અધ્યાય - ૬૨ - ભગવાન શ્રીહરિએ ભક્તજનોને સંક્ષેપથી કરેલો ગૃહસ્થધર્મનો ઉપદેશ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! આલોક અને પરલોકમાં સુખી થવા ઇચ્છતા મારા આશ્રિત ભક્તજનોએ પરસ્ત્રીસંગનો સર્વપ્રકારે ત્યાગ કરવો.૧ 

તેવી જ રીતે ગૃહસ્થાશ્રમી પુરુષોની જે સધવા સ્ત્રીઓ હોય તેમણે પણ પોતાના પતિ સિવાયના પુરુષનો પ્રસંગ સર્વપ્રકારે ત્યાગ કરવો. તેમાં પણ પરણાવવા લાયક યુવાન કન્યાઓ અને વિધવા સ્ત્રીએ તો વિશેષપણે પુરુષોનો પ્રસંગ છોડી દેવો.૨ 

હે ભક્તજનો ! ગૃહસ્થાશ્રમીઓએ મદ્ય, માંસ, ડુંગળી, લસણ, તેમજ માદક વસ્તુમાત્રનો સંસર્ગ પણ છોડી દેવો.૩ 

ચારે વર્ણના કોઇ પણ મનુષ્યોએ પોતાની જ્ઞાતિનું પણ જમતાં છોડી દીધેલું ઉચ્છિષ્ટ અન્ન જમવું નહિ. કેવળ અગ્નિથી પકાવેલું કે ઘી, દૂધ આદિથી રાંધેલું હોય તેના સિવાયનું અન્ન ગ્રહણ ન કરવું.૪ 

મારા આશ્રિત ગૃહસ્થ ભક્તજનોએ ભાંગ, ગાંજો, અફીણાદિ સર્વે ખાવું, પીવું કે સૂંઘવું આ ત્રણે પ્રકારે તમાકુનું સેવન તેમજ જુગાર, ચોરી, અને અસત્યનું ભાષણ આટલાનો સર્વ પ્રકારે ત્યાગ કરી દેવો.૫ 

હે ભક્તજનો ! ગાળ્યા વિનાનું દૂધ, ઘી કે જળનો ક્યારેય ઉપયોગ કરવો નહિ. તેમજ ગૃહસ્થ હોવા છતાં પણ ક્રોધ, ઇર્ષ્યા, માન અને હિંસાનો સર્વપ્રકારે ત્યાગ કરવો. દેવતાઓને કે પિતૃઓને ઉદ્દેશીને પણ જીવહિંસા ક્યારેય ન કરવી. સ્વર્ગની પ્રાપ્તિને માટે પણ તીર્થક્ષેત્રાદિકમાં આત્મઘાત ક્યારેય પણ ન કરવો.૭ 

 માછીમારને છ મહિના માછલાં માર્યાનું જેટલું પાપ થાય તેટલું પાપ એક દિવસમાં ગાળ્યા વિનાનું જળ પીનાર મનુષ્યને લાગે છે.૮ 

કારણ કે તેમાં માંસભક્ષણનો સંભવ હોય છે. માટે પુરાણોમાં આટલો મોટો દોષ કહેલો છે માટે જળ હમેશાં ગાળીને પીવું.૯ 

ગૃહસ્થાશ્રમી જનોએ સ્ત્રી, દ્રવ્યાદિક સાંસારિક પદાર્થોમાં સાવ મૂઢની જેમ આસક્ત થવું નહિ, પરંતુ સંતોમાં વિશેષ સ્નેહ કરવો.૧૦ 

કારણ કે સ્ત્રી, પુત્રાદિકમાં આસક્તિરૂપ સાંસારિક પાશ શસ્ત્રાદિકથી પણ તોડવો અશક્ય છે. એ પાશથી મજબૂત રીતે બંધાયેલા મનુષ્યોને આલોકમાં કેવળ સંતો જ મુક્ત કરી શકે છે.૧૧ 

તેથી મુમુક્ષુ ગૃહસ્થ જનોએ સ્વધર્મનિષ્ઠ એવા ગૃહસ્થ ભક્તોના કે સંતોના મુખેથી શ્રીકૃષ્ણ ભગવાનની કથાનું શ્રવણ વિશેષપણે કરવું.૧૨ 

હે ભક્તજનો ! જે ત્યાગી થઇને ધનનો સ્વીકાર કરે, સ્ત્રીઓ સાથે વાતો કરે, તેના મુખથી જો ભગવાનની કથા વાર્તા ગૃહસ્થ સાંભળે તો એક ચાંદ્રાયણવ્રત કરવું. અર્થાત્ તેઓના મુખેથી કથાવાર્તા પણ સાંભળવી નહિ.૧૩ 

