એકાંતિક ભક્તજનોજ જેને પ્રાપ્ત કરી શકે છે તેવા બ્રહ્મપુર ધામનું વર્ણન.
શ્રીનારાયણ મુનિ કહે છે, હે ભક્તજનો ! એકાંતિક જનોને જ પ્રાપ્ત થતાં અને અતિશય સુખકારી એવાં બ્રહ્મપુરધામનું સ્વરૂપ હું તમને સંભળાવું છું. તમે સાવધાન થઇને સાંભળો.૧
હે ભક્તજનો ! આ બ્રહ્મપુરધામ અતિશય રહસ્યરૂપ હોવાથી મોટા મહર્ષિઓએ પણ પુરાણોમાં તેનું વિસ્તારથી વર્ણન કર્યું નથી. અને ક્યાંક વૈકુંઠ, ગોલોક એવા પર્યાય નામથી વર્ણન કર્યું છે.૨
છાંદોગ્ય ઉપનિષદ્માં, મહાભારતના મોક્ષધર્મમાં અને સ્કંદપુરાણમાં આ બ્રહ્મપુરધામનું સંક્ષેપથી વર્ણન કર્યું છે.૩
હે ભક્તજનો ! મારી એકાંતિકી ભક્તિને કારણે તમારાં અંતર અતિશય વિશુદ્ધ થયાં છે. તેથી તમને બ્રહ્મપુરધામ સંબંધી કથા કહું છું.૪
આ બ્રહ્માંડરૂપી ગોળામાં પૃથ્વી આદિ સાત ઉપરના લોક છે અને અતળ આદિ સાત નીચેના લોક છે. એવી રીતે ચૌદભુવન આ બ્રહ્માંડના ગોળામાં છે.૫
હે ભક્તજનો ! ચૌદલોકની ફરતે ચારે બાજુએ એક કરોડ યોજનના વિસ્તારમાં પૃથ્વીનું આવરણ રહેલું છે.૬
હે ભક્તજનો ! પૃથ્વીના આવરણની ઉપર જળનું આવરણ, તેની ઉપર અનુક્રમે તેજ, વાયુ, આકાશ, અહંકાર અને તેની ઉપર મહતત્ત્વનું આવરણ, એમ છ આવરણો આવેલાં છે.૭
એક એક આવરણ એક એકથી ઉત્તરોત્તર દશ દશ ગણાં અધિક છે. તેમજ પહેલાં કરતાં પછીનાં આવરણો સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. અર્થાત્ પૃથ્વીના આવરણ કરતાં જળનું આવરણ દશ ગણું અધિક છે. અને તેનાં કરતાં સૂક્ષ્મ પણ છે. અને જળના આવરણ કરતાં તેજનું આવરણ દશ ગણું વધુ છે અને દશ ગણું સૂક્ષ્મ પણ છે એમ સર્વત્ર જાણવું.૮
હે ભક્તજનો ! પ્રત્યેક બ્રહ્માંડનાં આવાં સાત આવરણના કારણભૂત પ્રકૃતિ નામનું આઠમું છેલ્લું આવરણ છે તે અતિશય મોટું છે. તે અનંતકોટી બ્રહ્માંડને આવરીને રહેલું છે.૯
આ પ્રકૃતિ નામના આઠમા આવરણથી પર અતિશય તેજોમય મહાચિદાકાશ આવેલો છે. તેનો કોઇ અંત કે આદિ નથી. તેને ''પરમ વ્યોમધામ'' કહે છે.૧૦
કરોડો સૂર્ય અને ચંદ્રમાનું એક સાથે મળેલું અનંતગણું તેજ પણ આ ચિદાકાશના એક અલ્પ સરખા પ્રદેશના તેજની આગળ માત્ર ખદ્યોત સરખું જણાય છે.૧૧
આવા અતિશય મહાતેજોમય ચિદાકાશમાં એક ખાઇ સ્વરૂપે રહેલી અતિશય આનંદમયી નિત્ય, અનંત, અગાધજળથી ભરેલી, સુધાસિંધુ નામની મહાનદી આવેલી છે. અને ''વિરજાનદી'' એવા નામથી કહેલી છે.૧૨
