ઉદ્ધવ સંપ્રદાયનાં નરનારીઓના ધર્મની રક્ષાનો અને વૃદ્ધિનો ઉપાય પૂછતા હેમંતસિંહ રાજા. અસુરોની ઉત્પત્તિ, લક્ષણો અને સંગફળ. દેવતા, ઋષિઓ અને મનુષ્યોની ઉત્પત્તિ. અસુરવિનાસની ભગવાનની બે રીત. ભગવાનની જેમ સેવવા યોગ્ય સંતના લક્ષણો. સ્ત્રીઓ માટે સંતસેવનની રીત. સાચા સંતનાં લક્ષણ. અસંતના લક્ષણ.
હેમંતસિંહ રાજા પૂછે છે, હે ભગવાન ! આ ઉદ્ધવસંપ્રદાયમાં રહેતા સ્ત્રી-પુરુષોના ધર્મની રક્ષા જે સાધનથી થાય તે સાધન શું છે ? તે આપ જણાવો, આ પહેલો પ્રશ્ન છે. વળી હે પ્રભુ ! જે પ્રકારે સદ્ધર્મની સંવૃદ્ધિ થાય તેનો ઉપાય શું છે ? આ બીજો પ્રશ્ન છે. અને ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસનાની સંવૃદ્ધિ કઇ રીતે થઇ શકે ? આ ત્રીજો પ્રશ્ન છે. તેમજ સદ્ધર્મનો અને ઉપાસનાનો જીવનમાંથી ક્ષય કેમ થઇ જાય છે ? આ ચોથો પ્રશ્ન છે. તો હે પ્રભુ ! આ ચારે પ્રશ્નોના ઉત્તર અમને વિવેચન કરીને સમજાવો.૧-૨
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે રાજન્ ! પહેલાં હું તમને સદ્ધર્મની રક્ષાનું સાધન શું છે, એ પ્રશ્નનો ઉત્તર આપું છું, તેને તમે સાવધાન થઇને સાંભળો. હે રાજન્ ! સત્સંગ છે તે જ સદ્ધર્મના રક્ષણનો શ્રેષ્ઠ ઉપાય છે, અને આ વાત છે તે સકલ શાસ્ત્ર સંમત છે, એમ તમે નક્કી જાણો.૩
દૈવી સંપત્ યુક્ત સ્ત્રી-પુરુષોના સત્સંગથી જ સદ્ધર્મ અને ભગવાનની ઉપાસનાનું બળ વૃદ્ધિ પામે છે. તેમાં પુરુષોએ પુરુષોનો સમાગમ કરવો અને સ્ત્રીઓએ સ્ત્રીઓનો સમાગમ કરવો. આ વિવેક અતિશય અગત્યનો સમજવો. તેમજ આસુરી સંપત્ યુક્ત સ્ત્રી-પુરુષોના સહવાસથી સદ્ધર્મ અને ભગવાનની ઉપાસનાનું બળ ઘટી જાય છે.૪
હે રાજન્ ! ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું નિરૂપણ કરવામાં તેમજ બાહ્યવેષમાં દૈવી અને આસુરી સંપત્તવાળા પુરુષો કે સ્ત્રીઓ એક સરખા હોય છે, ઉપરથી તો જલદી ઓળખી શકાય નહિ.૫
પરંતુ જે દૈવીસંપત્વાળા સાધુપુરુષો સજ્જન હોય છે, તે નિષ્કપટભાવે કેવળ પોતાના આત્યંતિક કલ્યાણને માટે અને ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે જ સ્વધર્માદિકનું અનુષ્ઠાન કરે છે.૬
અને જે આસુરીસંપત્ વાળા દંભીભક્તો છે તે સ્ત્રી, દ્રવ્ય, રસાસ્વાદ તથા માન મેળવવા માટે કપટથી કેવળ વાણીવિલાસ માટે જ ધર્મજ્ઞાનાદિકની ગોષ્ઠી કરે છે, તેના વાણી વિલાસને અને ધર્માચરણને કોઇ લેવા-દેવા હોતા નથી.૭
ફૂંકી ફૂંકીને છૂપી રીતે દંશ આપતા ઉંદરની જેમ તે આસુરી સંપત્તવાળા પુરુષો ધીરે ધીરે ધર્મસંબંધી વાતો કરી તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં મૂળજ ખોદે છે.૮
અસુરોની ઉત્પત્તિ, લક્ષણો અને સંગફળ :- હે રાજન્ ! તેથી આ ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલા સ્ત્રી-પુરુષોને સત્ અને અસત્નો બોધ થાય તેના માટે તેમનાં લક્ષણો હું સ્પષ્ટપણે તમને જણાવું છું, તેમજ તેમના સત્સંગથી કે કુસંગથી પ્રાપ્ત થતું સુખ દુઃખરૂપ ફળ કેવું મળે છે, તે પણ સ્પષ્ટ સંભળાવું છું.૯
હે રાજન્ ! સર્વતંત્ર, સ્વતંત્ર, કરુણાનિધિ, સર્વાન્તર્યામી , સ્વયં ભગવાન શ્રીવાસુદેવ પરમાત્મા જીવોના આત્યંતિક કલ્યાણને માટે આ મૃત્યુલોકમાં પ્રગટ થાય છે.૧૦
