અધ્યાય - ૧ - ભગવાન શ્રીહરિ ગઢપુર પધાર્યા તેને આઠ વર્ષ થયાં ને અભયરાજા ગોલોકવાસી થયા.

ભગવાન શ્રીહરિ ગઢપુર પધાર્યા તેને આઠ વર્ષ થયાં ને અભયરાજા ગોલોકવાસી થયા. સપરિવાર ઉત્તમરાજાની અનુપમ દાસત્વભક્તિ. પ્રસન્ન શ્રીહરિએ પૂજવા આપ્યું પોતાનું રાધાકૃષ્ણસ્વરૃપ. સંતોષ પમાડવા પુનઃ આપ્યું પોતાનું શ્રીહરિકૃષ્ણસ્વરૃપ. લલિતાબા સર્વશ્રેષ્ઠ. જયાબા આદિકના ઉપચારોનો પણ મૂર્તિએ કર્યો પ્રત્યક્ષ સ્વીકાર.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! પૂર્વોક્ત દ્વિતીય પ્રકરણમાં કહ્યું એ રીતે દુર્ગપુર નિવાસી અને અન્ય દેશના નિવાસી નરનારી ભક્તજનોને અતિશય આનંદ પમાડતા ભગવાન શ્રીહરિને દુર્ગપુરને વિષે આઠ શરદઋતુઓ પસાર થઇ. વિક્રમ સંવત્ ૧૮૬૧ ના મહાસુદિ એકાદશીને દિવસે શ્રીહરિ ગઢપુર પધાર્યા ત્યારથી આરંભીને સંવત ૧૮૬૯ ના મહાસુદિ એકાદશી પર્યંત ગઢપુરના નિવાસને આઠ વર્ષ વીતી ગયાં.૧ 

હે રાજન્ ! પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિની પ્રાપ્તિથી અને તેમની સેવા પરિચર્યાના લાભથી પૂર્ણ મનોરથવાળા વૃદ્ધ અભયરાજા ભગવાન શ્રીહરિ દુર્ગપુર પધાર્યા તેના નવમા વર્ષના નવમા મહિને વિક્રમ સંવત ૧૮૭૦ ના કાર્તિકવદ પાંચમને દિવસે પંચભૌતિક શરીરનો ત્યાગ કરી ભાગવતી દિવ્ય દેહને પામી ભગવાનની કૃપાથી તેમના ગોલોકધામને પામ્યા.૨ 

હે રાજન્ ! તે સમયે અતિશય ડાહ્યા, સદ્બુદ્ધિવાળા પુત્ર ઉત્તમરાજાએ પિતાની ઉર્ધ્વદૈહિક ક્રિયાવિધિમાં પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિના ભક્તો તથા સર્વે સાધુ, બ્રહ્મચારી અને પાર્ષદો તથા અનેક બ્રાહ્મણોને અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ભોજન જમાડી તૃપ્ત કર્યા.૩  

સપરિવાર ઉત્તમરાજાની અનુપમ દાસત્વભક્તિ :- હે રાજન્ ! ઉત્તમરાજા રાજગાદિપર આરૂઢ હોવા છતાં પણ વિનયભાવે વર્તતા અને રાજ્યનો તમામ ભાર ભગવાન શ્રીહરિને અધીન કરી રાખેલો તથા પોતે પ્રતિદિન અતિહર્ષથી ભગવાન શ્રીહરિ તથા સંતોના દાસભાવે પરમ પ્રીતિથી વર્તતા.૪ 

હે રાજન્ ! સાધુસેવા આદિ સદ્ગુણો, સાક્ષાત્ શ્રીહરિની નવપ્રકારની ભક્તિ, લોક અને શાસ્ત્રને મળતી આવે એવી બુદ્ધિ, વિદ્યા જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય તથા કીર્તિ આદિ અનંત સદ્ગુણોમાં ઉત્તમરાજા પોતાના પિતા કરતાં પણ ચડીયાતા હતા.૫ 

