શ્રીનારાયણ ભગવાન કહે છે, હે ભક્તજનો ! આલોકમાં સિધ્ધદશાને પામેલા મુક્ત પુરુષોએ પણ નારી થકી અવશ્ય ભય પામવું, નહિતો મુક્ત પુરુષ પણ ભ્રષ્ટ થાય છે.૧
આ પુરુષ છે કે સ્ત્રી, આવા પ્રકારના ભેદને પણ નહિ જાણતા ઋષ્યશ્રૃંગમુનિ જેવી રીતે સ્ત્રીના પ્રસંગથી પોતાની સ્થિતિ થકી ભ્રષ્ટ થયા છે. તેમ કોઇ પણ મનુષ્ય સ્ત્રી પ્રસંગથી અવશ્ય ભ્રષ્ટ થાય છે.૨
હે ભક્તજનો ! ઋષ્યશ્રૃંગ મુનિની કથા પૂર્વે માણાવદરના જન્માષ્ટમી ઉત્સવમાં મારા થકી તમો સાંભળેલી છે. તેથી મુક્ત કે મુમુક્ષુ પુરુષોએ સ્ત્રી પ્રસંગની બાબતમાં સાવધાન રહેવું.૩
બુદ્ધિમાન મુક્તપુરુષોએ મારી આજ્ઞાથી પણ ધર્મની રક્ષા કરવા માટે ક્યારેય સ્ત્રીઓનો પ્રસંગ ન કરવો.૪
સ્ત્રીના અંગદર્શનમાત્રથી પણ આત્મનિષ્ઠ મુક્તપુરુષો પોતાની સિધ્ધદશાની સ્થિતિમાંથી ભ્રષ્ટ થયા છે. એમ જાણી મારા આશ્રિત વિવેકી મુક્ત પુરુષોએ પણ સ્ત્રીઓના અંગનું દર્શન સર્વપ્રકારે ત્યાગવું.૫
હે ભક્તજનો ! આ પ્રસંગમાં પ્રાચીન ઐતિહાસિક કથા રહેલી છે તેને તમે સાવધાન થઇને સાંભળો, આ કથા સ્ત્રીના અંગદર્શન માત્રથી મુક્તભાવને પામેલા નારદ તથા પર્વત બન્ને ઋષિઓ કેવા કષ્ટને પામ્યા તેના સંબંધવાળી છે.૬
પૂર્વે શરીરના સંબંધમાં મામા-ભાણેજનો સંબંધ ધરાવતા બ્રહ્મનિષ્ઠ તેમજ સિધ્ધદશાને પામેલા નારદ અને પર્વતમુનિ પૂણ્ય ક્ષેત્રોમાં વિચરણ કરતા હતા.૭
એક સમયને વિષે તે બન્ને વિષ્ણુ ભગવાનના ભક્ત અંબરીષ રાજાના અનેક પ્રકારના રત્નો તથા બહુ મૂલ્ય પદાર્થોથી શણગારેલા રાજભવનમાં આવ્યા.૮
ત્યારે અંબરીષ રાજાએ તે બન્નેની અનેક પ્રકારનાં ઉપચારોથી પૂજા કરી, દૂધપાક આદિક અન્ન જમાડી તૃપ્ત કર્યા. પછી બન્ને રાજભવનમાં સુખપૂર્વક થોડો વિશ્રામ લેવા બેઠા.૯
હે ભક્તજનો ! તે રાજાને જયંતી નામની એક સુંદર કન્યા હતી, સુલોચના તે કન્યા આ પૃથ્વીપર શરીરનાં રૂપ સૌંદર્યથી અનુપમ હતી. તેમજ શીલવ્રત તથા પતિવ્રતાના સારા સ્વભાવથી અતિશય શોભતી હતી.૧૦
આ કન્યાને અનુરૂપ કોઇ વર મળશે કે કેમ ? એમ તે બન્ને ઋષિઓને પૂછવાની ઈચ્છાથી અંબરીષ રાજાએ તેઓને પ્રણામ કર્યા અને કન્યાને પણ પ્રણામ કરાવ્યા. ત્યારપછી રાજા કન્યાની સાથે તે ઋષિઓની સમીપે બેઠા અને બન્ને પ્રત્યે પૂછવા લાગ્યા.૧૧