હે ભક્તજનો ! વિરજાનદીને મધ્યે સત્યસ્વરૂપ, અતિશય તેજોમય, દિવ્ય રમણિય સદાય સુખદાયી, સનાતન નિત્યસિધ્ધ મહાન એક દ્વીપ આવેલો છે.૧૩
તે દ્વીપ દિવ્ય કામધેનુના સમૂહોથી તેમજ દિવ્ય દેહવાળા વૃષભોથી અને અનેક પ્રકારના દિવ્ય પશુપક્ષીઓથી શોભી રહ્યો છે.૧૪
તેમજ પારિજાત, કલ્પવૃક્ષ, મંદાર આદિ અનંત દિવ્ય વૃક્ષોથી અને મલ્લિકા, જૂઇ આદિ લત્તામંડપોથી અતિશય શોભી રહ્યો છે.૧૫
વળી ફળ અને પુષ્પોની સમૃદ્ધિથી વૃંદાવનાદિ અનેક પ્રકારનાં ઉપવનો, નદીઓ, સરોવરો તથા વાવ, કૂવા આદિકથી અને મણિમય પર્વતોથી પણ શોભી રહ્યો છે.૧૬
તેમજ તેજોમય, સુખરૂપ, અલૌકિક અને નિત્ય શોભા સંપન્ન સમૃદ્ધિથી પણ સત્યદ્વીપ સદાયને માટે શોભે છે.૧૭
આ સત્યદ્વીપને વિષે શતશૃંગ પર્વત નામે મહાવિશાળ કિલ્લો આવેલો છે. તે લોકાલોક પર્વતની સમાન છે અને તેનો આકાર કમળના જેવો ગોળ છે. તે કિલ્લો નિત્ય છે.૧૮
તેની ચારે દિશાઓમાં ઊચાં ચાર રમણીય ગોપુર આવેલાં છે. સુબલ અને પ્રબલ આદિક દ્વારપાળો તેમની સુરક્ષા કરી રહેલા છે.૧૯
આ કિલ્લાનું મૂર્તિમાન સુદર્શન ચક્ર આદિ આયુધો તથા મૂર્તિમાન અણિમાદિક અષ્ટસિદ્ધિઓ પણ સેવન કરે છે.૨૦
હે ભક્તજનો ! આવા કિલ્લારૂપ શતશૃંગ પર્વતની મધ્યે દિવ્ય રમણીય મંગલસ્વરૂપા ભૂમિ આવેલી છે. તે ભૂમિની ઉપમા આ બ્રહ્માંડમાં કોઇની સાથે આપી શકાય તેમ નથી.૨૧
તેથી તે ભૂમિને હું અનુપમ કહું છું. છતાં તેનું ક્યારેક વર્ણન કરવું હોય ત્યારે એક કાલ્પનિક દૃષ્ટાંતના માધ્યમથી એ ભૂમિને ઉપમા આપીને વર્ણન કરી શકાય છે.૨૨
હે ભક્તજનો ! સમગ્ર પર્વતોએ સહિત આ ભૂમિ સ્વચ્છ બિલોરી કાચની હોય, તેમાં રહેલી સ્થાવર જંગમરૂપ સર્વે આકૃતિઓ પણ તેવાજ સ્વચ્છ બિલોરી કાચની હોય, તથા આકાશમાં રહેલા ગ્રહ, નક્ષત્ર અને તારા જેટલી સંખ્યામાં છે તેટલા સૂર્યો હોય, તેવા સૂર્યોના પ્રકાશથી આ બિલોરી કાચની ભૂમિ જેવી શોભે તેવી અલૌકિક દિવ્ય શોભાએ સંપન્ન એ ધામની ભૂમિ શોભી રહી છે.૨૩-૨૫
તે ભૂમિ ભગવાન શ્રીકૃષ્ણનું અનાદિ સિદ્ધ ધામ છે, તે ધામમાં ગોપ અને ગોપીઓના દિવ્ય સમૂહો નિવાસ કરીને રહે છે. જેને ગોલોક એવા નામે પણ કહેવામાં આવે છે.૨૬
તે ધામ સર્વત્ર અતિશય મનોહર અને દર્શનીય છે. તેને વિષે જે કાંઇ રત્ન આદિ છે તે અલૌકિક દિવ્ય છે.૨૭
