અધ્યાય - ૮ - ધનતેરસને દિવસે ઉત્તમરાજાએ ભગવાન શ્રીહરિનું કરેલું પૂજન.

ધનતેરસને દિવસે ઉત્તમરાજાએ ભગવાન શ્રીહરિનું કરેલું પૂજન. સંતો પધાર્યાના સમાચાર જોધા ભરવાડે આપ્યા. શ્રીહરિ સંતોને મળવા ઉતાવળે સામે ગયા. રોમાંચિત સંતોએ શ્રીહરિને મળવા દોટ મૂકી. સંતોએ દર્શન કરેલા શ્રીહરિના રૃપનું વર્ણન.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સર્વદૃષ્ટા ભગવાન શ્રીહરિ બ્રાહ્મમુહૂર્તમાં જાગ્યા, પછી શૌચવિધિ કરી સ્નાન કર્યું. અને પ્રાતઃકાલિન સંધ્યાવંદન આદિ નિત્યકર્મ કર્યું.૧ 

તે પછી પોતાના ભક્તજનોના નેત્રોને પોતાનાં દર્શનવડે આનંદ ઉપજાવતા શ્રીહરિ ઉત્તમરાજાના આંગણામાં વેદિકા ઉપર તૈયાર કરેલા સિંહાસન ઉપર વિરાજમાન થયા.૨ 

તે સમયે મુક્તાનંદ સ્વામી આદિ સંતો, મુકુન્દાનંદ બ્રહ્મચારી આદિ વર્ણિઓ, હેમતસિંહ આદિ હરિભક્તો સોમલાખાચર, ભગુજી આદિ પાર્ષદો અને જયા, રમા, લલિતા આદિ સ્ત્રીભક્તજનોએ ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી સભામાં પોતાનું સ્થાન લીધું. ત્યારે શ્રીહરિ જમણા હાથમાં જપમાળા લઇ ફેરવી રહ્યા હતા.૩  

હે રાજન્ ! તે સમયે પોતાના નિત્યકર્મમાંથી પરવારી ઉત્તમરાજા ભગવાન શ્રીહરિની સમીપે આવ્યા અને ચંદન, ચોખા, પુષ્પો અર્પણ કરી આરતી ઉતારી પૂજન કર્યું.૪ 

ત્યારે મુકુન્દાનંદ બ્રહ્મચારી પાસે ઊભા રહી હાથમાં શ્વેત ચામર ધારણ કરી શ્રીહરિને ઢોળતા હતા. ત્યારે ઉત્તમ રાજા પણ ભગવાન શ્રીહરિને વીંઝણો નાખવા લાગ્યા.૫ 

ત્યારે હરનાથ નામના માળી લક્ષ્મીવાડીએથી આવ્યા અને અતિશય ભાવથી શ્રીહરિને ઉત્તમપુષ્પોના હાર તોરા ધારણ કરાવ્યા.૬ 

ફરી તેજ અવસરે લલિતાબાની પ્રેરણાથી ભગવાન શ્રીહરિને ધારણ કરાવવાનાં સુંદર વસ્ત્રની પોટલી પોતાની બગલમાં ધારણ કરી કોઇ રતિ નામની સ્ત્રીભક્ત તત્કાળ ત્યાં આવી.૭ 

અને તત્કાળ શ્રીહરિને નમસ્કાર કરી થોડે દૂર ઊભેલી તે રતિબાઇને જોઇ તેના અભિપ્રાયને જાણતા શ્રીહરિ મંદમંદ હાસ્ય કરતા પૂછવા લાગ્યા કે, આ બગલમાં ભરાવેલી પોટલીમાં શું છે ?૮ 

શરમથી નહિ બોલી શકેલી રતિના અભિપ્રાયને જાણી સોમલાખાચર આદિ પાર્ષદોએ બે હાથ જોડી ભગવાન શ્રીહરિને કહ્યું કે, હે પ્રભુ ! આજે બારસના દિવસે જ અમાવાસ્યાનો ક્ષય હોવાથી ધનતેરસનો પવિત્ર દિવસ છે. તેથી તમારે માટે આ રતિબાઇ નવાં વસ્ત્રો લઇ આવી છે. તેને તમે ધારણ કરો.૯ 