હે બ્રહ્મનિષ્ઠ ! તપોધન ! ઋષિઓ ! તમે બન્ને જ્ઞાનસંપન્ન ત્રિકાલદર્શી છો. તેથી ત્રિલોકમાં વિચરણ કરતા તમારા બન્નેથી ત્રિલોકીમાં કાંઇ અજાણ્યું નહિ હોય.૧૨
પ્રશ્ન સમજવામાં ચતુર તમને બન્નેને હું એક પ્રશ્ન પૂછુ છું, તેનો થયાયોગ્ય વિચારીને ઉત્તર આપો.૧૩
હે ઋષિઓ ! જયંતી નામે આ મારી સુલક્ષણા કન્યા છે. તેના યોગ્ય વરનો નિર્ણય હું કરી શકતો નથી.૧૪
તમે સર્વજ્ઞા છો અને સર્વેને સુખ આપનારા છો. તેથી કૃપા કરીને આ કન્યાને કોઇ યોગ્ય વર હોય તો જણાવો, હું તે બાબતની ચિંતાથી વ્યાકુળ થયો છું.૧૫
આ પ્રમાણે અંબરીષ રાજાએ પૂછયું, તેથી નારદ અને પર્વત બન્ને સુલક્ષણા તથા રૂપથી સુંદર અવયવોથી શોભતી તે જયંતી કન્યાને જોઇને મોહ પામ્યા ને મનમાં બન્નેને તે કન્યાને પરણવાની ઇચ્છા થઇ.૧૬
હે ભક્તજનો ! જયંતીનાં દર્શન માત્રથી કામમોહિત થયેલા બન્ને નિર્લજ્જ થયા અને અંબરીષ રાજાને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે નૃપતિ ! તમારી આ કન્યા અમને પરણાવી દો. તેનાથી તમારૂં કલ્યાણ થશે.૧૭
આવા પ્રકારનું બન્નેનું વચન સાંભળી અંબરીષ રાજા અતિશય વિસ્મય પામ્યા ને કાંઇક વિચારીને તે બન્નેને નૈષ્ઠિક બ્રહ્મચારી જાણી કહેવા લાગ્યા કે, હે બ્રહ્મનિષ્ઠ ઋષિઓ ! તમે તો નૈષ્ઠિક બ્રહ્મચારીપણે આ જગતમાં પ્રસિધ્ધ છો. તમે જે મારી કન્યાને વરવાનું વચન બોલ્યા તે વિનોદમાત્ર છે ? કે સત્ય છે ?૧૮-૧૯
આ પ્રમાણે રાજાએ પૂછયું તેથી બન્ને કહેવા લાગ્યા કે હે રાજન્ ! બ્રહ્મચર્યાદિ ચારે આશ્રમો ભગવાનની ભક્તિ વિના ભગવાનને રાજી કરવામાં કોઇ કામ આવતા નથી.૨૦
મોક્ષને ઇચ્છતા ભક્તજનોએ જે કોઇ એક આશ્રમમાં રહીને ભગવાનના ગુણ ગાવા તેનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે.૨૧
હે રાજન્ ! અત્યાર સુધી અમે બ્રહ્મચર્યાશ્રમમાં રહીને ભગવાનના ગુણોનું કીર્તન કર્યું છે. હવે ગૃહસ્થાશ્રમમાં રહીને ગાઇશું.૨૨
તેથી અમે આ કન્યાને પરણવાનો મનમાં નિશ્ચય કર્યો છે. આ વાત તમે નિશ્ચે સત્ય જાણો. અને અમને બન્નેને આ કન્યા પરણાવી દો, તમે બહુજ સુખી થશો.૨૩
શ્રીનારાયણ ભગવાન કહે છે, હે ભક્તજનો ! આ પ્રમાણે કામથી મૂઢબુદ્ધિવાળા થયેલા બન્નેનું વચન સાંભળી અંબરીષરાજાનું મન શાપથી ભય પામવાની ચિંતામાં વ્યાકુળ થયું.૨૪
અને બન્ને ઋષિઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ઋષિઓ ! આ મારી કન્યા એક જ છે, અને તમે બે જણ છો. તો હું લોક અને શાસ્ત્ર વિરુદ્ધ બન્નેને એક કન્યાદાન કેમ કરી શકું ?૨૫
