીધર્મનાં એકસો આઠ એકસો આઠ અલગ અલગ નામો કહેલાં છે.૮૪
ત્યારપછી મહામુનિ શતાનંદ સ્વામીએ શ્રીહરિજયંતી વ્રતનો ઉત્તમ વિધિ ઉદ્યાપન વિધિની સાથે રચ્યો. એ વિધિમાં ભક્તજનોની ઇચ્છા પૂર્તિ કરતા ભગવાન શ્રીહરિની પૂજા આદિક વિધિનું નિરૃપણ કરેલું છે.૮પ
હે રાજન્ !
ત્યારપછી કૃતકૃત્ય થયેલા શતાનંદ સ્વામી ભગવાન શ્રીહરિનું જ પોતાના હૃદયકમળમાં સ્મરણ કરતા થકા ને પોતાના સિદ્ધદેહથી સકલ લોકમાં ગતિ કરતા થકા શરણે આવેલા મુમુક્ષુ જનોને એકાંતિક ધર્મનો બોધ આપતા આપતા આ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા.૮૬
હે ધરણીપતિ !
આ લોકમાં ભગવાન શ્રીહરિની આ તિરોધાન લીલાનો જે પુરૃષો ભક્તિભાપૂર્વક પાઠ કરશે ને જે સાંભળશે, તે બન્ને ભગવાન શ્રીહરિના પ્રતાપથી કાળના બંધનમાંથી મુક્ત થઇ જશે.૮૭
પોતે પોષણ કરેલા ધર્મસર્ગનો દ્રોહ કરનાર દંભાદિ અધર્મ સર્ગને મૂળમાંથી ઉખેડીને દૂર કરનાર, તેમજ જ્ઞાનવૈરાગ્યાદિ સમસ્ત ધર્મસર્ગનું સારી રીતે પોષણ કરનાર, સદાય સ્વતંત્ર સ્વરૃપ, પોતાના ભક્તજનોને માટે કલ્પવૃક્ષ સમાન, ને સકલ ઐશ્વર્યસંપન્ન, ભગવાન શ્રીહરિ આ ભારતની ભૂમિમાં વડતાલપુરને વિષે સાક્ષાત્ વિજય પામે છે.૮૮
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ભગવાન શ્રીહરિની તિરોધાન લીલાનું વર્ણન કર્યું તથા શતાનંદ સ્વામીએ રચેલા ગ્રંથોની યાદીનું વર્ણન કર્યું ,એ નામે અડસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૮--