અધ્યાય - ૫૬ - રામાનંદ સ્વામી કચ્છ-ભુજથી નીકળી પીપલાણા ગામે પધાર્યા.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! નીલકંઠવર્ણી લોજપુરમાં નિવાસ કરી મુક્તાનંદાદિ સંતોને યોગની કળાઓ શીખવતા, તપશ્ચર્યા કરતા હતા. તેવામાં વૈશાખ માસ પૂર્ણ થયો.૧ 

રામાનંદ સ્વામી આજે, કાલે કે પરમ દિવસે તો ચોક્કસ આવશે. આમ પ્રતિક્ષણ નીલકંઠવર્ણી રાહ જોયા કરતા હતા. તેવામાં અર્ધો જેઠ માસ પણ વીતી ગયો.૨ 

શ્રીસ્વામીના આગમનની પ્રતીક્ષામાં દુઃખી થતા ભગવાન શ્રીવર્ણીરાજને ક્યાંય સુખ પડતું ન હતું, અને તેથી તે અતિશય આકુળવ્યાકુળ થતા હતા, એક તીવ્રતપ અને બીજી ચિંતાના કારણે વર્ણીરાજનું શરીર અતિશય કૃશ થવા લાગ્યું.૩ 

હે રાજન્ ! આ બાજુ ભુજનગરમાં વિરાજમાન સંતોના સ્વામી શ્રી રામાનંદ સ્વામીનું પણ અંતર શ્રીનીલકંઠ બ્રહ્મચારીનાં દર્શન કરવાની ઇચ્છાથી ખેંચાવા લાગ્યું, તેથી કેટલાક ભક્તજનોની સાથે સ્વામી ભુજનગરથી ચાલી નીકળ્યા.૪ 

સમસ્ત ઉપકરણોએ યુક્ત રત્નજડિત સુવર્ણના રથ ઉપર સ્વામી વિરાજમાન થયા, તે સમયે પોતાનાં દર્શન માટે આવીને પંક્તિબદ્ધ ઊભેલા નગરવાસી ભક્તજનો ઉપર પોતાની સ્નેહભરી દૃષ્ટિનો પ્રેમવર્ષા વરસાવી રહ્યા હતા.૫ 

આંખમાં શોકનાં આંસુ સાથે સર્વે ભક્તજનોએ સ્વામીનું પૂજન કર્યું, અને સ્વામીને વળાવવા રથની પાછળ પાછળ ચાલ્યા. પછી સ્વામીએ તેઓને સમજાવી પાછા વાળ્યા અને માર્ગમાં ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા પીપલાણા ગામે પધાર્યા.૬ 

ત્યાં પોતાના ભક્તરાજ શ્રી નરસિંહ મહેતાના ભવનમાં શ્રીરામાનંદ સ્વામીએ ઉતારો કર્યો અને તે સમયે સમગ્ર પુરવાસી ભક્તજનો આવી સ્વામીનું સ્વાગત પૂજન કર્યું.૭ 

પછી શ્રીરામાનંદ સ્વામીએ લોજપુરથી મુક્તાનંદાદિ સમસ્ત પોતાના શિષ્યસમુદાયને બોલાવી લાવવા માટે કુંવરજી નામના બ્રાહ્મણને ત્યાં મોકલ્યા.૮ 

તે જ દિવસે તે તત્કાળ લોજપુરમાં પહોંચી સમાચાર આપ્યા કે, શ્રીરામાનંદ સ્વામી તમને સર્વેને પીપલાણા ગામે બોલાવ્યા છે. તે સમયે દૂત કુંવરજી વિપ્રનાં વચન સાંભળી મુક્તાનંદ આદિ સર્વે સંતો અત્યંત હર્ષ પામ્યા અને નીલકંઠવર્ણી તો તે જ ક્ષણે મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે આપણે આજે જ ગુરુનાં દર્શન કરવા જઇશું.૯-૧૦ 