તેમાં મુક્તભાવને પામેલા નરનારીઓના દિવ્ય અને અતિશય પ્રકાશમાન એવા અપરિમિત કરોડે કરોડ રાજમહેલો આવેલા છે.૨૮
હે ભક્તજનો ! તે ધામના મધ્યે કરોડે કરોડ સૂર્યના પ્રકાશ સમાન મનોહર શ્વેત ઘાટું સત્, ચિત્ અને આનંદરૂપ મહાતેજ રહેલું છે. તે અક્ષરબ્રહ્માત્મક છે, સર્વેનું આધાર છે અને અમૃતધામ એવું નામ છે. તે અનાદિ અનંત, અપરિચ્છિન્ન, અમાપ, સ્વયં પ્રકાશિત, તેમજ સનાતન છે, એમ ઉપનિષદો કહે છે.૨૯-૩૦
સાક્ષાત્ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાનના અનુગ્રહથી અષ્ટાંગયોગની સિદ્ધિ પામેલા યોગીજનો પોતાના અંતરમાં મૂલાધારાદિ છ ચક્રોને ભેદીને સહસ્રદળના કમળવાળા બ્રહ્મરન્ધ્રમાં તે અક્ષરબ્રહ્માત્મક તેજનું દર્શન કરે છે.૩૧
હે ભક્તજનો ! આ સાક્ષાત્ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનનું બ્રહ્મપુર ધામ છે. તે સર્વ કરતાં ઉત્તમ અને કાળ, માયાદિકના ભયથી રહિત છે. એમ તમે નક્કી જાણો.૩૨
તેને વિષે ભગવાનનું અતિ આશ્ચર્યમય દિવ્ય મંદિર આવેલું છે. તે મંદિરની સુંદરતાનું વર્ણન કરવા હું પણ સમર્થ નથી.૩૩
એ મંદિર કરોડો સૂર્યના પ્રતિક સરખા રત્નોના સ્તંભોથી અતિશય પ્રકાશમાન છે. તેમજ સકલ સમૃદ્ધિ અને અણિમાદિ સિદ્ધિઓથી ભરપૂર છે.૩૪
એકાંતિક ભાવને પામેલા કરોડો મુક્ત પુરુષો એ મંદિરનો આશ્રય કરી રહ્યા છે. તેમજ એકાંતિક ભાવને પામેલી કરોડો મુક્ત નારીઓ પણ તેનો આશ્રય કરીને રહેલી છે.૩૫
તે મંદિરમાં રમણીય રત્નસિંહાસન આવેલું છે. રાધા, રમા આદિક પોતાની શક્તિઓથી સેવાયેલા શ્રીકૃષ્ણ ભગવાન તે સિંહાસનપર વિરાજમાન છે.૩૬
હે ભક્તજનો ! કોઇ પણ લોકમાં તેવું મંદિર નથી કે જેની તેને ઉપમા આપી શકાય. તેથી તેને નિરૂપમ કહેલું છે.૩૭
હે સારા વ્રતવાળા ભક્તજનો ! તે બ્રહ્મપુર ધામને વિષે અસંખ્યાત્ નરનારી મુક્તજનોના અપરિમિત દિવ્ય ભોગનાં સ્થાનો રહેલાં છે.૩૮
તેના સર્વે ભોગ દિવ્ય સુખરૂપ અને નિત્ય છે. તેમજ તે ભોગને ભોગવવાનાં સાધનો પણ દિવ્ય સુખરૂપ અને નિત્ય છે.૩૯
હે ભક્તજનો ! જે રીતે આલોકમા પાંચ ભૌતિક શરીરધારી મનુષ્યોના ભોગ પણ પાંચ ભૂતનાજ બનેલા છે, તેમ બ્રહ્મપુર ધામમાં ચૈતન્યમય શરીરવાળા મુક્ત નરનારીઓના ભોગ પણ ચૈતન્યમય દિવ્ય છે.૪૦