એક પુરુષને બે પત્ની હોય તેવું તો ઘણી જગ્યાએ જોયું છે. પરંતુ બે પુરુષને એક પત્ની હોય તેવું કોઇ કાળે જોયું નથી. તેથી હવે આ કન્યા જ પોતાના ઇચ્છિત વરને વરશે.૨૬
હે નારદ, પર્વત-ઋષિઓ ! આવતી કાલે આ કન્યાનો સ્વયંવર નક્કી કરું છું. તેમાં તમે બન્ને જરૂરથી પધારજો.૨૭
હે ભક્તજનો ! આ પ્રમાણે અંબરીષરાજાએ કહ્યું તેથી નારદ અને પર્વત બન્ને કન્યાનું પોતાના મનમાં ચિંતવન કરતા કરતા રાજભવનમાંથી બહાર ચાલ્યા ગયા. ત્યારપછી રાજાએ પણ સ્વયંવર રચવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી.૨૮
કન્યા રૂપાળા પતિને જ ઇચ્છે છે, પરંતુ ધનાદિકને કોઇ જોતી નથી. આવી એક ઉક્તિ છે. તેને પોતાના મનમાં વિચારીને બન્ને જણાએ પૂર્વે કરેલાં તીવ્ર તપશ્ચર્યાથી પોતાના રૂપને રમણીય કરવાની મનમાં ઇચ્છા કરવા લાગ્યા.૨૯
હે ભક્તજનો ! કન્યા કોઇ એકને જ વરશે એ નક્કી છે. એમ વિચારી કામાસક્ત થયેલા બન્નેને એક બીજા સાથે પરસ્પર અતિશય મોટી ઇર્ષા ઉત્પન્ન થઇ.૩૦
ઇર્ષ્યાને કારણે બન્નેને વિચાર આવ્યો કે, અન્યનું રૂપ વિકૃત થાય અને પોતાનું રૂપ રમણીય થાય. આ વિચાર બન્ને જણાએ કોઇને અરસપરસ કહ્યો નહિ ને ગૂઢ રાખ્યો.૩૧
ત્યારપછી તે બન્ને યુક્તિપૂર્વક એક બીજાને છેતરી રૂપની પ્રાપ્તિને માટે વૈકુંઠલોકમાં ભક્તજનોને ઇચ્છીત ફળ આપનારા, શ્રીવિષ્ણુ ભગવાનના શરણે ગયા.૩ર
તેમાં પ્રથમ નારદજી ગયા ને પ્રણામ કર્યા અને પોતાને સ્ત્રી પરણવાની ઇચ્છા થઇ છે તે વાતને છૂપાવી શ્રીવિષ્ણુ ભગવાન પ્રત્યે કહેવા લાગ્યા.૩૩
હે ભગવાન ! અંબરીષ રાજાની કન્યા જયંતીનો આવતી કાલે સ્વયંવર થવાનો છે. તે સ્વયંવરમાં કાંઇક વિનોદ કરવા માટે રાજાઓનો થોડો પરિહાસ કરવા મને તમારી પાસે થોડું કાંઇક માગવું છે. તેથી હું તમારી પાસે આવ્યો છું.૩૪
હે ભગવાન ! આ અવસરે મારૂં રૂપ દર્શન માત્રથી સ્ત્રીનું ચિત્ત આકર્ષણ કરી લે તેવું થાય. તેમજ તપશ્ચર્યાથી દુર્બળ થયેલું આ શરીર સર્વરીતે પુષ્ટ અને બલવાન થાય.૩૫
તેમજ સ્વયંવરના આરંભથી જ મારા સહચારી પર્વતનું વાંનરના જેવું વિકૃતરૂપ થાય, એવું માગવા હું અહીં આવ્યો છું.૩૬
