અધ્યાય - ૪૭ - ભગવાન શ્રીહરિને વડતાલથી પુષ્પદોલોત્સવ ઉજવવા માટે પધારવાનું આવેલું આમંત્રણ.

ભગવાન શ્રીહરિને વડતાલથી પુષ્પદોલોત્સવ ઉજવવા માટે પધારવાનું આવેલું આમંત્રણ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ગુજરાત પ્રદેશમાં વડતાલ નામનું વિશાળ નગર આવેલું છે. તે નગરમાં વસતા ચારે વર્ણના મનુષ્યો ભગવાન શ્રીહરિનું અતિહર્ષથી પોતપોતાના ધર્મમાં દૃઢપણે વર્તી ભજન સ્મરણ કરે છે.૧ 

તે સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિને ગઢપુરથી વડતાલ પધારવાનું આમંત્રણ પાઠવી પુષ્પદોલોત્સવ ઉજવવાની ઇચ્છા ધરાવતા હતા.૨ 

તેમાં કુબેરભાઇ પટેલ અને જોબનપગી બન્ને હરિભક્તો વડતાલમાં મુખ્ય અધિકારી ભક્તો હતા. તેઓ પુરવાસી અન્ય ભક્તજનોની સાથે મળીને ફૂલદોલોત્સવ ઉજવવાનો નિર્ણય કરીને ઉત્સવને લગતી સર્વે સામગ્રી ભેળી કરવા લાગ્યા.૩ 

ત્યારપછી જોબનપગીએ પોતાના સગાભાઇ સુંદરપગીને શ્રીનારાયણમુનિને પ્રાર્થના કરી બોલાવી લાવવા ગઢપુર મોકલ્યા. ત્યારે સુંદરપગી સંવત ૧૮૭૫ ના માઘ સુદી પૂર્ણિમાના દિવસે ગઢપુર પધાર્યા.૪ 

હે રાજન્ ! સુંદરપગી ભક્તજનોના મંડળની મધ્યે ઊંચા સિંહાસન પર બિરાજીને જ્ઞાનરસનું પાન કરાવી રહેલા, ભગવાન શ્રીહરિની સમીપે આવી અષ્ટાંગ પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે શ્રીહરિ ! તમે અમારા વડતાલપુરમાં પધારી ત્યાં રહેલા ભક્તજનોને પાવન કરો. આ રીતે બહુ પ્રકારે પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના સાંભળી પ્રસન્ન થયેલા ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ વડતાલવાસી સર્વ ભક્તજનોને પોતાના અનન્ય ભક્તો જાણી, તેમને દર્શન દેવા વડતાલપુર જવાની ઇચ્છા કરી.૫-૬ 

હે રાજન્ ! પછી ઉદારબુદ્ધિવાળા ભગવાન શ્રીહરિએ સુંદરપગીને કહ્યું કે, હે દૂત ! તમે અત્યારે વડતાલ જાઓ. હું ફાગણ મહિનામાં તમારે ત્યાં જરૂર પધારીશ.૭ 

હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું, તેથી સુંદરપગી અત્યંત પ્રસન્ન થઇ તત્કાળ પોતાને પુર આવી, શ્રીહરિના આગમનના સમાચાર આપ્યા. તે સાંભળી કુબેર પટેલ આદિ વડતાલવાસી ભક્તજનો ખૂબજ રાજી થયા ને ભગવાન શ્રીહરિના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા.૮ 

હે રાજન્ ! શ્રીસ્વામિનારાયણ ભગવાન વડતાલપુર પધારી રહ્યા છે, આવા પ્રકારનો ઉદ્ઘોષ પૃથ્વીપર ચારે દિશામાં વ્યાપી ગયો. પરમેશ્વર શ્રીહરિએ દેશદેશાંતર નિવાસી સર્વે પોતાના સંતો તથા હરિભક્તોને સ્વયં પોતે ફૂલદોલોત્સવ કરવા વડતાલ પધારી રહ્યા છે, એવા પ્રકારનું વૃત્તાંત મંગલપત્રિકાઓ લખી, સંદેશ વાહક દૂત દ્વારા જણાવ્યું.૯-૧૦ 

તે સમયે સૌરાષ્ટ્ર દેશના સર્વે ગૃહસ્થ હરિભક્તો તથા તે દેશમાં વિચરણ કરતા સર્વે સંતોએ ભગવાન શ્રીહરિની સાથે જ વડતાલ જવાનું મનમાં ઠરાવી પ્રથમ ગઢપુરમાં પધાર્યા.૧૧ 