તે શ્રીનરનારાયણદેવ, દત્તાત્રેય, ઋષભદેવ, કપિલ, કુમાર, નારદાદિ તથા શ્રીરામચંદ્રજી, શ્રીકૃષ્ણચંદ્ર આદિ ભગવાનના અવતારો થયા છે.૧૧
તે અવતારો આ પૃથ્વીપર ધર્મ, સાધુ અને દેવતાઓનો દ્રોહ કરનારા દુષ્ટ અસુરોનો સંહાર કરી ધર્મમાર્ગનું પ્રવર્તન કરે છે, તેથી સર્વે અવતારો મોક્ષાર્થીજનો માટે અવશ્ય ઉપાસના કરવા યોગ્ય છે.૧૨
તે ભગવાનના અવતારો જે રીતે અસુરોનો સંહાર કરે છે, તે અસુરો કેવા પ્રકારના હોય છે ? તથા તે કઇ રીતે ઉત્પન્ન થાય છે ? તે સર્વે વૃત્તાંત શ્રીમદ્ભાગવતમાં વર્ણન કરેલું છે. તેથી તે વાત હું તમને પ્રશ્નના ઉત્તરમાં યથાર્થ કહું છું.૧૩
હે રાજન્ ! પૂર્વે સૃષ્ટિના પ્રારંભમાં જગતસ્રષ્ટા બ્રહ્માજીએ પોતે રચેલી સૃષ્ટિને વૃદ્ધિ પમાડવા પાંચ પર્વોવાળી (ગાંઠોવાળી) પોતાની બુદ્ધિની છાયારૂપ અવિદ્યાનું સર્જન કર્યું. તમ, મોહ, મહામોહ, તામિસ્ર અને અંધતામિસ્ર આ પાંચ અવિદ્યાના પર્વ છે.તેમાં તમ એટલે અવિવેક, મોહ એટલે અંતઃકરણમાં વિભ્રાંતિ, મહામોહ-માયિક પંચવિષયોના ભોગ ભોગવવાની ઇચ્છા, તામિસ્ર-ક્રોધ અને અંધતામિસ્ર-મરણ.૧૫
બ્રહ્માજી આ પાંચ પર્વવાળી અવિદ્યાનું સર્જન કરીને તે અવિદ્યાનું જેમાંથી સર્જન થયું હતું તે પોતાનું શરીર છોડી દીધું. તે શરીર ગાઢ અંધકાર સ્વરૂપ રાત્રી થઇ, જે રાત્રીમાં અસુરોનું બળ વૃદ્ધિ પામે છે.૧૬
હે રાજન્ ! અવિદ્યારૂપ રાત્રી જે શરીરમાંથી ઉત્પન્ન થઇ તે જ શરીરમાંથી ઉત્પન્ન થયેલા તથા બીજા શરીરને પામેલા એવા બ્રહ્માના જંઘા થકી ઉત્પન્ન થયેલા અસુરો, યક્ષો, રાક્ષસો, બ્રહ્માંડમાં રહેલા સકલ જીવોને દુઃખ આપવા લાગ્યા.૧૭
તે જ સમયે બ્રહ્માના પૃષ્ઠભાગમાંથી અધર્મસર્ગ ઉત્પન્ન થયો. તે અધર્મસર્ગમાં કામ, ક્રોધ, લોભ, મદ, ઇર્ષ્યા, હિંસા, કપટ, કલહ, ભય, મોહ, મત્સર, માન આદિ મુખ્ય હતા. તે અસુરો, યક્ષો અને રાક્ષસોના શરીરમાં પ્રવેશ કરી સુખપૂર્વક રહેવા લાગ્યા. તેથી તે અસુરોની સર્વે ક્રિયા જેમ ભૂતપ્રવેશ કરેલા માણસની ક્રિયાનું ઠેકાણું ન રહે તેમ કામાદિકનો પોતામાં પ્રવેશ થતાં અધર્મસર્ગને અધીન થવાથી કોઇનું ઠેકાણું રહ્યું નહિ.૧૯
કામાદિક અધર્મસર્ગે પોતાનામાં પ્રવેશ કર્યા પછી તે નિર્દય અસુરો મૈથુન કરવા માટે, માંસ ભક્ષણ કરવા માટે અને રુધિરનું પાન કરવા માટે ખુદ બ્રહ્માની પાછળ દોડયા. તેથી ભયભીત થયેલા બ્રહ્માએ તત્કાળ શરીર છોડી દીધું.૨૦
ને તે શરીરે તત્કાળ સંધ્યાનું રૂપ ધારણ કરી લીધું. પછી મૂઢબુદ્ધિવાળા અસુરો તે સંધ્યાને પોતાને ઇચ્છિત સ્ત્રી મળી એમ જાણી તેનો સ્વીકાર કરી લીધો. પછી તે દુષ્ટ અસુરો, યક્ષો અને રાક્ષસો ત્રિલોકીમાં ફરવા લાગ્યા અને પ્રજાને પીડા આપવા લાગ્યા.૨૧
દુષ્ટ મનના તે સર્વેને આલોક કે પરલોકમાં કેવળ અધર્મસર્ગ જ એક જીવનનું અને સુખનું સાધન માત્ર હતું.૨૨
દેવતા, ઋષિઓ અને મનુષ્યોની ઉત્પત્તિ :- હે રાજન્ ! પછી બ્રહ્માજીએ પોતાનાં પ્રભારૂપ શરીરથકી દેવતાઓનું સર્જન કર્યું. તેમજ વિદ્યા, તપ, અને ભગવાનના ધ્યાનમાં એકાગ્ર થઇ ઋષિઓ, મનુ અને મનુષ્યોનું સર્જન કર્યું.૨૩
