અધ્યાય -૧૪ - ઉદ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર.

પ્રતાપસિંહ રાજા પૂછે છે, હે સુવ્રતમુનિ ! એ રામાનંદ સ્વામી કોણ હતા ? કોના શિષ્ય હતા ? તેમનું નિવાસ સ્થાન ક્યાં હતું ? અને તેને વૈષ્ણવોનું આચાર્યપદ કેવી રીતે પ્રાપ્ત થયેલ હતું ? આ સર્વે વૃત્તાંત મને તમે યથાર્થ રીતે કહો.૧ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તે સદ્ગુરુ રામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર હું તમને યથાર્થ સંભળાવું છું. આ પૃથ્વી ઉપર ભાગવતધર્મનું પ્રવર્તન કરનારા તે ભગવાન શ્રીકૃષ્ણના સખા ઉદ્ધવજીનો અવતાર હતા.૨

 હે રાજન્ ! રમણીય અયોધ્યા નગરીને વિષે 'અજય' નામના એક ઉત્તમ બ્રાહ્મણ રહેતા હતા. એ વિપ્રનું કાશ્યપગોત્ર હતું. આશ્વલાયન શાખાના એ ઋગ્વેદી બ્રાહ્મણ હતા. કાશ્યપ, આવત્સર અને નૈધ્રુવ આ ત્રણ તેના પ્રવર હતા. તે અજયવિપ્ર પુણ્ય કર્મો કરવામાં નિષ્ઠાવાન હતા. તેણે પૂર્વ જન્મમાં પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી હતી. વિદ્યા અને વિનયથી સંપન્ન, સત્યવાદી એ વિપ્રે ઇન્દ્રિયોને જીતી પોતાને વશ કરી હતી.૩-૪ 

 આવા મહાન અજયવિપ્ર અને સુમતિ નામનાં તેમનાં પવિત્ર પત્ની થકી દુર્વાસા મુનિના શાપને કારણે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિરૂપી કુમુદવનને પ્રફુલ્લિત કરવામાં ચંદ્રમા સમાન સાક્ષાત્ ઉદ્ધવજી પ્રગટ થયા હતા.૫   

વિક્રમ સંવત્ ૧૭૯૫ ના શ્રાવણવદી અષ્ટમીને શુભ દિને પ્રભાતના સમયે ઉદ્ધવજીનું પ્રાગટય થયું.૬

 તેમનું શરીર ગૌરવર્ણનું હતું; મંદમંદ મુખહાસ્યથી તે અતિશય શોભતા હતા. શરીર પુષ્ટ હતું. જાનું પર્યંત લાંબી બન્ને ભુજાઓ, કમળ સમાન કોમળ તેમના બે ચરણ, ઉદરમાં ઊંડી ગોળ ગંભીર નાભી અને લાલ કમળની સમાન કાંતિવાળા નેત્રોથી તે શોભી રહ્યા હતા, તેમનું હૃદય વિશાળ અને હોઠ લાલ બિંબફળ જેવા શોભતા હતા. મસ્તક ઉપર વાંકડીયાળા શ્યામ સુંદર કેશ, સુંદર કમળની પાંખડી સમાન શોભાયમાન નેત્રો અને શોભાયમાન વિશાળ ભાલપ્રદેશથી તે ઉદ્ધવજી અતિશય શોભતા હતા.૭
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આવા પુત્રના જન્મથી અતિશય હર્ષ પામેલા અજયવિપ્રે વસ્ત્રે સહિત સ્નાન કર્યું, અને વેદવિધિજ્ઞા વિદ્વાન વિપ્રોને બોલાવી પુત્રનો જાતકર્મ સંસ્કાર કરાવ્યો.૮ 

 અત્યંત હર્ષિત મનવાળા અજય વિપ્રે પુત્રના જન્મથી બારમે દિવસે સ્વસ્તિક વાચન કર્મ કરી સર્વને હર્ષ ઉપજાવતા હોવાથી પુત્રનું નામ ''રામ'' એવું રાખ્યું.૯ 