ભગવાન શ્રીહરિ વિકૃતનામના સંવત્સરમાં સંવત ૧૮૫૭ ના ફાગણ સુદ છઠ્ઠને દિવસે દુર્ગપુરથી વડતાલ જવા માટે વૈધૃતિયોગના કારણે બપોરપછી રવાના થયા.૧૨ 

તે સમયે શ્રીહરિએ ઉત્તમ રાજાને અમે જલદીથી પાછા આવીશું, એમ કહીને પંચાલ દેશમાં ધર્મનું રક્ષણ કરવા તેમને રાખીને, સ્વયં દુર્ગપુરથી રવાના થયા.૧૩ 

તે સમયે જયાબા, લલિતાબા આદિ હજારો સ્ત્રીઓ પોતપોતાના રથ આદિક વાહનોમાં બેસી ભગવાન શ્રીહરિની પાછળ ચાલવા લાગી. તેમજ દુર્ગપુરવાસી સર્વે ભક્તજનો પણ પાછળ ચાલવા લાગ્યા.૧૪ 

બીજા દિવસે હજારો સંતો, બ્રહ્મચારીઓ તથા ગૃહસ્થ ભક્તજનોનાં વૃંદ ભગવાન શ્રીહરિની સાથે ચાલતાં હતાં.૧૫ 

સાથે સૌરાષ્ટ્ર તથા પાંચાલ દેશવાસી હજારો ભક્તો પણ શ્રીહરિને અનુસરી રહ્યા હતા, આ પ્રમાણે હજારો ઘોડેસ્વારો અને પદાતીઓથી વીંટાએલા ભગવાન શ્રીહરિ વડતાલપુર જઇ રહ્યા હતા.૧૬ 

માણકીયે ચડયા રે મોહનવનમાળી :- હે રાજન્ ! તે સમયે શ્રીહરિ માણેક વર્ણી અને શીઘ્રગતિએ ચાલનારી ''માણકી'' નામની ઘોડી ઉપર અસ્વાર થઇ સૂર્યની સમાન કાંતિથી અત્યંત શોભી રહ્યા હતા. વિશાળ ભાલમાં કેસરનું પીળું તિલક ધારણ કર્યું હતું, મંદમંદ હાસ્યવાળા મુખકમળથી શોભી રહ્યા હતા. હાથમાં ચળકતાં ભાલાંઓને ધારણ કરનારા પોતાના પાર્ષદ ઘોડેસ્વારોની ઘુંમરમાં ઘેરાયેલા, શ્વેતવસ્ત્રધારી શ્રીહરિ ડાબા હાથમાં માણકી ઘોડીની લગામ પકડી, પોતાના ભક્તજનોને માર્ગમાં આનંદ ઉપજાવતા ચાલ્યા.૧૭ 

હે રાજન્ ! યાત્રાની શુભકામના માટે વિપ્રવર્ય મયારામ ભટ્ટે ચોખાએ સહિત કુંકુમથી કરેલો લાલવર્ણનો ચાંદલો શ્રીહરિના વિશાળ ભાલમાં શોભી રહ્યો હતો. સુંદર નેત્રોવાળા શ્રીહરિ અનેક પ્રકારનાં વાજિંત્રોના નાદથી મિશ્રિત થયેલી ગાયકવૃંદ જનોની વાણીને પોતાના ગુણચરિત્રોના પ્રબંધની રચના સાથે સાંભળી રહ્યા હતા. તે ભક્તજનો ઊંચા હાથ કરી ભગવાન શ્રીહરિના નામનો જયજયકાર કરી રહ્યા હતા. કેટલાક ભક્તજનો સ્તુતિ કરી રહ્યા હતા. એવા ભગવાન શ્રીહરિ માર્ગમાં ચાલ્યા જતા હતા.૧૮ 

હે રાજન્ ! ડગલે ને પગલે ચારેબાજુએથી આવી રહેલા અનંત ગામોના ભક્તજનો ભગવાન શ્રીહરિનું પૂજન કરી રહ્યા હતા. અને શ્રીહરિ પણ પોતાની આનંદમય દૃષ્ટિરૂપી વૃષ્ટિથી માર્ગમાં મળતા ભક્તજનોને ખૂબજ સુખ ઉપજાવતા હતા. પૂર્ણકામ ભગવાન શ્રીહરિની ઉપર આકાશમાં રહેલા બ્રહ્માદિ દેવતાઓ શ્વેત પુષ્પોની વૃષ્ટિ કરતા હતા. શ્રીહરિ મંદમંદ હાસ્ય કરતા, નિત્ય અભ્યાસથી શીઘ્ર ગમન કરનારી માણકીને પોતાના પગની એડીનો લગારેક સ્પર્શ કર્યો .૧૯ 

