અધ્યાય - ૪૯ - અમદાવાદ અને વડતાલનો ઉત્સવ કર્યો અને ગઢપુરનું મંદિર કરવાની ઉત્તમરાજાએ કરેલી પ્રાર્થના.

અમદાવાદ અને વડતાલનો ઉત્સવ કર્યો અને ગઢપુરનું મંદિર કરવાની ઉત્તમરાજાએ કરેલી પ્રાર્થના. જુનાગઢમાં મૂર્તિપ્રતિષ્ઠા કરવા અનુપસિંહની પ્રાર્થના. જુનાગઢમાં રાધારમણ દેવનો પ્રતિષ્ઠા મહોત્સવ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ઉપરોક્ત પ્રકારે પ્રતિદિન ધર્મસંબંધી વાર્તા કરી ભક્તજનોને નિઃસંશય કરતા શ્રીહરિને દોઢ વર્ષ વ્યતીત થયું.૧ 

પછી ભગવાન શ્રીહરિ ગઢપુરમાં સંવત ૧૮૮૪ ના મહાસુદ પાંચમને દિવસે વસંતનો ઉત્સવ ઉજવી પોતાના સેવકો સાથે શ્રીનગરમાં પધાર્યા.૨ 

ત્યાં મોટી સામગ્રીથી સંવત ૧૮૮૪ ના ફાગણવદ પડવાને દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પુષ્પદોલોત્સવ ઉજવી શ્રીહરિ વડતાલપુરે પધાર્યા.૩ 

ત્યાં પણ રામનવમીનો ઉત્સવ કરી સેવકોની સાથે ચૈત્રસુદ પૂનમને દિવસે ફરી ગઢપુર પધાર્યા.૪ 

ત્યારપછી સંવત ૧૮૮૪ના ચૈત્રવદ બીજને દિવસે આસન ઉપર સુખપૂર્વક બેઠેલા ભગવાન શ્રીહરિને ઉત્તમરાજા બન્ને હાથ જોડી વિનયપૂર્વક નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે સ્વામિન્ ! દીનબંધુ ! પ્રભુ ! તમે કૃપા કરીને તમારા સેવક સ્થાને રહેલા અમારા સર્વે મનોરથ પૂર્ણ કરેલા છે.૫-૬ 

હે સંતોના સ્વામી ! મારી તથા જયા અને લલિતા એ બે બહેનોની તેમજ ગઢપુરવાસી સર્વ ભક્તજનોની અંતરમાં એક જ ઇચ્છા વર્તે છે, તેને તમે પૂરી કરો.૭ 

એવી અમારી પ્રાર્થના છે. હે સ્વામિન્ ! તમે આ ગઢપુરમાં સર્વે મંદિરોમાં શ્રેષ્ઠ એવું શ્રીકૃષ્ણ ભગવાનનું શિખરબંધ મંદિર કરો. આવી અમારી પ્રાર્થના તમો અવશ્ય પૂરી કરશો એવો અમને વિશ્વાસ છે.૮ 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ઉત્તમરાજાએ પ્રાર્થના કરી, તેથી ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા ને ઉત્તમરાજાને કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમારી જેવી ઇચ્છા છે તે પ્રમાણે અમે કરીશું.૯ 

આ પ્રમાણે ઉત્તમ રાજાને કહી શ્રીહરિ વિરક્તાનંદ મુનિને કહેવા લાગ્યા કે, હે મુનિ ! તમે અહીં શ્રીકૃષ્ણ ભગવાનનું સુંદર મંદિર કરો.૧૦ 

તે મંદિર નિર્માણમાં ઉપયોગી સર્વે સામગ્રી તમારી આજ્ઞા પ્રમાણે આ ઉત્તમરાજા લાવીને પૂરી કરશે.૧૧ 

હું પણ ઘણું કરીને અહીંજ રહીશ. તેથી ક્યારેક કાંઇક પૂછવાનું થાય તો અવશ્ય મને પૂછજો.૧૨ 

હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું, ત્યારે તેમનું વચન સાંભળી વિરક્તાનંદ સ્વામીએ કહ્યું, હે મહારાજ ! તમે જેમ કહ્યું તેમ હું કરીશ, તે સાંભળી ઉત્તમરાજા અને તેમની બન્ને બહેનો જયા અને લલિતા તથા ગઢપુરવાસી સર્વે જનો પણ ખૂબજ પ્રસન્ન થયાં.૧૩ 

પછી વિરક્તાનંદ મુનિ શિલ્પશાસ્ત્રના જ્ઞાતા રત્નાભાઇ આદિ શિલ્પીઓને બોલાવ્યા ને મંદિર નિર્માણનું કાર્ય પ્રારંભ કર્યું. તેમાં જે કાંઇ ઉપયોગી સામગ્રી જોતી હતી તે ઉત્તમરાજાએ લાવી આપી.૧૪ 

