અધ્યાય - ૬૪ - નારાયણગીરી બાવા તથા હરિભક્તોની પ્રાર્થનાથી ભગવાન શ્રીહરિએ પોતાની જન્મ જયંતી અને વિમલા એકાદશી સુધી વડતાલમાં રોકાવાનું આપેલું વચન.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિ ગઢપુર જવા તત્પર થયા ત્યારે પુરમાંથી નારાયણગિરિ બાવા શ્રીહરિની સમીપે આવી પ્રાર્થના કરવા લાગ્યા કે, હે સ્વામિન્ ! હે પ્રભુ ! હું આવતી કાલે સંતોએ સહિત આપનો આતિથ્ય સત્કાર કરવા ઇચ્છુ છું. આપ કૃપા કરીને મારો મનોરથ પૂર્ણ કરો.૧-૨ 

આ પ્રમાણે પ્રાર્થના કરી તેથી ભક્તવત્સલ ભગવાન શ્રીહરિએ ''તથાસ્તુ'' કહ્યું. તેવામાં બીજા પણ નગરવાસી ભક્તજનો તત્કાળ શ્રીહરિની સમીપે આવ્યા.૩ 

તેમાં કુબેર પટેલ, જોબનપગી, જુષોપગી, મૂળજી આદિ સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિને ભક્તિભાવપૂર્વક નમસ્કાર કર્યા ને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમે વડતાલપુરમાં પધાર્યા તેને આજે ત્રેવીસ દિવસ થાય છે. તે દિવસથી માંડી આજ સુધી માત્ર પહેલે દિવસે જોબનપગીની રસોઇ સ્વીકારી તેમનો મનોરથ પૂર્ણ કર્યો હતો.૪-૫ 

હે પ્રભુ ! ત્યારપછી તમે દેશાંતરવાસી ભક્તોની રસોઇ સ્વીકારી તેઓના મનોરથ પૂર્ણ કર્યા છે.૬ 

તો હે સ્વામિન્ ! અમે પણ તમારા ભક્તો છીએ, તેથી રસોઇ આપી તમારી તથા સંતોની સેવા કરવા યોગ્ય છીએ. એથી અમારા ઉપર અનુગ્રહ કર્યા વિના તમે દુર્ગપુર પ્રયાણ ન કરો, એવી અમારી પ્રાર્થના છે.૭ 

હે સ્વામિન્ ! તમારા જન્મોત્સવની તિથિ ચૈત્રસુદ નવમી પણ સમીપમાં જ આવે છે, એ દિવસે તમારૂં પૂજન કરવાની અમારી અંતરમાં ખૂબજ ઇચ્છા છે.૮ 

તેથી તમે ચૈત્રસુદ વિમલા એકાદશીના ઉત્સવ પર્યંત અહીંયાં જ નિવાસ કરીને રહો એવી અમારી પ્રાર્થના છે. હે રાજન્ ! આ પ્રમાણે કુબેરઆદિ ભક્તજનોએ પ્રાર્થના કરી ત્યારે શ્રીહરિએ હસતાં હસતાં તથાસ્તુ કહ્યું.૯ 

હે રાજન્ ! પછી ભગવાન શ્રીહરિ પોતાના ભક્તજનોને સંતોષ પમાડતા વડતાલપુરમાં નિવાસ કરીને રહ્યા. ચૈત્રસુદ નવમીની તિથિએ શ્રીહરિએ ઉપવાસ કર્યો અને મધ્યાહ્ને કૌશલ્યાનંદન શ્રીરામચંદ્રજીનું વિધિ પ્રમાણે પૂજન કર્યું.૧૦ 

ત્યારપછી રામનવમીના દિવસે શ્રીહરિના પ્રાગટયનો પણ દિવસ છે એમ જાણતા વડતાલપુરના તેમજ દેશાંતરવાસી ભક્તજનોએ અતિશય ઉત્સાહમાં આવી પરમ પ્રીતિથી ભગવાન શ્રીહરિનું પૂજન કર્યું.૧૧ 

સર્વે ભક્તજનોએ નવીન કિંમતી વસ્ત્ર, સુગંધીમાન ચંદન, મનોહર પુષ્પોના હાર, સુવર્ણ તથા રત્નોનાં આભૂષણ, મહાઆરતી, સ્તુતિ અને નમસ્કાર વડે ભગવાન શ્રીહરિનું આદરપૂર્વક પૂજન કર્યું. તેમજ નિરાહાર રહી ઉપવાસ કર્યો અને રાત્રીએ જાગરણ કર્યું.૧૨-૧૩ 

