ભગવાન શ્રીહરિએ કરેલું કર્મવિપાકનું નિરૃપણ. શિવરામ વિપ્રે કરેલું શ્રીહરિનું સ્તવન.
શિવરામ વિપ્ર પૂછે છે, હે ભગવાન ! નરક ભોગવતાં બાકી રહેલાં પાપવાળો પુરુષ કેવા પ્રકારનાં પાપથી કેવા જન્મને પામે છે તે કહો.૧
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્, તમે પૂછેલા આ કર્મ વિપાકને ઋષિમુનિઓએ ધર્મશાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કરેલો છે તો તે થકી જાણવો.૨
મહાપાપ આદિ પાપોના હજારો ભેદો છે તે પાપને કરનાર જીવ તેને અનુરૃપ ફળને પામે છે.૩
હે દ્વિજ ! તે બહુ પ્રકારનાં પાપોની મધ્યે તેના સામાન્ય ફળ વિષે સંક્ષેપથી તમને જણાવું છું. તેથી તમારે વિશેષ કર્મફળને જાણી લેવાં.૪ અતિશય નિર્દયી યમના દૂતો પાપ કરનારા મનુષ્યોને દેહને અંતે કર્મને અનુસારે તેવાં તેવાં નરકમાં નાખે છે.૫
નરક ભોગવ્યા પછી બાકી રહેલાં કર્મોને અનુરૃપ તે જીવ કૂતરાં, ભૂંડ, સર્પ, કાગડા આદિક નિકૃષ્ટ યોનિમાં જન્મ પામે છે.૬
તેમાં બ્રહ્મહત્યારા, શ્વાન, ભૂંડ, ખર, ગાય, બકરાં, ઘેટાં, મૃગલાં, પક્ષીઓ, ચંડાળ અને પુલ્કસની યોનિમાં જન્મ પામે છે.૭
સુરાપાન કરનારા માંસ, વિષ્ટા, છાણ આદિકમાં કીડા આદિક સૂક્ષ્મ જન્મો, પતંગિયાં, વિષ્ટા ખાનાર પક્ષી, વાઘ આદિક હિંસક પ્રાણીઓની યોનિમાં જન્મ પામે છે.૮
બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરનારા, કરોળિયા, સર્પ, કાકીંડા, તથા જળકૂકડા, માછલાં આદિ જળચરમાં અને પક્ષીઓની યોનિમાં તથા પિશાચ, બ્રહ્મરાક્ષસ આદિ ભૂત-પ્રેતની યોનિમાં જન્મ પામે છે.૯
તેજ રીતે ગુરૃસ્ત્રી સાથે ગમન કરનારા જનો તૃણ, ગુલ્મ અને લતાના જન્મો પામે છે. તથા માંસભક્ષી દાંતપ્રધાન જંતુના જન્મોને વારંવાર પામે છે.૧૦
તે મહાપાપી પશુ, પક્ષી આદિક યોનિમાં જન્મ પામી જ્યારે પુનઃ મનુષ્ય જન્મ પામે છે ત્યારે બ્રહ્મહત્યારા ક્ષયરોગી થાય છે. અને સુરાપાન કરનારા સ્વભાવથી કાળા દાંતવાળા જન્મે છે.૧૧
સુવર્ણની ચોરી કરનારા કુત્સિત નખવાળા જન્મે છે. ગુરૃસ્ત્રીનો સંગ કરનારા કુષ્ટરોગી થાય છે, અને જે મહાપાપ કરનારા પાપીનો સંગ કરનારા અને તેના મધ્યે વસનારા પણ ઉપરોક્ત કહેલા મહાપાપને અનુરૃપ જન્મો પામે છે.૧૨
ઇર્ષ્યા કરનારા મચ્છર થાય છે, વેદને વેચનારો વાઘ થાય છે, અયોગ્ય પુરુષ પાસે યજ્ઞા કરાવનારો ભૂંડના જન્મને પામે છે.૧૩
ગૌહત્યારો જન્મથી અંધ થાય છે, સર્વનું અન્ન જમનારો બિલાડો થાય છે, એકલો મિષ્ટાન્ન ખાનારો વાનર થાય છે, મત્સરવાળો ભમરો થાય છે.૧૪
નિષિદ્ધ વસ્તુનો વેપારી ગીધ થાય છે, પશુગમન કરનારો દેડકો થાય છે, તેમજ અન્ય પાપી જીવો પણ નરક ભોગવ્યા પછી પણ પોતાના કર્મને અનુસારે નીચ યોનિમાં જન્મ ધરે છે.૧૫
