અધ્યાય - ૩૧ - શ્રીહરિએ કેરલો અવતાર પ્રયોજનનો વિચાર અને માત્ર વેદાધ્યયનના મિષથી ઘરમાં નિવાસ.

સુવ્રતમુનિ કહે છે, હે શ્રેષ્ઠ રાજન્ ! ઉપનયન સંસ્કારને પ્રાપ્ત કરી શ્રીહરિ ગુરુએ ઉપદેશ કરેલા સ્વધર્મનું પાલન કરતા કરતા માતા-પિતા ધર્મ-ભક્તિની પરમસ્નેહથી સેવા કરતા હતા.૧  

છતાં તેના મનમાં ગૃહત્યાગ કરવાની ઇચ્છા વર્તતી હતી. કારણકે ધરતી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે જ પોતાના અવતારનું મૂળ પ્રયોજન છે. તેથી તે વિચારવા લાગ્યા કે, અધર્મને માર્ગે ચાલનારા એવા ધર્મના દ્વેષી અસુરોનો પરાભવ કરી આ પૃથ્વીપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટેજ હું પ્રગટ થયો છું. તેથી મારે ઘર છોડવું જ જોઇએ. ર-૩  

પરંતુ મારી પ્રાપ્તિથી માતાપિતા સુખી વર્તે છે. તેમને શત્રુઓનો ભય પણ નિવૃત્ત પામ્યો છે. જો હું અત્યારે ઘરનો ત્યાગ કરીશ તો મારા વિયોગથી મારા માતાપિતા ધર્મ-ભક્તિ બહુ દુઃખી થશે અને મારા વિયોગનું દુઃખ સહન કરી શકશે નહિ. તેથી પ્રથમ મા-બાપને વિપ્ર દુર્વાસામુનિના શાપથી મુક્ત કરી મનુષ્યભાવ છોડાવી દિવ્યભાવે મારી સાથે રાખી, પછીથી જ હું ઘરનો ત્યાગ કરીશ. ૪-૫ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે પોતાના અંતરમાં ગૂઢ નિરધાર કરી ભગવાન શ્રીહરિ વેદને વિષે આદરભાવ રાખી તેના એક અધ્યયનના મિષે પોતાના ભવનમાં નિવાસ કરીને રહ્યા અને શ્રી રામકૃષ્ણનું ભજન-સ્મરણ કરવા લાગ્યા.૬  

શ્રીહરિએ વિદ્યાભ્યાસ માટે બીજા કોઇ વિદ્વાન ગુરુનો આશરો લીધો નહિ. કારણ કે સર્વ કરતાં શ્રેષ્ઠ ધર્મદેવને જ વિદ્યાગુરુ તરીકે સ્વીકાર્યા હતા, તેથી તેમની પાસેથી વેદોમાં ત્રીજા વેદ એવા સામવેદનું પ્રથમથી જ અધ્યયન શરું કર્યું. અને તીવ્રબુદ્ધિ હોવાથી ટૂક સમયમાંજ સામવેદનું અધ્યયન સમાપ્ત કર્યું. તેથી પિતા ધર્મદેવ અને અન્ય વિદ્વાનો પણ અતિ આશ્ચર્યમાં ગરકાવ થયા.૭-૮  

ત્યાર પછી શ્રીહરિએ રામાયણાદિ મહાકાવ્યો, મીમાંસા આદિ શાસ્ત્રો, ભાગવતાદિ પુરાણો અને રામાનુજાચાર્યકૃત મહાભાષ્ય આદિક જે કોઇ ગ્રંથોનું ધર્મદેવને જ્ઞાન હતું તે સર્વેનો અભ્યાસ પિતા ધર્મદેવ પાસેથી સારી રીતે કર્યો.૯  

અને પછી ધર્મદેવ પણ 'પોતે વૃદ્ધ થયા છે' એમ જાણી સંસારમાંથી તીવ્ર વૈરાગ્યને પામી તથા સાંખ્યજ્ઞાનનો આશ્રય કરી ભગવાન શ્રીકૃષ્ણના ધ્યાન પરાયણ જીવન જીવવા લાગ્યા. ૧૦ 

ધર્મદેવ પુત્ર શ્રીહરિને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, યોગ અને ભક્તિનો પોતાના અનુભવ મુજબનો યથાશાસ્ત્ર ઉપદેશ આપ્યો. પછી સૌરાષ્ટ્ર આદિ પ્રાંતમાં વિચરણ કરતા ઉદ્ધવાવતાર સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીનો મહિમા સમજાવ્યો. પછી પોતાના ઉદ્ધવસંપ્રદાયની સમગ્ર રીતિ, નીતિ, પ્રવૃત્તિ-વર્તન આદિનો પ્રકાર તત્ત્વપૂર્વક શ્રીહરિને સમજાવ્યો. ૧૧-૧૨  