ત્યારપછી બ્રહ્માજીના જમણા સ્તનમાંથી સાક્ષાત્ ધર્મપ્રજાપતિ ઉત્પન્ન થયા. તે પોતાના વંશે સહિત દેવતાઓ, ઋષિઓ, મનુ અને મનુષ્યોમાં નિવાસ કરીને રહ્યા. તેથી તે દેવતાઓ આદિકની સર્વે ક્રિયા ધર્મસર્ગને અધીન થવા લાગી.૨૪
હે રાજન્ ! તે ધર્મવંશમાં તેમની પત્નીઓ શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, હ્રી (લજ્જા) અને મૂર્તિ આ તેર હતી.૨૫
લક્ષ્મીજી જેમ ભગવાન વિષ્ણુને અનુસરે છે. તેવી જ રીતે આ તેર ધર્મપ્રજાપતિની પત્નીઓ તેમને સદાય પતિવ્રતાના ધર્મનું પાલન કરતી અનુસરવા લાગી.૨૬
તેમના શુભ, સુખ, પ્રસાદ, ક્ષેમ, અભય, જ્ઞાન, વૈરાગ્ય, યોગ, તપ, પ્રશ્રય આદિક અનેક પુત્રો થયા. પત્નીઓ અને પુત્રોએ સહિત ધર્મપ્રજાપતિ તે દેવતા અને ઋષિઓ આદિકમાં સુખપૂર્વક નિવાસ કરવા લાગ્યા.૨૭
ત્યારે તે દેવતાઓ આદિકના આલોક કે પરલોકમાં જીવવાનું સાધન અને ઇચ્છિત સુખનું સાધન એક માત્ર વંશ સહિત ધર્મપ્રજાપતિ જ હતા.૨૮
હે રાજન્ ! અધર્મ તથા તેમના કામાદિક વંશજોનાં શરીરો અવિદ્યાત્મક અજ્ઞાન, પ્રધાન છે. જ્યારે ધર્મ તથા તેમના વંશજોનાં શરીરો વિદ્યાત્મક જ્ઞાન પ્રધાન છે.૨૯
પરિવારે સહિત જે ધર્મ છે તે દૈવી સંપત્તિ છે, અને અધર્મ સર્ગ છે તે આસુરી સંપત્તિ છે, આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ભગવદ્ગીતામાં વિસ્તારથી વર્ણન કર્યું છે.તેમાં દૈવી સંપત્તિ છે તે મોક્ષકારી છે, જ્યારે આસુરી સંપત્તિ છે તે બંધનકારી છે.૩૦
દેવતાઓ, ઋષિઓ, મનુ અને મનુષ્યોમાં દૈવીસંપત્તિ રહેલી છે, જ્યારે અસુરો, યક્ષો અને રાક્ષસોમાં આસુરીસંપત્તિ રહેલી છે.૩૧
જ્યારે દેશ, કાળ, ક્રિયા અને સંગના વિષમપણાથી દૈવીસંપત્તવાળા દેવતાઓ, ઋષિઓ, મનુ અને મનુષ્યોમાં પણ આસુરીસંપત્તિ પ્રવેશ કરી જાય છે. ત્યારે તે દેવાદિક પણ અસુરો જેવું વર્તન કરે છે, તેથી તેને પણ અસુર કહેવાય છે.૩૨
જેવી રીતે દેવેન્દ્રે પત્ની સચીના પ્રસંગથી અધર્મસર્ગ પ્રવેશ કરતાં પારિજાતના વૃક્ષ સંબંધે પહેલાં જેની પોતે પૂજા કરી હતી તેવા શ્રીકૃષ્ણ ભગવાનની સાથે જ હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ દૈત્યોની જેમ ભયંકર યુદ્ધ કર્યું હતું.૩૩
તેવીજ રીતે દેશ, કાળ, ક્રિયા અને સંગના શુભપણાને લીધે આસુરીસંપત્તિવાળા અસુરો, યક્ષો, રાક્ષસો આદિકમાં પણ દૈવીસંપત્તિ પ્રવેશ કરે છે. ત્યારે તે અસુરો પણ દેવતા આદિક જેવું વર્તન કરે છે, તેથી તેને દેવ,ભક્ત આદિક કહેવાય છે.૩૪
જેવી રીતે દૈત્યપુત્ર પ્રહ્લાદજીને નારદજીનો સંગ થયો, તો દૈવી સંપત્તિવાળા થયા. અને શ્રીવિષ્ણુ ભગવાનની સર્વોત્કૃષ્ટ ભક્તિ કરીને જીવન વ્યતીત કર્યું.૩૫
તેમજ પ્રહ્લાદજીના પ્રસંગથી તેમના પૌત્ર બલિરાજાએ આસુરીભાવનો ત્યાગ કરી દૈવીસંપત્નો આશરો કરી ભગવાન શ્રીહરિને વશ કર્યા.૩૬
મૂળભૂત રીતે માનવ દૈવીસંપત્વાળો હોવા છતાં શુભ અશુભ દેશકાળાદિકના પ્રસંગથી તેમાં પણ પૂર્વોક્ત દૈવીસંપત્ કે આસુરી સંપત્ આવીને નિવાસ કરે છે, ત્યારે દૈવીસંપત્વાળો માનવપણ અશુભ દેશકાળાદિકના યોગથી આસુરીસંપત્તિને પામી અસુર એવા નામને ધારણ કરે છે.૩૭-૩૮