હે રાજન્ ! તે સમયે ભગવાન શ્રીહરિ સોમલાખાચર આદિ ભક્તજનોએ કહ્યું કે, હે ભક્તો ! આજે શ્રીકૃષ્ણ ભગવાનનાં વસ્ત્રાભૂષણોનું પ્રક્ષાલન કરવાનો ઉત્સવ છે. તેની ઉજવણી કરો, અને હું પડવાને દિવસે નવાં વસ્ત્રો ધારણ કરીશ.૧૦  

સંતો પધાર્યાના સમાચાર જોધા ભરવાડે આપ્યા :- હે રાજન્ ! ભગવાન શ્રીહરિ જ્યાં આવી વાત કરી રહ્યા છે. ત્યાં જોધો ભરવાડ આવ્યા ને સમાચાર આપ્યા કે, સંતોનાં મંડળો ગઢપુરથી અર્ધોકોશ દૂર છે. દ્વારપાલને જોધો ભરવાડ આ સમાચાર આપી રહ્યા હતા.૧૧ 

ત્યારે ઉન્મત્તગંગાએથી સ્નાન કરી શ્રીહરિની સમીપે આવી રહેલા, ભાલમાં સુંદર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરેલું છે, અને હાથમાં જળઝારી ધારણ કરેલી છે, એવા વૃદ્ધ મયારામવિપ્રે આ સમાચાર સાંભળ્યા. એકદમ આનંદમાં આવી શ્રીહરિ સન્મુખ દોડવા લાગ્યા.૧૨ 

કેડમાં મજબૂત કછોટો બાંધી દોડતા તે માર્ગમાં લડથડીયાં ખાતા હતા, વેગથી આવવાના પરિશ્રમને કારણે તે બહુ શ્વાસોચ્છ્વાસ લેતા હતા. હૃદયમાં સંતોના આગમનનું ચિંતવન થતાં હરખ માતો ન હતો અને તત્કાળ ભગવાન શ્રીહરિની સમીપે આવી મંદમંદ હાસ્ય કરતા બે હાથ જોડી સંતોના આગમનના સમાચાર આપતાં કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! સંતોનાં મંડળો તથા ગુજરાત આદિ પ્રદેશના ભક્તજનોના સંઘો નગરના સીમાડાઓમાં આવી પહોંચ્યા છે. આજે આપનાં દર્શનથી તે સંતો ભક્તોને મોટો આનંદ ઉત્સવ થશે.૧૩-૧૪  

શ્રીહરિ સંતોને મળવા ઉતાવળે સામે ગયા :- હે રાજન્ ! મયારામ વિપ્રના મુખથકી પોતાના પ્રિય સંતો ભક્તોના આગમનના સમાચાર સાંભળી હમેશાં પોતાના સંતો ભક્તોનું જ પ્રિય કરનારા મુનિપતિ ભગવાન શ્રીહરિનું મુખ અને નેત્રો અતિશય હર્ષથી વિક્સિત થયાં અને સંતોની સન્મુખ જવા અત્યંત ઉત્સુક મનવાળા થઇ પોતાના સિંહાસન ઉપરથી તત્કાળ ઊભા થઇ ગયા.૧૫ 

ત્યારે ઉત્તમરાજાની આજ્ઞાથી ભગુજી પાર્ષદ ચપળગતિએ ચાલતા ઘોડાને તત્કાળ શ્રીહરિની સમીપે લાવ્યા. ત્યારે ઉત્તરીય શ્વેતવસ્ત્રથી પોતાની કેડને દૃઢરીતે બાંધી સ્વયં ભગવાન શ્રીહરિ સરળતાથી કૂદકો મારી તત્કાળ અશ્વ ઉપર આરુઢ થયા.૧૬ 