હે રાજન્ ! શ્રીહરિ પણ અલ્પકાળમાંજ વિદ્યાદિ તથા સ્વધર્માદિ સર્વ ગુણોમાં પિતા ધર્મદેવ તુલ્ય થયા. મહાયશસ્વી થયા. અને સર્વે જનોને માટે માન્ય, પ્રશંસનીય અને પૂજનીય થયા. પિતા ધર્મદેવ પોતાના ભવનમાં જ્યારે શ્રીમદ્ભાગવતની કથા કહેતા, ત્યારે શ્રીહરિ એકાગ્રચિત્તથી નિરંતર તેનું શ્રવણ કરતા. ત્યારપછી શ્રીહરિએ સમગ્ર મહાભારતનું અને સમગ્ર સ્કંદપુરાણનું પિતા ધર્મદેવ થકી શ્રવણ કર્યું. તથા ધર્મપ્રિય એવા શ્રીહરિએ યાજ્ઞાવલ્ક્ય આદિ ઋષિમુનિઓએ રચેલી સમગ્ર સ્મૃતિઓ અને ધર્મશાસ્ત્રોનું પણ પિતા ધર્મદેવ પાસેથી શાંત ચિત્તે શ્રવણ કર્યું. ૧૩-૧૪ 

સત્શાસ્ત્રના સારરૂપ ગુટકાની રચના :- સુવ્રતમુનિ કહે છે. હે રાજન્ ! ત્યાર પછી કુશાગ્રબુદ્ધિવાળા શ્રીહરિએ પોતાની ઉત્કુષ્ટ બુદ્ધિથી સમગ્ર સત્શાસ્ત્રોમાંથી સાર-સાર નિશ્ચિત કરી, તે સમગ્ર સારનો નિત્ય પાઠ કરવામાટે અલગથી એક ગ્રંથ ગુટકારૂપે લખી લીધો. તેમાં શ્રીમદ્ભાગવતમાંથી સારરૂપે પંચમસ્કંધ અને દશમસ્કંધ, સ્કંદપુરાણમાંથી સારરૂપ શ્રીવાસુદેવમાહાત્મ્ય, સમગ્ર મહાભારતમાંથી સારરૂપે ભગવદ્ગીતા, વિદુરનીતિ અને વિષ્ણુસહસ્રનામ અને સર્વ ધર્મશાસ્ત્રોના સારરૂપે સર્વોત્તમ યાજ્ઞાવલ્ક્ય-સ્મૃતિનું અલગથી પ્રેમપૂર્વક આલેખન કરી લીધું. ૧૭-૨૦  

આ ચાર સારનો ગુટકો લખીને શ્રીહરિએ ધર્મદેવને દેખાડયો. તે સર્વ શાસ્ત્રના સારરૂપ ગુટકાને જોઇને પિતા ધર્મદેવ અતિ પ્રસન્ન થયા, અને આ કોઇ અમાનુષી બુદ્ધિ છે એમ જાણી કહેવા લાગ્યા કે, હે પુત્ર ! ભગવાનની પૂજા કર્યા બાદ સમયની અનુકૂળતાએ આ સારચતુષ્ટયનો તમારે પાઠ કરવો, અને જો કોઈ શ્રોતાઓ હોય, તો તેમની આગળ આની કથા પણ કહેવી. ૨૧-૨૨ 

હે રાજન્ ! 'ભલે એમ હું કરીશ' એ પ્રમાણે પિતા ધર્મદેવનાં વચન સ્વીકારી શ્રીહરિ પ્રતિદિન સારચતુષ્ટયનો પાઠ કરતા અને શ્રોતાઓને કર્ણપ્રિય આની કથા પણ સંભળાવતા. સમય મળતાં શ્રીહરિએ સત્શાસ્ત્રના સારચતુષ્ટયને સુંદર, સ્પષ્ટ અને સૂક્ષ્મ અક્ષરોથી કાગળમાં લખી એક નાની પુસ્તિકા બનાવી, સદાય પોતાની સાથે રાખતા. ૨૩-૨૪  

પ્રતિદિન શ્રીમદ્ભાગવતાદિ સત્શાસ્ત્રોનું શ્રવણ કરતા રહેતા હોવાથી શ્રીહરિને ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માને વિષે જ એક સુદૃઢ ઉપાસ્ય બુદ્ધિ થઇ. ત્યારપછી સામાન્ય વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કરવા ઇચ્છતા શ્રીહરિને ઉદ્ધવસંપ્રદાયના આચાર્યપદે રહેલા પિતા ધર્મદેવે સંપ્રદાયની રીત અનુસાર દીક્ષા અર્પણ કરી. તેમાં ધર્મદેવ વિવેકશીલ પોતાના પુત્ર શ્રીહરિને શ્રીકૃષ્ણના અષ્ટાક્ષરમંત્રનો ઉપદેશ કર્યો. ત્યારપછી ત્રણ અહિંસાદિ સદ્ધર્મનો પણ ઉપદેશ કર્યો. ૨૫-૨૭ 