તેથી પોતાની ગતિથી પવનની ગતિને પણ પરાભવ પમાડી દેનારી અતિશય વેગવંતી માણકી ઘોડી ગરુડની માફક તત્કાળ દોડવા લાગી.૨૦ 

હે રાજન્ ! માણકી પશુજાતિની હોવા છતાં શ્રીહરિના સ્પર્શથી ભવિષ્યમાં થનારી બ્રહ્મપુરધામની પ્રાપ્તિ સ્વરૂપ ઊર્ધ્વગતિનું જાણે સૂચન કરતી હોય તેમ, વેગથી આકાશમાં ઊંચે ઉડવા લાગી.૨૧ 

અતિશય વેગથી દોડી રહેલી ઘોડીના પગને પૃથ્વી પર નહીં જોતા સર્વેજનો અતિશય વિસ્મય પામવા લાગ્યા.૨૨ ત્યારે હજારો ઘોડેશ્વારો શ્રીહરિની પાછળ નેત્રવૃત્તિને સ્થિર કરી, હોઠને દબાવી પોતાના પગની એડીથી તથા હાથમાં રહેલી લગામથી અશ્વોને તાડન કરતા, શ્રીહરિને પામવા વેગથી દોડી રહ્યા હતા.૨૩ 

હે રાજન્ ! શ્રીહરિની ઘોડી પાછળ દોડી રહેલાં સ્વારોનાં શરીરો અતિશય ઉછળી રહ્યાં હતાં, તેથી તેમના મસ્તક ઉપર બાંધેલી પાઘડીઓના છેડાઓ છૂટી જવાથી, તે ફરકતા છેડાના અગ્રભાગથી જાણે અદૃશ્ય સ્વરૂપે રહેલા દેવતાઓ ચામર ઢોળતા હોયને શું ? તેમ ઘોડેસ્વારો શોભી રહ્યા હતા. અતિશય પરિશ્રમ કરવાથી ઘોડાનાં અને સવારોનાં શરીરો પરસેવાથી ભીંજાઇ ગયાં ને ઘોડાઓના મુખમાં ફીણ વળવા લાગી. હાથમાં રહેલી લગામોથી અશ્વો ઉપર તાડન કરવા છતાં માણકી ઉપર આરુઢ થયેલા શ્રીહરિને આંબવા તેઓ સમર્થ થયા નહિ.૨૪-૨૫ 

અને અશ્વોની સાથે પોતે પણ પરસેવાથી ભીંજાયેલા હોવાથી વિશ્રાંતિ લેવા માટે ભગવાન શ્રીહરિએ પોતાની માણકી ઘોડીને મંદગતિમાં કરી, પાછળ રહેલાની પ્રતિક્ષા કરતા ઊભા રહ્યા. તે સમયે પરસેવાથી ભીંજાયેલા શરીરવાળા સર્વે એ ઘોડેસ્વારોએ દૂરથી શ્રીહરિનાં દર્શન કર્યાં.૨૬ 

તે સ્વભાવથી ચંચળ માણકીની કેશવાળીને હાથમાં પકડીને ઊભા હતા. બીજા હાથથી ઊંચી તેમજ અનેક પુષ્પોવાળી આંબાની ડાળને પકડી હતી. સામે દોડયા આવતા સવારોને જોઇને શ્રીહરિ મંદમંદ હસી રહ્યા હતા. કેડ ઉપર બાંધેલો બંધ એટલો મજબૂત હતો કે, માણકી અતિશય વેગથી દોડતી હતી છતાં શિથિલ થયો ન હતો. કમળપત્રની સમાન સુંદર નેત્રોવાળા ભગવાન શ્રીહરિનાં શ્વેત વસ્ત્રો રસ્તામાં ઉડેલી ધૂળથી ભૂખરા રંગનાં જણાતાં હતાં.૨૭ 

હે રાજન્ ! અશ્વ ઉપર બેઠેલા સર્વે ભક્તો ભગવાન શ્રીહરિને નિહાળી તત્કાળ તેમની સમીપે આવી દર્શન કર્યાં, તેથી પરિશ્રમનો થાક દૂર થયો ને બહુ આનંદ પામ્યા.૨૮

પછી શ્રીહરિએ સર્વે ઘોડસ્વારોને આશ્વાસન આપ્યું કે, અહો !!! તમે બહુ પરિશ્રમ કર્યો, થોડી વાર વિસામો લો, પછીથી આપણે ચાલીશું. આ પ્રમાણે મધુર વચનોથી સર્વેને સાંત્વના આપીને સૌને હસાવ્યા અને પોતે પણ હસ્યા. પછી સર્વેની સાથે માર્ગમાં ધીરે ધીરે ચાલવા લાગ્યા.૨૯ 