આટલા સંતો મઠની સેવામાં અહીં રહે અને આટલા સાથે ચાલે, આવો નિર્ણય કરી મુક્તાનંદ સ્વામી, નીલકંઠવર્ણી આદિ સર્વે સંતો ચંદ્રોદય થતાં રાત્રે પીપલાણા ગામ તરફ ચાલવા લાગ્યા.૧૧ 

સર્વેના અંતરમાં પોતાના ગુરુનાં દર્શનની અતિ ઉત્કંઠા હતી. તેથી મુક્તાનંદ સ્વામી આદિ સંતો અને ભક્તરાજ પર્વતભાઇ, દેવાનંદ સન્યાસી અને વણિક જેઠાભાઇ આદિ સર્વેનાં અંતર પોતાના પ્રાણપ્રિય ગુરુવર્યનાં દર્શનની ઉત્કંઠાથી ખેંચાયાં હોવાથી તેઓ એક પીપલાણા ગામનું લક્ષ્ય રાખી માર્ગમાં ઉતાવળી ગતિએ ચાલતા હતા.૧ર-૧૩ 

તેવી જ રીતે વર્ણીરાજ શ્રીનીલકંઠજી પણ ઉતાવળી ગતિએ ચાલતા હતા. પરંતુ તપથી શરીર અતિ કુશ થયું હોવાથી અને ચાલવાના પરિશ્રમનાં કારણે તેમનું હૃદય શ્વાસથી ભરાઇ આવ્યું અને માર્ગમાં જ તે ધરણી ઉપર ઢળી પડયા.૧૪ 

મુક્તાનંદ સ્વામી આદિ સંતો શ્રીહરિની આગળ આગળ ઉતાવળી ગતિએ ચાલતા હતા. થોડા આગળ ચાલ્યા પછી જ્યાં પાછું વળીને જોયું તો નીલકંઠવર્ણીને પૃથ્વી પર ઢળી પડેલા જોયા, તેથી તત્કાળ પાછા દોડી તેમની સમીપે આવ્યા અને ધીરે ધીરે નીલકંઠવર્ણીની પગચંપી કરવા લાગ્યા. ત્યારપછી થોડા સ્વસ્થ થયેલા વર્ણિરાજને મુક્તાનંદ સ્વામી આદિ સંતો કહેવા લાગ્યા કે, આપણે આજે જ ઉતાવળથી પીપલાણા ગામે પહોંચવાનું છે. તેથી તમે તમારી વિશુદ્ધ યોગધારણાનો આશ્રય કરો.૧પ-૧૭ 

યોગધારણાના બળથી પંથ પાર કરી શકાશે. બીજો કોઇ ઉપાય નથી. હે રાજન્ ! આ પ્રમાણે સંતોએ કહ્યું તેથી વર્ણિરાજે યોગધારણાનો આશ્રય કર્યો અને માર્ગમાં સર્વેથી ઉતાવળી ગતિએ ચાલવા લાગ્યા.૧૮ 

બ્રહ્માત્મભાવે ભગવાન શ્રીકૃષ્ણનું પોતાના હૃદયમાં ચિંતવન કરતા વર્ણિરાજ શ્રીહરિ શરીરનું ભાન ભૂલી ધનુષમાંથી છૂટેલા તીરની પેઠે ઉતાવળી ગતિએ સર્વે સંતોની આગળ ચાલવા લાગ્યા.૧૯ 

મુક્તાનંદ સ્વામી આદિ સંતો ઉતાવળી ગતિએ ચાલતા વર્ણિરાજની પાછળ પાછળ દોડતા આવતા હતા, છતાં પણ તેમને પહોંચી શક્યા નહિ. આ રીતે ઉતાવળી ગતિએ ચાલતા તે સર્વે ઓજસ્વતી નદીને કિનારે પહોંચ્યા.૨૦ 

પીપલાણા ગામથી દક્ષિણ દિશા તરફ વહેતી તે ઓજસ્વતી નદીનું જળ વરસાદ પડયો હોવાથી ડહોળું અને ખૂબજ પૂર આવ્યું હોઈ બે કાંઠા લઇને વહેતી નદીમાં ભયંકર તરંગો ઉછળતા હતા.૨૧ 