 માતા સુમતિ પિતા અજય શ્રીરામનું પ્રેમપૂર્વક લાલન પાલન કરે છે, અને તે પણ આકાશમાં ઉદય પામેલા બાલચંદ્રની પેઠે સર્વેના નેત્રોને આનંદ ઉપજાવતા અલ્પ સમયમાં જ ખૂબ વધવા લાગ્યા છે.૧૦ 

 શ્રીરામે આઠમા વર્ષે પિતા થકી વિધિપ્રમાણે યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કર્યા. પછી ધર્માત્મા તે રામ દૃઢતા પૂર્વક બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવા લાગ્યા છે.૧૧ 

 મનથી પણ ગૃહસ્થાશ્રમને નહિ ઇચ્છતા અને નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રત જેને અતિશય વહાલું છે, એવા શ્રીરામ પ્રતિદિન નિવૃત્તિધર્મમાં નિષ્ઠાવાળા સત્પુરુષોનો જ સમાગમ કર્યા કરતા હતા.૧૨

 હે રાજન્ ! રામ દશ વર્ષથી અંદરની પૌગંડ અવસ્થામાં હતા છતાં પણ પિતાના મુખ થકી શ્રીમદ્ ભાગવતનું પ્રતિદિન પ્રેમપૂર્વક શ્રવણ કરતા હતા.૧૩ 

 શ્રીમદ્ભાગવતનું સતત શ્રવણ કરવાથી આ રામના મનમાં ભગવાન શ્રીકૃષ્ણને વિષે દૃઢ ભક્તિ ઉત્પન્ન થઇ, તેથી તે નિયમપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાનું પૂજન કરવા લાગ્યા.૧૪ 

 ઘરમાં અનાસક્ત રામને અંતરમાં શ્રીકૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શનની ઉત્કૃષ્ટ ઇચ્છા જાગી, તેથી વેદાધ્યયનના બહાને તત્કાળ ઘરનો ત્યાગ કરી નીકળી ગયા.૧૫ 

અંતરમાં બીજી કોઇ સ્પૃહા નથી અને હૃદયમાં શ્રીકૃષ્ણનું સદાય ધ્યાન કરે છે, એવા શ્રીરામશર્મા અનેક દેશોમાં તીર્થયાત્રા કરતા કરતા રૈવતાચળ (સૌરાષ્ટ્રના ગિરનાર) પર્વતની તળેટીમાં પધાર્યા.૧૬

રામશર્માનું આત્માનંદમુનિ સાથે મિલનઃ- આ ગિરનાર પર્વતની તળેટીમાં પ્રસિદ્ધ શ્રી ગોપનાથ મહાદેવના મંદિરે રહેલા ગોપાળાનંદ યોગીના શિષ્ય આત્માનંદમુનિનાં શ્રીરામશર્માએ દર્શન કર્યાં.૧૭ 

 આ આત્માનંદમુનિ અષ્ટાંગયોગની કળામાં પારંગત હતા, સમસ્ત યોગીઓ તેમનું સન્માન કરતા હતા. તે સમાધિનિષ્ઠ હતા, અને પોતાના આત્માની અક્ષરબ્રહ્મની સાથે એકતા પણ હતી.૧૮

 સદ્ગુરુ ગોપાળાનંદ યોગીની કૃપાથી તે પોતાના શરીરને લાંબો સમય સુધી એમને એમ ટકાવી રાખવું, અથવા તત્કાળ તેમનો ત્યાગ કરી દેવો તેમાં સ્વતંત્રતાને પામ્યા હતા.૧૯

 ગુરુની કૃપા વડે પ્રાપ્ત કરેલા પોતાના યોગમાર્ગના ઉપદેશથી યોગસિદ્ધિને પામેલા ઘણા બીજા શિષ્યોથી વિંટાયેલા આવા સિદ્ધપુરુષ આત્માનંદમુનિનાં દર્શન કરતાંની સાથે શ્રીરામશર્માએ બહુજ આદર પૂર્વક સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.૨૦

તે સમયે પોતાના પ્રભાવથી સર્વત્ર ખ્યાતીને પામેલા શ્રી આત્માનંદ મુનિએ શ્રીરામશર્માનો આદર સત્કાર કર્યો અને નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મમાં દૃઢ સ્થિતિવાળા તે રામશર્મા ત્યાં આત્માનંદમુનિની સમીપે એક માસ સુધી નિવાસ કરીને રહ્યા.૨૧ 