જેવી રીતે દૈવીસંપત્વાળા દ્રોણ, ભીષ્મ, કૃપાચાર્ય વિગેરેને કલિયુગના અવતારરૂપ દુર્યોધનનો પ્રસંગ થવાથી લોભ અને માન આદિક અધર્મમાં રુચિ થઇ. પછી દુર્યોધનની પ્રાર્થનાથી પાતાળ નિવાસી અસુરોએ તેમાં પ્રવેશ કર્યો. ત્યારે પોતે દૈવી સંપત્તિવાળા હોવા છતાં અસુરોની જેમ નર અને નારાયણના અવતારરૂપ અર્જુન અને શ્રીકૃષ્ણની સાથે મહાયુદ્ધ કર્યું.૩૯-૪૦
પોતાનું કાર્ય કરીને અસુરો તેમના શરીરમાંથી જ્યારે નીકળી ગયા. ત્યારે ફરીને દૈવી સંપત્તિનો આશ્રય કરી ભગવાનની ભક્તિ કરી.૪૧
હે રાજન્ ! ક્યારેક ક્યારેક આલોકમાં આસુરી ક્રિયા કરતા મનુષ્યો પણ શુભ દેશકાળાદિકના યોગે કરીને દૈવીસંપત્તિને પામી દેવ એવા નામને ધારણ કરે છે.૪૨
જેમ અવંતીનગરીનો બ્રાહ્મણ કદર્ય, તેમજ મિથિલાનગરીની વેશ્યા પિંગલા, ગૃહરાજા, શબરી વિગેરે ભગવાન શ્રીદત્તાત્રેય અને શ્રીરામચંદ્રના પ્રસંગથી આસુરીક્રિયાને છોડીને દેવતાઓની જેમ પૂજ્યપણાને પામ્યા. કદર્યે લોભાદિ આસુરી ક્રિયા છોડી, પિંગલાએ કામાદિક આસુરી ક્રિયા છોડી, ગૃહ તથા શબરી આદિકે હિંસા આદિક આસુરી ક્રિયા છોડી દીધી અને ભગવાનનું ભજન કર્યું.૪૩
હે રાજન્ ! પોતાના પરિવારે સહિત ધર્મ દેવતાઓમાં રહેલા છે, અને પોતાના પરિવારે સહિત અધર્મ અસુરોમાં રહેલો છે, તેથી તે બન્નેને પરસ્પરનું વૈર સ્વાભાવિક થઇ ગયું છે.૪૪
તેથી પરિવારે સહિત અધર્મનો પ્રવેશ પામેલા અસુરો એકબીજાનાં છિદ્રો શોધે છે, અને એક બીજા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે પોતપોતાના યૂથની સાથે ત્રિલોકમાં આમ તેમ ફર્યા રાખે છે.૪૫
દૈવીસંપત્તિવાળા દેવતાઓ પણ શુભ દેશકાળાદિકનો આશ્રય કરી ધર્મવંશનું બળ પ્રાપ્ત કરીને અસત્દેશકાળાદિકના યોગમાં રહેવાથી નિર્બળ થઇ ગયેલા પોતાના શત્રુ અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરે છે.૪૬
જો દેવતાઓ ક્યારેય પણ અસત્ દેશ-કાળાદિકનો આશ્રય કરે છે, ત્યારે અસુરો પોતાને વિષે રહેલા અસત્ દેશ-કાળાદિકને યોગે બળ પામેલા અધર્મથી દેવતાઓને જીતે છે. ૪૭
આ પ્રમાણે દેવતાઓ અને અસુરો પોતામાં પડેલી દૈવી અને આસુરી સંપત્તને આધીન થઇને વર્તે છે. તેથી આલોકમાં તેઓને દેવતાઓ, કે અસુરો એવા નામથી સંબોધવામાં આવે છે.૪૮
તેમાં જે આસુરી સંપત્તિને ધારણ કરનારા અસુરો છે, તેનો ધર્મની રક્ષા કરવા પૃથ્વીપર અવતાર ધારણ કરનારા ભગવાન શ્રીનારાયણ વિનાશ કરે છે. તે વિનાશ પણ બે પ્રકારનો હોય છે. એક સાક્ષાત્ દેહનો વિનાશ અને બીજો તેની આજીવિકારૂપ આસુરી સંપત્તિનો વિનાશ કહેલો છે.૪૯
અસુરવિનાસની ભગવાનની બે રીત :- ભગવાન જ્યારે પ્રવૃત્તિ માર્ગનો આશ્રય કરી શ્રીરામકૃષ્ણાદિક સ્વરૂપે વર્તે છે, ત્યારે સુદર્શનાદિક આયુધો દ્વારા તે અસુરોનો વિનાશ કરે છે.૫૦
અને ક્યારેક તે પરમાત્મા અસુરોમાં રહેલા આંતર અસુર એવા કામ,ક્રોધાદિ દોષરૂપ અસુરોનો જ્ઞાનોપદેશરૂપ ખડગથી વિનાશ કરે છે. પરંતુ તેના દેહનો વિનાશ કરતા નથી.૫૧
હે રાજન્ ! જ્યારે ભગવાન, શ્રીનારાયણઋષિ આદિ સાધુ સ્વરૂપે નિવૃત્તિમાર્ગનો આશ્રય કરીને વર્તે છે. ત્યારે આંતર અસુર એવા કામાદિક શત્રુનો વિનાશ કરે છે.૫૨