હે ભક્તજનો ! આ પ્રમાણે નારદજીએ પ્રાર્થના કરીને માંગણી કરી, તેથી વિષ્ણુ ભગવાને કહ્યું ''તથાસ્તુ'' તેમ થશે. તે સમયે નારદમુનિ કામદેવને પણ મોહ પમાડે તેવું રૂપ પ્રાપ્ત કરી તત્કાળ પૃથ્વી પર પધાર્યા.૩૭
અને આ બાજુ નારદજીની જેમ પર્વતમુનિ પણ ત્યાં વૈકુંઠ લોકમાં જઇ પોતાનું સુંદર રૂપ અને નારદજીનું વાંનરના મુખ જેવું વિરૂપ થાય તેવું વિષ્ણુ ભગવાન પાસે વરદાન માગ્યું.૩૮
ત્યારે શ્રીવિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે, મારા ભક્તને ક્યારેય છેદી ન શકાય તેવું સ્ત્રીરૂપ માયાનું બંધન ક્દાપિ ન થાઓ, એવું વિચારી દયાનિધિ ભગવાન શ્રીવિષ્ણુએ હસતાં હસતાં તે પર્વતમુનિને પણ ''તથાસ્તુ'' એ પ્રમાણે કહ્યું.૩૯
આ બાજુ પર્વતમુનિ પણ અતિશય અદ્ભૂત મનોહરરૂપ પ્રાપ્ત કરીને પૃથ્વીપર જયંતીના ભજનમાં મશગૂલ થયેલા નારદજી પાસે આવ્યા.૪૦
મનમાં ગૂઢ અભિપ્રાયને રાખી અતિશય રૂપવાન થયેલા તે બન્ને પરસ્પર એક બીજાને કહેવા લાગ્યા કે, તમે બહુ રૂપાળા છો તેથી કન્યા તમને જ વરશે.૪૧
આ પ્રમાણે એક બીજાને કહેતાં કહેતાં નારદ અને પર્વત તે રાત્રી બહુજ દુઃખપૂર્વક વિતાવી. વૈશાખમાસની રાત્રી તે બન્નેને બ્રહ્માના કલ્પની રાત્રી સમાન અતિશય મોટી જણાઈ.૪૨
હે ભક્તજનો ! ત્યારે બન્ને મુનિઓ આખી રાત્રી રાજકન્યા જયંતીના ગુણોની પરસ્પર વાતો કરવામાં વીતાવવા લાગ્યા. અહો !!! જયંતિના શરીરની શું કાંતિ છે ? તેની નવ યુવાની કેવી સુંદર છે ?૪૩
તેની હાથરૂપી વેલી કેવી આશ્ચર્યરૂપ છે ? તેનું મંદમંદ હસવું કેટલું મનોહર છે ? તેમજ તેના વાણીના શબ્દો કેટલા સ્પષ્ટ અને કર્ણપ્રિય છે ?.૪૪
પર્વત કહે છે, હે નારદ ! શું તમે જયંતીનું વદનકમળ શરદઋતુની પૂર્ણિમાના ચંદ્રમાની સમાન નિહાળ્યું, કે, સરોવરમાં ખીલેલા કમળ જેવું નિહાળ્યું ?૪૫
તે સાંભળી નારદજી કહેવા લાગ્યા કે, હે પર્વત ! એ જયંતિનું મુખ તો ખરેખર સાક્ષાત્ નિષ્કલંક ચંદ્રમા જેવું છે. જોકે તેમના મુખની આગળ કલંકવાળા ચંદ્રમા પણ શું કરે ? અને વાગેન્દ્રિય રહિત જડ એવું પાણીનું કમળ ક્યાં ? એની સાથે તુલના પણ ન થઇ શકે.૪૬
નારદ અને પર્વત બન્ને ઋષિઓ સ્ત્રીનાં દર્શનથી આવી દશાને પામ્યા. પ્રાતઃકાળે થોડો કાંઇક આહ્નિક વિધિ તત્કાળ પૂર્ણ કરી અંબરીષ રાજાના નગરમાં પધાર્યા.૪૭
ત્યારે પુરની સ્ત્રીઓ તો તેમનાં રૂપનું દર્શન કરતાં જ મોહ પામી ગઇ. સર્વે નાગરિકજનો અતિશય વિસ્મય પામી ટોળે મળીને બન્ને મુનિઓને જોવા લાગ્યા.૪૮