પોતાના ગામમાં ધર્મથી વૃદ્ધ ગૃહસ્થના ઘેર અથવા સાધુનાં નિવાસસ્થાન એવાં મંદિરો કે ધર્મશાળાઓ જો હોય તો ત્યાંજ ભેળા મળીને સાયંકાળે ગૃહસ્થજનોએ ભગવાનનાં નામ સંકીર્તનાદિકનું ઉચ્ચારણ તથા કથા શ્રવણ અવશ્ય કરવું.૧૪ 

સર્વ ગૃહસ્થજનોને પોતપોતાની શક્તિ પ્રમાણે પ્રતિદિન ભગવાનના મંત્ર જપની માળાઓ નિશ્ચિત સંખ્યાના નિયમો રાખીને ફેરવવી. સંખ્યાના નિયમ વિના માત્ર અંદાજે ભજન કરવું નહિ.૧૫ 

હે ભક્તજનો ! તેમજ પ્રતિદિન એકાંત સ્થળમાં બેસી ભગવાનનું ધ્યાન કરી, મનના મેલને ધોનારી માનસીપૂજા કરવી.૧૬ 

તેમજ પોતપોતાના વર્ણાશ્રમને ઉચિત વેદોક્ત સ્નાનાદિ છ કર્મ તો દ્વિજાતિ એવા ત્રણે વર્ણના ગૃહસ્થજનોએ શ્રીકૃષ્ણ ભગવાનની નવધા ભક્તિએ સહિત કરવાં.૧૭

ક્યારેય પણ જો સ્વધર્મનો ભંગ થાય અથવા કોઇ પાપકર્મ થઇ જાય તો મારા આશ્રિત સર્વે જનોએ તેનું પ્રાયશ્ચિત અવશ્ય કરવું.૧૮ 

અને અજ્ઞાનથી એકવાર કોઇ પાપરૂપ દોષ થઇ જાય તેના માટે પૂર્વના મનુ આદિક મહર્ષિઓએ પ્રાયશ્ચિતનો વિધિ બતાવેલો છે.૧૯ 

પ્રાયશ્ચિત આપનાર પર્ષદ :- હે ભક્તજનો ! ધર્મભંગનું કે અન્ય કોઇ પણ પાપનું પ્રાયશ્ચિત કરવા ઇચ્છતા મનુષ્યે સ્નાન કરી, બે હાથ જોડી, પ્રાયશ્ચિત આપનારી સભાને શરણે જવું.૨૦ 

સ્વધર્મ નિષ્ઠ, સત્યપરાયણ, તેમજ સાધુ સ્વભાવના દશ જણા કે સાતજણા કે પછી પાંચ અથવા ત્રણ જણા ભેળા થયા હોય તેને અથવા અધ્યાત્મજ્ઞાની તથા ધર્મશાસ્ત્રનો જ્ઞાતા એક જણ હોય તેને પણ સભા કહેવામાં આવે છે.૨૧ 

તે સિવાયના લાખ મૂર્ખાઓ, અધર્મીઓ, લોભીઓ કે પક્ષપાતીઓ ભેળા થાય તો પણ તેને સભા કહેવાતી નથી.૨૨ 

વૃદ્ધ, યુવાન, અતિશય રૂપવાન કે ધનવાન હોય, તેના ભેળા થવાથી પ્રાયશ્ચિત આપનારી સભા સિદ્ધ થતી નથી. પરંતુ ધર્મનિષ્ઠ ત્રણ વિદ્વાનો હોય અથવા એક હોય તેને પણ સભા કહેવાય છે.૨૩ 

વેદ-શાસ્ત્રના અધ્યયનથી સંપન્ન, સત્યવાદી, જીતેન્દ્રિય, ધર્મનિષ્ઠ, તેમજ શાંત સ્વભાવનો વ્યક્તિ હોય તે જ પ્રાયશ્ચિતની સભાનો સભ્ય થવાને યોગ્ય થાય છે.૨૪ 

જો ધર્મના જ્ઞાતા વિપ્રો વયથી ભલે નાના હોય છતાં એજ સભાને યોગ્ય વૃદ્ધપુરુષો કહેલા છે. પરંતુ માથાના વાળ ધોળા થવા માત્રથી મૂર્ખ પુરુષો સભાના સભ્ય થવાને લાયક નથી.૨૫ 

જે સભામાં સત્ય હોય ત્યાં જ ધર્મ રહેલો છે. પરંતુ જે સભામાં સત્યનો અભાવ હોય તે સભામાં અધર્મ જ નિવાસ કરીને રહેલો છે. ધર્મનો અને સત્યનો હમેશાં જય થાય છે, અધર્મનો કે અસત્યનો જય કદાપિ થતો નથી.૨૬ 