હે રાજન્ ! ભગવાન શ્રીહરિની કૃપાથી તે ઉત્તમરાજાની ધન, ધાન્ય આદિ સર્વ સમૃદ્ધિ સર્વ રાજા મહારાજાઓ કરતાં પણ અધિક વૃદ્ધિ પામી. લક્ષ્મીપતિ ભગવાન શ્રીહરિનો ગઢપુરમાં નિરંતર નિવાસ થવાથી સર્વે ગઢપુરવાસી જનો પણ ધન આદિકથી સમૃદ્ધ થયાં.૬ 

તે ઉત્તમરાજાની જયા, લલિતા, નાનુ અને પાંચાલી આ ચાર બહેનો, સુપ્રભા અને સોમાદેવી એ બે માતાઓ, કુમદા અને જસુદેવી આ બે પત્નીઓ તે સર્વે પણ પોતાની સેવામાં બીજી સો સો દાસીઓ રહેલી હોવા છતાં પણ સ્વયં દાસીઓની પેઠે વર્તી સમયે સમયે ભગવાન શ્રીહરિની સેવામાં જાતે તત્પર રહેતાં હતાં.૭  

પ્રસન્ન શ્રીહરિએ પૂજવા આપ્યું પોતાનું રાધાકૃષ્ણસ્વરૂપ :- હે રાજન્ ! જયાબહેન આદિ સર્વે ઉત્તમરાજાનો પરિવાર ભગવાન શ્રીહરિને અર્થે ઘઉં આદિ દળવું, ચોખા આદિ ખાંડવું, પ્રતિદિન ઉન્મત્તગંગાથી જળ લાવવું, વાસણો માંજવાં, લીંપવું, વસ્ત્રો ધોવાં આદિ અનંત પ્રકારની સેવા નિષ્કપટભાવે પ્રેમપૂર્વક કરતા.૮ 

તેથી ઉત્તમરાજા તથા જયાબહેન આદિ સંબંધીજનોની શ્રદ્ધા, ભક્તિ, ધર્મમાં દૃઢતા, માન, ક્રોધ, ઇર્ષ્યા, કામ, રસાસ્વાદ આદિ સર્વ દુર્ગુણોથી રહિતપણું અને દાન આપવામાં ઉદારતા જોઇને પરમેશ્વર એવા ભગવાન શ્રીહરિ તેમના ઉપર અત્યંત પ્રસન્ન થયા.૯ 

હે રાજન્ ! પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિએ કાયા, મન, વાણીથી જોડાયેલા ઉત્તમ આદિ આખા પરિવારને પ્રતિદિન પૂજવા માટે રાધાકૃષ્ણ દેવની ધાતુની પ્રતિમા પોતાના શુભ હસ્તે દરેકને અલગ અલગ અર્પણ કરી. ત્યારે સર્વેએ વિનયપૂર્વક ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી અર્પણ કરેલી પ્રતિમાઓ પ્રેમથી સ્વીકારી.૧૦ 

હે રાજન્ ! પ્રગટ ભગવાન શ્રીહરિના હાથેથી જ રાધાકૃષ્ણની પ્રતિમા સર્વેને પ્રાપ્ત થઇ હતી અને તે પ્રતિમા પણ તે પ્રગટપણે વિરાજતા ભગવાન શ્રીહરિનું જ સ્વરૂપ છે, એમ માની સૌ તેનું પૂજન દર્શન પ્રતિદિન કરતાં હતાં, છતાં પણ તે ઉત્તમાદિ પરિવારના જનોની ઇન્દ્રિયોની વૃત્તિ અને તેનો વ્યાપાર માત્રને માત્ર પ્રગટ ભગવાન શ્રીહરિને વિષે જ આસક્ત રહેતો હોવાથી રાધાકૃષ્ણની મૂર્તિથી તેઓને સંતોષ પ્રાપ્ત થયો નહિ.૧૧  

સંતોષ પમાડવા પુનઃ આપ્યું પોતાનું શ્રીહરિકૃષ્ણસ્વરૂપ :- હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ પોતાના પૂર્વ અવતાર શ્રીકૃષ્ણનાં સ્વરૂપ કરતાં પણ વર્તમાન અવતાર¬ી વર્ણિસ્વરૂપમાં ઉત્તમ આદિ આખા પરિવારનો અધિક પ્રેમ જોઇ ફરી તે સર્વેને પોતાના હરિકૃષ્ણ સ્વરૂપની ધાતુની પ્રતિમા અલગ અલગ પૂજવા આપી.૧૨ 

