અધ્યાય - ૫૦ - શ્રીનીલકંઠવર્ણી ભૂતપુરી, કન્યાકુમારી, જનાર્દન, આદિકેશવ અને સાક્ષીગોપાલ તીર્થના દર્શને પધાર્યા.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિનું દર્શન જેને અતિપ્રિય છે એવા શિવજી ત્યાંથી અંતર્ધાન થયા પછી શ્રીહરિ પણ તેમનું સ્મરણ કરતા કરતા શ્રીરામાનુજાચાર્યજીનું જન્મસ્થાન ભૂતપુરીતીર્થમાં (પેરમ્બુદૂર) પધાર્યા.૧ 

હે રાજન્ ! ભૂતપુરીમાં શ્રીરામાનુજાચાર્યજીની પ્રતિમાનાં દર્શન પૂજન કરી ત્યાંથી ચાલતા શ્રીહરિ કન્યાકુમારી તીર્થક્ષેત્રમાં પહોંચ્યા.૨ 

ત્યાંથી શ્રીહરિ ચાલ્યા તે પદ્મનાભ તીર્થમાં પધાર્યા. ત્યાંથી ચાલતા આદિકેશવ નામના વિષ્ણુના તીર્થમાં પધાર્યા.૩ 

આદિકેશવતીર્થમાં તલવાર આદિ શસ્ત્રધારી બે હજાર અસુરો રહેતા હતા. તેઓ પણ નીલકંઠવર્ણીને પોતાનો શત્રુ જાણી મારી નાખવા માગતા હતા. તેનો પણ ત્યાંના બુદ્ધિમાન રાજા દ્વારા શ્રીહરિએ વિનાશ કરાવ્યો. પૂર્વે માનસપુર શહેરમાં સત્રધર્મા રાજાદ્વારા જે રીતે અસુરોનો સંહાર કરાવ્યો હતો, તેવી જ રીતે આ આદિકેશવતીર્થમાં પણ ધાર્મિક રાજા દ્વારા અસુરોનો વિનાશ કરાવ્યો.૪-૫ 

તીર્થયાત્રામાં જેને ખૂબજ આનંદ આવે છે એવા ભગવાન નારાયણ શ્રીહરિ ત્યાંથી આગળ ચાલતાં અનેક વિધ વૃક્ષોથી ઘેરાયેલા મલયાચલ પર્વત પર પધાર્યા. ત્યાં બિરાજતા સાક્ષીગોપાલ નામના ભગવાન વિષ્ણુનાં દર્શન કરી સર્પે વીંટળાયેલાં ચંદનવૃક્ષોના વનમાં પાંચ દિવસ પર્યંત નિવાસ કરીને રહ્યા.૬-૭ 

કિષ્કિન્ધાથી પંઢરપુરતીર્થમાં આગમન :- હે રાજન્ ! તે વનમાંથી ચાલતા ચાલતા શ્રીહરિ કિષ્કિન્ધા પધાર્યા, ત્યાં પંપાસરોવરમાં સ્નાન કરી ત્યાંથી ચંદ્રભાગા નદીને કિનારે આવેલાં પંઢરપુર પધાર્યા અને ત્યાં લક્ષ્મીપતિ શ્રીવિઠ્ઠલનાથ ભગવાનનાં દર્શન કર્યાં.૮ 

હે રાજન્ ! શ્રીહરિ ચંદ્રભાગાનદીમાં નિત્યે સ્નાન કરી વિઠ્ઠલનાથજીનાં દર્શન કરતા તથા વિઠ્ઠલનાથજીનાં ગુણ કીર્તન કરતા પંઢરપુરમાં બે મહિના સુધી નિવાસ કરીને રહ્યા.૯ 

તે સમયે પંઢરપુરમાં બેહજાર દૈવીજીવોને પોતાના આશ્રિત કર્યા અને તે સર્વેએ દુર્જનના પ્રસંગથી થતા દોષોનો ત્યાગ કરી શ્રીહરિના વચનમાં રહી ધર્મનું પાલન કરતા શ્રીહરિનું જ પ્રગટ પ્રમાણ ભજન કરવા લાગ્યા.૧૦ 

તે સમયે શ્રીહરિએ વિઠ્ઠલનાથ ભગવાનને સ્નેહપૂર્વક નમસ્કાર કરી મૂર્તિને બાથમાં લઇને ભેટયા અને તે તીર્થક્ષેત્રના મહિમાનું ગાન કરતા ત્યાંથી દંડકારણ્ય ક્ષેત્રમાં પધાર્યા.૧૧ 