હે ભક્તજનો ! પ્રાયશ્ચિત, વ્યવહાર તથા વ્રત તહેવારાદિકના ઉપદેશમાં સભાસદો જેને ધર્મ કહે તેજ ધર્મ જાણવો, અને જેને અધર્મ કહે તેને અધર્મ જાણવો. એથી સભાસદોએ પ્રથમ નિર્ણય કરીને જ બોલવું, નહિ તો પોતે સભાસદો જ તે દોષના ભોક્તા થાય છે.૨૭ 

જે જ્યોતિષશાસ્ત્રમાં કહેલા મુહૂર્તાદિકને, ઋણ લેવું દેવું આદિક વ્યવહારના નિર્ણયને, બ્રહ્મહત્યાદિક પાપનાં પ્રાયશ્ચિતને કે રોગ પ્રતિકારક ઔષધીના ધર્મને, જે પુરુષ શાસ્ત્રને અનુસારે યથાર્થ જાણતો ન હોય ને વિપરીત નિર્ણય આપે, તો તે પુરુષ મહાપાતકી થાય છે.૨૮ 

સભાસદોએ બતાવેલી ક્રિયાનું આચરણ કરવાથી પાપ કરનારો પુરુષ શુદ્ધ થાય છે. પરંતુ જો પ્રાયશ્ચિત આપવાના નિર્ણય કરવામાં અધર્મ કે પક્ષપાત થયો હોય તો તેનો દોષ સભાસદોને જરૂર લાગે છે.૨૯ 

તેથી ધાર્મિક અને પાપભીરુ સભાસદ વિપ્રે સત્યનો જ આશ્રય કરી ધર્મનો નિર્ણય આપવો, પરંતુ અધર્મનો નિર્ણય ક્યારેય પણ આપવો નહિ.૩૦ 

સભાસદોએ સ્ત્રી, બાળક, વૃદ્ધ, રોગાદિકથી ક્ષીણ શરીરવાળા જનો, કૃશ શરીરવાળા જનો, તથા ઉપવાસાદિક કરવામાં અશક્તજનો ઉપર પ્રાયશ્ચિતનો નિર્ણય સંભળાવતી વખતે અનુગ્રહ કરવો.૩૧ 

તેનાથી થઇ ન શકે તેવું પ્રાયશ્ચિત આપવું નહિ. ધર્મના સ્વરૂપને જાણતા સદ્ધર્મનિષ્ઠ સભાના સભ્યોએ દેશ, કાળ, વય અને સામર્થ્યનું ધ્યાન રાખી અનુગ્રહ કરવો.૩૨

જે સભાસદ વિપ્રો લોભ, મોહ, ભય તેમજ મૈત્રીભાવથી જો નિર્ણય આપવામાં અનુગ્રહ કરે છે, તો સભાસદો પણ રૌરવ નરકમાં પડે છે. તેમાં કોઇ જાતનો સંશય નથી.૩૩ 

હે ભક્તજનો ! ધર્મનિષ્ઠ તથા ધર્મશાસ્ત્રના અર્થને યથાર્થ જાણતા પુરાતની મનુ આદિક સ્મૃતિકારોએ જ ધર્મનો ઉપદેશ કર્યો છે. અન્ય અધાર્મિક પુરુષોએ કર્યો નથી. તેથી ધર્મનો જ્યારે નિર્ણય કરવાનો થાય ત્યારે સભાસદોએ બહુ વિચારીને નિર્ણય કરવો.૩૪ 

દેશાચાર, કુલાચાર અને ગ્રામાચારનું વિશેષપણે ધ્યાન રાખીને શાસ્ત્રાચાર કહેવો. પરંતુ તત્કાળ કોઇ નિર્ણય સંભળાવવો નહિ.૩૫ 

હે ભક્તજનો ! પાપ કરનારો મનુષ્ય સભાસદોના કહેવા પ્રમાણે વ્રતનું અનુષ્ઠાન કરે, તેનાથી તે શુદ્ધ થાય છે, અને જો તેનું આચરણ ન કરે તો તે નરકને પામે છે.૩૬

એકાંતમાં પાપકર્મ કરવાવાળો પુરુષ સ્વયં જ્ઞાની હોય તો ધર્મશાસ્ત્રને જોઇ તેમાં કહેવા પ્રમાણે યથાયોગ્ય પ્રાયશ્ચિત કરી નાખવું. જો પોતે વિદ્વાન ન હોય તો પોતાને અનુકૂળ ધર્મનિષ્ઠ સત્પુરુષને પૂછીને તેના કહેવા પ્રમાણે પ્રાયશ્ચિત કરવું.૩૭ 

પ્રાયશ્ચિતના અધિકારી-અનધિકારી :- પાંચવર્ષના અંત સુધીની ઉંમરના બાળકને પાપ લાગતું નથી. તેવા બાળકને કોઇ રાજદંડની શિક્ષા કે પ્રાયશ્ચિતની શિક્ષા હોતી નથી.૩૮ 