સ્વયંવરના સમયે રાજસભામાં તેઓ જતા હતા ત્યારે રાજાના આમંત્રણથી બીજા અનેક રાજાઓ પણ ત્યાં આવેલા તે સ્વયંવરની સભામાં બેઠા હતા.૪૯
શ્રીનારાયણ ભગવાન કહે છે, હે ભક્તજનો ! કામથી મોહ પામેલા બન્ને નારદ અને પર્વત તત્કાળ કન્યાની પ્રાપ્તિને માટે કન્યાના પ્રવેશદ્વારની સમીપે જ જઇને બેસી ગયા.૫૦
અંબરીષરાજા પણ સ્વયંવરમાં પધારેલા સર્વે રાજાઓનું વાણી આદિકથી સન્માન કરી તેઓને નમસ્કાર કરીને યથાયોગ્ય સ્થાને બેસાડયા. નારદ તથા પર્વતને જોઇને તો રાજા અતિશય આશ્ચર્યમાં ડૂબી ગયા.૫૧
તે બન્નેનાં રૂપ કામદેવને પણ મોહ પમાડે તેની સમાન સુંદર જણાતાં હતાં. તે સમયે સભામાં બેઠેલા સર્વે રાજાઓએ કન્યાપ્રાપ્તિની આશા છોડી દીધી ને અતિશય વિસ્મય પામી તે બન્ને મુનિઓને જ નિહાળવા લાગ્યા કે, આ બન્નેમાંથી કન્યા કયા મુનિને વરમાળા પહેરાવશે ? આ પ્રમાણે સર્વે રાજાઓ સંશય કરવા લાગ્યા.૫૨-૫૩
તેવામાં વરમાળા હાથમાં ગ્રહણ કરીને મનુષ્યોના મનને હરતી રાજકન્યા જયંતીએ સ્વયંવરની સભામાં પ્રવેશ કર્યો કે તરત જ બન્ને ઋષિઓનાં મુખ વાનરનાં જેવા થઇ ગયાં, એક બીજાને પરસ્પર આવા મર્કટમુખવાળા જોઇને પરમ હર્ષ પામવા લાગ્યા.૫૪-૫૫
કન્યા હવે પર્વતને નહિ વરે, અને મને વરશે એમ નારદજીએ મનમાં જાણ્યું, અને ખૂબજ હરખાયા. તેમજ પર્વત પણ કન્યા નારદજીને નહિ વરે એમ જાણીને મનમાં હરખાયા.૫૬
જયંતિ તો તે બન્ને વાનરમુખા મુનિઓને નિહાળીને ભયભીત થઇ ત્યાંથી ભાગવા લાગી. ત્યારે અંબરીષે કહ્યું કે, બેટા ! પાછી કેમ ભાગે છે ? છતાં તે ફરી સભામાં ન આવી.૫૭
હે ભક્તજનો ! ત્યારે અંબરીષ રાજા બન્ને મુનિઓ પાસે જઇને કહ્યું કે, હે મુનિઓ ! મારી કન્યા તો તમારા બન્ને થકી બહુ ભય પામે છે. ફરી આ સભામાં આવતી નથી. તેથી તમે બન્ને ભગવાનના ભજન માટે અહીંથી જાઓ તો સારૂં.૫૮
એમ જ્યારે રાજાએ કહ્યું. ત્યારે બન્ને મુનિઓ પોતપોતાના મુખને માંકડાના મુખ જેવા વિરૂપ નહિ જાણતા, અંબરીષ રાજા કાંઇક કપટ કરી રહ્યા છે એમ મનમાં નક્કી કર્યું. અને કન્યા પ્રાપ્તિની આશા નિષ્ફળ ગઇ છે. એમ જાણી અંબરીષ રાજા પ્રત્યે કહેવા લાગ્યા.૫૯
હે રાજન્ ! રાજના ઐશ્વર્યના મદથી ઉધ્ધત થયેલો તું અમને તપસ્વી જાણીને કન્યા આપવા ઇચ્છતો નથી. તારી ચેષ્ટાને અમે જાણીએ છીએ.૬૦