ત્યારપછી જયા લલિતા આદિ બહેનોની સાથે અત્યંત ખુશ થયેલા ઉત્તમરાજા પૂર્વ અવતાર સ્વરૂપ શ્રી રાધાકૃષ્ણની મૂર્તિની સાથે વર્તમાન અવતારીનું સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજને પધરાવી પ્રતિદિન ભક્તિભાવપૂર્વક પૂજા કરવા લાગ્યા, અને મનમાં બન્ને પ્રતિમાઓમાં લેશમાત્ર પણ ભેદ સમજતા નહિ.૧૩ 

હે રાજન્ ! તે ઉત્તમ રાજા આદિ સર્વેને પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિની સેવામાં બહુ આનંદ આવતો, છતાં ભગવાન શ્રીહરિની આજ્ઞાથી અતિશય પ્રેમસભર ઉદાર ભાવની સાથે બન્ને પ્રતિમાઓનું વિધિ પ્રમાણે પ્રતિદિન પૂજન કરતાં.૧૪  

લલિતાબા સર્વશ્રેષ્ઠ :- હે રાજન્ ! પરિવારના સર્વે સભ્યોની મધ્યે લલિતાદેવી નિરંતર ઉપાધિ વિના નિષ્કપટ ભાવથી કરેલી ભક્તિથી સર્વ કરતાં શ્રેષ્ઠ સિદ્ધ થયાં, તેમની ભક્તિથી પ્રસન્ન થઇ શ્રીહરિએ એક દિવસે તેમને કહ્યું કે, ''હે ભદ્રે ! તું મારી પાસેથી ઇચ્છિત વરદાન માગ.''૧૫ 

ત્યારે પૂર્વ અવતારમાં રાધાની સખી લલિતાદેવી જેમ શ્રીકૃષ્ણના અનુગ્રહનું વધુ પ્રિયપાત્ર થયાં હતાં તેમ અત્યારે પણ પ્રગટ ભગવાન શ્રીહરિની વર માગવાની પ્રેરણા મળતાં મોટાં જયાબા થકી નાનાં બહેન લલિતાબા ભગવાન શ્રીહરિનાં વધુ પ્રિયપાત્ર થયાં. પ્રતિદિનની જેમ આજે પણ શ્રીહરિની મૂર્તિનું વિધિવત્ પૂજન કરી પોતાના હાથે તૈયાર કરેલા વિવિધ પ્રકારના ભોજનનો થાળ તૈયાર કરીને ભગવાન શ્રીહરિને જમાડવાનો અવસર પ્રાપ્ત થતાં અને ભગવાન શ્રીહરિએ વરદાન માગવાની પ્રેરણા કરતાં અતિ ઉત્સાહમાં આવી લલિતાબા કહેવા લાગ્યાં કે, હે સ્વામિન્ ! બહુ સમયથી મારા મનની ઇચ્છા તમને જણાવવાની તાલાવેલી હતી, છતાં પણ હું બોલી શક્તી ન હતી. કારણ કે, દિવ્ય મનુષ્યાકૃતિ ધરી રહેલા તમે અત્યારે બ્રાહ્મણ જાતિના બ્રહ્મચર્યાશ્રમના ધર્મમાં વર્તી રહ્યા છો. બહેનો સાથે નહિ બોલવાની આપની ધર્મમર્યાદા મારી વાણીને રોકી રાખે છે. પરંતુ આજે તમે સામેથી બોલાવી તેથી હું રાજી થઇ છું.૧૬-૧૭ 