હે રાજન્ ! સર્વે ભક્તજનોએ દશમીના દિવસે શ્રીહરિને રાજી કરવા માટે પોતાની ધન સંપત્તિને અનુસારે સુંદર ભોજનોથી સાધુ તથા બ્રાહ્મણોને જમાડી, દાન આપ્યાં.૧૪ 

ભગવાન શ્રીહરિએ પણ વિપ્રોને દાન આપી પારણાં કર્યાં. પછી એકાદશીના દિવસે મહાન ઉત્સવ ઉજવ્યો.૧૫ 

તેમાં સર્વતોભદ્રમંડળની સ્થાપના કરી લક્ષ્મીજીએ સહિત સુવર્ણમય વાસુદેવ ભગવાનની અનેક પ્રકારના રાજોપચારોથી વિધિપૂર્વક પૂજા કરી.૧૬ 

પછી તેમને પારણીયામાં પધરાવીને મહાઆરતી કરી, શ્રીહરિ ઝુલાવવા લાગ્યા.૧૭ 

એક મુહૂર્તના અંતે ભગવાન શ્રીહરિએ પૂજાની સમાપ્તિ કરી, બ્રાહ્મણોનું પૂજન કર્યું. આજે એકાદશીના દિવસે પણ ભક્તજનોની સાથે ઉપવાસ કરવા પૂર્વક રાત્રીએ જાગરણ કર્યું.૧૮ 

પછી બારસના પ્રાતઃકાળે શ્રીહરિએ વિધિપૂર્વક પારણાં કરીને તત્કાળ દુર્ગપુર પ્રયાણ કરવા માટે પોતાના ઘોડેસ્વાર પાર્ષદોને તથા પદાતીઓને તૈયાર થવાની આજ્ઞા કરી.૧૯ 

તથા કેટલાક સંતોનાં મંડળોને અજ્ઞાની જીવોને બોધ આપવા માટે દેશાંતરોમાં વિચરણ કરવા જવાની આજ્ઞા આપી. કેટલાક સંતોનાં મંડળોને પોતાની સાથે ચાલવાની આજ્ઞા આપી.૨૦ 

પોતે પ્રયાણોચિત વસ્ત્રોને ધારણ કરી સુવર્ણના ઊંચા સિંહાસન ઉપર આવીને વિરાજમાન થયા. તે સમયે સમગ્ર ભક્તજનોએ વિદાયની પૂજા કરી, ત્યારે ભક્તપ્રિય ભગવાન શ્રીહરિ સર્વ ભક્તજનોને કહેવા લાગ્યા કે, હે ભક્તજનો પુરુષો તથા સ્ત્રીઓ ! તમે મારું વચન સાંભળો, તમે અહીંથી તમારા દેશ પ્રત્યે જવાનું પ્રયાણ કરો છો, તો માર્ગમાં ચાલતાં શ્રીકૃષ્ણ ભગવાનનું હૃદયમાં ધ્યાન કરતાં કરતાં ચાલજો. અને સાવધાની પણ રાખજો.૨૧-૨૨ 

હે રાજન્ ! આ પ્રમાણે કરુણાનિધિ ભગવાન શ્રીહરિએ સર્વે ભક્તજનોને આદેશ આપી, સર્વેને ''જય સચ્ચિદાનંદ'' કહીને ઘોડા ઉપર આરુઢ થયા.૨૩ 

શ્રીહરિ ચારેબાજુ પશ્ચિમદેશના ઘોડેસ્વારોથી વીંટાયા હતા. મસ્તક ઉપર ફેંટો બાંધ્યો હતો. અનેક પ્રકારના પુષ્પોના તોરાઓ પાઘમાં ધારણ કર્યા હતા. ભાલમાં ઉત્તમ કેસરનું ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું હતું. વચ્ચે કુંકુમનો ગોળ ચાંદલો કર્યો હતો. કંઠમાં અનેક પ્રકારના પુષ્પોના તથા મોતીઓના હાર ધારણ કર્યા હતા. આંખમાં અશ્રુઓ વહેળાવતા ભક્તજનો શ્રીહરિનાં દર્શન કરી રહ્યા હતા, પછી શરદઋતુના ચંદ્રમા જેવા મનોહર મુખવાળા શ્રીહરિ ભક્તજનોથી છૂટા પડી ગઢપુર જવા રવાના થયા.૨૪ 

હે રાજન્ ! તે સમયે પોતાની પાછળ અનુસરતાં અનેક નરનારીઓને શ્રીહરિએ નીહાળ્યાં, તેથી પોતાના હાથની સંજ્ઞાથી પાછાં વાળવા પ્રયાસ કર્યો, છતાં પણ પાછાં વાળી શક્યા નહીં.૨૫ 