હે રાજન્ ! તે સમયે ભગવાન શ્રીસ્વામિનારાયણ વડતાલ પધારી રહ્યા છે, એવા પ્રકારનો ઉદ્ઘોષ નગરો, ગામો તથા સર્વત્ર વ્યાપી ગયો.૩૦ 

તેથી શ્રીહરિનાં દર્શનની અતિશય ઉત્કંઠા ધરાવતા ભક્તજનો વૃદ્ધો તથા બાળકોને આગળ કરી અનેક દેશોમાંથી વડતાલ આવવા લાગ્યા.૩૧ 

કૌશલ, કાશી, મિથીલા, કીલકીલ, પુરુષોત્તમપુરી, વંગદેશ, ગયંતિ, પ્રયાગ, શોણભદ્રનદીતટ પ્રદેશ, વૃંદાવન, મથુરા, શૂરસેનદેશ, તથા અવંતીરાષ્ટ્ર વિગેરે પૂર્વના દેશોમાંથી હજારો ભક્તજનો વડતાલ શ્રીહરિનાં દર્શને પધાર્યા.૩૨-૩૪ 

આ સિવાયના બીજા ઘણાક પૂર્વ દેશોના ભક્તજનો પણ વડતાલ પધાર્યા. તેમજ ઉત્તર દિશાના દેશો જેવા કે, કાશ્મીર, હરિદ્વાર, કુરુક્ષેત્ર, પુષ્કર, મરુ, ધનવ, આબુપર્વતદેશ, સિધ્ધપુર આદિના સેંકડો દેશમાંથી હજારો ભક્તજનો અતિશય આદરથી શ્રીહરિનાં દર્શન કરવા વડતાલ પધાર્યા.૩પ-૩૭ 

તેવી જ રીતે પશ્ચિમદિશાના સિંધુ, કચ્છ, સૌરાષ્ટ્ર, પાંચાલ, સૌવીર આદિ દેશોમાંથી પણ હજારો ભક્તો શ્રીહરિનાં દર્શન કરવા પધાર્યા.૩૮ 

અને દક્ષિણદિશાના દેશોમાં સેતુબંધ રામેશ્વર, વેંકટાદ્રી, શ્રીરંગક્ષેત્ર, કાંચી, દંડકારણ્ય, મલ્યાચળ, વિંધ્યાચળ, તાપી, તેમજ નર્મદાતટના પ્રદેશ અને ગુજરાતના હજારો ભક્તજનો વડતાલ શ્રીહરિનાં દર્શન કરવા પધાર્યા.૩૯-૪૧ 

હે રાજન્ ! આ પ્રમાણે ચારે દિશાઓના ભક્તજનો શ્રીહરિનાં દર્શનની ઉત્કંઠાવાળા થઇ સ્ત્રી, વૃદ્ધ, તથા બાળકોને સાથે લઇ રસ્તામાં ઉપયોગી સામગ્રીઓને ગાડામાં ભરી વડતાલ દર્શને આવ્યા.૪૨ 

જો ચાલવાની શક્તિ હોય તોજ અમારી સાથે ચાલજો. આ પ્રમાણે ઘેરથી નીકળતાં પહેલાં પુત્રોએ પોતાના વૃદ્ધ પિતાઓને સૂચન કરેલું, છતાં પણ શ્રીહરિનાં ચરણનાં દર્શનની અત્યંત ઉત્કંઠા હોવાથી વૃદ્ધો હાથમાં લાકડી ધારણ કરી, અમને પણ ભગવાનનાં દર્શન કરવાં છે. માટે અમે ચાલશું જ, એ પ્રમાણે કહીને હઠાગ્રહથી યુવાનોની સાથે ચાલતાં શ્વાસ ચડતો હોવાથી તેમના કંઠ ફુલી જતા હતા, છતાં દાંત વગરના મુખથી વારંવાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરિનામ સંકીર્તન કરતા વડતાલ આવી રહ્યા હતા.૪૩ 

સ્ત્રી ભક્તજનો પણ માર્ગમાં કોઇ પુરુષનો સ્પર્શ ન થાય તે રીતે મર્યાદાનું પાલન કરતી, ઉતાવળી ગતિએ ચાલીને વડતાલ આવી રહ્યાં હતાં.૪૪ 