છ થી દશ વર્ષ સુધીના બાળકનું પ્રાયશ્ચિત ભાઇએ, પિતાએ કે સ્વયં ગુરુએ કરવું.૩૯ 

તેવી જ રીતે અગિયાર વર્ષથી આરંભીને સોળવર્ષ પર્યંતના બાળકોને અર્ધુ પ્રાયશ્ચિત કરવું, અને એંશી વર્ષથી ઉપરના વૃદ્ધ, રોગી અને સ્ત્રીઓએ પણ અર્ધુ પ્રાયશ્ચિત કરવું.૪૦ 

હે ભક્તજનો ! જે પુરુષ અને સ્ત્રી પાપનું પ્રાયશ્ચિત કરે છે તે નક્કી શુભગતિને પામે છે. અને પ્રાયશ્ચિત કરતા નથી તે નરકને પામે છે, અને કૂતરા આદિકની નીચયોનીને પામે છે.૪૧ 

જે મનુષ્ય પાપ કર્યા પછી તેનું પ્રાયશ્ચિત કર્યું ન હોય તેનો કોઇ સંગ કરે તો તેને પણ પાપ લાગે છે. માટે પાપી પુરુષનો કોઇએ સંગ ન કરવો.૪૨ 

મારા આશ્રિત ગૃહસ્થોએ, ત્યાગીઓએ અને સ્ત્રીઓએ પોતપોતાના પાપનું યથાયોગ્ય પ્રાયશ્ચિત કરી નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરવું. (વિશેષ વિસ્તાર પાંચમા પ્રકરણથી જાણી લેવો.)૪૩ 

ભગવાનમાં પ્રીતિ થવાનાં સાધનો :- મારા આશ્રિત સર્વે જનો તુચ્છ સાંસારિક વિષય સુખમાંથી આસક્તિનો ત્યાગ કરી સદાય સાક્ષાત્ ભગવાન શ્રી વાસુદેવમાં એક પ્રીતિ કરવી.૪૪ 

તે પ્રીતિ થવાના સાધનોઃ- શ્રદ્ધા, નિત્યે સ્વધર્મનું આચરણ, ભગવાનનું માહાત્મ્ય જાણવાની ઇચ્છા, આત્મા-અનાત્માના વિચારનો અભ્યાસ, એકાંતિક ભક્તોનું સેવન, સ્વધર્મમાં રહેલા ભક્તોના મુખેથી કથાનું શ્રવણ, સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદમાં આસક્ત પુરુષના સંગનો સર્વથા ત્યાગ, ભગવાનના ગુણ, શ્રવણ, કીર્તનાદિક સિવાય અન્ય માયિક પદાર્થોમાં સંતોષ, પરંતુ કથા કીર્તનાદિકમાં ક્યારેય સંતોષ ન થવો, અહિંસા, ભગવદ્ કીર્તન, અહિંસાદિ યમો, શૌચાદિક નિયમોનું પાલન, કોઇની પણ નિંદાનો ત્યાગ, ઠંડી-ગરમી આદિ દ્વન્દ્વોની સહનશીલતા અને ભગવાનના સતત નામ સ્મરણથી શ્રી વાસુદેવ ભગવાનને વિષે પ્રીતિરૂપ નવધા ભક્તિ ઉત્પન્ન થાય છે.૪૫-૪૮ 

હે ભક્તજનો ! આ રીતે ભગવાન શ્રીહરિમાં પરમ પ્રીતિ ઉત્પન્ન થવાથી જીવને સંસૃતિનો વિનાશ થાય છે.૪૯ 

તેમજ દૃઢ વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવાન આ પ્રકારની ભક્તિથી જ પ્રસન્ન થાય છે તેવા અન્ય કોઇ ઉપાયથી પ્રસન્ન થતા નથી. તેથી તમે નિષ્કપટભાવે સદાય સર્વપ્રકારની ભક્તિ જ કર્યા કરજો.૫૦ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભક્તિપુત્ર ભગવાન શ્રીહરિ પોતાના આશ્રિત ભક્તજનોને સાધને સહિત ધર્મ અને ભક્તિનો બોધ આપીને અતિશય પ્રસન્ન થયા, અને સંતોને ભગવાનના ગુણગાનના કીર્તનો ગાવાની પ્રેરણા કરી, ત્યારે સભામાં બેઠેલા સર્વે ગૃહસ્થ ભક્તજનોએ પણ ભગવાન શ્રીહરિનાં ઉપદેશ વાક્યો પોતાના મસ્તક ઉપર ધારણ કરીને વંદન કર્યા.૫૧ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ પ્રસંગે ભક્તજનોને શિક્ષા આપી તથા પ્રાયશ્ચિતનું નિરૂપણ કર્યું, એ નામે બાસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૨--