અસુરોમાં રહેલા સ્વભાવસિદ્ધ કામાદિક આસુરી દોષોનો વિનાશ કરે છે. તેમજ અસુરોના સંસર્ગથી દેવતાઓમાં આવી પડેલા તે કામાદિક આસુરી દોષોનો પણ ભગવાન વિનાશ કરે છે. પરંતુ સાધુ સ્વરૂપે હોવાથી તેના શરીરનો ક્યારેય પણ વિનાશ કરતા નથી.૫૩
આ રીતે કૃપા કરીને મનુષ્ય શરીરને ધારણ કરી જીવાત્માઓની અંદર રહેલા અજ્ઞાનરૂપ અંધકારનો વિનાશ કરતા એવા પ્રવૃત્તિ ધર્મમાં કે નિવૃત્તિધર્મમાં રહેલા પરમાત્મા જ એક પોતાના આત્મકલ્યાણમાટે મનુષ્યોએ ઉપાસના કરવા યોગ્ય છે.૫૪
તે પરમાત્મા સ્વતંત્ર હોવાથી ક્યારેક સકલ મનુષ્યોને દર્શન થાય એ રીતે પ્રત્યક્ષપણે વર્તે છે. અને ક્યારેક મનુષ્યો જોઇ ન શકે તે રીતે અદૃશ્યરૂપે વર્તે છે.૫૫
જયારેઅદૃશ્યરૂપે વર્તે ત્યારે તેની પ્રતિમાની સર્વ પ્રકારે ઉપાસના સેવા ભક્તિ કરવી તથા તેમના આશ્રિત સંતોની સેવા પૂજા કરવી.૫૬
ભગવાનની જેમ સેવવા યોગ્ય સંતના લક્ષણો :- હે રાજન્ ! જે સંત નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, પરિગ્રહ રહિત, નિઃસ્નેહી, મમતાએ રહિત, પોતાના ધર્મને અનુસરે ઇન્દ્રિયોનું દમન કરતા, નિર્માની, ક્ષમાશીલ, દયાળુ, સર્વજીવપ્રાણીમાત્રના મિત્ર, અજાતશત્રુ, મનનો નિગ્રહ કરતા, શીલરૂપ આભૂષણને ધારણ કરતા હોય તેને સાધુ કહેલા છે.૫૭-૫૮
આવા સંતોમાં પણ બે પ્રકાર છે, એક ઉત્તમબુદ્ધિવાળા અને બીજા અલ્પબુદ્ધિવાળા. તેમાં જે ઉત્તમબુદ્ધિવાળા છે તે શુભ દેશકાળાદિકનો આશ્રય કરે છે અને પોતાની ઇચ્છાથી અગોચર વર્તતા ભગવાન શ્રીહરિના સર્વત્ર સદાય હાજરપણાના ભાવને નિરંતર જાણે છે. તેથી પરમાત્મા અદૃશ્ય હોવા છતાં પણ ભગવાનને પ્રત્યક્ષભાવ રાખી તેનાથી ભય પામતા પોતે પોતાના ધર્મમાં સર્વ પ્રકારે દૃઢ વર્તે છે.૫૯-૬૦
અને જે અલ્પબુદ્ધિવાળા સાધુ છે તે શ્રીહરિના અતિશય માહાત્મ્યના બળનો આશ્રય કરી અધર્મનો ભય છોડી નિર્ભય થઇ ગુરુ આદિકનું શાસન છોડી સ્વતંત્ર થઇ મહીમાના કેફમાં અશુભ દેશકાળાદિકનું સેવન કરે છે૬૧
પછી આવા અલ્પબુદ્ધિવાળા સંતને વંશે સહિત અધર્મ તત્કાળ પરાભવ પમાડે છે. તેથી ધર્મભ્રષ્ટ થઇ પાપાચરણમાં આસક્ત મનવાળા થઈ જાય છે.૬૨
આવા બે પ્રકારના સાધુઓની મધ્યે જે ઉત્તમબુદ્ધિવાળા અને નિષ્કામાદિક ધર્મમાં વર્તતા સંતો છે, તેની મુમુક્ષુ ભક્તજનોએ પરમપ્રીતિથી સેવા પૂજા કરવી.૬૩
કારણ કે જ્ઞાની અને ભગવાનના ભક્તો એવા એ ઉત્તમ બુદ્ધિવાળા સંતો ભગવાન પરોક્ષ હોય છતાં તેના થકી ભય પામીને બ્રહ્મચર્યાદિક નિયમોનો ક્યારેય ત્યાગ કરતા નથી. તેથી ભગવાન તેને સદાય વશ વર્તે છે. માટે તેવા સંતોની ભગવાનની જેમ સેવા પૂજા કરવી.૬૪
હે રાજન્ ! અધર્મ સર્ગથી પરાભવ પામેલા કેવળ સંત એવું નામ ધારણ કરીને ફરતા તેમજ ભગવાનના મહિમાના બળે નિર્ભય થયેલા અલ્પબુદ્ધિવાળા જે કહેવાતા સંતો છે તેનો મુમુક્ષુ ભક્તજનોએ મહાપાપીની જેમ તત્કાળ દૂરથી જ ત્યાગ કરવો.૬૫
તેમની સેવા કરવાથી મોક્ષ કે શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનની પ્રીતિ પ્રાપ્ત થતી નથી, ઉલટાનો તેનાથી તો કેવળ ધર્મનો વિનાશ જ થાય છે. એથી અલ્પબુદ્ધિવાળા સંતોનો ત્યાગ કરી દેવો.૬૬
અને પૂર્વોક્ત ઉત્તમબુદ્ધિવાળા સંતોનો સમાગમ કરવાથી સ્વધર્મ અને ભગવાનની ઉપાસના ભક્તિનું બળ વૃદ્ધિ પામે છે. અને અલ્પબુદ્ધિવાળા સંતોનો સમાગમ કરે તો સ્વધર્મ ને ભગવાનની ઉપાસના તથા ભક્તિના બળનો ક્ષય થાય છે, માટે અસત્નો સમાગમ નહિ કરતાં સત્પુરુષોનો સમાગમ કરવો.૬૭