તે તે યોનિમા જન્મ ધરી દુઃખો ભોગવ્યા પછી ફરી મનુષ્ય યોનિમાં જન્મે છે ત્યારે દરિદ્ર, નિત્યદુઃખી અને પરતંત્ર રહેવાવાળા થાય છે. તેમાં કેટલાક રોગી અને અંધ જન્મે છે.૧૬
હે વિપ્ર ! આવાં લક્ષણોથી તમારે કર્મવિપાક સમજી લેવો. આ કર્મવિપાક જે મનુષ્ય આલોકમાં પાપનું પ્રાયશ્ચિત કરતો નથી તે જ પામે છે તેમાં કોઇ સંશય નથી.૧૭
તેથી નાનું કે મોટું જે કાંઇ પાપ થયું હોય તેનું શાસ્ત્ર સંમત પ્રાયશ્ચિત ડાહ્યા મનુષ્યોએ તત્કાળ કરવું.૧૮
જો ન કરે તો મહાદુઃખરૃપી ફળની પ્રાપ્તિ થાય છે તે સર્વ વાત શાસ્ત્રમાં નિશ્ચિતપણે વર્ણવી છે.૧૯
હે દ્વિજ ! આ પ્રમાણે વર્ણાશ્રમવાળા કે તેનાથી બહારના મનુષ્યોના પ્રાયશ્ચિત વિધિ સાથેના ધર્મો સંક્ષેપથી અમે તમને કહ્યા છે.ર૦
આ ધર્મોને જે મનુષ્યો ભક્તિભાવપૂર્વક કહેશે અને સાંભળશે તે સર્વે જનો નિષ્પાપ થશે.ર૧
મનુષ્યોનું હિત કરવા માટે અમે તમને આ ધર્મતત્ત્વનું રહસ્ય સમજાવ્યું છે. તેમાં ઘણું કરીને આર્ષ વાક્યો અને તેના અર્થોનું વર્ણન કરીને સંભળાવ્યાં છે.૨૨
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે સાક્ષાત્ ભગવાન શ્રીનારાયણમુનિએ જે વચનો કહ્યાં તેને સાંભળીને શિવરામવિપ્ર અતિશય આનંદ પામ્યા અને શ્રીહરિને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા.૨૩
શિવરામ વિપ્રે કરેલું શ્રીહરિનું સ્તવન :- હે પ્રભુ ! તમે જ સ્વયં પોતાના આશ્રિત ભક્તોની શિક્ષાને માટે વેદોક્ત સદાચારરૃપ ધર્મોનું અનુષ્ઠાન કરનારા છો અને વેદોક્ત ધર્મના વક્તા પણ તમે જ છો. ધર્મપ્રિય, ધર્માત્મા એવા તમે સદાય ધર્મમાં જ વર્તો છો. વળી ધર્મની રક્ષા કરવા માટે તમે યુગયુગને વિષે વરાહ આદિક અવતારોને ધારણ કરો છો. એવા હે ધર્મનંદન ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૪
હે પ્રભુ ! તમે ધર્મ અને ભક્તિને ઇચ્છિત સુખ આપનારા છો, અને ધર્મ સહિત જ ભક્તિ કરવી, એવો પોતાના આશ્રિત ભક્તજનોને બોધ આપો છો, ધર્મનિષ્ઠજનોને બહુ પ્રિય છો. એવા હે ધર્મનંદન ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૫
હે પ્રભુ ! તમે અસુરોએ ક્ષીણ કરેલા ધર્મનું ઉન્મૂલન કરી આ પૃથ્વી પર ધર્મશાસ્ત્રોનું સ્થાપન કરેલું છે. અને આત્મા પરમાત્માનો બોધ આપનારા છો. એવા હે ધર્મનંદન ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૬
હે પ્રભુ ! તમે ધર્મહીન આસુરી સંપત્તવાળા જનોનું મૂળ ઉખેડીને જેવા છે તેવા ધર્મના સ્વરૃપને પ્રકાશ કરનારા છો. તમે હમેશાં ધર્મકાર્ય કરવામાં તત્પર વર્તો છો. એવા હે ધર્મનંદન! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૭