તે સમયે પોતાનાં દર્શન કરવા માર્ગમાં આડા ઊભેલા લોકોને રૂમાલ ધારણ કરેલા હાથની સંજ્ઞાથી દૂર કરતા ભગવાન શ્રીહરિ સંતમંડળોની સન્મુખ જવાની અતિશય ઉતાવળ હોવા છતાં પોતાનાં દર્શનાર્થે પધારેલા અને અત્યંત ઉત્કંઠા વાળા તેમજ ચારેબાજુ ઊભેલા ભક્ત સમુદાયને લીધે ઘોડાની લગામ ધીરે ધીરે ખેંચી મંદમંદ ગતિએ તેને ચલાવતા ધીરે ધીરે દુર્ગપુરમાંથી બહાર નીકળ્યા.૧૭ 

ત્યારે સોમલાખાચર આદિ પાર્ષદ અસ્વારો હાથમાં ભાલા તથા બરછીઓ ધારણ કરી સ્વભાવસિદ્ધ વેગવતી ચાલે ચાલવાવાળા અશ્વો ઉપર આરુઢ થઇ ભગવાન શ્રીહરિની પાછળ ચાલવા લાગ્યા. ઉતાવળમાં ઘોડા ઉપર જલદીથી બાંધેલાં પલાણો શિથિલ થવાથી આમ તેમ હાલતા હતાં. તેમજ હાથમાં ખુલ્લી તલવારો લઇ રતનજી, ભગુજી વગેરે પાર્ષદો પણ તે ઘોડેસ્વારોની પાછળ ચાલવા લાગ્યા.૧૮  

હે રાજન્ ! બીજા હજારો નરનારીઓ પણ પોતાનાં ઘર કામ છોડીને તે પાર્ષદોની પાછળ ચાલવા લાગ્યાં. ત્યારે ભગવાન શ્રીહરિ દુર્ગપુરથી બહાર નીકળી પગની એડીના સ્પર્શથી પોતાના અશ્વને દોડાવી મૂક્યો, સોમલાખાચર આદિ અસ્વારો પણ પોતાનાથી શ્રીહરિ અતિશય દૂર નીકળી ગયેલા જોઇ તે પણ પોતાના પગની એડીઓથી પ્રહાર કરી ઘોડાઓને દોડાવી શ્રીહરિની પાછળ દોડવા લાગ્યા.૧૯ 

ત્યારે ભગવાન શ્રીહરિને દૂર નીકળેલા જોઇ સર્વે ભક્તજનો પણ અસ્વારોની પાછળ દોડવા લાગ્યા.૨૦ 

હે રાજન્ ! આ અસ્વારો ધરતીપરથી સ્વર્ગમાં ઉડી રહ્યા છે કે શું ? અથવા શ્વેત રાજહંસો આકાશમાંથી નીચે પૃથ્વીપર ઉતરી રહ્યાં છે કે શું ? અથવા સાક્ષાત્ ગરુડ પક્ષીઓ કે મૂર્તિમાન દિવ્ય શરીરધારી વાયુદેવ પધારી રહ્યા છે કે શું ? આ પ્રમાણે અસ્વારોને જોનારા જનો તેમના પ્રત્યે અનેક પ્રકારના તર્ક-વિતર્ક કરવા લાગ્યા. તેમજ તે અસ્વારોએ પણ ભગવાન શ્રીહરિનાં કીર્તનોનું ગાન કરી દશે દિશાઓને ગજવતા આવી રહેલા સંતોનાં મંડળો તથા અનંત નરનારી ભક્તજનોના સંઘોને દૂરથી જોયા.૨૧  

રોમાંચિત સંતોએ શ્રીહરિને મળવા દોટ મૂકી :- તે સંતોએ પણ મનના વેગ જેવા ઘોડા ઉપર વિરાજમાન થયેલા અને પોતાના નેત્રોને આનંદ ઉપજાવી રહેલા એકાએકી આવી રહેલા ભગવાન શ્રીહરિને દૂરથી જોયા. તે સમયે ઘોડાના અતિશય વેગને કારણે ભગવાન શ્રીહરિની પાઘમાં લટકતા તોરાઓ ઉછળી રહ્યા હતા. તેમની પાછળ અશ્વારુઢ થયેલા ઘોડેસ્વારો પણ દોડતા આવી રહ્યા હતા. દૂરથી આવાં લક્ષણો જોઇ સંતોએ અનુમાન કર્યું કે, આપણા જીવનપ્રાણ ભગવાન શ્રીહરિ જ આવી રહ્યા છે. તેથી તેમના શરીરની રોમાવલી બેઠી થઇ અને ચાલીને આવતા અન્ય હજારો મનુષ્યોની સાથે સંતોએ ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા સામેથી દોટ મૂકી.૨૨ 