સ્ત્રીઓ માટે સંતસેવનની રીત :- હે રાજન્ ! મનુષ્યોને સંત તથા અસંતપણાના વિવેકનું જ્ઞાન સત્શાસ્ત્રના અભ્યાસથી થાય છે. તેવી બુદ્ધિ સુજ્ઞાપુરુષોમાં હોય છે, સ્ત્રીઓમાં હોતી નથી.૬૮
તેથી ભગવાન જ્યારે પ્રત્યક્ષ ન હોય અને પૃથ્વી ઉપરથી અંતર્ધાન થઇ જાય ત્યારે સ્ત્રીઓએ ભગવાનની પ્રતિમામાં પ્રગટપણાની બુદ્ધિ રાખી સ્વધર્મે સહિત દૃઢભક્તિથી સેવા પૂજા કરવી, પણ પૂર્વોક્ત બન્ને પ્રકારના સંત અને અસંતની પ્રત્યક્ષ સેવા પૂજા કરવી નહિ.૬૯
પરંતુ જો પૂર્વોક્ત ઉત્તમબુદ્ધિવાળા સાધુ લક્ષણે સંપન્ન સંત હોય તો સ્ત્રીઓએ પોતાના સંબંધીજનો સાથે તે સંતોની સત્સંગ સભામાં જઇને તેમની કથાવાર્તા સાંભળવી. પરંતુ એકાંત સ્થળે સમાગમ કરવા જવું નહિ.૭૦
તેમાં પણ પ્રથમ પિતા,ભાઇ,પુત્રાદિક સંબંઘી પુરૂષોએ સાધુની પરીક્ષા કરી ઉત્તમબુદ્ધિવાળા સંતોની સભામાં જ પોતાની સ્ત્રીઓને દર્શનાદિક માટે લઇ જવી.૭૧
કારણ કે આ લોકમાં સાધુના વેષમાં વાચાળવાણીથી સ્વધર્મનિષ્ઠ સંતો કરતાં પણ વિશેષ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મનું નિરૂપણ કરનારા અનેક અસાધુ વિચરતા હોય છે.૭૨
તેથી તેવા સંતોની પરીક્ષા કરવી સર્વ જનો માટે દુષ્કર છે. કારણ કે દંભીપુરુષોએ આચરેલા યુક્તિપૂર્વકના દંભનો પાર પામવા કોઇ સમર્થ થઇ શકતું નથી.૭૩
છતાં પણ શાસ્ત્રાર્થને જાણવામાં કુશળ બુદ્ધિવાળા ચતુર પુરુષો તેવા દંભની પરીક્ષા કરી શકે છે, તેથી તેમને ઓળખવા માટે પહેલાં સાચા સંતોનાં લક્ષણો તમને સંભળાવું છું ૭૪
સાચા સંતનાં લક્ષણ :- હે રાજન્ ! અહિંસા, બ્રહ્મચર્યવ્રત કે ધનનો ત્યાગ આદિ વિશુદ્ધ ધર્મો જે શાસ્ત્રમાં કહ્યા છે તેમાંથી અલ્પ સરખો પણ કોઇ ધર્મનો ભંગ થાય તો તેનો હૃદયમાં અતિશય પશ્ચાતાપ થાય તેને સંત જાણવા.૭૫
વળી પશ્ચાતાપ કર્યા પછી તે સંતો પ્રગટ પ્રમાણ વિરાજતા ભગવાન થકી જેમ ભય પામે તેમ પરોક્ષ હોય ત્યારે પણ અંતર્યામી જાણીને તેનો તેટલો જ ભય રાખી શાસ્ત્રમાં કહેલા ધર્મભંગના પ્રાયશ્ચિત તત્કાળ કરી નાખે તેને સંત જાણવા.૭૬
વળી કોઇ આપત્કાળના વશને કારણે પોતાના ધર્મભંગનું પ્રાયશ્ચિત ન થઇ શકે તો પણ તે નિરંતર અંતરમાં અને બહાર બહુજ દુઃખી થાય.૭૭
વળી જે રીતે ધાર્મિક ગુણોથી વિખ્યાત થયેલા પુરુષને ક્યારેક આપત્કાળને વિષે બ્રહ્મહત્યાદિ મહાપાપથી જેટલો અનુતાપ થાય તેટલો અલ્પ સરખા ધર્મનો ભંગ થઇ જતાં પણ અનુતાપ થાય છે.૭૮
હે રાજન્ ! આ પૃથ્વી પર જે સંતો સ્ત્રીઓ થકી કે સ્ત્રીલંપટ પુરુષ થકી વાઘ આદિક હિંસક પ્રાણી કરતાં પણ અધિક ભય પામતા રહે. અને ક્યારેય પણ પોતાની પ્રશંસા કરે નહિ, તેને જ સાચા સંત કહેલા છે.૭૯
હે રાજન્ ! આવા પ્રકારના લક્ષણથી ઉત્તમબુદ્ધિવાળા સંતોની પરીક્ષા કરી ગૃહસ્થ ભક્તજનોએ પોતાની સંબંધી સ્ત્રીઓને સંતોનાં દર્શને (કથા શ્રવણ માટે) લઇ જવી અને પોતાના ધર્મમાં રહીને દૂરથી સત્સંગ સભામાં તેની કથા સાંભળવી.૮૦
અસંતના લક્ષણ :- હે રાજન્ ! હવે અસત્પુરુષોનાં લક્ષણ કહું છું, દંભી દ્વેષયુક્ત ભક્તો જે માત્ર કહેવા પુરતા સાધુ હોય તેમના વર્તન અને વાણીથી સજ્જનોએ પરીક્ષા કરવી.૮૧
