પોતાની સંપત્તિને સત્કાર્યમાં વાપરવા ઇચ્છતા ઉત્તમરાજાને ભગવાન શ્રીહરિએ આપેલી અનુમતિ. જયાબા અને લલિતાબા વચ્ચે સુદપક્ષ અને વદપક્ષના ઉત્સવોની વહેંચણી.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! વખાણવાલાયક બુદ્ધિવાળા ઉત્તમરાજા પોતાના પિતા અભયરાજાને ઉદ્દેશીને પ્રત્યેક મહિને હજારો બ્રાહ્મણોને અને સંતોને જમાડી તૃપ્ત કરતા હતા.૧
એમ કરતાં એક વર્ષ વ્યતીત થઇ ગયું, ત્યારે પોતાને ઘેર નિવાસ કરીને રહેલા શ્રીસહજાનંદ સ્વામીની પ્રસન્નતાર્થે પિતા અભયરાજાની માફક જ શ્રીહરિએ દર્શાવેલા વાર્ષિક વ્રતોના ઉત્સવો ઉજવવાની ઇચ્છા કરી.૨
હે રાજન્ ! તે સમયે કાર્ય અને અકાર્યની બાબતમાં વિચક્ષણ ઉત્તમરાજા પોતાની જયાબા અને લલિતાબા બન્ને બહેનો પાસે આવ્યા. ત્યારે બન્ને બહેનોએ તેમને આવકાર્યા. તે સમયે વિનયથી નમ્ર થઇ બન્ને બહેનો પ્રત્યે ઉત્તમરાજા કહેવા લાગ્યા કે, હે બહેનો ! તમે ભગવાન શ્રીહરિની નવધા ભક્તિ કરવામાં અને લૌકિક વ્યવહારના કાર્યમાં પણ નિપુણ છો તેથી હું તમારી પાસે આવ્યો છું.૩-૪
હે બહેનો ! સર્વે ઐશ્વર્યે સંપન્ન શ્રીહરિ આપણા ઉપર અકારણ કરુણા કરીને આપણે ઘેર નિવાસ કરીને રહ્યા છે. અને આપણે સંપત્તિ પણ તેમની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થઇ છે.૫
એથી આ સમગ્ર સંપત્તિ તેમને રાજી કરવામાં જ વપરાવી જોઇએ પણ બીજી રીતે વાપરવી યોગ્ય નથી. અને આપણા પિતાજીએ પણ એજ પ્રમાણે વિચારીને શ્રીહરિને રાજી કરવા ઉત્સવો કરતા. અને હું પણ જન્માષ્ટમી આદિ જુદા જુદા સર્વે વાર્ષિક ઉત્સવો ઉજવવા ઇચ્છું છું.૬-૭
હે મહાવ્રતવાળી બહેનો ! તમે મને તે ઉત્સવો ઉજવવામાં સહાય કરો. આ ધર્મકાર્યનો ભાર તમારે અવશ્ય વહન કરવાનો છે.૮
મેં આ સર્વે સંપત્તિ તથા દાસ દાસી આદિ નોકર ચાકર તમારે બન્નેને અધીન કરી દીધું છે. હવે તમે મને જે કાંઇ પણ વસ્તુની જરૂર પડે તે કહેજો. હું સર્વે પદાર્થો લાવીને હાજર કરીશ.૯
અને આ સર્વે ઉત્સવોમાં આવતા સર્વેને માટે ભોજનની વ્યવસ્થા તમારે બન્નેને ગોઠવવાની છે. તેવી જ રીતે ઉત્સવોમાં આવતી દેશદેશાંતરવાસી સ્ત્રીભક્તજનોની આગત સ્વાગતા પણ તમારે બન્નેએ કરવાની છે.૧૦
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે પોતાના ભાઇનાં વચનો સાંભળી બન્ને બહેનો અતિશય ખુશ થઇ અને ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવામાં અતિશય ઉત્સાહવાળી તથા મહાન બુદ્ધિશાળી જયાબા તથા લલિતાબા ભાઇ ઉત્તમરાજાની પ્રશંસા કરવા લાગ્યાં.૧૧
જયાબા અને લલિતાબા કહે છે, હે ભાઇ ! તમે વાર્ષિક દરેક વ્રતોત્સવો ઉજવવાનો મનમાં ખૂબજ સારો નિર્ણય કર્યો છે. તો તમે ભગવાન શ્રીહરિને રાજી કરવા ધનની વ્યવસ્થા પ્રમાણે મહોત્સવો ઉજવો.૧૨
બુદ્ધિમાન પુત્રે પોતાના પિતાના સારા માર્ગ ઉપર તો ચાલવુંજ જોઇએ, આ બાબતને ભગવાન શ્રીહરિના કૃપાપાત્ર અને સદ્બુદ્ધિશાળી તમે તો સર્વે જાણો જ છો.૧૩
તમે ઉત્સવોને ઉપયોગી સર્વે સામગ્રી લાવી આપો અમે ભોજન બનાવવા આદિકની સર્વે વ્યવસ્થા સંભાળીશું, તમે રસોડાની ચિંતા કરશો નહિ.૧૪
સુવ્રતમુનિ કહેછે, હે રાજન્ ! પોતાની બન્ને બહેનોનાં આ પ્રમાણેનાં વચનો સાંભળી ઉત્તમરાજા અતિશય રાજી થયા અને ભગવાન શ્રીહરિની સમીપે આવી નમસ્કાર કરીને પોતાના મનનો મનોરથ કહી સંભળાવ્યો.૧૫