તેથી શ્રીહરિ પગની પાનીનો સ્પર્શ કરી ઘોડાને દોડાવ્યો અને સ્વયં એકલાજ તત્કાળ ભક્તજનોની દૃષ્ટિથી અતિશય દૂર ચાલ્યા ગયા.૨૬ 

ભક્તજનો પણ જ્યાં સુધી પોતાની દૃષ્ટિ પહોંચી ત્યાં સુધી શ્રીહરિનું દર્શન કરતા રહ્યા ને પછી પાછા વળ્યા. આંખમાં અશ્રુઓ વાળા સર્વે ભક્તજનો હૃદયમાં ભગવાન શ્રીહરિનું સ્મરણ કરતા કરતા પોતપોતાના દેશ પ્રત્યે જવા પાછા ફર્યા.૨૭ 

હે રાજન્ ! વડતાલપુરથી શ્રીહરિએ પ્રયાણ કર્યું તે સમયે અયોધ્યાવાસી રામપ્રતાપાદિ સર્વે સંબંધીજનો પણ શ્રીહરિની આજ્ઞા પ્રમાણે રથ આદિ વાહનોમાં બેસી, પહેલાં જ પ્રયાણ કરી દીધું હોવાથી થોડાક આગળ નીકળી ગયા હતા.૨૮ 

ત્યારપછી ઘોડો દોડાવી આગળ નીકળી ગયેલા શ્રીહરિ, પોતાના પાર્ષદ એવા પશ્ચિમદેશના ઘોડેસ્વારોની સાથે દુર્ગપુર જઇ રહ્યા હતા. ત્યારે માર્ગમાં ભાલ પ્રદેશ આવ્યો.૨૯ 

ત્યાના બે હાથ જોડી માર્ગમાં ઊભેલા હજારો ભક્તજનોને નિહાળ્યા, શ્રીહરિ સમીપે પધાર્યા ત્યારે સર્વે ભક્તજનો નમસ્કાર કરી, ઘોડાની લગામ પકડી પોતાના પુર પ્રત્યે લઇ જવાની અતિશય પ્રાર્થના કરવા લાગ્યા.૩૦-૩૧ 

ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ સર્વે ભક્તજનોને તિરસ્કારીને સીધા ગઢપુર જવા સમર્થ થઇ શક્યા નહિ. તેથી ભક્તજનોનું પ્રિય કરવા તે ભક્તોના પુર પ્રત્યે જવાનો નિશ્ચય કર્યો.૩૨ 

ભગવાન શ્રીહરિ ભાલદેશના ભક્તોનું ભલું કરવા કોઇ પુરમાં અડધો દિવસ ક્યાંક એક દિવસ ક્યાંક બે કે ત્રણ દિવસ, નિવાસ કરીને રહેતા હતા.૩૩ 

તેથી ભક્તજનો ખૂબજ આનંદ પામતા હતા અને શ્રીહરિને પણ આનંદ ઉપજાવતા હતા એમ કરતાં એક મહિનો વ્યતીત થઇ ગયો.૩૪ 

વિરહાતુર દાદાખાચરનો પત્ર :- હે રાજન્ ! આ બાજુ દુર્ગપુરમાં નિવાસ કરી રહેલા ઉત્તમ રાજા શ્રીહરિના આવવાનો અવધિ પૂર્ણ થઇ જવાથી આટલો બધો વિલંબ કેમ થયો હશે ? આ પ્રમાણે વિચારતા પ્રતીક્ષા કરતા કરતા એક માસ તો મહાદુઃખથી વીતાવ્યો.૩૫ 

શ્રીહરિ આજે, કાલે કે પરમ દિવસે ચોક્કસ પધારશે. આવા પ્રકારના વિચારોના વમળમાં ઉત્તમ રાજાએ બીજો મહિનો પણ પ્રસાર કર્યો.૩૬ 

પછી ત્રીજો મહિનો પ્રાપ્ત થતાં અતિ ચિંતાતુર થયેલા ઉત્તમ રાજા, એક ક્ષણ પણ ભગવાન શ્રીહરિનો વિરહ સહન કરવા સમર્થ થયા નહિ.૩૭ 

તેથી ખાનપાન રહિત થયેલા ઉત્તમરાજાનું ચિંતાગ્નિમાં શરીર બળવા લાગ્યું. જાગરણ ઉપર જાગરણ થવા લાગ્યાં, પછી ધીરજ ખૂટવાથી એકાગ્ર મન કરી પત્ર લખવા લાગ્યા.૩૮ 

ઉપમા લખવા પૂર્વક શ્રીહરિના ચરણમાં વંદનાદિક લખીને પ્રાર્થના લખી કે હે ભગવાન ! મારી આગળ તમે જે ''હું એક મહિનામાં પાછો આવી જઇશ.'' એવી કરેલી મર્યાદા તો ક્યારનીયે વીતી ગઇ છે.૩૯ 