હે રાજન્ ! આ પ્રમાણે લલિતાબાએ કહ્યું ત્યારે તેનો શુભ આશય જાણીને હસતા હસતા ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે શુભાસ્યે ! ધર્મમર્યાદાનું ઉલ્લંઘન નહિ કરનારાં તમારો શુભ આશય મેં જાણ્યો છે. એ તમારા મનનો મનોરથ મેં અર્પણ કરેલી મારી બન્ને પ્રતિમાઓની પૂજા કરવાના સમયે નિશ્ચય પરિપૂર્ણ થશે. અને એમ થવાથી લોક અને શાસ્ત્રની મર્યાદામાં કોઇ બાધ નહિ આવે.૧૮ 

હે રાજન્ ! આ રીતે ભગવાન શ્રીનારાયણમુનિ પાસેથી વરદાન મળવાથી અતિશય ખુશ થયેલાં લલિતા બન્ને મૂર્તિની અતિ પ્રેમથી પૂજા કરતાં અને ભગવાન પણ મૂર્તિમાંથી પ્રગટ થઇ અર્પણ કરેલા પૂજાના ઉપચારોને પ્રત્યક્ષ સ્વીકારતા. તેનું દર્શન કરીને લલિતાબાને આશ્ચર્ય સાથે આનંદ થતો.૧૯ 

હે રાજન્ ! આ રીતે આનંદથી વિક્સેલાં હૃદય અને મુખકમળવાળાં લલિતાબા પ્રતિદિન બન્ને મૂર્તિઓનું પૂજન કરી પોતાને હાથે તૈયાર કરેલી અતિશય સુંદર રસોઇનો થાળ ભગવાન શ્રીહરિને નિવેદન કરતાં, અને ભગવાન શ્રીહરિ પણ તેને રાજી કરવા પ્રગટ થઇને જમતા.૨૦  

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિ થકી મહાસુખને પ્રાપ્ત કરતાં લલિતાબાને કેટલાય દિવસો પસાર થઇ ગયા. તેવામાં પરમેશ્વર ભગવાન શ્રીહરિ મૂર્તિદ્વારા લલિતાબાએ અર્પણ કરેલાં ભોજનો સાક્ષાત્ પ્રગટ થઇને જમે છે, એવી લોકવાયકા પ્રસિધ્ધ થઇ.૨૧ 

ત્યારે મોટાં જયાબા વગેરે પરિવારનાં સ્ત્રી ભક્તજનો આવા પ્રકારનું અલૌકિક આશ્ચર્ય થતું સાંભળીને અતિશય આનંદમાં આવી શ્રીહરિની પૂજાના સમયે જ લલિતાબા પાસે આવી તેમણે અર્પણ કરેલો થાળ સાક્ષાત્ શ્રીહરિકૃષ્ણ મહારાજ જમતા હોય તેનું દર્શન કરવા પોતાના સ્થિર અને દીર્ઘ નેત્રો કરીને બેઠાં.૨૨ 

હે રાજન્ ! ત્યારે જયાબા વગેરે સ્ત્રીઓએ લલિતાબાએ અર્પણ કરેલા થાળમાંથી ચાર પ્રકારનું ભોજન ધીમે ધીમે અડધું થઇ ગયેલું જોયું, તેથી બહુજ આશ્ચર્ય પામ્યાં, પરંતુ સાક્ષાત્ ભોજન કરતા શ્રીહરિકૃષ્ણ મહારાજને પ્રત્યક્ષ જોયા નહિ, પ્રત્યક્ષ થાળ જમતા શ્રીહરિનાં તો એક લલિતાબાને જ દર્શન થયાં. તેથી જયાબા આદિ સર્વેએ લલિતાબાની ખૂબજ પ્રશંસા કરી પછી પોતાના નિવાસસ્થાને ગયાં.૨૩  

જયાબા આદિકના ઉપચારોનો પણ મૂર્તિએ કર્યો પ્રત્યક્ષ સ્વીકાર :- હે રાજન્ ! આવું આશ્ચર્ય જોઇને જયાબા આદિને લલિતાબા ઉપર ઇર્ષ્યા ન થઇ. ઇર્ષ્યા તો દેહાભિમાની અને અજ્ઞાનીમાં પ્રગટે. આતો સર્વે આત્મા અને પરમાત્માના યથાર્થ જ્ઞાનથી સંપન્ન હતાં. તેથી ભગવાન શ્રીહરિને વિષે પોતાની પ્રીતિ લલિતાબા કરતાં ન્યૂન જાણીને જયાબા આદિના અંતરમાં બહુ જ સંતાપ થયો. ત્યારપછી લલિતાબા જેવી જ પોતાને ભગવાન શ્રીહરિમાં પ્રીતિ થાય તેને માટે પોતાના મનને અતિશય શુદ્ધ કરવા પ્રયત્ન કરવા લાગ્યાં.૨૪ 