 આ આત્માનંદ મુનિને સમાધીમાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ દર્શન જરૂર થતું હશે, આ પ્રમાણે નિશ્ચય કરીને હે રાજન્ ! શ્રીરામશર્મા બે હાથ જોડી નમસ્કાર કરીને પ્રાર્થના કરવા લાગ્યા.૨૨

 કે હે સ્વામિન્ ! મારાં અંતરમાં ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન કરવાની પ્રબળ ઇચ્છા વર્તે છે. તે હેતુથી તમે મને તેમનાં પ્રત્યક્ષ દર્શનનું સાધન કૃપા કરીને દેખાડો.૨૩  

હે રાજન્ ! રામશર્માનાં આવાં વચનો સાંભળી આત્માનંદમુનિ અતિશય આનંદને પામ્યા અને તેમના પ્રત્યે કહેવા લાગ્યા, કે તમે અષ્ટાંગયોગની સાધના કરો, તેનાથી તમારા મનની સમગ્ર ઇચ્છાઓ પૂર્ણ થશે.૨૪

 સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તે રામશર્માએ આત્માનંદ મુનિને સિદ્ધયોગી જાણીને અષ્ટાંગયોગની સિદ્ધિને અર્થે વિનયપૂર્વક તેમના ગુરુપણાનો આદર કરી તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. ત્યારે આત્માનંદ મુનિ બહુજ રાજી થયા અને શ્રીરામશર્માને દિક્ષા આપી ''શ્રીરામાનંદ'' એવું નામ પાડયું. પછી તેમને યમ નિયમાદિક અંગોએ સહિત અષ્ટાંગયોગની સાધના શિખવવા લાગ્યા.૨૫-૨૬

 અને તે વર્ણિરાટ્ શ્રીરામાનંદમુનિ પણ ગુરુકૃપાથી અલ્પ સમયમાંજ સિદ્ધયોગી થયા અને ગુરુની માફક પોતે પણ પોતાના આત્માની અક્ષરબ્રહ્મની સાથે એકતાને પ્રાપ્ત કરી લીધી, અર્થાત્ રામાનંદ સ્વામીને પણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો.૨૭

વર્ણિરાટ્ શ્રીરામાનંદ સ્વામીએ સમાધિને વિષે દશે દિશાઓમાં પ્રસરી રહેલા અક્ષરબ્રહ્મ પ્રકાશને સદાય દેખવા લાગ્યા, પરંતુ તે તેજને વિષે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન ન થયું.૨૮ 

 તેથી તેમના મનમાં અત્યંત ખેદ થયો અને અતિશય આકુળ વ્યાકુળ થવા લાગ્યા, ગુરુ આત્માનંદ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમારી દયાથી મને સમાધિની સિદ્ધિ પ્રાપ્ત થઇ પણ તે સમાધિમાં મને માત્ર નિરાકાર બ્રહ્મતેજનાંજ દર્શન થાય છે, પરંતુ જે હું ઇચ્છું છું તે સાકાર પરબ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન મને થતાં નથી.૨૯-૩૦ 

 કમલાપતિ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન વિના મારા મનમાં અતિશય ઉદ્વેગ થઇ રહ્યો છે, અને મારા આત્માને હું સંપૂર્ણપણે અકૃતાર્થ માનું છું.૩૧

ત્યારે ગુરુવર્ય આત્માનંદમુનિ રામાનંદ સ્વામી પ્રત્યે કહે છે, હે વર્ણિન્ ! જે ભગવાન વિષ્ણુ છે તેજ નિરાકાર તેજોમય સ્વરૂપ છે, તેમનો બીજો કોઇ આકાર નથી. કારણ કે જગતમાં જે કોઇ આકાર દેખાય છે તે સર્વે માયિક છે.૩૨ શા માટે માયિક છે ? તો કહે છે કે આકાર માત્રનો વિનાશ અવશ્ય છે. પરંતુ નિરાકારનો વિનાશ નથી, ભગવાન અવિનાશી છે. હે નરાધિપ ! આત્માનંદમુનિ આ પ્રમાણે બોલ્યા કે તરત જ ઉદ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામી મૂર્છિત થઇને પૃથ્વી ઉપર ઢળી પડયા.૩૩ 