અત્યાર સુધી તો મારા શરીરમાં પ્રાણ મહાકષ્ટથી ટક્યા છે. મને લાગે છે કે હવે તમારા વિયોગમાં આ પ્રાણ ટકશે નહિ.૪૦ 

હે ભગવાન ! તમારો વિયોગ સહન કરવા હવે હું સમર્થ નથી. તેથી આપ અહીં જલદીથી પધારો, અથવા તમારી સમીપે મને બોલાવી લ્યો.૪૧ 

હે રાજન્ ! આવા અર્થના સંદર્ભવાળો ઉત્તમરાજાએ પત્ર લખ્યો, અને શીઘ્રગામી દૂત દ્વારા તેજ ક્ષણે શ્રીહરિ ઉપર મોકલ્યો.૪૨ 

દૂત પણ જે દિવસે ગઢપુરથી નીકળ્યો હતો તે જ દિવસે ભાલ પ્રદેશના ગાંફ ગામે આવી પહોંચ્યો અને ભગવાન શ્રીહરિ પણ તેજ દિવસે ગાંફ ગામમાં પધાર્યા હતા. દૂતે રાજભવનમાં શ્રીહરિને ઉત્તમરાજાએ મોકલેલો પત્ર અર્પણ કરી પ્રણામ કર્યા. કરુણાનિધિ ભગવાન શ્રીહરિ તે પત્ર વાંચી જાણ્યું કે ઉત્તમરાજા હવે મારો વિયોગ સહન કરવા સમર્થ થઇ શકશે નહિ.૪૩-૪૪ 

તેથી તે જ સમયે ભાલ પ્રદેશના સર્વે ભક્તજનોને પોતપોતાના ગામ પ્રત્યે જવાની આજ્ઞા આપીને, રાત્રીના સમયે ઘોડેસ્વાર પાર્ષદોની સાથે દુર્ગપુર જવા રવાના થયા.૪૫ 

ભગવાન શ્રીહરિ અરુણોદય થતાં ગઢપુરને પામ્યા. પ્રતીક્ષા કરીને બહાર વેદિકા ઉપર બેઠેલા ઉત્તમ રાજાએ દૂત દ્વારા ભગવાન શ્રીહરિના આગમનના સમાચાર સાંભળ્યા, કે તરતજ પગમાં પગરખાં પહેરવાનું ભૂલી જઇ શ્રીહરિની સન્મુખ દોડયા, ને શરીર જેમ પ્રાણ પાછા આવતાં ચેતનવન્તુ થાય, તેમ ઉત્તમરાજા શ્રીહરિને પામીને આનંદઘેલા થઇ ઝુમવા લાગ્યા.૪૬-૪૭ 

શ્રીહરિ પણ તત્કાળ પોતાના અશ્વ ઉપરથી નીચે ઉતરીને પોતાના ચરણમાં દંડવત્ પ્રણામ કરી રહેલા ઉત્તમરાજાને ઉઠાવી બાથમાં ઘાલીને મળ્યા. વિરહમાં આટલું બધું શરીર કૃશ થઇ ગયેલું જોઇ અતિશય વિસ્મય પામ્યા.૪૮ 

સર્વે પાર્ષદોની સાથે વીંટાઇ ઉત્તમરાજાની સાથે પોતાના નિવાસ સ્થાને પધારી સુખપૂર્વક રહેવા લાગ્યા.૪૯ 

હે રાજન્ ! ઉત્તમરાજાએ ભગવાન શ્રીહરિના બંધુ રામપ્રતાપભાઇ તથા ઇચ્છારામભાઇ આદિ સર્વેને શ્રીહરિ જેટલું જ માન આપી, પોતાના ભવનમાં નિવાસ કરાવ્યો.૫૦ 

હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ વડતાલપુરમાં પુષ્પદોલોત્સવની સાથે બીજા અનેક ઉત્સવો ઉજવ્યા છે.૫૧ 

જે મનુષ્ય ભગવાન શ્રીહરિની આ સર્વોત્તમ પરમ પવિત્ર એવી મહોત્સવ સંબંધી કથા સાંભળશે કે કહેશે, તે બન્ને શ્રોતા અને વક્તા શ્રીહરિની કૃપાથી આલોકમાં સમસ્ત ઇચ્છિત મનોરથને પામશે. તથા પરલોકમાં શ્રીહરિના પરમધામને પ્રાપ્ત કરશે.૫૨ 

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ કરી પાછા ગઢપુર પધાર્યાનું નિરૂપણ કર્યું, એ નામે ચોસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૪-- 

શ્રીમત્ સત્સંગિજીવન તૃતીય-પ્રકરણ સમાપ્ત.