હે રાજન્ ! ત્યારે જયાબા વિગેરે ટૂંક સમયમાં જ લલિતાબાની જેમ ભગવાન શ્રીહરિને વિષે અનન્ય ભક્તિભાવવાળાં થયાં. તેમજ ઉત્તમરાજા પણ વર્ણિરાજ શ્રીહરિની દાસભાવે અત્યંત સેવાપરાયણ થવાથી તેવી જ અનન્ય ભક્તિભાવ-વાળી સ્થિતિને પામ્યા.૨૫ 

હે રાજન્ ! શ્રીસ્વામિનારાયણ ભગવાન તે સર્વે ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવા માટે તેમણે અર્પણ કરેલા પૂજાના ઉપચારો પોતાની શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિ દ્વારા ક્યારેક ક્યારેક અતિહર્ષથી પ્રગટ થઇ પ્રત્યક્ષપણે સ્વીકારવા લાગ્યા.૨૬ 

આ રીતે જયાબા અને ઉત્તમરાજા આદિ સમસ્ત પરિવાર ભગવાન શ્રીહરિમાં એકાગ્ર મનવાળા થઇ અતિહર્ષથી નિરંતર તેમની સેવા કરવા લાગ્યા. ત્યારપછી તેઓની ભક્તિને આધીન થઇ સમર્થ ભગવાન શ્રીહરિ તેઓને છોડીને અન્યત્ર જવા સમર્થ થતા નહિ.૨૭ 

હે રાજન્ ! ભગવાન શ્રીહરિને દેશદેશાંતરના રાજાઓ તથા બીજા અનેક ભક્તજનો પોતાના ગામ અને નગરને વિષે પધારવાની બહુ ભાવથી વારંવાર પ્રાર્થના કરતા છતાં પણ દુર્ગપુરમાં જ ઘણું કરીને રહેતા.૨૮ 

જેવી રીતે પૂર્વે કૃષ્ણ-અવતારમાં નંદ-યશોદા તથા પ્રિય ભક્તો એવા ગોપ-ગોપીઓના પ્રેમને વશ થઇ તેમને રાજી કરવા ગોકુળમાંજ નિવાસ કરીને રહ્યા હતા. તેવી જ રીતે ભગવાન શ્રીહરિ જયાબા, લલિતાબા, ઉત્તમરાજા વગેરે અનન્ય પ્રેમી ભક્તોને રાજી કરવા માટે દુર્ગપુરમાં નિવાસ કરીને રહ્યા.૨૯  

હે રાજન્ ! ભગવાનને વિષે અત્યંત ભક્તિવાળા ઉત્તમરાજાને ભગવાન શ્રીસહજાનંદ સ્વામીમાં ઉત્કૃષ્ટ પ્રેમ ઉત્પન્ન થયો. તેની ભક્તિને વશ થયેલા ભગવાન તેમના ઘરને પોતાનું જ ઘર માનીને રહેવા લાગ્યા. હે રાજન્ ! જે ભક્ત નિર્ભયપણે ભગવાન શ્રીહરિકૃષ્ણની નિરંતર ભક્તિ કરે છે તે નિર્દંભી ભક્તની પણ શ્રીહરિ નિરંતર ભક્તિ કરે છે. તેવી જ રીતે તે ભક્તે અનન્યભાવે અર્પણ કરેલી અલ્પ સરખી કોઇ વસ્તુને ભગવાન શ્રીહરિ મેરુ સમાન મોટી માને છે.૩૦-૩૧ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં ઉત્તમરાજા આદિની ભક્તિનું ઉત્કર્ષપણાનું વર્ણન કર્યું એ નામે પ્રથમો અધ્યાય પૂર્ણ થયો. --૧--