કુશળ તરવૈયાઓથી પણ ન તરી શકાય તેવી તે નદી દુસ્તર હતી. છતાં પણ વર્ણિરાજ શ્રીહરિ તરંગોના સમૂહથી ખેંચાયા વગર સરળતાથી સામે પૂરે તરતા નદીને સામે કિનારે પહોંચ્યા.૨૨ 

મુક્તાનંદ સ્વામી આદિ સંતો-ભક્તોએ ઊછળતા તરંગોવાળી નદીને જોઇને વિચાર્યું કે, આ નદી નાવ વિના તરવી કઠિન છે, તેથી કિનારે બેસી રહ્યા. પછી લાકડાંના તરાપા ઉપર બેસી બહુ મોટા પ્રયાસથી તે ઓજસ્વતીને પાર કરી સામે કિનારે બેઠેલા વર્ણીરાજ શ્રીનીલકંઠજીની પાસે પહોંચ્યા અને સૌ સાથે મળીને પિપલાણા ગામમાં પ્રવેશ કર્યો.૨૩-૨૪ 

શ્રીરામાનંદ સ્વામી અને શ્રીનીલકંઠવર્ણીનો પ્રથમ મેળાપ :- હે રાજન્ ! મુક્તાનંદ સ્વામી અને નીલકંઠવર્ણી આદિ સર્વે સંતો તથા ભક્તોએ સંવત ૧૮૫૬ ના જેઠ વદ બારસના દિવસે બપોર પહેલાંના સમયે નરસિંહ મહેતા નામના બ્રાહ્મણને ઘેર વિરાજમાન સદ્ગુરુ શ્રીરામાનંદ સ્વામીનાં દર્શન કર્યાં.૨૫ 

શ્રીસ્વામી શરીરે ગૌરવર્ણના અને હૃષ્ટપુષ્ટ હતા. તેમણે શ્વેતવસ્ત્રો ધારણ કર્યાં હતાં. તેમનું સુંદર મુખકમળ અને જાનુપર્યંત લાંબી બન્ને ભુજાઓ શોભી રહી હતી. ખીલેલા કમળની પાંખડી જેવાં સુંદર નેત્રો અને મંદમંદ મુખહાસ મનમોહક હતાં. પોતાના ભક્તજનોના સમૂહોએ ચંદન અને પુષ્પહાર વગેરે પૂજાના દ્રવ્યોથી પ્રેમપૂર્વક તેમનું પૂજન કર્યું હતું. વિશાળ સભાખંડમાં દિવ્ય સિંહાસન ઉપર બેસી પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા હતા. આવા પરમ સુખના સિંધુ શ્રીસ્વામીના ચરણકમળમાં મુક્તાનંદ આદિ સર્વે સંતો અને ભક્તો સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૨૬ 

સામે વર્ણીરાજ શ્રીનીલકંઠ બ્રહ્મચારીને જોઇ શ્રીરામાનંદ સ્વામી જ્યાં પોતાના આસન ઉપરથી ઊભા થવા લાગ્યા ત્યાં જ ભક્તોમાં ઉત્તમ વર્ણીરાજ શ્રીનીલકંઠ બ્રહ્મચારી ઘણાંક દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૨૭ 

ત્યારે રામાનંદ સ્વામી બન્ને હાથે વર્ણીને ઉભા કરી પ્રેમથી ગાઢ આલિંગન આપી ભેટયા અને હર્ષપૂર્વક પોતાની સમીપમાં જ બેસાડયા. પછી દંડવત પ્રણામ કરી રહેલા મુક્તાનંદ સ્વામી આદિ સર્વેને યથાયોગ્ય માન આપી બેસાડયા.૨૮ 

