ભગવાન શ્રીહરિએ કહેલા ગાયત્રી મંત્રનો જપવિધિ.
શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !
આ પ્રમાણે ત્રણે કાળમાં સંધ્યાની ઉપાસના કરતા દ્વિજાતિ પુરુષે પ્રણવ-ઁકારના ઉચ્ચારે સહિત ગાયત્રી મંત્રનો ભક્તિભાવ પૂર્વક જપ કરવો.૧
ગાયત્રીમંત્ર વેદનું બીજ મનાયેલો છે. તે બીજ ઁકાર મનાયેલ છે. તે ઁકારથી ઉત્તમ કાંઇ પણ છે નહિ, તે એકાક્ષરી પ્રણવ સ્વયં બ્રહ્મનું જ સ્વરૃપ છે.૨
અકાર ઉકાર અને મકાર આ ત્રણ અક્ષરોથી ઁકાર ત્રણ લોક, ત્રણ ગુણ, ત્રણ કાળ, ત્રણ અગ્નિ અને ત્રણે વેદમાં વ્યાપીને રહેલો છે. તેથી તે કહેલા ત્રિકનો અધિપતિ છે.૩
ત્રણે વેદો ઁકાર થકી જ અભિવ્યક્તિને પામ્યા છે, અને પોતાના મૂળ બીજ સ્વરૃપે ઁકારમાં જ પર્યવસાન પામ્યા છે. સર્વે વાઙ્ગમય શબ્દો પ્રણવમાંજ (ઁ) રહેલા છે. તેથી ગાયત્રી મંત્ર અને બીજા મંત્ર માત્રની આગળ ઁકારનો જપ થાય છે.૪
હે વિપ્ર !
મંત્ર કર્તાઋષિ, મંત્રનો ગાયત્રી છંદ, મંત્રના ઉપાસ્ય દેવતા, મંત્રનો પોતે ઇચ્છેલાં ફળમાં વિનિયોગ, અને નૈરુક્તાદિ બ્રાહ્મણ, આ પાંચ ગાયત્રીમંત્રનાં અંગો સર્વે શાસ્ત્રથકી જાણવાં જરૃરી છે.૫
ગાયત્રી સર્વમંત્રોના સારરૃપા છે. સર્વવેદસ્વરૃપા છે, બ્રાહ્મણોક્ત પદત્રયયુક્ત ત્રિપદા છે. અને ઉપાસના કરનારાઓને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારી કહેલી છે.૬
ગાયત્રીને પ્રકૃતિ જાણવી તથા પ્રણવને પુરુષ જાણવો, બન્નેનો સંબંધ હોય ત્યારે જ જપ કરનારા દ્વિજાતિ જનોને ઇચ્છિત ફળની સિદ્ધિ થાય છે.૭
દર્ભના આસન ઉપર બેસી હસ્તમાં દર્ભ ધારણ કરી, જીતેન્દ્રિય અને નિયમમાં તત્પર વર્તતા દ્વિજાતિ પુરુષે સૂર્યનાં બિંબમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી ગાયત્રીમંત્રનો જપ કરવો.૮
હે વિપ્ર !
ગાયત્રી મંત્રના જપમાં પ્રથમ ઁકારનું ઉચ્ચારણ કરવા પૂર્વક 'ભૂર્ભુવઃસ્વઃ' આ વ્યાહૃતિનું ઉચ્ચારણ કરવું. પછી ગાયત્રીમંત્રનો ઉચ્ચાર કરી મંત્રના અવસાનમાં પણ ઁકારનો ઉચ્ચાર કરવો. આ પ્રમાણે ગાયત્રીમંત્રના જપનો વિધિ જાણવો.૯
વાચિક, ઉપાંશું અને માનસ આ પ્રમાણે ત્રણ પ્રકારનો જપ કહેલો છે. તેમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.૧૦
સ્પષ્ટપદ અને અક્ષરોના વિભાગથી તેમજ ઉદાત, અનુદાત્ત ને સ્વરિત યુક્ત સ્વરોના ઉચ્ચારણ પૂર્વક ગાયત્રી મંત્રનો જપ કરવો, તે વાચિક જપ કહેલો છે.૧૧
જે મંત્રનું ધીરે ધીરે ઉચ્ચારણ કરવા પૂર્વક થોડા થોડા ઔષ્ઠનું ચલન થાય ને લેશમાત્ર જ સ્વયં જપ કરનારને શબ્દનું શ્રવણ થાય તેવા જપને ઉપાંશું જપ કહેલો છે.૧૨
અને જે જપ જીહ્વા તથા દાંતના આવરણરૃપે રહેલા બન્ને ઓષ્ઠને ચલાવ્યા વિના માત્ર મનમાં કરવામાં આવે તે માનસ જપ કહેલો છે.૧૩