હે રાજન્ ! વાસુદેવમાહાત્મ્યને વિષે સ્વયં ભગવાન શ્રીનારાયણે સાધુભક્તોના જે ધર્મો કહ્યા છે, તે ધર્મોની મધ્યે બે ત્રણ ધર્મોનો ભંગ થઇ જાય છતાં તેનું પ્રાયશ્ચિત કરવામાં પોતાની શિથિલતાને છૂપાવવા એ અસાધુપુરુષો ભગવાનના મહિમાનો ઓથ લઇ પોતાના ધર્મભંગને જોઇ જનાર ભક્ત આગળ વાત કરવા લાગે છે કે, ભગવાન તો અધમ ઓધ્ધારણ અને પતિતપાવન છે, કેવળ એકવાર તેમનાં ''નારાયણ'' નામનું ઉચ્ચારણ કરવા માત્રથી સર્વે પાપ બળીને ભસ્મ થઇ જાય છે. વળી પાપીજનોના પાપનો વિનાશ કરવાની જેટલી શક્તિ ભગવાનના નામમાં રહેલી છે, તેટલું તો પાપી મનુષ્ય પાપ કરવા સમર્થ થઇ શકતો નથી. આ પ્રમાણે ભગવાનના નામના મહિમાનો ઓથ લઇ અસત્ પુરુષો વાત કરતા હોય છે.૮૨-૮૫
વળી તે અસત્પુરુષો પોતાના જેવા વૈષ્ણવોના અંગસંગને પણ દુર્લભપણે વર્ણવે છે, ને કહે છે કે, આવા વૈષ્ણવના ચરણસ્પર્શનો એટલો બધો મહિમા છે કે શાસ્ત્રો પણ તેનું પૂરેપૂરું વર્ણન કરવા સમર્થ થઇ શકતાં નથી, તો પછી આખા અંગનું આલિંગન પ્રાપ્ત થવું તો બહુજ દુર્લભ છે. આવી રીતની વાણી બોલનારા જે પુરુષો છે તેને અસત્પુરુષો જાણવા. વળી તેઓ પોતાની સિદ્ધાઇની પ્રસિદ્ધિમાટે વારંવાર આત્મશ્લાઘા કરે છે. તેમજ તે દુષ્ટમતિવાળા અસાધુઓ પોતાના નિષ્કામાદિ ધર્મમાં દૃઢ વર્તતા સાચા સાધુઓને તો હજુ સાધનદશાવાળા કહે છે, કારણ કે તેઓ સ્ત્રી આદિકના સ્પર્શથી ભય પામે છે તેથી સાધનદશાવાળા છે. અમારી જેમ સિદ્ધદશા પ્રાપ્ત થાય પછી સ્ત્રી આદિકના સ્પર્શથી કે તેમની સાથે વાત કરવાથી કોઇ ધર્મભ્રષ્ટ થવાનો ભય રહેતો નથી. આવા વિધિનિષેધ તો માત્ર સાધનદશા વખતે જ પાળવાના હોય છે, અમે તો સિદ્ધદશાને અને મુક્તભાવને પામેલા તેના કરતાં ઉચ્ચકોટીના સાધુ છીએ, વગેરે બોલનારા અસત્ સાધુઓ કહેલા છે.૮૬-૮૭
હે રાજન્ ! વળી તે અસત્સાધુઓ બકે છે કે, અમે બ્રહ્મ છીએ, આ જગત પણ મૂર્તિમાન બ્રહ્મ છે. સ્ત્રીપુરુષ વચ્ચેનો જે સંભોગ છે તે મહાતરંગ જેવો બ્રહ્મવિલાસ છે. કારણ કે, વેદમાં કહ્યું છે કે, આનંદ માણવો તે બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા બરાબર છે, અને અમને સમાધિદશામાં ગોલોક વિષે રાધાકૃષ્ણની રાસક્રીડાનાં દર્શન થાય છે. અને એ શ્રીકૃષ્ણ અમારી અંદર સદાય નિવાસ કરીને રહે છે, એમાં કોઇ જાતનો સંશય નથી. તેથી જે મનુષ્યો અમારામાં કૃષ્ણબુદ્ધિ કરીને અમારો સંગ કરશે તેને પણ અમારી જેમ જ ગોલોકધામની પ્રાપ્તિ થશે.૮૮-૯૦
આ પ્રમાણે દુષ્ટ આશયવાળા અસત્પુરુષો મિથ્યાભૂત દંભીવાતોની ડિંગાઇઓ મારી પોતાને વશ વર્તતા લોકોને છેતરી ધર્મભ્રષ્ટ કરે છે. આ પ્રમાણે જે પુરુષો અધર્મસર્ગને વશ વર્તતા હોય તેને અસત્પુરુષો જાણવા. તેઓનો આશ્રય કરનારા મનુષ્યો કુંભીપાક નરકમાં પડે છે, અને ત્યાં તપાવેલા તેલમાં રંધાય છે.૯૧-૯૨
આવા અસત્પુરુષોની પરીક્ષા કરવાનો અતિ ટુંકો સમય તમને સંક્ષેપમાં સમજાવું છું. તેમની સાથે રહેતા મનુષ્યો તે અસાધુઓના હૃદયગત અભિપ્રાયને જાણતા હોય છે.૯૩
કારણ કે જ્યારે સરખી વિચારધારાવાળા તે અસાધુઓ પરસ્પર ભેળા થાય છે. ત્યારે ધર્મ, ભક્તિ, વૈરાગ્યની ઠેકડી ઉડાવી તેનાં મૂળિયાંનું નિકંદન કરતા હોય છે.૯૪