વર્ણીરાજનો ગુજરાતપ્રાંતમાં પ્રવેશ :- હે રાજન્ ! દંડકારણ્યને પ્રદક્ષિણા કરી શ્રીહરિ નાસિકનગર પધાર્યા. ત્ર્યંબકેશ્વર મહાદેવનાં દર્શન કરી તાપી નદીએ પધાર્યા.૧૨ 

ત્યાંથી નર્મદાની યાત્રા કરી મહીનદીને ઉતરી સાબરમતી નદીને પાર કરી ભાલ પ્રદેશમાં આવેલા ભીમનાથ મહાદેવની જગ્યામાં પધાર્યા.૧૩ 

ત્યાંથી નીલકંઠ વર્ણી ગોપનાથ પધાર્યા. આ રીતે પંચતીર્થીને કરતા કરતા સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠે આવેલ સુપ્રસિદ્ધ માંગરોળ બંદર પધાર્યા.૧૪ 

તીર્થપ્રવાસી વર્ણીરાજની સ્થિતિ અને રીતિનું વર્ણન :- આ પ્રમાણે તીર્થસ્થાનોમાં વિચરણ કરતા અને એકાંતિક ધર્મનું પાલન કરતા શ્રીહરિએ પોતાના પ્રતાપથી તે તે તીર્થમાં રહેલા દંભ, લોભ આદિ અધર્મ સર્ગનો વિનાશ કર્યો.૧૫ 

સત્શાસ્ત્ર સંમત વાદવિવાદથી પાખંડી ગુરુઓને જીતી મુમુક્ષુ જીવોનું રક્ષણ કર્યું અને તેઓને જન્મ-મરણરૂપ સંસારના પ્રવાહમાંથી મુક્ત કર્યા.૧૬ 

સ્વયં શ્રીહરિએ પણ વિચરણ દરમ્યાન તપ અને બ્રહ્મચર્યાદિ નિયમોનું યથાર્થ પાલન કરી તીર્થવાસી અને ત્યાગી પુરુષોની સ્થિતિ અને રીતિ કેવી હોય તેનું શિક્ષણ આપ્યું.૧૭ 

હે રાજન્ ! શાંત સ્વભાવના શ્રીહરિ વિચરણ દરમ્યાન ટાઢ તડકો વિગેરે દ્વન્દ્વોને સહન કરતા તીર્થયાત્રામાં એકલાજ વિચરતા. કોઇ પદાર્થની અપેક્ષા રાખ્યા વગર નિઃસ્પૃહી જીવન જીવતા. કોઇ પણ વસ્તુનો સંગ્રહ કરી સાથે રાખતા નહિ. માત્ર કૌપીનભેર રહેતા, મૃગચર્મ ધારણ કરતા, મસ્તક ઉપર જટા બાંધીને રાખતા.૧૮ 

છએ ઋતુઓમાં રાત્રિ દિવસ ઉઘાડે શરીરે ફરતા, હમેશાં ગામની બહાર વૃક્ષ નીચે જ પોતાનો નિવાસ રાખતા, ગામમાં ક્યારેય રહેતા નહીં.૧૯ 

પ્રતિદિન ત્રિકાલ સ્નાન અને ત્રિકાલ સંધ્યા કરતા, મનુષ્ય નાટયને અનુસરી વિધિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતા, પ્રતિદિન પૂજાને અંતે શ્રીકૃષ્ણના રાસપંચાધ્યાયીનો પાઠ કરતા.૨૦ 

ત્રિકાલ પ્રાણાયામ અને અનેક પ્રકારનાં યોગાસનો કરતા, શિયાળાની ઋતુમાં પણ સ્વેચ્છાએ ક્યારેય પણ અગ્નિનું સેવન કરતા નહિ.૨૧ 

અખંડ સ્વસ્વરૂપની સ્થિતિમાં રહી મેષોન્મેષરહિત સ્થિર દૃષ્ટિ રાખતા, એટલું ઉગ્ર તપ કર્યું કે, શરીરમાં ત્વચા અને અસ્થિમાત્ર જ બચ્યાં હતાં, જેથી કૃશ શરીરમાં નાડીઓ બહાર સ્પષ્ટ દેખાતી હતી.૨૨ 

તે દેહનું અનુસંધાન ક્યારેય પણ રાખતા નહિ અને કાંટા અને કાંકરામાં પણ ઉઘાડે પગે ચાલતા, તેમજ કોઇને પણ રસ્તો પૂછતા નહિ.૨૩ 

તે ગાઢ જંગલોમાં અને પર્વતોમાં નિર્ભયપણે વિચરતા રહેતા, છતાં સિંહ, વાઘ અને અન્ય હિંસકપ્રાણિઓ તેમજ સર્પાદિ પણ ક્યારેય તેમના શરીરને આંચ પહોંચાડી શક્યા નહોતાં.૨૪ 