 એક મુહૂર્ત પછી મૂર્છા ઉતરી જાગ્રત થયા ને ઊંચે સાદે અતિશય રુદન કરવા લાગ્યા, ત્યાર પછી ભગવાનના આકારનું ખંડન કરનાર તે ગુરુનો તત્કાળ ત્યાગ કરી તે સ્થળમાંથી તે નીકળી ગયા.૩૪

સાકારબ્રહ્મનું પ્રતિપાદન કરનાર ગુરુની શોધઃ- 'ભગવાન સદાય સાકાર છે,' એવા શાસ્ત્રીય સિદ્ધાંતની દૃઢ માન્યતા ધરાવતા સદ્બુદ્ધિમાન શ્રીરામાનંદ સ્વામી, ગુરુ આત્માનંદ સ્વામીએ ખૂબ વાર્યા છતાં પણ રોકાયા નહિ અને સાકાર બ્રહ્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા ગુરુની શોધમાં રવાના થઇ ગયા.૩૫ 

 સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનારા ગુરુ તો શ્રીરામાનુજાચાર્યે સ્થાપન કરેલ ગાદીસ્થાને હોવા જોઇએ. એવો મનમાં નિશ્ચય કરી તે રામાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને અતિશય પ્રિય સ્થાન એવા શ્રીરંગક્ષેત્રમાં આવ્યા.૩૬ 

 નૈષ્ઠિક બ્રહ્મચારી એવા એ રામાનંદ સ્વામી ભગવાન શ્રીરંગનાથજીનું હૃદયમાં સ્મરણ કરતા થકા શ્રીરંગ ભગવાનના મંદિરની સમીપે જ પોતે નિવાસ કરીને રહ્યા.૩૭ 

કાવેરી ગંગામાં પ્રતિદિન સ્નાન કરી સંધ્યાવંદન આદિ નિત્યકર્મ કરી નિયમપૂર્વક શ્રીરંગનાથ ભગવાનનું દર્શન કરતા હતા.૩૮ 

 તેમના મનમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિના સદા સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરનારાં સત્શાસ્ત્રો સાંભળવાની જ ઇચ્છા રહેતી હતી, પણ ઇતર શાસ્ત્રોને સાંભળવાની બિલકુલ ઇચ્છા રાખતા ન હતા.૩૯ 

 ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શનનું સાધન બતાવે તેવા સદ્ગુરુની શોધમાં શ્રીરામાનંદ સ્વામી નિરંતર ત્યાં રહેલા વૈષ્ણવોનો સમાગમ કરતા હતા.૪૦   

શ્રી રામાનુજાચાર્યથકી દીક્ષાગ્રહણ અને આચાર્યપદનો સ્વીકારઃ- સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! શ્રીરામાનંદસ્વામીએ ભગવદ્પાદ શ્રીરામાનુજાચાર્યનાં ચરિત્રોથી ભરપૂર 'પ્રપન્નામૃત' એ નામના ગ્રંથનું વૈષ્ણવોના સમાગમ વખતે શ્રવણ કર્યું.૪૧

 તે ગ્રંથનું શ્રવણ કર્યા પછી શ્રી સંપ્રદાયમાં સદાય સિદ્ધદેહે વિરાજતા શ્રી વૈષ્ણવાચાર્ય શ્રીરામાનુજાચાર્યને જ ગુરુ કરવાની દૃઢ ઇચ્છા કરી.૪૨ 

 પછી રામાનંદ સ્વામી શ્રીરામાનુજાચાર્યે રચેલા સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરતા 'શ્રીભાષ્ય' આદિક પોતાને પ્રિય ગ્રંથોનું પ્રતિદિન શ્રવણ કરવા લાગ્યા.૪૩ 