અને કેવળ શુષ્ક બ્રહ્મજ્ઞાનનું સ્થાપન કરી અતિ હર્ષ પામતા હોય છે. અને કહે છે કે મોક્ષ તો માત્ર ''હું બ્રહ્મ છું'' આટલું જ્ઞાન સિદ્ધ થાય એટલામાં જ છે. બાકી ઉપાસના, ભક્તિ, ધર્મ અને વૈરાગ્ય તો માત્ર બ્રહ્મજ્ઞાનમાં વિશ્વાસ પેદા કરાવવા લોકોને છેતરવાનો એક માર્ગ છે, આવી પરસ્પર વાતો કરતા હોય ત્યારે કોઇ ભગવાનનો ભક્ત ત્યાં આવી ચડે તો તે ખળ અસત્પુરુષો પોતાના બ્રહ્મજ્ઞાનવાળા સિદ્ધાંતને તત્કાળ છુપાવીને સત્પુરુષો કરતાં પણ વધુ સારી રીતે ધર્મ, વૈરાગ્યાદિકનું પ્રતિપાદન કરવા લાગે છે.૯૫-૯૬
આવા સમયે નિત્યે તેમની પાસે જ નિવાસ કરતા પુરુષો તે ધર્મનો ધ્વંશ કરનારા અસત્પુરુષના અંતરનો અભિપ્રાય જાણી શકે છે.૯૭
હે રાજન્ ! મદ્યપાન, માંસભક્ષણ, પરસ્ત્રીસંગ, ચોરી, પોતાની કે પારકી ઘાત તેમજ વર્ણાશ્રમના ધર્મથી ભ્રષ્ટ કરે તેવી વર્ણસંકરતાની પ્રવૃત્તિ આદિક તેઓની સર્વે ગુપ્ત ક્રિયાઓને સાથે રહેનારા પુરુષો જાણી શકે છે.૯૮
જેવો ભગવાન શ્રીનારાયણને ધર્મસ્થાપન કરવાનો આગ્રહ હોય છે, તેવો જ આગ્રહ આ અસત્પુરુષોને ધર્મનાં મૂળિયાં ઉખેડવામાં હોય છે.૯૯
આવા પ્રકારનાં કુલક્ષણોથી ભરેલા દંભી અસત્પુરુષોને ઓળખીને તેમનાં દર્શન કરવાને માટે ગૃહસ્થ ભક્તજનોએ પોતાની સંબંધી સ્ત્રીઓને ક્યારેય પણ લઇ જવી નહીં.૧૦૦
આવી રીતે અસત્પુરુષોને ઓળખ્યા પછી મુમુક્ષુ મનુષ્યોએ તેઓનો સંગ ન કરવો. તેમજ મુમુક્ષુ સ્ત્રી-પુરુષોએ પોતાના કલ્યાણને માટે માત્ર ભગવાનની પ્રતિમાની સેવા પૂજા કરવી.૧૦૧
આ મારી શાસ્ત્રમર્યાદાનું આલોકમાં ઉલ્લંઘન કરીને જે સ્ત્રી-પુરુષ વર્તશે, તે પોતાના મોક્ષમાર્ગથકી ભ્રષ્ટ થશે. તેમાં કોઇ સંશય નથી.૧૦૨
તેઓ આલોકમાં અપકીર્તિને પામશે ને મૃત્યુ પછી યમપુરીના દારુણ દુઃખને આર્તનાદ કરતા કરતા ભોગવશે.૧૦૩
હે રાજન્ ! જે મુમુક્ષુજનો ધર્મનું પાલન કરી એકાંતિક મુક્તિ પામવા ઇચ્છતા હોય તે જનોએ મારાં આ વચનો અતિ આદરપૂર્વક ધારણ કરવાં ને મનમાં સતત તેનું ચિંતવન કરવું.૧૦૪
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિએ પ્રતિપાદન કરેલાં અને સદ્ધર્મનું રક્ષણ કરનારાં આવાં વચનામૃતોનું પાન કરી હેમંતસિંહ રાજા ખૂબજ પ્રસન્ન થયા. અને સભામાં બેઠેલા સંતગણ, સ્ત્રીઓ તથા પુરુષો પણ અતિશય પ્રસન્ન થયા ને ભગવાન શ્રીહરિને પ્રણામ કરી પોતપોતાને ઉતારે ગયા. ત્યારે ગુરુઓના ગુરુ ભગવાન શ્રીહરિપણ પોતાની અક્ષરઓરડીએ પધાર્યા.૧૦૫
હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિત નરનારીઓના ધર્મની રક્ષા કરવાને માટે સત્શાસ્ત્રોરૂપી સમુદ્રનું મંથન કરી આ પૂર્વોક્ત સારને બહાર કાઢયું છે. જે મનુષ્યો સત્શાસ્ત્રના આ સારને પ્રતિદિન વાંચશે અથવા સાંભળશે, તે મનુષ્યો પોતાના નિર્મળ ધર્મનું રક્ષણ કરી ભગવાનના પરમધામને પામશે.૧૦૬
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવ દરમ્યાન ભગવાન શ્રીનારાયણમુનિ અને હેમંતસિંહ રાજાના સંવાદરૂપે ધર્મરક્ષાનું નિરૂપણ કર્યું એ નામે ચોવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૪--