અધ્યાય - ૯ - દુર્વાસામુનિનું આગમન અને આપેલા શાપનું વર્ણન

દુર્વાસામુનિનું આગમન અને આપેલા શાપનું વર્ણન, દુર્વાસામુનિએ કરેલો અનુગ્રહ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! નેત્ર અને મનની વૃત્તિને ભગવાન શ્રીનારાયણના મુખકમળને વિષે જ એક સ્થિર કરીને મરીચ્યાદિ મુનિઓ ધર્મદેવ, ભક્તિદેવી, ઉદ્ધવ આદિ સર્વે અમૃત સમાન ભગવાનનાં વચનોનું શ્રવણ કરી રહ્યા છે.૧ 

ભગવાન શ્રીનારાયણ પણ ભરતખંડની વાત કરવામાં તલ્લીન થયા છે. તે જ સમયે તેમની જ પ્રેરણાથી દુર્વાસા મુનિનું ત્યાં આગમન થયું.૨

કૈલાસ પર્વત પરથી પધારેલા તપોનિધિ દુર્વાસા મુનિએ પ્રથમ ભાગીરથી ગંગામાં સ્નાન કરી પ્રાતઃ સંધ્યાવન્દનાદિ વિધિ સમાપ્ત કર્યા પછી બદરીવિશાલાની સમીપે પધાર્યા.૩ 

ત્યાં વિશાલાની નીચે વેદિકા ઉપર મુનિમંડળના મધ્યમાં વિરાજતા ભગવાન શ્રીનરનારાયણનાં, તથા મૂર્તિદેવીધર્મ અને દિવ્ય શરીરને પામેલા ઉદ્ધવજીનાં તે દુર્વાસામુનિને દર્શન થયાં.૪

શ્રીનારાયણ ભગવાનની વાત સાંભળવામાં સર્વેના મન આસક્ત હોવાને કારણે કોઇએ પણ તે દુર્વાસા મુનિને જોયા નહિ. તેથી માનનીય એ દુર્વાસા મુનિનો કોઇથી પણ આદર સત્કાર થયો નહિ.૫ 

 તેથી અત્રિપુત્ર દુર્વાસા મુનિ એક ઘડી પર્યંત તે સભાસદો સામે જ એક દૃષ્ટિ કરતા ઊભા રહ્યા, અને આ સભાસદોએ મારું ઘોર અપમાન કર્યું છે, એમ પોતાના મનમાં માનવા લાગ્યા.૬

ક્રોધથી તેમનાં નેત્રો લાલચોળ થયાં શરીર કંપવા લાગ્યું, હોઠ ફરકવા લાગ્યા, ધર્મદેવ આદિ સર્વે સભાસદો ઉપર ક્રોધના અંગારા વર્ષાવતા બે હાથ ઊંચા કરી નિર્ભયપણે શાપ આપતા કહેવા લાગ્યા.૭

 અહો !!! આશ્ચર્યની વાત છે ને, આ કેવો વિપરીત સમય આવ્યો છે ? જેથી સત્પુરુષોના માર્ગે ચાલનારા પુરુષો પણ કુમાર્ગે ચાલનારા થયા છે. મહાપુરુષોએ બાંધેલી ધર્મમર્યાદાને તોડી રહ્યા છે અને અભિમાનથી મદોન્મત્ત બન્યા છે, અતિથિઓના અપમાન કરવા સુધીના અધર્મમાર્ગે જઇ રહ્યા છે.૮

 અરે !!! આ મરીચ્યાદિ વિપ્રો વિદ્યા, તપ વિગેરેના મદથી ઉન્મત્ત થયા છે, તેથી એ મારું અપમાન કદાચ ભલે કરે પણ આ સાક્ષાત્ ધર્મદેવ પણ ધર્મમર્યાદાનો ભંગ કરી મારું અપમાન કરે છે ?.૯

 તેથી આજ એ સર્વેના ગર્વનો હું નાશ કરીશ. જેથી ફરીને આવું કર્મ તે કરે નહિ. આ પ્રમાણે ઉચ્ચ સ્વરે ગર્જના કરતા તે સર્વેને શાપ આપવા લાગ્યા.૧૦