 દરરોજ શ્રી રામાનુજાચાર્યના એકસો ને આઠ નામના સ્તોત્રનો પ્રીતિપૂર્વક પાઠ કરે અને પ્રપન્નામૃતમાં જેવું તેમનું વર્ણન કરેલું છે તેવા સ્વરૂપનું ધ્યાન કરે.૪૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પ્રતિદિન આ પ્રમાણે કરતા શ્રીરામાનંદ સ્વામીને ત્રણ માસ વીતી ગયા. ત્યારપછી શ્રીરામાનુજાચાર્યના જન્મ દિવસે એટલે ચૈત્રસુદ ૫ ની વહેલી સવારે ધ્યાન સમાધિ થઇ.૪૫ 

 ત્યારે સાક્ષાત્ શ્રીરામાનુજાચાર્યનાં પ્રત્યક્ષ દર્શન થયાં, ત્રિદંડ ધારણ કરેલા તેમની કાંતિ સૂર્યસમાન તેજસ્વી હતી, દિવ્યદેહમાં સુંદર નેત્રકમળથી તેઓ અતિશય શોભતા હતા, શરીર ઉપર બાર ઉર્ધ્વપુંડ્ર તિલકને ધારણ કર્યાં હતાં, મંદમંદ હાસ્યને કરતા શ્રીમન્નાથ એવા શ્રીરામાનુજાચાર્યને પ્રપન્નામૃતમાં કહેલા તેમનાં આ અસાધારણ ચિહ્નોથી ઓળખીને શ્રી રામાનંદ સ્વામી તત્કાળ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૪૬-૪૭ 

< પછી બેહાથ જોડી પોતાની સામે ઊભેલા શ્રીરામાનંદ સ્વામીને યતીન્દ્રશ્રી કહેવા લાગ્યા કે, હે વર્ણી ! હું રામાનુજાચાર્ય છું. તમે મારી પાસેથી વરદાન માગો.૪૮ 

 આ પ્રમાણે કહ્યું તેથી શ્રીરામાનંદ સ્વામી મનમાં અતિશય રાજી થયા, અને બે હાથ જોડી કહેવા લાગ્યા કે, હે યતીશ્વર ! આપનાં મંગલકારી દર્શનથી મારા ઘણા સમયનો મનોરથ આજે પૂર્ણ થયો છે.૪૯ 

હે સમર્થ સ્વામી ! શ્રીમન્નારાયણ ભગવાનનાં હું પ્રત્યક્ષ દર્શન કરવા ઇચ્છું છું, તે દર્શન મને જલદીથી થાય તેવો ઉપાય બતાવો.૫૦ 

ત્યારપછી અતિશય પ્રસન્ન થયેલા ભગવદ્પાદ શ્રીરામાનુજાચાર્યે શરણે આવેલા શ્રીરામાનંદ સ્વામીને વૈષ્ણવી દીક્ષા આપી અને બે મંત્રો આપ્યા, અને ત્યારપછી કહેવા લાગ્યા.૫૧

 હે વર્ણિરાજ ! તમે ભગવાન શ્રીમન્નારાયણની પ્રેમલક્ષણા ભક્તિ આળસ છોડીને કરવા માંડો અને મારા રચેલા શ્રીભાષ્યાદિ ગ્રંથોનો નિત્ય અભ્યાસ કરો.૫૨ 

 હે વર્ણી ! એક સ્વધર્મ, બીજી પ્રેમલક્ષણા નવધા ભગવદ્ભક્તિ, ત્રીજું ભગવાનના ભક્તોનો સમાગમ અને ચોથું વિષયોના રાગમાંથી ઇન્દ્રિયોની વૃત્તિઓને પાછી વાળવી, આ ચારનો ક્યારેય પણ ત્યાગ ન કરવો.૫૩

 હે નિષ્પાપ મુનિ ! આ પ્રમાણે વર્તવાથી તમને ટૂંક સમયમાંજ ભગવાન શ્રીમન્નારાયણનાં પ્રત્યક્ષ દર્શન થશે જ.૫૪ 