અને ભગવાન શ્રીહરિ ઘણું કરીને મંદિર નિર્માણના સ્થાને આવીને બેસતા. શિલ્પીઓની ચતુરાઇની પ્રશંસા કરતા ને પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા .૧૫

જુનાગઢમાં મૂર્તિપ્રતિષ્ઠા કરવા અનુપસિંહની પ્રાર્થના :- હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ ગઢપુરમાં મંદિર નિર્માણનો પ્રારંભ કરી દીધેલો છે, એ અવસરે તેમને જુનાગઢ લઇ જવા માટે હેમંતસિહ રાજાના નાનાભાઇ અનુપસિંહ ગઢપુરમાં શ્રીહરિની સમીપે આવી પ્રણામ કરી બે હાથ જોડી કહેવા લાગ્યા કે, હે ભગવાન્ ! જુનાગઢના મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થયેલું છે.૧૬-૧૭ 

તો હે સ્વામિન્ ! સંતો અને પાર્ષદોની સાથે તમે જુનાગઢ પધારીને મુહૂર્ત પ્રમાણે વિધિપૂર્વક શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા કરો.૧૮ 

હે રાજન્ ! આ પ્રમાણેનાં અનુપસિંહનાં વચન સાંભળી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા. અને જ્યોતિષને જાણનારા રામચંદ્રાદિ ઉત્તમ બ્રાહ્મણોને બોલાવી પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત પૂછવા લાગ્યા.૧૯ 

ત્યારે પંચાંગમાં જોઇ વિપ્રો કહેવા લાગ્યા કે હે શ્રીહરિ ! સંવત ૧૮૮૪ ના વૈશાખવદ બીજના ગુરુવારે પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે. આ પ્રમાણે બ્રાહ્મણોએ કહ્યું, તે સાંભળી શ્રીહરિએ તેઓને ખૂબજ દક્ષિણા આપી.૨૦ 

ત્યારપછી શ્રીહરિ પાર્ષદો, સર્વે સંતો, સર્વે બ્રહ્મચારીઓ તથા ભાઇના પુત્રો આદિ ધર્મવંશી પરિવારે સહિત વૈશાખ સુદ દશમીના દિવસે જુનાગઢ જવા ગઢપુરથી પ્રયાણ કર્યું અને વૈશાખ સુદ ૧૩ ના જુનાગઢ પધાર્યા.૨૧ 

શ્રીહરિનું આગમન સાંભળી અત્યંત પ્રસન્ન થયેલા હેમંતસિંહ આદિક જુનાગઢવાસી જનો નગરથી બહાર નીકળી શ્રીહરિની સન્મુખ જેવા પધાર્યા, તેવામાં જ શ્રીહરિ પણ સંતો પાર્ષદોની સાથે નગરની સમીપે આવી પહોંચ્યા.રર 

ત્યારે સર્વે જનોએ ભગવાન શ્રીહરિને પ્રણામ કર્યા, અને શ્રીહરિએ પણ સર્વેને બહુમાન આપી બોલાવ્યા. તેથી અતિશય પ્રસન્ન થયેલા ભક્તજનોએ શ્રીહરિને જુદા જુદા મહેલોમાં યથાયોગ્ય નિવાસ કરાવ્યો અને શ્રીહરિનો અતિ હર્ષથી સત્કાર કર્યો.ર૩ 

પછી શ્રીહરિ મંદિરમાં પધારી ચારે તરફથી મંદિરને નિહાળી અતિશય પ્રસન્ન થયા ને સર્વે શિલ્પીઓની, હેમંતસિંહ રાજાની અને મંદિર કરાવનારા પોતાના સખા બ્રહ્માનંદ સ્વામીની વારંવાર ખૂબજ પ્રશંસા કરી.ર૪ 

પછી હેમંતસિંહ રાજાના ભવનમાં પોતાને ઉતારે આવી દેવપ્રતિષ્ઠામાં ઉપયોગી યથાયોગ્ય સર્વે મહાસામગ્રી રાજસેવકો પાસે ભેળી કરાવી.૨૫ 

જુનાગઢમાં રાધારમણ દેવનો પ્રતિષ્ઠા મહોત્સવ :- હે રાજન્ ! સ્વયં શ્રીહરિએ જુનાગઢ નિવાસી તેમજ નિગમ-આગમ શાસ્ત્રોના જ્ઞાતા એવા ઉત્તમ બ્રાહ્મણો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિપ્રતિષ્ઠાનો વિધિ બે દિવસ પર્યંત કરાવ્યો.૨૬ 

હે રાજન્ ! સંવત ૧૮૮૪ના વૈશાખ વદ બીજ ને ગુરુવારને દિવસે, દિવસનો પહેલો ભાગ અર્ધો વીત્યો ત્યારે મધ્ય મંદિરમા સ્વયં પોતે શ્રીહરિએ સાક્ષાત્ શ્રીદ્વારિકાધીશની સ્થાપના કરી.૨૭ 