હે રાજન્ ! દાવાનળથી બળતા વનના હાથીઓ જેમ દૂરથી શીતલ ગંગાના પ્રવાહને જોઇ તેમના પ્રતિ દોટ મૂકે, તથા જેમ રાજહંસો માનસરોવર પ્રતિ દોટ મૂકે તેમ જેના જીવનનો એક ભગવાન શ્રીહરિ જ આધાર છે. એવા સંતો તથા ભક્તજનો પોતાના આત્મવલ્લભ શ્રીહરિને દૂરથી નિહાળી તેમના પ્રત્યે દોડવા લાગ્યા.૨૩ 

ભગવાન શ્રીહરિની સામે દોડતા સર્વે સંતોએ જેવા અશ્વ ઉપર આરુઢ થયેલા શ્રીહરિનાં દર્શન કર્યાં કે પોતાનો દિવ્ય ભાવ પ્રગટી ગયો અને મનુષ્યભાવ ભૂલાતાં શરીરનું ભાન ભૂલ્યા. જેમ પિતા વ્યાસજીનાં દર્શન થતાં શુકદેવજી શરીરભાન ભૂલી દૂરથી દોટ મૂકી હતી તેમ સર્વે સંતો પણ ધનુષમાંથી છુટેલા તીરની જેમ દોડયા અને તત્કાળ શ્રીહરિને પામ્યા.૨૪ 

ભગવાન શ્રીહરિ પણ સંતો પોતાની સમીપે પધાર્યા જાણી ઘોડાને ઊભો રાખ્યો, સંતોને શ્રીહરિનાં દર્શન થતાંની સાથે પ્રેમ ઊભરાતાં નેત્રોમાં હર્ષનાં અશ્રુઓ વહેવા લાગ્યાં, સર્વે સંતો તથા ભક્તજનો પોતાના પરમ પ્રિય પરમાત્મા ભગવાન શ્રીહરિને પૃથ્વીપર પડીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. સ્ત્રી ભક્તજનો પણ પૃથ્વી પર બેસી બે હાથ જમીન પર ટેકવી મસ્તક નમાવી પંચાંગ પ્રણામ કરવા લાગ્યાં.૨૫ 

તે સમયે સોમલાખાચર આદિ પાર્ષદો પણ અશ્વો પરથી નીચે ઉતરી સંતોને દંડવત્ પ્રણામ કરી પાછા પોતપોતાના અશ્વ ઉપર આરુઢ થયા. અને હર્ષઘેલા સર્વે સંતો દંડવત્ પ્રણામ કરી આદરપૂર્વક નેત્રકમળોથી પોતાના પ્રાણપ્રિય ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા લાગ્યા.૨૬  

સંતોએ દર્શન કરેલા શ્રીહરિના રૂપનું વર્ણન :- હે રાજન્ ! તે સમયે ભગવાન શ્રીહરિ ઊંચે નીચે તેમજ ચારે તરફ આમ તેમ વારંવાર મુખ ફેરવી રહેલા અને સ્વભાવથી જ ચંચળ એવા અશ્વને સ્થિર કરવા માટે હઠથી ડાબા હાથે લગામ ખેંચી રહ્યા હતા, જમણા હાથમાં ચાબૂક ધારણ કરી રહ્યા હતા. તેમના મસ્તક ઉપર ધારણ કરેલી પાઘમાં લટકતા તોરા ઉછળતા હતા. તેમજ સંતોનાં દર્શન કરવાથી ઉતાવળમાં અંગ ઉપર શ્રીહરિએ અંગરખું પણ ધારણ કર્યું ન હતું તેથી રમણીય વક્ષઃસ્થળનાં સારી રીતે દર્શન થઇ રહ્યાં હતાં. અને તેમાં અનેક સુગંધીમાન પુષ્પોની ઉત્તમ માળાઓની પંક્તિ ધારણ કરી હતી. વિશાળ ભાલમાં કેસર મિશ્રિત ચંદનનાં ઊર્ધ્વપુંડ્ર તિલકે સહિત ગોળ ચાંદલો ધારણ કર્યો હતો. સર્વે શ્વેતવસ્ત્રો ધારણ કર્યાં હતાં.૨૭ 