 તમે મારી આજ્ઞાથી આજ પછી તમારે શરણે આવેલા મુમુક્ષુ જીવાત્માઓને વૈષ્ણવી દીક્ષા આપજો, તમારી પાસેથી દીક્ષા લીધેલા ભક્તજનોને પણ તમારી જેમજ સાક્ષાત્ ભગવદ્ દર્શનની સિદ્ધિ પ્રાપ્ત થશે, તેમાં કોઇ જાતનો સંશય નથી.૫૫ 

 તમે પણ ભગવદ્ભક્તિ કરવામાં વિક્ષેપ ઉત્પન્ન ન થાય તેવા પુણ્યક્ષેત્રમાં નિવાસ કરીને રહેજો, કોઇ સ્થાનમાં વિક્ષેપ થાય તો તે સ્થાન છોડીને કોઇ અન્ય સ્થાને જ્યાં વિક્ષેપ ન થાય ત્યાં ચાલ્યા જવું, આ પ્રમાણે કહીને શ્રીરામાનુજાચાર્ય અંતર્ધાન થઇ ગયા.૫૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારબાદ શ્રીરામાનંદ સ્વામી સમાધિમાંથી જાગ્રત થયા અને પોતાના શરીરને તપ્ત સુદર્શન ચક્રના ચિહ્નથી અંકિત અને ઉર્ધ્વપુંડ્ર તિલકોથી સુશોભિત જોઇને બહુજ હર્ષને પામ્યા. તેમજ સમાધિમાં ઘટેલી ઘટના બિલકુલ સત્ય છે. આ કોઇ સ્વપ્ન નથી, એમ માની ખૂબજ રાજી થયા.૫૭

 ગુરુના કહેવા મુજબ સ્વધર્મમાં રહી રામાનંદ સ્વામી પ્રેમપૂર્વક ભગવાનની ભક્તિ કરવા લાગ્યા, તેથી અલ્પ સમયમાંજ તેમને પોતાના હૃદય કમળને વિષે બ્રહ્મતેજની મધ્યે રહેલા ભગવાન શ્રીલક્ષ્મીનારાયણનાં દર્શન થયાં.૫૮

 પ્રત્યક્ષ દર્શનથી રામાનંદ સ્વામીનો મનોરથ પૂર્ણ થયો અને પૃથ્વીપર તીર્થોમાં વિચરણ કરવા લાગ્યા, તેમજ તે તે તીર્થોમાં જે જે મુમુક્ષુ શરણે આવે તેમને વૈષ્ણવી દીક્ષા આપવા લાગ્યા.૫૯ 

 હે રાજન્ ! આ પૃથ્વી ઉપર રામાનંદ સ્વામીએ જે જે મુમુક્ષુજનોને વૈષ્ણવી દીક્ષા આપી હતી તે સર્વે સ્વધર્મમાં રહી નિર્દંભપણે દૃઢતાપૂર્વક ભગવાનની ભક્તિ કરવા લાગ્યા.૬૦ 

 ભક્તિ કરતા તે સર્વે દીક્ષિત મનુષ્યોને અલ્પ સમયમાંજ સાક્ષાત્ શ્રીનારાયણ ભગવાનનું દર્શન પ્રાપ્ત થયું, તેથી તે સર્વે ભક્તજનો તે તે સ્થળે જ્યાં તેઓ રહેતા હતા, ત્યાં ગુરુ રામાનંદ સ્વામીનો મહિમા ખૂબજ ગાવવા લાગ્યા.૬૧ 

 હે રાજન્ ! પ્રસન્ન થયેલા સાક્ષાત્ યતિરાજ ગુરુવર્ય શ્રીરામાનુજાચાર્યની પૂર્ણ કૃપાથી અને ભગવાન શ્રીલક્ષ્મીનારાયણની પૂર્ણ પ્રસન્નતાથી તેમજ નિર્દંભપણે કરાતી ધર્મે સહિત ભક્તિના માધ્યમથી આ રામાનંદ સ્વામીનો પ્રતાપ અને પ્રભાવ આ પૃથ્વી ઉપર સર્વત્ર ખૂબ જ ફેલાવા લાગ્યો.૬૨   

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીરામાનંદ સ્વામીના જન્માદિ ચરિત્રનું નિરૂપણ કર્યું એ નામે ચૌદમો અધ્યાય પૂર્ણ થયો. --૧૪--