પહેલાં હું દર્શન કરીશ. પહેલાં હું કરીશ. આ પ્રમાણે પરસ્પર બોલી રહેલા અને માર્ગમાં સર્વ કરતાં આગળ ચાલતાં ક્યારેક દોડતાં બાળકો પણ જલદીથી વડતાલ આવતાં હતાં.૪૫ 

આ પ્રમાણે જુદા જુદા દેશોમાંથી આવતા ભક્તજનોથી મહી, સાબર, વાત્રક આદિ નદીઓની મધ્યમાં રહેલા દેશોના પ્રદેશો અતિશય ભરચક થયા.૪૬ 

આ ત્રણ નદીઓની અંતર્વતી રહેલો પ્રદેશ ભારતનો અનુપમ અજોડ પ્રદેશ છે. આ પ્રદેશ રસાળ અને સર્વઋતુમાં ફળ, ફુલથી સર્વજનોને સુખ આપતો અને ખોડૂતોના મનને આનંદ ઉપજાવે છે. આ પ્રદેશમાં ગામડે ગામડે વને વને મીઠા જળના કુવાઓ અને સરોવરો જોવા મળે છે.૪૭-૪૯ 

હે રાજન્ ! તે દેશમાં આંબાનાં તેમજ રાયણનાં અસંખ્ય વૃક્ષો આવેલાં છે. તેમ અન્ય વૃક્ષો પણ છે, જેવાં કે ઉમરડો, કોઠ, વડ, પીંપળ, પીલુ, આમલી, પીપળી, ગુંદી, નાળિયેરી, તાડ, ખજૂરી, નારંગી, લીંબુ, આમળાં, નાગકેશર, પુન્નાગ, બોરસળી, આસોપાલવ, પાટલ, સુવર્ણકેતકી, ચમેલી, બીજોરો, શતપત્રી, મલ્લિકા, હેમપુષ્પા, કણેર, શમડી, બીલી, ખડચંપો, બોરડી, ખાખરો, સોપારી, કદંબ, કુરટંક, ફનસ, કેળ, બપોરીયા, જુઇ, લીંમડા, જાંબુ, મહુડા આદિ અનંત વૃક્ષો તથા પત્ર, પુષ્પ અને ફળ આદિકથી મનુષ્યોને આનંદ ઉપજાવતાં બીજાં અનેક પ્રકારનાં વૃક્ષો રહેલાં છે.૫૦-૫૫ 

આ દેશમાં વટેમાર્ગુઓને જંગલમાં પણ ફળદ્રુપ વૃક્ષો હોવાથી છાયા, ફળ અને જળની પ્રાપ્તિ થઇ રહે છે તેથી અતિશય સુખાવહ અને વૃંદાવનની ભૂમિ સમાન ઉત્તમ, તેમજ શ્રીહરિના સંતોનાં વિચરણથી પવિત્ર પ્રદેશ છે.૫૬-૫૭ 

હે રાજન્ ! આવા ઉત્તમ પ્રદેશમાં દેશાંતરમાંથી આવી રહેલા ભક્તજનોએ પ્રવેશ કર્યો. ત્યારે તેઓ સુખપૂર્વક વડતાલની ચારે બાજુ નિવાસ કરવા લાગ્યા.૫૮ 

તેમાં કોઇ સરોવરના કિનારે, કોઇ નદીના તટ ઉપર, તો કોઇ કૂવાના કાંઠે નિવાસ કરીને રહ્યા.૫૮ 

કેટલાક જનો ઘરની સમાન આકૃતિ ધરાવતાં ઘટાદાર વૃક્ષોનો આશ્રય કરીને રહ્યા. કેટલાક ગામમાં રહેવા લાગ્યા.૬૦ 

આ પ્રમાણે વડતાલની ચારે બાજુ નિવાસ કરી રહેલા ભક્તજનો ભોજન જમી, સુખપૂર્વક ત્યાં રહેતા હતા. પછી ફાગણસુદ દશમની તિથિએ વડતાલમાં પ્રવેશ કર્યો ને શ્રીહરિના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા.૬૧ 

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ પણ પાંચાળ દેશને ઓળંગી ભદ્રાનદીને ઉતરી ભાલપ્રદેશમાં પ્રવેશ કર્યો, ત્યાંથી સાબરમતી નદી ઉતરી ચોથે દિવસે ચરોત્તર દેશમાં પધાર્યા.૬૨ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં શ્રીહરિ ગઢપુરથી વડતાલ જવા નીકળ્યાં અને ભક્તજનો પણ દેશાંતરથી શ્રીહરિનાં દર્શન કરવા માટે વડતાલ પધારી રહ્યાનું નિરૂપણ કર્યું, એ નામે સુડતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૭--