હે રાજન્ ! ત્યારપછી શ્રીહરિ પિતા ધર્મદેવે ઉપદેશેલી રીતિ મુજબ જ અતિ હર્ષથી ભગવાન શ્રીકૃષ્ણનું પ્રતિદિન પૂજન કરતા અને સ્વસ્વરૂપમાં સ્વાભાવિકી અખંડ સ્થિતિ હોવા છતાં તથા સર્વે ધર્મો પોતાના સ્વરૂપમાં સદાય રહેલા હોવા છતાં લોકશિક્ષણને માટે તેનું યથાર્થ પાલન કરતા હતા. વળી હે રાજન્ ! મનુષ્યોને માટે અતિ દુષ્કર એવા અષ્ટપ્રકારના બ્રહ્મચર્યવ્રતને આ પૃથ્વી ઉપર સારી રીતે પોષવા માટે સ્વયં પરમાત્મા હોવા છતાં શ્રીહરિ લોક શિક્ષાને માટે યથાર્થ પાલન કરતા હતા. ૨૮-૨૯  

હે રાજન્ ! આ પ્રમાણે સાક્ષાત્ સ્વયં જ શ્રીકૃષ્ણ ભગવાન હોવા છતાં, જનશિક્ષાને માટે સત્શાસ્ત્રનો અભ્યાસ અને નિરંતર ભગવાનની ભક્તિ કરતા ધર્મપુત્ર શ્રીહરિને જન્મથી અગિયારમું વર્ષ પ્રાપ્ત થયું. ૩૦  

તે સમયે અશ્વત્થામાના શાપને કારણે વિના શસ્ત્રે ફરતા એવા અને પોતાના એક માત્ર શત્રુ, ધર્મપુત્ર શ્રીહરિને મારવાને માટે પ્રયત્નશીલ થયેલા અનેક અસુરો વારંવાર ટોળામાં મળી અયોધ્યાપુરીમાં આવી આંટા મારવા લાગ્યા. તે અસુરોએ દંભથી વૈષ્ણવી ભક્તોનો વેષ ધાર્યો હતો. પરંતુ શરીરે મહાબળવાન અને મદોન્મત્ત જણાતા એ અસુરોના નેત્રો લાલચોળ હતાં, અને હાથમાં ભયંકર તલવારાદિ શસ્ત્રો ધારણ કર્યાં હતાં ૩૧-૩૨ 

દંભીઅસુરોનો કરેલો પરાભવ :- મારવા આવેલા તે સર્વે અસુરો ધર્મપુત્ર નીલકંઠના યોગપ્રભાવથી પરસ્પર મોહ પામ્યા. તેથી પરસ્પર શત્રુભાવ ઉત્પન્ન થયો, 'આ જ નીલકંઠ છે' એમ પરસ્પર માની અંદરોઅંદર એક બીજાનો સંહાર કરવા લાગ્યા. જેવી રીતે સંશપ્તક નામના ક્ષત્રિયો અર્થાત્ એકવાર પ્રતિજ્ઞા કરી યુદ્ધમાં ઉતરે પછી કદી પાછા ન હટે, તેવા ક્ષત્રિયો પૂર્વ મહાભારતના યુદ્ધમાં ઉતર્યા, ત્યારે અર્જુનના 'ત્વાષ્ટ્ર' નામના અસ્ત્રથી પરસ્પર મોહ પામી એક બીજાને અર્જુન માની પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા અને નાશ પામ્યા. તેવી જ રીતે અહીં અયોધ્યાપુરીમાં પણ સર્વે અસુરો પરસ્પર સૌને નીલકંઠ માની લડીને નાશ પામ્યા.૩૩-૩૪ 

ભક્તિમાતાએ સ્વીકારેલી અંતિમ તાવની બિમારી :- સુવ્રતમુનિ કહે છે, હે રાજ્ન્ ! આ પ્રમાણે સકલ ઐશ્વર્યસંપન્ન શ્રીહરિએ ત્યાં રહેલા સમસ્ત અસુરોનો નાશ કર્યો. હવે દેશદેશાંતરમાં રહેલા અસુરોનો પણ નાશ કરવાની ઇચ્છા કરી. એમ કરતાં સંવત ૧૮૪૮ના કાર્તિક માસનો સમય આવ્યો. ભક્તિમાતા કાર્તિકીવ્રતનું અનુષ્ઠાન કરતાં હતાં. તેથી તેમનું શરીર અતિ કૃશ થઇ ગયું હતું. કારતક સુદ આઠમની રાત્રીએ ભક્તિમાતાના શરીરે તાવ આવ્યો, તેથી શરીરનાં અવયવો શિથિલ થયાં. ૩૫-૩૬  