તે સર્વે ભોગો ભોગવનારા મુક્તજનો કે ભોગનાં સ્થાન કે સાધન સર્વે અનુપમ તેજોમય, ગુણાતીત, ક્ષયરહિત, સત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે.૪૧
હે ભક્તજનો ! બ્રહ્મપુરધામમાં રહેલા નરનારી મુક્તજનો પણ દિવ્ય આકારવાળા છે, તેમની ઇન્દ્રિયો, વસ્ત્રો, અલંકારો સર્વે અમાયિક છે.૪૨
તે ધામને વિષે રહેલાઓને કેવળ એક શ્રીકૃષ્ણ ભગવાન થકી જ સુખની અપેક્ષા રહે છે. અને તે શ્રીકૃષ્ણ ભગવાન સર્વે મુક્તજનોને સર્વદા સરખું સુખ આપે છે.૪૩
તે ધામમાં સચ્ચિદાનંદરૂપ સર્વે નરનારીઓનાં રૂપ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, ભોગ, સુખ આનંદ સર્વે એકજ સરખા છે.૪૪
ન્યૂનાધિક ભાવ નથી. અને કોઇ અન્ય કારણ હોય તો તે માત્ર ભોક્તા એવા મુક્તજનોની કેવળ ઇચ્છા જ છે.૪૫
હે ભક્તજનો ! જેવી રીતે કોઇ સમૃદ્ધિમાન પુરુષ સકલ સમૃદ્ધિથી સંપન્ન છતાં પોતાની ઇચ્છા પ્રમાણે જ જે જોઇએ તે ભોગ ભોગવે અથવા ન પણ ભોગવે, તેમ ધામમાં રહેલા મુક્તો પણ પોતાની ઇચ્છા પ્રમાણેના જ ભોગ ભોગવે છે. પરંતુ આલોકના કે સ્વર્ગના ભોગની જેમ ત્યાં કોઇ ન્યૂનાધિકપણું નથી.૪૬
તે ધામમાં રહેલા નરનારીઓને પરસ્પર કોઇ સ્ત્રી-પુરુષની ભાવના કે કામવાસના નથી. તેને માત્ર એક ભગવાનની સેવા કરવી એ જ વાસના હોય છે. અને બ્રહ્મપુરમાં રહેલા મુક્તજનોના એક એક રોમ પણ કરોડો સૂર્યના તેજની સમાન તેજોમય છે.૪૭
તે અગણિત મુક્તજનોના અંગના સર્વ તેજ થકી તે ધામના અલ્પ સરખા પ્રદેશનું તેજ અધિક છે. એમ તમે નક્કી જાણો.૪૮
તો સમગ્ર બ્રહ્મપુર ધામનું તેજ કેટલું હશે ? અને તેટલું તેજ તો ભગવાનની સર્વે આંગળીઓના નખમાંથી માત્ર એક નખમંડળમાં રહેલું છે. તેથી ભગવાન કેટલા તેજોમય છે ?૪૯
હે ભક્તજનો ! તે ધામને વિષે રહેલા મહામંદિરમાં વિરાજતા ભગવાન નવીન મેઘની સમાન શ્યામ સુંદર છે, છતાં તેમના અંગમાંથી નીકળતા અતિશય શ્વેત તેજોરાશિના કારણે અતિશય શ્વેતવર્ણવાળા જણાય છે.૫૦
પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ સદાયને માટે દ્વિભુજ રૂપે શોભી રહ્યા છે. દિવ્ય શરીરધારી શ્રીદામા, નંદ, સુનંદ, આદિક પાર્ષદો શ્વેત છત્ર ધારણ કરી, ચામર ઢોળીને આદરપૂર્વક શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરે છે.૫૧