 કે હે ધર્માદિ મુનિઓ ! તમે સર્વે પૃથ્વી ઉપર મનુષ્ય જન્મને પામો, ત્યાં કળિયુગ અને અધર્મથી વૃદ્ધિ પામેલા અસુરો થકી મહા કષ્ટ પામો. મારું અપમાન કરનારા તમારા સર્વેનું તે અસુરો દ્વારા ઘોર અપમાન થાઓ અને તાડન પામો. તેમજ ધક્કા મારી ગામ અને નગરમાંથી બહાર કાઢી મૂકવા આદિ ઘણાક અપમાનને પામો.૧૧-૧૨

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! અકસ્માત જાણે આખા બ્રહ્માંડને બાળી દેશે કે શું ? એમ દુર્વાસામુનિ આ પ્રમાણે ધર્મદેવ આદિ સભાસદોને શાપ આપી મૌન થયા.૧૩

 હે રાજન્ ! તે સમયે ઉચ્ચ સ્વરે આક્રોશ ભરેલા શબ્દો સાંભળી ભગવાન શ્રીનારાયણમુનિ, ધર્મદેવ, મુનિઓ અને ઉદ્ધવજીએ પાછું વળીને જોયું, ત્યાં તો કાળઝાળ ક્રોધરૂપી અગ્નિથી ધખતા દુર્વાસામુનિને જોયા.૧૪

 અતિ ક્રોધરૂપી અગ્નિથી તેમનું શરીર બળી રહ્યું હતું અને કાંપતું હતું, કટ કટ શબ્દ કરતા દાંત વચ્ચે હોઠને દબાવી રહ્યા હતા, એમનાં નેત્રો અતિશય લાલચોળ બન્યાં હોવાથી તેમની સામે જોવાની કોઇની હિંમત પણ ચાલતી ન હતી.૧૫

આવા દુર્વાસાને જોઇને સર્વે મુનિઓ તત્કાળ આસન ઉપરથી ઊભા થયા, આદરપૂર્વક વંદન કરી સુંદર આસન ઉપર તેમને બેસાડયા અને અતિ વિનમ્ર બની સાંત્વના આપવા લાગ્યા.૧૬

હે ભૂપતિ ! મરીચ્યાદિ મુનિઓએ અનેક પ્રકારના ઉપાયોથી શાંત પાડવાની કોશિષ કરી પણ દુર્વાસા મુનિનો ક્રોધ તો જાણે અગ્નિમાં ઘીનો હોમ કરે ને અગ્નિ પ્રજ્વલ્લિત થાય તેમ ફરી અત્યંત ભભૂકી ઊઠયો પણ શાંત થયો નહિ.૧૭

પછી મહા ઉદારબુદ્ધિવાળા સાંત્વના આપવામાં ચતુર, બ્રાહ્મણપ્રિય ધર્મદેવ, વિના કારણે શાપ આપતા તે દુર્વાસામુનિના ચરણમાં પડી બે હાથ જોડી વિનયપૂર્વક પ્રણામ કરી કહેવા લાગ્યા.૧૮

ધર્મદેવ કહે છે, હે મહર્ષિ ! જે પુરુષોએ અપરાધ કર્યો હોય તેના હિતને અર્થે તમારા જેવા સત્પુરુષોએ કરેલો શિક્ષાદંડ નિશ્ચે યોગ્ય જ છે. પરંતુ હે મુનિ ! અમે તમારું અપમાન જાણી જોઇને કર્યું નથી, અથવા કપટથી પણ કર્યું નથી, પરંતુ આ ભગવાન નારાયણની વાત સાંભળવામાં અમારું ચિત્ત આસક્ત હતું તેથી આપશ્રીના આગમનને અમો જાણી શક્યા નહિ.૧૯-૨૦

અરે !!! આપના જેવા સંત માટે અમે અમારું સર્વસ્વ અર્પણ કરી દઇએ, એટલું જ નહિં અમારા પ્રાણનું પણ બલિદાન આપી દઇએ તો પછી સ્વેચ્છાથી અહીં પધારેલા આપ બ્રહ્મર્ષિનું અમે સન્માન કેમ ન કરીએ ?.૨૧

પરંતુ આ ભગવાન શ્રીનારાયણની વાર્તા સાંભળવામાં અમારું મન આસક્ત હતું તેથી આપ પધાર્યા તેની અમારે જાણ ન હોવાથી આપશ્રીનું સન્માન થઇ શક્યું નહિ, આ અજાણતાં થયેલા અમારા અપરાધને ક્ષમા કરો. અને અમો સર્વને શાપથકી મુક્ત કરો.૨૨