હે મૂઢ ! પોતાને આત્મજ્ઞાની માની, મુનિ એવા અમારી તું અવજ્ઞા કરે છે ? તેથી તું આજથી દેહાભિમાની થઇશ. તેમાં કોઇ સંશય નથી.૬૧
શ્રીહરિ કહે છે, હે ભક્તજનો ! આ પ્રમાણે નિરાપરાધી અને ભગવત્પ્રિય અંબરીષ રાજાને શાપ આપી કામભંગનાં કારણે ક્રોધાયમાન થયેલા બન્ને મુનિઓ અંબરીષ રાજાની સભામાંથી બહાર આવ્યા.૬૨
તે સમયે ભગવાન શ્રીવિષ્ણુએ ભક્તની રક્ષા માટે અંબરીષ રાજાના રાજભવનમાં સ્થાપન કરેલાં સુદર્શન ચક્રે, અંબરીષ રાજાની શાપ થકી રક્ષા કરીને, રાજભવનમાંથી જ શાપનું નિવારણ કરી એ શાપને કામ અને ક્રોધરૂપ અગ્નિમાં બળી રહેલા તે બન્ને મુનિઓની પાછળ સ્વયં સુદર્શન ચક્ર દોડવા લાગ્યું.૬૩-૬૪
હે ભક્તજનો ! બન્નેમુનિઓ પોતાની પાછળ આવતા ધૂમાડાના ગોટાની સમાન શ્યામવર્ણના અને રાજાને આપેલા પોતાના શાપને એકાએક આવતો નિહાળી વિસ્મય પામી ગયા.૬૫
પ્રલયકાળના અગ્નિ સમાન ઝળહળતાં ભયંકર તેજવાળાં સુદર્શન ચક્રને જોઇ ત્યાંથી ભાગવા લાગ્યા.૬૬
માંકડાના મુખવાળા બન્ને મુનિઓ માર્ગમાં સૌથી આગળ અને તેમની પાછળ દોડી રહેલો તમોમય શાપ અને મધ્યમાં સુદર્શન ચક્ર દોડવા લાગ્યું.૬૭
અંબરીષ ભક્તના દ્રોહથી નિઃસ્તેજ થયેલાં તેઓના મુખ ગ્લાનિ પામ્યા ને દોડવાના બહુ પરિશ્રમથી શરીરે પરસેવો વળી ગયો હતો.૬૮
છતાં જ્ઞાનરહિત થયેલા બન્ને મુનિઓ દોડી રહ્યા હતા. બચાવો... બચાવો...નો સાદ પાડતા દોડી રહેલા બન્ને મુનિઓ પૃથ્વીપરના સર્વે દેશ, ગામ, તથા ઘર ઘર પ્રત્યે ગયા.૬૯
માન રહિત થયેલા બન્ને મુનિઓ, અહંકર રહિત થયા તેમજ લાજ છોડીને દોડતા જ્યાં જ્યાં જાય ત્યાં સુદર્શન ચક્રને પોતાની પાછળ જ શીઘ્ર ગતિએ આવતું જોતા હતા.૭૦
ચક્રના તેજને કારણે બળતા અંગવાળા તથા માંકડાના મુખવાળા બન્ને મુનિઓને જોઇ તેના ભાગવાનું કારણ નહિ જાણતા મનુષ્યો કાંઇ પણ બોલતા ન હતા.૭૧
અને ક્યારેય પણ નહિ અનુભવેલી ને નહિ સાંભળેલી વેદનાને પામેલા મુનિઓ આતાળ-પાતાળ આદિ સર્વે અધોલોક સુધી ઘુમી આવ્યા.૭૨
ત્યાં તેમને રક્ષણ કરનારો કોઇ મળ્યો નહિ. તેથી ઉચ્ચસ્વરે બચાવો, બચાવોનો અતિશય આક્રોશ કરતા ઇન્દ્રાદિ દિગ્પાળોના લોકમાં ગયા.૭૩
શ્રીનારાયણ ભગવાન કહે છે, હે ભક્તજનો ! બન્ને મુનિ ઇન્દ્રલોક, અગ્નિલોક, યમલોક, નિઋર્તિલોક, વરુણલોક, વાયુલોક, કુબેરલોક તથા રુદ્રલોકમાં ગયા.૭૪
તે સર્વે લોકમાં રહેલા દેવતાઓ પણ બન્નેની આવી દશા જોઇ અતિશય વિસ્મય પામ્યા ને સુદર્શન ચક્રના ભયથી કાંઇ પણ વચન બોલી શક્યા નહિ.૭૫