હે ભક્તજનો ! અનંતકોટી બ્રહ્માંડના અધીશ્વરો કરોડો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તથા અનંત મુક્તો પણ નતમસ્તક થઇ ચંદન, પુષ્પ તથા વસ્ત્રાદિક ઉપચારો વડે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરે છે.૫૨
ભક્તિદેવીની સાથે ધર્મદેવ તથા ઐશ્વર્યાદિ છ ભગ તથા ઋગ્વેદાદિ વેદો મૂર્તિમાન થઇ સદાય શ્રીકૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે.૫૩
બૃહત્ ધામમાં રહેલા ભક્તો તે ભગવાનને જેવા દિવ્ય દેહની સ્થિતિવાળા ચતુર્ભુજ કે અષ્ટભુજ કે સહસ્રભુજ જોવાને ઇચ્છે છે તે તે ભક્તોને તેમની રૂચિને અનુસારે સ્વયં ભગવાન તેમની આગળ પ્રાદુર્ભાવ પામીને તે રીતેનો અનુભવ કરાવે છે.૫૪-૫૫
ભગવાન શ્રીકૃષ્ણનારાયણના આ બ્રહ્મપુરભામને પરમ ધામ પણ કહેલું છે. તેમજ સદાનંદરસરૂપ કહેલું છે અને અતર્ક્ય કહેલું છે, અગમ્ય અર્થાત્ અભક્તોથી પ્રાપ્ત થવું સદાયને માટે અશક્ય છે.૫૬
આ પૃથ્વી પર શ્રીકૃષ્ણ ભગવાનના અવતારો પ્રાદુર્ભાવ પામે ત્યારે તેમની ઉપાસના, ભક્તિ કરતા થકા ધર્મમાં દૃઢ નિષ્ઠાવાળા ભક્તજનો જ તે ધામને પામે છે.૫૭
હે ભક્તજનો ! આ પ્રમાણે મેં અતિશય રહસ્યરૂપ બ્રહ્મપુરધામનું સંક્ષેપથી વર્ણન કેવળ તમારા પ્રેમને વશ થઇને કર્યું છે.૫૮
હે ભક્તજનો ! શ્રીકૃષ્ણ ભગવાનની જેને ભક્તિ નથી એવા અભક્ત લોકો કેવળ મનુષ્યોને છેતરવા ભક્તપણાનો દંભ કરનારા કોઇ ધૂર્તને કે પછી પરમેશ્વર કે પરલોકમાં વિશ્વાસ નહિ કરનારા નાસ્તિકને આ રહસ્યરૂપ ધામની વાત ક્યારેય પણ ન જ કહેવી.૫૯
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રીહરિએ સભાને વિષે પોતાના ભક્તજનોની આગળ કહેલું અક્ષરબ્રહ્મપુરનું મહાત્મ્ય સાંભળીને સર્વે મુનિજનોની સાથે ભક્તજનો પણ અતિશય હર્ષ પામ્યા અને ભગવાન શ્રીહરિને વંદન કરવા લાગ્યા.૬૦
હે રાજન્ ! સર્વે સંતો અને ભક્તજનો આ શ્રીહરિ છે તે જ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન છે તે નિશ્ચયથી જાણીને અને આ બ્રહ્મપુરધામ પણ આ જ ભગવાન શ્રીહરિકૃષ્ણનું છે એમ સમજીને બહુ જ પ્રસન્ન થયા અને દેહને અંતે એજ બ્રહ્મપુર ધામ પોતાને પ્રાપ્ત થશે એમ સર્વે માની મનમાં બહુજ હર્ષ પામવા લાગ્યા.૬૧
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવપર શ્રીહરિએ ભક્તજનોના પ્રેમને વશ થઇને બ્રહ્મપુરધામનું વર્ણન કર્યું એ નામે એકતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૧--