ત્યારે શ્રીહરિ પણ અતિશય પ્રસન્ન થઇ ઉત્તમરાજાને કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમને ખરેખર ધન્ય છે, કારણ કે તમારી બુદ્ધિ ભગવાનની ભક્તિમાં સ્થિરતા પામી છે.૧૬
તમારી બન્ને તપસ્વિની બહેનો ઉત્સવ ઉજવવાના કાર્યમાં બહુ જ વિચક્ષણ છે. એથી તેમના કહેવા પ્રમાણે સર્વે ઉત્સવો ઉજવવાનું આયોજન કરો.૧૭
હે રાજન્ ! તમે અત્યારે કહ્યું તેમ તમારી બન્ને બહેનોને ઉત્સવકાર્યનું સંચાલન કરવા મુખ્ય બનાવી છે, તે કાર્ય તમે ખૂબજ યોગ્ય કર્યું છે. કારણ કે તમારી બન્ને બહેનો તેમાં યોગ્ય અધિકારી છે.૧૮
છતાં પણ હે રાજન્ ! એક ઉત્સવમાં બે બહેનોની એક સાથે પ્રધાનતા યોગ્ય નથી, કારણ કે, એક ઉત્સવમાં એકનું જ મુખ્યપણું રહે તે ઇચ્છિતફળને આપનારું થાય છે. કાર્ય એક અને પ્રધાન બે તે કદાપિ ન ચાલે. કોઇક કાર્ય કરવામાં કોઇને રુચિ હોય અને કોઇને રુચિ ન હોય તેથી પરસ્પર કલહ ઉત્પન્ન થાય અને કરવા ધારેલું કાર્ય બગડી જાય.૧૯
જયાબા અને લલિતાબા વચ્ચે સુદપક્ષ અને વદપક્ષના ઉત્સવોની વહેંચણી :- હે રાજન્ ! આ પ્રમાણે ઉત્તમરાજાને કહીને ભગવાન શ્રીહરિએ જયાબા અને લલિતાબાને પોતાની સમીપે બોલાવ્યાં અને કહેવા લાગ્યા કે, હે ભદ્રે ! તમે મારું વચન સાંભળો અને સાંભળ્યા પછી જે હું કહું તે પ્રમાણે તમે કરો.૨૦
હે જયાબા ! મહિનાના સુદ પક્ષમાં જે ઉત્સવો આવે છે તે તે ઉત્સવના પાક આદિક બનાવવાના કાર્યમાં તમારે મુખ્યપણે રહેવું અને હે લલિતાબા ! તમારે મહિનાના વદ પક્ષમાં આવતા ભગવાન શ્રીકૃષ્ણના સર્વે ઉત્સવોમાં મુખ્યપણે રહેવું. તમારે બન્નેએ પોતપોતાના પક્ષમાં આવતા સર્વે ઉત્સવો દેશકાળને અનુસારે ઉજવવા.૨૧-૨૨
તમારે બન્નેને ભગવાન શ્રીકૃષ્ણના ઉત્સવો ઉજવવામાં બહુ જ ઉત્સાહ વર્તે છે. તેથી દેવાંગનાઓને પણ દુર્લભ આવો તમારો ઉત્સાહ ફળીભૂત થાઓ.૨૩
હે જગતપતિ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું ત્યારે જયાબા અને લલિતાબાએ શ્રીહરિનું વચન મસ્તક નમાવીને સ્વીકાર કર્યું અને પ્રણામ કરી પોતાને નિવાસસ્થાને ગયાં.૨૪
ત્યારપછી ઉત્તમરાજાએ સુદપક્ષની અને વદપક્ષની સર્વે એકાદશીઓના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનનો પૂજા મહોત્સવ ઉજવવા લાગ્યા અને બારસને દિવસે જેટલા સંતો ગઢપુરમાં હોય તેટલા સર્વે સંતોને જમાડી તૃપ્ત કરવા લાગ્યા.૨૫
હે રાજન્ ! આ રીતે સર્વજગતના ધર્મોપદેષ્ટા ગુરુ ભગવાન શ્રીહરિએ વિક્રમ સંવત ૧૮૭૨ ના શ્રાવણવદ ગોકુલાષ્ટમીનો મહાન ઉત્સવ પૃથ્વીપતિ ઉત્તમરાજા દ્વારા સમસ્ત રાજા-મહારાજાઓથી પણ કરવો દુઃસાધ્ય થાય, તેવા મુખ્યકલ્પથી ઉજવાવ્યો. તે ઉત્સવમાં લલિતાબા પકવાન્ન બનાવવાં આદિ ક્રિયામાં મુખ્ય હતાં, આ ઉત્સવથી મહાસુખ પામેલા એવા દેશદેશાંતરમાંથી આવેલા સર્વે ભક્તજનોએ લલિતાબાના ભક્તિભાવની ખૂબજ પ્રશંસા કરી, તેમજ લલિતાબાએ પણ પરમેશ્વર શ્રીહરિને ઉત્સવની સેવાથી અતિશય રાજી કર્યા.૨૬
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં સુદ અને વદ પક્ષના ઉત્સવોમાં જયાબા અને લલિતાબાના મુખ્યપણાનું સ્થાપન કર્યું એ નામે ત્રીજો અધ્યાય પૂર્ણ થયો. --૩--