એકવાર ભોજન કરતા તેમાં પણ ક્યારેક અન્ન, ક્યારેક ફળ, ક્યારેક મૂળ અને ક્યારેક પત્ર વગેરે જે કાંઇ મળે તેનો આહાર કરતા. ક્યારેક ઉપવાસ થતો તો ક્યારેક માત્ર જળપાન કરીને રહેતા.૨૫ 

એવો નિયમ રાખતા કે કેટલાય દિવસ માત્ર એકવાર વાયુ ભક્ષણ કરીને રહેતા, ક્યારેક એવું નિયમ રાખતા કે માગ્યા વિના જે કાંઇ મળે તેનાથી જીવન નિર્વાહ કરતા. કૃચ્છ્રચાંદ્રાયણાદિ વ્રતો પણ સમયે સમયે કરતા રહેતા.૨૬ 

રમણીય પંચ વિષયમાં હમેશાં વૈરાગ્ય રાખતા અને સ્ત્રીની ગંધને તો સહન પણ કરી શકતા નહિ.૨૭ 

સર્વે એકાદશીનાં વ્રતો કે ભગવાનના જન્માષ્ટમી વગેરે પ્રાગટયના દિવસોમાં અન્નની ગંધ પણ ક્યારેય લેતા નહિ. તે હમેશાં ઉર્ધ્વરેતસ્, બ્રહ્મચારી અને જીતેન્દ્રિયપણે જ વર્તતા.૨૮ 

હે રાજન્ ! બીજા કેટલાક ત્યાગી પુરુષો અને તપસ્વીજનો પણ શ્રીહરિને પોતાના કરતાં અધિક તપસ્વી જોઇને તે પ્રમાણે તપ કરવાની ઇચ્છાથી શ્રીહરિનો સંગ કરતા ને સાથે રહેવાની ઇચ્છા રાખતા. પણ શરીરાભિમાન છૂટયું ન હોવાથી ઉત્પન્ન થતા દૈહિક દુઃખને સહન કરી શકતા નહિ. તેથી તથા માનને લીધે પણ શ્રીહરિની સાથે રહેવા સમર્થ થતા નહિ.૨૯-૩૦ 

કોઇ ત્રણ દિવસ રહે, કોઇ પાંચ દિવસ રહે, તો કોઇ દશ દિવસ સુધી શ્રીહરિની સાથે રહી શકતા પછી પલાયન કરી જતા.૩૧ 

હે રાજન્ ! આ રીતે મનુષ્યથી ન થઇ શકે તેવું દુષ્કર તપ કરતા અને મહાવનમાં વિચરતા શ્રીહરિને સાત વર્ષ અને એક મહિનો પસાર થયો.૩૨ 

લોજની વાવપર અવતારીનું આગમન :- હે રાજન્ ! વિક્રમ સંવત ૧૮૫૬ના વર્ષમાં સૂર્ય દક્ષિણાયનમાં હતા ત્યારે શુક્લ નામના સંવત્સરમાં શ્રાવણવદ છઠ્ઠના અર્થાત્ અગ્નિ થકી પ્રગટેલા કાર્તિક સ્વામીની તીથિ રાંધણ છઠ્ઠને દિવસે સંગવકાળે સૂયોદર્ય પછી છ ઘડી સમય વ્યતીત થયો ત્યારે માંગરોળથી ત્રણ કોશ દૂર લોજપુરમાં શ્રીહરિ પધાર્યા. હે રાજન્ ! આ પ્રમાણે વર્ણીરાજ શ્રી નીલકંઠ બ્રહ્મચારી પોતાના ઇષ્ટદેવ વૃંદાવનચંદ્ર શ્રીરાધિકેશનું પોતાના હૃદયમાં સ્મરણ કરતા કરતા લોજ ગામની ભાગોળે આવેલી વાવના કાંઠા ઉપર એક મુહૂર્ત પર્યંત બેઠા હતા. આવી રીતે સત્સંગના જ્ઞાનસાગરને પ્રકાશિત કરવામાં સાક્ષાત્ સૂર્યસમાન અને એકાંતિક ધર્મનું વિચરણ દરમ્યાન સતત પોષણ કરનારા અક્ષરધામાધિપતિ સ્વયં ભગવાન શ્રીહરિનો સર્વત્ર સદાય વિજય થાઓ.૩૩-૩૫ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીહરિ લોજપુર પધાર્યાનું નિરૂપણ કર્યું એ નામે પચાસમો અધ્યાય પૂર્ણ થયો. --૫૦--