હે પ્રભુ ! તમે ધર્મના એક આધાર અને ધર્મને વિષે રૃચિવાળા છો. ધાર્મિક છો, ધર્મધુરંધર છો. અને ધર્મનિષ્ઠ જનોને માટે તમે સેવ્ય સ્વરૃપ છો. એવા હે ધર્મનંદન ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૮
હે પ્રભુ ! તમે સવિશેષ ધર્મના સ્વરૃપને જાણો છો, ધર્મમૂર્તિ છો, અખિલ ધર્મરૃપ ક્રિયાવાળા છો, ધર્મરૃપ કીર્તિને ધારણ કરનારા અને ધાર્મિક બુદ્ધિવાળા છો. એવા હે ધર્મનંદન ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૯
હે પ્રભુ ! તમે જ એક ધર્મસર્ગનું પોષણ કરનારા છો, ધર્મવંશીઓમાં તમે તમારી ધર્મધુરાનું સ્થાપન કરેલું છે. ધર્મના આવતાર એવા પિતા ધર્મદેવને માટે તમે આરાધના કરવા યોગ્ય ઇષ્ટદેવ છો અને ધર્મરૃપ નામને ધારણ કરનારા છો. એવા હે ધર્મનંદન ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૩૦
હે પ્રભુ ! તમે ધર્મનું રક્ષણ કરેલું છે, એવી સમગ્ર જનોમાં પ્રસિદ્ધિ થઇ છે. દિવ્ય સ્વરૃપે રહેલી ધર્મદેવની શ્રદ્ધાદિ બાર પત્નીઓનું બાર સ્વરૃપ ધારણ કરી તમે સ્તનપાન કર્યું હતું, વળી ધર્મ સ્વરૃપ અને ઉદ્ધવસંપ્રદાયના આચાયપણે વિરાજમાન એવા હે ધર્મનંદન ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૩૧
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શિવરામ વિપ્રે ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા ને શ્રીહરિએ કહેલા ધર્મોનો અન્ય શ્રીહરિના આશ્રિત બ્રાહ્મણોને બોધ આપવા લાગ્યા.૩૨
હે રાજન્ ! આ ધર્મશાસ્ત્રનો પૃથ્વી પર જે જનો નિત્યે પાઠ કરશે તે જનોને પોતાના ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થશે તેથી ધર્મસાંકર્યપણું પામશે નહિ.૩૩
અને ધર્મનિષ્ઠ થઇ આલોક તથા પરલોકમાં અતિશય કીર્તિવાન થઇ બહુ મોટા સુખને નિશ્ચે પામશે, તેમાં કોઇ સંશય નથી.૩૪
હે રાજન્ ! શ્રીવાસુદેવ ભગવાનની કૃપા ધાર્મિક પુરુષો ઉપર જ થાય છે, અને તેઓની સંસૃતિમાંથી મુક્તિ થાય છે.૩૫
તેથી પોતાના ધર્મને જાણવા ઇચ્છતા શ્રીહરિના ભક્ત સ્ત્રી-પુરુષોએ આ ધર્મશાસ્ત્રનું ભક્તિ પૂર્વક સદાય શ્રવણ કરવું ને પાઠ કરવો.૩૬
પરમેશ્વર માનવદેહ ધરી શ્રીનારાયણમુનિરૃપે મનુષ્યોના કલ્યાણકારી સામાન્ય અને વિશેષ ધર્મો પોતાના ભક્ત શિવરામવિપ્રને કહ્યા છે. તે શ્રીનારાયણમુનિને હું નમસ્કાર કરૃં છું. આવા ધર્મોપદેશ કરનારા ધર્મપ્રિય શ્રીહરિ સદાય મારા અંતરમાં નિવાસ કરીને રહો.૩૭
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ પ્રાયશ્ચિતવિધિમાં કર્મવિપાકનું નિરૃપણ કર્યું, અને શિવરામવિપ્રે શ્રીહરિની સ્તુતિ કરી, એ નામે અડતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૮--