રામપ્રતાપ આદિ સંબંધીજનોએ સારા સારા વૈદ્યોને પોતાના ઘેર બોલાવી સૌ પોતપોતાની બુદ્ધિ અને જાણકારી અનુસાર સારવાર કરાવવા લાગ્યા. તે વૈદ્યોએ પણ તાવનો પ્રતિકાર કરવા અનેક ઉપાયો કર્યા છતાં તાવની પીડા શાંત થઇ નહિ એમ કરતાં નવમીની રાત્રી આવી, માતાની સેવા કરતા શ્રીહરિ ભક્તિમાતાને બોધ આપતાં કહેવા લાગ્યા. ૩૭-૩૮ 

શ્રીહરિએ માતાને આપેલું સ્વ-સ્વરૂપનું જ્ઞાન :- માતાનો અંતકાળ નજીકમાં જ આવ્યો છે' એમ જાણી માતાની સેવા કરી રહેલા શ્રીહરિએ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવાની ઇચ્છાથી માતાની નજીક બેસી કહેવા લાગ્યા. હે મા ! સત્શાસ્ત્રોના પ્રમાણવાળું અને સર્વનું તથા તમારું હિત કરનારું મારું વચન સાંભળો. હે મા ! ભગવાન વિષ્ણુની માયા છે તે જ જીવપ્રાણીમાત્રને જન્મ મરણના પ્રવાહરૂપ આ સંસારમાં દુઃખ આપનારી છે. ૩૯-૪૦  

હે મા ! સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત અતિ તીવ્ર પ્રેમપૂર્વકની ભક્તિ વડે ભગવાનના સ્વરૂપને વિષે જ્યારે મન સ્થિર થાય છે. ત્યારે માયાની સંપૂર્ણપણે નિવૃત્તિ થાય છે. આનાથી બીજો કોઇ શ્રેષ્ઠ ઉપાય નથી. 'માયા છે તે સર્વે આપત્તિઓનું મૂળ છે તેને છેદવાનું શ્રેષ્ઠ સાધન એક ભગવદ્ભક્તિયોગ જ છે. એમ હું માનું છું.' હે મા ! જે મેં કહ્યું તેજ સાંખ્ય, યોગ, પંચરાત્ર આદિ સત્શાસ્ત્રો કહે છે અને તેમના જ્ઞાતા મહર્ષિઓ પણ તે જ કહે છે. ૪૧-૪૩ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પરમ સ્નેહી પોતાના પુત્ર શ્રીહરિના મુખકમળમાંથી નીકળતાં વચનામૃતને પરમ આદરથી સાંભળતાં મા ભક્તિને પૂર્વે કાલિદત્ત અસુરના નાશના સમયની જેમ ભગવાન શ્રીહરિની ઇચ્છાથી અત્યારે પણ 'મારા પુત્ર સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છે' એવું જ્ઞાન થયું. ત્યારપછી વર્ણિવેષે પોતાની સમીપે બેઠેલા પોતાના પુત્રને 'સાક્ષાત્ નારાયણ છે' એમ જાણી અતિશય પ્રસન્ન થયાં. અને જગતના પદાર્થોમાંથી વૈરાગ્ય થયો, તેથી શ્રીહરિને શરણે થયાં. ઢોલિયામાંથી મા ભક્તિ તત્કાળ બેઠાં થયાં. બેહાથ જોડી શ્રીહરિને પ્રણામ કર્યા. શ્રીહરિની આગળ સ્વસ્થ ચિત્તે બેસી અંતરમાં સંસારના બંધનોમાંથી મુક્ત થવાની ઇચ્છા થઇ છે. તેથી પૂર્વે સંક્ષેપથી સાંભળ્યું હોવા છતાં પણ આત્યંતિકમોક્ષનું સાધન વિસ્તારથી પૂછવા લાગ્યાં. ૪૪-૪૬ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મ શાસ્ત્રના પ્રથમ પ્રકરણમાં શ્રીહરિએ વિદ્યાનો અભ્યાસ કર્યો, પિતા પાસેથી સામાન્ય દીક્ષા ગ્રહણ કરી અને આવેલા અસુરોના સમૂહોનો સંકલ્પમાત્રથી વિનાશ કર્યો તથા મા ભક્તિને તાવ આવ્યો એ પ્રસંગનું નિરૂપણ કર્યું એ નામે એકત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૧--