હે મુનિ ! અન્ય ઉપર અનુગ્રહ કરવાને અર્થે જ તમારા જેવા સંતનો અવતાર હોય છે. પરંતુ અપરાધીઓને દંડ દેવા માટે ક્રોધ તો ક્ષણ માત્ર હોય છે, વાસ્તવમાં આપના જેવા બ્રાહ્મણોનું હૃદય તો માખણ જેવું કોમળ હોય છે.૨૩

સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! નીતિમાં કુશળ ધર્મદેવ આપ્રમાણે નિષ્કપટ ભાવથી દુર્વાસામુનિની પ્રાર્થના કરી તેથી ક્રોધ કાંઇક થોડો શાંત થયો અને બે હાથ જોડી ઊભેલા ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા.૨૪

દુર્વાસામુનિએ કરેલો અનુગ્રહઃ- દુર્વાસામુનિ કહે છે, હે ધર્મ ! હું ક્ષણવાર ક્રોધ કરનારો વ્યક્તિ નથી, ત્રિલોકિને વિષે કોઇપણને હું મારા શાપ થકી ક્યારેય પણ મુક્ત કરું નહિ એવી મારી ખ્યાતિ છે.૨૫

છતાં પણ હે નિષ્પાપ ! ધર્મદેવ ! પુણ્યમૂર્તિ! આપશ્રીના સાંનિધ્યથી અને કાંઇક આ ભગવાનની ઇચ્છાથી મારું ચિત્ત કાંઇક કોમળ થયું હોય તેમ મને જણાય છે.૨૬

હે ધર્મદેવ ! મારો શાપ તો ક્યારેય મિથ્યા થતો નથી. છતાં પણ તમારા ઉપર અનુગ્રહ કરું છું તેને તમે સાંભળો.૨૭

મનુષ્યયોનીમાં પણ આ મૂર્તિદેવી તમારાં પત્ની તરીકે જન્મ ધારણ કરશે અને આ સાક્ષાત્ નારાયણઋષિ ફરીને તમારા પુત્ર સ્વરૂપે પ્રગટ થશે.૨૮

પુત્ર સ્વરૂપે પ્રકટેલા આ પરમાત્મા તમારું અને આ સર્વે મુનિઓનું અધર્મ અને અસુરોના કષ્ટ થકી રક્ષણ કરશે, અને પૃથ્વી ઉપર તમારું સર્વ પ્રકારે ચોક્કસ પાલન પોષણ કરશે.૨૯

પુત્રરૂપે પ્રગટેલા આ પરમાત્માને વિષે તમારો સ્નેહ અતિશય વૃદ્ધિ પામવાથી તેમના સ્વરૂપને વિષે તમારાં બન્નેનાં ચિત્તનો નિરોધ થશે. ત્યાર પછી ટુંક સમયમાં જ મારા શાપ થકી મુક્ત થઇ જશો.૩૦

હે ધર્મદેવ ! ત્યાર પછી તમે તમારી મનોવાંછિત દિવ્યગતિને પ્રાપ્ત કરશો, અને હું જે વચન કહું છું તે પ્રમાણે જ થશે પણ ક્યારેય બીજી રીતે નહિ થાય.૩૧

હે મુનિઓ ! જ્યારે તમે પૃથ્વી ઉપર ઉદ્ધવજીની સાથે ત્રૈવર્ણિક દ્વિજાતિમાં મનુષ્યયોનિમાં જન્મ ધારણ કરશો ત્યારે આ નારાયણ ભગવાન તમારા સખા બની તમારી સર્વેની સહાય કરશે.૩૨

ત્યાર પછી મારા શાપ થકી મુક્ત થઇ દિવ્ય ગતિને પ્રાપ્ત કરશો. આ પ્રમાણે અનુગ્રહ કરી સર્વેને નમસ્કાર કરી દુર્વાસામુનિ ફરી કૈલાસ પ્રત્યે ચાલ્યા ગયા.૩૩