આવા ભગવાન શ્રીહરિનાં સંતો-ભક્તોએ દર્શન કર્યાં તે સમયે પોતાનાં નેત્રો અને મનને પ્રિય લાગે તેવી મધુર દૃષ્ટિથી પોતાના તરફ જોઇ રહેલા ભગવાન શ્રીહરિનાં દર્શન કરી બે હાથ જોડી ઊભા રહેલા સંતો અને ભક્તજનો દર્શનથી તૃપ્ત થતા ન હતા. અને શ્રીહરિએ પણ સર્વેનું યથાયોગ્ય સ્વાગતાદિ પ્રશ્નો પૂછી સન્માન કર્યું. ત્યારપછી માર્ગમાં તેઓ સર્વેને આનંદ ઉપજાવતા તેઓની સાથે ધીરે ધીરે ચાલતા દુર્ગપુર પ્રતિ આવવા લાગ્યા.૨૮ 

હે રાજન્ ! તે સમયે અમદાવાદથી પધારેલા ભક્તજનો ત્રાંસાદિ અનેક પ્રકારના વાજિંત્રોનો ધ્વનિ કરતા હતા. અનેક પ્રકારનાં દુંદુભી, ઝાંઝ, પખાજ આદિના નાદ તથા બંદૂકોના આવાજને પણ કરતા હતા. તેને સાંભળતા તથા દેશદેશાંતરમાંથી આવેલી સ્ત્રીભક્તજનો પોતપોતાના ભાથાના ડબરાઓ અને વસ્ત્રની પોટલીઓ પોતાના મસ્તક પર ધારણ કરી ઉચ્ચ સ્વરે ગીત ગાતી ચાલતી સાથે આવી રહી હતી, તેના મધુર શબ્દોને સાંભળતા ભગવાન શ્રીહરિ દુર્ગપુર પધાર્યા.૨૯  

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ આ રીતે ગઢપુરમાં ઉત્તમ રાજાના દરબારમાં પધારી અશ્વ ઉપરથી નીચે ઉતરી સર્વે દેશાંતરવાસી ભક્તજનોને યથાયોગ્ય ઉતારા આપવાની આજ્ઞા આપી. ત્યારપછી નિંબતરુ નીચે વેદિકા ઉપર સ્થાપન કરેલા મણિમય ઉત્તમ સિંહાસન ઉપર બેસી સ્વયં રસોઇ કરનારા ભક્તજનોને ઉત્સાહ પ્રેરી, સંતોને માટે તત્કાળ રસોઇ તૈયાર કરાવવા લાગ્યા.૩૦ 

હે રાજન્ ! તે સમયે શ્રીહરિનાં દર્શન બહુ કાળે થયાં છે. માટે તેમના દર્શન કરવાની અત્યંત લાલસાવાળા સમસ્ત મુનિજનો અને ભક્તજનો નેત્રોવડે સારી રીતે સેવવા યોગ્ય ભગવાન શ્રીહરિના મુખકાંતિરૂપ અમૃતરસને બહુવાર સુધી સારી રીતે પાન કરીને પણ તૃપ્તિને તો પામ્યા જ નહિ.૩૧  

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવ પર પધારેલા સંતોની સન્મુખ ભગવાન શ્રીહરિ પધાર્યા અને ભગવાનનાં દર્શન કરી સંતોને ખૂબજ આનંદ થયાનું નિરૂપણ કર્યું એ નામે આઠમો અધ્યાય પૂર્ણ થયો. --૮--