ત્યારપછી દ્વારિકાધીશની જમણીબાજુના મંદિરમાં શ્રીરાધારમણદેવની સ્થાપના કરી. આ દ્વારિકાધીશ અને રાધારમણ દેવનાં દર્શન કરવાથી દ્વારિકા અને વૃંદાવન તીર્થની યાત્રાનું ફળ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે.૨૮ 

પછી દેવશર્માના પુત્ર ભગવાન શ્રીહરિએ દ્વારિકાધીશના મંદિરની ડાબી બાજુના મંદિરમાં અતિશય દર્શનીય એવા સિધ્ધેશ્વર શંકર ભગવાન, પાર્વતીદેવી, ગણપતિદેવ અને નંદીકેશ્વરની સ્થાપના કરી.૨૯ 

હે રાજન્ ! શ્રીહરિએ પૂર્વે વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનની સ્થાપના કરી અને જેવો ઉત્સવ ઉજવ્યો હતો તેવોજ મોટો મહોત્સવ અહીં જુનાગઢમાં દ્વારિકાધીશની સ્થાપનામાં પણ ઉજવ્યો.૩૦ 

આ પ્રમાણે ત્રણે મંદિરોમાં વિધિપૂર્વક દેવપ્રતિષ્ઠા કરી. ગાયો, ભૂમિ, સુવર્ણ, તલ અને નવીન બહુ વસ્ત્રો બ્રાહ્મણોને દાનમાં આપ્યાં.૩૧ 

આ પ્રમાણે પુરવાસી અને દેશાંતરથી પધારેલા સર્વે બ્રાહ્મણોને ઇચ્છિત ભોજનો જમાડી યથાયોગ્ય સર્વેને રૃપિયાની દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા.૩૨ 

ત્યારે સૌરાષ્ટ્રદેશના અધિપતિ બહાદુરખાન રાજા શ્રીહરિનો મહાપ્રતાપ નિહાળી આશ્ચર્ય પામી શ્રીહરિની સમીપે પધાર્યા ને વિનય સહિત પ્રણામ કરી દાસની જેમ સામે ઊભા રહ્યા.૩૩ 

ત્યારે શ્રીહરિએ તે જુનાગઢના નવાબ બહાદુરખાનને બહુમાન આપીને બોલાવ્યા, તેથી અતિશય રાજી થયેલા રાજાએ તે મંદિરની જગ્યાનો ધાર્મિક દસ્તાવેજ કરી આપ્યો. અને લેખની સાથે પોતાના દેશમાં મંદિરને ઉપયોગી ધાન્ય, ઘી, ગોળ આદિ સમગ્ર પદાર્થો લઇ આવવા નિમિત્તમાં કરમાફીની પત્રિકા પણ લખી શ્રીહરિના હસ્ત કમળમાં સમર્પિત કરી.૩૪ 

અને કહેવા લાગ્યા કે, હે ભગવાન્ ! તમારે મારા યોગ્ય કંઇ સેવાકાર્ય હોય તો મને સર્વપ્રકારે જણાવજો, હું એ કરી આપીશ. આ પ્રમાણે નવાબે ભગવાન શ્રીહરિને કહ્યું. પછી શ્રીહરિની રજા લઇ પોતાના નિવાસસ્થાને ગયા.૩૫ 

પછી જુનાગઢ નિવાસી હેમંતસિંહ આદિ ભક્તજનોએ સુગંધીમાન ચંદન, પુષ્પના હારો તથા અમૂલ્ય વસ્ત્રો આભૂષણોથી શ્રીહરિની પૂજા કરી, પછી સકલ સદ્ગુણોના સ્વામી ભગવાન શ્રીહરિએ વૈશાખવદ દશમીની રાત્રીએ દેવોની સેવા પૂજાની વ્યવસ્થા તથા ઉત્સવો ઉજવવાની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવી આપી.૩૬ 

પછી જુનાગઢમાં એકાદશીનો ઉત્સવ ઉજવી બારસને દિવસે પ્રાતઃકાળે પારણા કરી પોતાના આશ્રિત ભક્તજનોના સમૂહોએ કરેલી સ્તુતિ સાંભળી શ્રીહરિ પોતાના અનુયાયી વર્ગોની સાથે જુનાગઢથી નીકળ્યા.૩૭ 

હે રાજન્ ! શ્રીહરિનો વિયોગ સહન ન થવાથી જુનાગઢવાસી ભક્તજનોનાં નેત્રો અશ્રુથી ભરાયાં ને શ્રીહરિની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તે સર્વેને શ્રીહરિ પાછા વાળી માર્ગમાં પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા અને તેમની સેવાનો સ્વીકાર કરતા વૈશાખ માસની અમાવાસ્યાને દિવસે દુર્ગપુર પધાર્યા.૩૮ 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ જુનાગઢમાં શ્રીદ્વારિકાધીશ આદિક દેવોની પ્રતિષ્ઠા કરી, એ નામે ઓગણપચાસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૯--