હે રાજન્ ! પૂર્વે મુક્તાનંદ સ્વામી આદિ સંતો પાસેથી જેવું સ્વામીનું વર્ણન સાંભળ્યું હતું તેવા જ સ્વરૂપમાં સ્વામીનાં દર્શન કરી વર્ણીરાજ રોમાંચિતગાત્ર થયા, તથા આંખોમાંથી પ્રેમનાં અશ્રુઓ વહેવા લાગ્યાં અને પરમ શાંતિને પામ્યા.૨૯ 

નિર્નિમેષ પોતાનું દર્શન કરી રહેલા ભગવાન શ્રીહરિના મુખારવિંદનું તે જ રીતે દર્શન કરતા શ્રીરામાનંદ સ્વામી ચારઘડી પર્યંત એમને એમ સામે જોઇ જ રહ્યા.૩૦ 

શ્રીરામાનંદ સ્વામીના મુખારવિંદની સામે દૃષ્ટિ કરતાં પ્રથમ ક્ષણે જ દેહભાન ભૂલેલા પ્રેમાતુર નીલકંઠવર્ણી થોડીવાર પછી જ્યારે સ્વસ્થ થયા ત્યારે શ્રીરામાનંદ સ્વામી તેમને યથા યોગ્ય કુશળ સમાચાર પૂછવા લાગ્યા.૩૧ 

હે રાજન્ ! તે સમયે મુક્તાનંદસ્વામીએ નીલકંઠવર્ણીનું પોતે અનુભવેલું સમગ્ર વૃત્તાંત સભામાં કહી સંભળાવ્યું. તે સાંભળી રામાનંદ સ્વામી શ્રીનીલકંઠવર્ણીની મુક્તકંઠે પ્રશંસા કરવા લાગ્યા.૩૨ 

અને નીલકંઠવર્ણી પણ પ્રેમથી ગળગળા થઇ શ્રીરામાનંદસ્વામીની સ્તુતિ કરી કહેવા લાગ્યા કે, હે સ્વામી ! આજ મારા મનોરથરૂપી વૃક્ષમાં અમૃત જેવાં મીઠાં ફળો લાગ્યાં, તેથી આ વૃક્ષ સફળ થયું. આ પૃથ્વી ઉપર સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણચંદ્રની એકાંતિકી ભક્તિનું પ્રવર્તન કરનારા આપનાં પ્રત્યક્ષ મિલનથી અત્યારે હું કૃતાર્થ થયો છું અને મારો જન્મ પણ સફળ થયો.૩૩-૩૪ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તે સમયે અતિશય ખુશ થઇ રામાનંદસ્વામીએ તે દિવસે અધિક સુદ બારસ હોવાથી વૈષ્ણવો માટે તે દિવસે એકાદશીવ્રત કરવાનું હોઇ ખજૂર, દ્રાક્ષ આદિ અનંત સુંદર ફળો અને દૂધ વિગેરેથી મુક્તાનંદસ્વામી આદિ સમસ્ત સંતો ભક્તોનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો.૩૫ 

પૃથ્વીના ઈતિહાસનું પ્રથમ અદ્ભૂત દૃશ્ય :- હે રાજન્ ! વર્ણિરાજ શ્રીનીલકંઠવર્ણી અને મુનિરાજ શ્રીરામાનંદ સ્વામીનું જે પ્રથમ દિવ્ય મિલન થયું તે જોનારા સર્વ કોઇ જનોને અતિશય આનંદ ઉપજાવે તેવું અદ્ભૂત હતું. પરસ્પર જોઇ રહેલા બન્નેના નેત્ર કમળમાંથી પ્રેમનાં અશ્રુઓ વહેતાં હોય, બન્ને સિદ્ધદશાને પામેલા સમાન સિદ્ધયોગી પુરુષો હોય, કલ્પી ન શકાય તેટલાં મીઠાં મધુર પરસ્પર મુખમાંથી અમૃતવચનો વરસી રહ્યાં હોય, અકલ્પનીય કેટલું અદ્ભૂત દૃશ્ય હતું.૩૬ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીરામાનંદ સ્વામી અને નીલકંઠવર્ણીરાજનું અદ્ભૂત પ્રથમ મિલનનું નિરૂપણ કર્યું એ નામે છપ્પનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૬--