સુવ્રત મુનિ કહે છે, હે રાજન્ ! ત્યાર પછી મરીચ્યાદિ મુનિઓ મનુષ્ય દેહ ધારણ કરવાની ઇચ્છા કરતા કેટલોક સમય ત્યાં બદરિકાશ્રમમાં જ નિવાસ કરીને રહ્યા, આ બધા દુર્વાસામુનિને પાછો શાપ આપવા સમર્થ હતા છતાં સદ્બુદ્ધિવાળા તેઓએ શાપ આપ્યો નહિ.૩૪

શાપ તો નિમિત્ત માત્ર હતો. હે રાજન્ ! નિરપરાધી મુનિઓ અને ધર્મ-ભક્તિને જે શાપ થયો તેનું મુખ્ય કારણ ધર્મદ્રોહીઓનો વિનાશ કરવા ઇચ્છતા શ્રીનારાયણ ભગવાનની ઇચ્છા જ જાણવી.૩૫

તેથી જ પોતાના અનન્ય ભક્ત એવા ધર્મદેવ આદિ મુનિઓને અકારણ ક્રોધપૂર્વક શાપ આપતા દુર્વાસામુનિને રોક્યા નહિ, ઠપકો પણ આપ્યો નહિ અને શાપને પણ મિથ્યા કર્યો નહિ.૩૬

ત્યાર પછી ધર્મદેવ શ્રીનારાયણ ભગવાનને કહેવા લાગ્યા કે, હે નારાયણ ! તમે અમારું અને આ મુનિઓનું પૃથ્વીપર અસુરો અને અધર્મના સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરજો.૩૭

ત્યારે ભગવાન શ્રીનારાયણ કહેવા લાગ્યા કે, હે તાત ! તમે મનમાં જરા પણ ચિંતા ન કરશો, મારી ઇચ્છાથી જ આ શાપ થયો છે એમ તમે જાણો.૩૮

પૃથ્વી પર અત્યારે અધર્મ કળિયુગની સહાયતા લઇ ચારે તરફ ખૂબ જ વૃદ્ધિ પામ્યો છે. તે અધર્મથી મારા ભક્તો ખૂબજ પીડાઇ રહ્યા છે.૩૯

તે કારણથી હું તમારે ત્યાં ફરી પુત્ર સ્વરૂપે પ્રગટ થઇ ''હરિ'' એવા નામથી વિખ્યાત થઇશ. સાધુ પુરુષોનું પાલન કરીશ અને અધર્મનો સંપૂર્ણપણે ચારે બાજુથી વિનાશ કરીશ.૪૦

તમારી સાથે વિચરણ કરીને હું ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત ભક્તિનું ભારતની ભૂમિ ઉપર ફરી પૂર્વવત્ પ્રવર્તન કરીશ.૪૧

તેથી તમે સર્વે ચિંતા છોડીને જેમની જ્યાં ઇચ્છા હોય તેવા ત્રૈવર્ણિક દ્વિજાતિ મનુષ્ય યોનિમાં પૃથ્વી પર જન્મ ધારણ કરો.૪૨

આ પ્રમાણે ભગવાન શ્રીનારાયણમુનિનાં વચન સાંભળી શાંત થયેલા તે સર્વે મુનિઓ ભગવાનને પ્રણામ કર્યા અને હૃદયમાં શ્રીનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના આશ્રમો પ્રત્યે સીધાવ્યા.૪૩

સુવ્રત મુનિ કહે છે, હે રાજન્ ! ધર્મપિતા, મૂર્તિદેવી અને ઉદ્ધવજી પણ પવિત્ર ભૂમિ-ઉત્તર કૌશળ દેશને વિષે મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરવાની ઇચ્છાથી યોગ્ય માતા-પિતા વિષે ચિંતવન કરવા લાગ્યા.૪૪

હે ભૂમિપતિ ! તે મરીચ્યાદિ મહર્ષિઓ પણ મનુષ્ય જાતિમાં જન્મ લેવાની ઇચ્છાથી અનેક દેશોમાં વિચરણ કરવા લાગ્યા અને સમય જતાં યોગ્ય દ્વિજ માતા-પિતાને ત્યાં જન્મ ધારણ કર્યો.૪૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવ આદિને થયેલા દુર્વાસાના શાપનું અને ભગવાનના જન્મ લેવા રૂપ અનુગ્રહનું નિરૂપણ કર્યું એ નામે નવમો અધ્યાય પૂર્ણ થયો. --૯--