નારદ અને પર્વત બન્ને મુનિઓ ઇન્દ્રાદિ સકલ દેવતાઓ તથા બ્રહ્મા, શિવ આદિ ઇશ્વરોને પણ નમસ્કાર કરી રક્ષણ માગતા હતા છતાં કોઇ રક્ષણ કરનારૂં ન મળ્યું.૭૬
તેથી વિષ્ણુના વૈકુંઠલોકમાં ગયા ને હે હરિ ! અમારું રક્ષણ કરો, રક્ષણ કરો, આ પ્રમાણે દૂરથી જ આક્રંદ કરતા કરતા અવિનાશી ભગવાન વિષ્ણુને દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૭૭
તે સમયે દયાળુ ભગવાન શ્રીહરિએ કૃપા કરીને તે બન્ને મુનિઓની પાછળ આવતા સુદર્શન ચક્ર થકી રક્ષા કરી. ભક્તના શાપને સ્વયં સ્વીકાર કર્યો ને રામાવતારમાં તેને પ્રગટ કર્યો હતો, એમ પુરાણોમાં સર્વે કથા વર્ણવી છે. શ્રીવિષ્ણુ ભગવાને તે બન્ને મુનિઓને આશ્વાસન આપી કૌસ્તુભમણિમાં તેઓનું મુખ દેખાડયું ત્યારે આવું કેમ થયું ? એવો બન્ને જણે પ્રશ્ન કર્યો. ત્યારે ભગવાને કહ્યું તમે બન્ને જણે એક બીજા માટે એવું માગ્યું હતું. તેથી આ પ્રમાણે થયું છે, તમો મારા ઉપર કોપ ન કરશો. આવીરીતનું જે કાંઇ થયું તેમાં સ્ત્રીના બંધન થકી તમારૂં રક્ષણ કરવાની મારી ઇચ્છાથી આમ થયું છે. એમ કહી બન્નેનાં માંકડાંનાં મુખ દૂર કર્યાં.૭૮
હે ભક્તજનો ! આ પ્રમાણે પૂર્વે નારદજી અને પર્વત બન્ને સ્ત્રીનાં દર્શન માત્રથી અતિશય કષ્ટ પામ્યા છે.૭૯
તેથી મારા ભક્ત મુમુક્ષુ કે મુક્ત પુરુષોએ પણ પોતાના હિતને માટે સ્ત્રીઓનો પ્રસંગ સર્વ પ્રકારે ક્યારેય ન કરવો.૮૦
તેમજ મૈથુનાસક્ત પશુ અને પક્ષીનું દર્શન મુક્ત પુરુષે પણ ક્યારેય ન કરવું. તો પછી મુમુક્ષુની શું વાત કરવી ?૮૧
હે ભક્તજનો ! પૂર્વે મુક્ત સ્થિતિને પામેલા બ્રહ્મનિષ્ઠ અને જીતેન્દ્રિય એવા સૌભરી ઋષિએ પણ માછલાંનું મૈથુન જોયું તો પોતાના બ્રહ્મચર્ય વ્રત થકી ભ્રષ્ટ થયા.૮૨
હે ભક્તજનો ! જ્ઞાનના કે ભક્તિના બળથી મારાં વાક્યનું ઉલ્લંઘન કરીને જે મનુષ્યો સ્વૈચ્છાચારી થશે, તે કામના આક્રમણથી મનમાં અતિશય દુઃખી થતા ધર્મભ્રષ્ટ થશે અને મહાન કષ્ટને પામશે.૮૩
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ પ્રસંગે ભક્તજનોને શિક્ષા આપવાના હેતુથી સ્ત્રીના પ્રસંગથી મુક્ત સ્થિતિને પામેલા એવા નારદ અને પર્વતની દૂર્દશા થઇ તેનું નિરૂપણ કર્યું, એ નામે સાઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૦--