જપ કરનાર પુરુષે મનથી મંત્રનું ધ્યાન કરવું, હોઠ ચલાવવા નહિ, ડોક ધૂણાવવી નહિ, દાંત દેખાડવા નહિ.૧૪
કારણ કે યક્ષો, રક્ષસો, ભૂતો, સિદ્ધો, વિદ્યાધરો અને પ્રમથાદિગણો મોટેથી કરવામાં આવતા મંત્રજપને હઠપૂર્વક આકર્ષી જાય છે. તેથી મંત્રજપ હમેશાં ગુપ્ત કરવો.૧૫
અને ઉતાવળ પણ ન કરવી, જપની વેરી નિદ્રા ઉપર વિજય મેળવીને ધીરેથી ધીરજ રાખી ગાયત્રીમંત્રનો જપ કરવો, મંત્રના અર્થનો વિચાર કર્યા સિવાય બીજે ક્યાંય મનને નહીં જાવા દઇ જપ કરવો, આમ તેમ જોતાં જોતાં પણ જપ ન કરવો.૧૬
દોડતાં દોડતાં કે પોતાની ચારે બાજુ નજર ફેરવતાં પણ જપ ન કરવો, ઉઘાડા મસ્તકે, કોઇની સાથે વાત કરતાં, માથે પાઘ બાંધી રાખીને, પગ ઉપર પગ ચડાવીને, હાથને ધૂણાવતાં અને ચંચળ ચિત્તે પણ ગાયત્રી મંત્રનો જપ ન કરવો, પરંતુ એકાગ્ર ચિત્તે જપ કરવો, અને પોતે ઉચ્ચારેલો ગાયત્રીમંત્ર બીજા સાંભળે તેમ જપ ન કરવો.૧૭-૧૮
પ્રાતઃકાળે સૂર્યોદય પર્યંત પૂર્વમૂખે ઊભા રહીને ગાયત્રી મંત્રનો જપ કરવો. સાયંકાળે તારા ઉદય પામે ત્યાં સુધી પશ્ચિમાભિમુખે બેસીને જપ કરવો અને મધ્યાહ્ને ઊભા રહીને કે બેસીને જપ કરવો. તેમાં ઊભા રહીને જપ કરે તો સૂર્ય સન્મુખ ઊભવું અને બેસીને કરે તો પૂર્વાભિમુખે બેસવું. પ્રાતઃકાળે હાથ નાભી પાસે રાખીને જપ કરવો, મધ્યાહ્ને હૃદય પાસે અને સાયંકાળે હાથ નાસિકા પાસે રાખી જપ કરવો. આમ ત્રણ પ્રકારનો જપનો વિધિ જાણવો.૨૦-૨૧
મહાપાતકનો નાશ કરનાર ગાયત્રીનો એક હજારની સંખ્યામાં કરેલો જપ ઉત્તમ કહેલો છે. સોની સંખ્યામાં કરેલો મધ્યમ કહેલો છે. દશની સંખ્યામાં કરેલો જપ કનિષ્ઠ કહેલો છે. આ ત્રણેમાંથી કોઇ પણ એક પક્ષનો આશ્રય કરી દ્વિજાતિ પુરુષોએ અવશ્ય ગાયત્રીમંત્રનો નિત્યે જપ કરવો.૨૨
દશની સંખ્યામાં કરેલો ગાયત્રીમંત્રનો જપ આ જન્મમાં કરેલાં સર્વે પાપનો નાશ કરે છે. સોની સંખ્યામાં કરેલો જપ આ જન્મનાં પાપની સાથે પૂર્વના એક જન્મનાં પાપનો નાશ કરે છે અને એક હજારની સંખ્યામાં કરેલો જપ ત્રણ જન્મનાં પાપનો નાશ કરે છે. જો ગાયત્રીમંત્રનું પુરશ્ચરણ કરવું હોય તો ચોવીસલાખની સંખ્યામાં જપવામાં આવે તો પૂર્ણ થાય છે. અને આ ગાયત્રીમંત્રનું જે પુરુષ પુરશ્ચરણ કરે છે તેના સર્વપ્રકારના મનોરથો પૂર્ણ થાય છે.૨૪
હે વિપ્ર !
આ પ્રમાણે મેં તમને ગાયત્રીમંત્રના જપનો વિધિ કહ્યો. દશમો સંસ્કાર એવા ઉપનયનને પાપ્તકરનારા દ્વિજાતિ પુરુષો પોતાના પુણ્યનો વિનાશ કરનારી આળસનો તત્કાળ ત્યાગ કરી વિધિ પ્રમાણે પોતાની શક્તિ અનુસાર પ્રતિદિન ગાયત્રીમંત્રનો જપ કરવો.૨૫
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા શ્રીહરિએ ગાયત્રીમંત્રના જપવિધિનું નિરૃપણ કર્યું એ નામે પાંચમો અધ્યાય પૂર્ણ થયો. --૫--