ભગવાન શ્રીહરિ ત્રૈવર્ણિક દ્વિજોના સ્નાન અને સંધ્યા વિધિનું કરેલું નિરૃપણ. બ્રાહ્મતીર્થ,પિતૃતીર્થ,પ્રાજાપત્યતીર્થ,દૈવતીર્થ અને અગ્નિતીર્થનાં લક્ષણ.
શ્રીનારાયણમુનિ કહે છે, હે શિવરામ વિપ્ર !
સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને દેવતાનું પૂજન, આ છ કર્મો પ્રતિદિન ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષોએ કરવાં.૧
તેમાં સ્નાનનો વિધિ પ્રથમ કહું છું. દ્વિજાતિ જનોને પ્રાતઃ સ્નાન વિના સન્ધ્યા વિગેરે કર્માનુષ્ઠાનમાં યોગ્યતા પ્રાપ્ત થતી નથી. તેથી પ્રાતઃ સ્નાનાદિ પ્રથમ કરવું.૨
પ્રાતઃ સ્નાન ન કરે ત્યાં સુધી તે સૂતકી મટતો નથી. માટે નદી, સરોવર, કૂવે તથા ઘેર સ્નાન કરવું અથવા અન્યની માલિકીના સરોવરમાં સ્નાન કરવાનું થાય તો માટીના પાંચ લોંદા સરોવરના પાણીમાંથી બહાર કાઢી લાવ્યા પછી સ્નાન કરવું. નદીમાં સ્નાન ઉત્તમ છે, તળાવમાં સ્નાન મધ્યમ છે, કુવામાં સ્નાન કનિષ્ઠ છે અને ઘેર સ્નાન કરવું તેનાથી પણ કનિષ્ઠ છે.૩
પવિત્ર માટી લઇ દર્ભ, તલ અને છાણની સાથે પવિત્ર પ્રદેશમાં સ્થાપન કરી વિધિવત્ સ્નાન કરવું.૪
ડાબા હાથમાં દર્ભની ત્રણ સળી લઇ શિખાનું બંધન કરીને જળમાં પ્રવેશ કરવો, પછી મંત્રોવડે માટી આદિનું અંગ ઉપર લેપન કરી સ્નાન કરવું.૫
સ્નાન કરતી વખતે હૃદયમાં શ્રીહરિનું સ્મરણ કરતાં કરતાં દ્વિજાતિ પુરુષોએ વરુણદેવના મંત્રોનું ઉચ્ચારણ કરવું, તેમજ પરિમાર્જન કર્મમાં પાવમાન નામની ઋચાઓનું ગાન કરવું.૬
હે વિપ્ર !
પછી સ્નાનના અંગભૂત તર્પણ કરીને ધોયેલાં વસ્ત્રો ધારણ કરી પોતાને ઘેર આવવું, પછી આચમન કરી સંધ્યા ઉપાસના કરવી.૭
પ્રાતઃ સ્નાનમાં ક્યારેય પણ તિલતર્પણ ન કરવું, પરંતુ જળ મધ્યે ઊભા રહી કેવળ દર્ભ જળથી તર્પણ કરવું.૮
ગરમ જળથી કરેલું સ્નાન વૃથા કહેલું છે. પરંતુ અસક્ત પુરુષોને માટે મુનિજનોએ પ્રશંસનીય કહેલું છે.૯
તેમાં પણ સૂર્યની મેષાદિ રાશિઓમાં સંક્રાંતિનો વાર હોય અથવા રવિવાર હોય, સૂર્ય કે ચંદ્રમાનું ગ્રહણ હોય, અમાવાસ્યાનો દિવસ હોય, એકાદશી આદિક વ્રતના દિવસો હોય તથા સર્વે ષષ્ઠી તિથિના દિવસે ગરમ જળથી સ્નાન ન કરવું.૧૦
જે ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષો સ્નાન કરવામાં અશક્ત હોય તેણે મસ્તકને ભીંજવ્યા વિના સ્નાન કરવું, અથવા ભીના વસ્ત્રથી આખા શરીર ઉપર માર્જન કરવું, તે પણ બીમારને પવિત્ર કરનારું છે.૧૧
હે વિપ્ર !
પુરાતની મહર્ષિઓએ દેશકાળને ધ્યાનમાં રાખી રોગાદિ આપત્તિમાં આવી પડેલા ત્રણે વર્ણના દ્વિજો માટે સ્નાનના બીજા પ્રકારો પણ કહેલા છે. તેનાં નામ અને લક્ષણો કહું છું.૧૨
''આપોહિષ્ઠાદિ'' પવમાન મંત્રોથી દર્ભ યુક્ત જળવડે અંગનું પ્રોક્ષણ કરવું તેને ''બ્રાહ્મસ્નાન'' કહેલું છે. પગના તળેથી મસ્તક પર્યંત અંગ ઉપર ભસ્મનું લેપન કરવું તેને ''આગ્નેયસ્નાન'' કહેલું છે ૧૩
ગાયોની ખરીથી ઉડેલી ધૂળમાં સ્નાન કરવું તે ''વાયવ્યસ્નાન'' કહેલું છે. તડકામાં વર્ષતા મેઘથી સ્નાન કરવું તેને ''દિવ્યસ્નાન'' કહેલું છે.૧૪
શ્રીહરિનું હૃદયમાં ધ્યાન કરી મનથી સ્નાન કરવું તે ''માનસસ્નાન'' કહેલું છે, આ બધાં સ્નાનો વિદ્વાન પુરુષોએ અશક્ત પુરુષો માટે કહેલાં છે. પરંતુ સશક્ત પુરુષે તો જળથી જ સ્નાન કરવું જોઇએ.૧૫
જે પ્રકારે સંધ્યાવંદન કે હોમકર્મનો સમય વીતી ન જાય તે પ્રકારે ઉતાવળથી પ્રાતઃ સ્નાન કરવું, બાકીનું વિસ્તારથી સ્નાન મધ્યાહ્ને કરવું.૧૬
હે વિપ્ર !
હવે સંધ્યા કર્મનો વિધિ કહું છું, સૌ પ્રથમ ગોપીચંદનની માટીથી ઊર્ધ્વપુંડ્રતિલક કરી અથવા અગ્નિહોત્રની ભસ્મથી ત્રિપુંડ્ર તિલક કરી ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષોએ પોતાની શાખાને અનુસારે સંધ્યાવિધિ કરવો.૧૭
મુનિઓએ રાત્રીના છેલ્લા પહોરની અંતિમ બે ઘડી સંધ્યાકાળ માટે યોગ્ય કહીછે, સૂર્યકિરણનાં દર્શનનો સમય તો સંધ્યાકાળના અંતનો સમય છે. એમ કહ્યું છે.૧૮
સંધ્યાવંદનમાં પ્રથમ આચમન કરવું તે જમણા હાથની હથેળીને ગાયના કાનનો આકાર કરી તેને આગળના ભાગમાં લાંબો કરી પરસ્પર ભેળી કરેલી આંગળીવાળા જમણા હાથથી જળનો સ્વીકાર કરવો.૧૯
પછી અંગૂઠાને તથા કનિષ્ઠિકા આંગળીને આચમન કરતી વખતે છૂટાં પાડીને તે હસ્તવડે બ્રાહ્મતીર્થથી આચમન કરવું.૨૦
બ્રાહ્મતીર્થ,પિતૃતીર્થ,પ્રાજાપત્યતીર્થ,દૈવતીર્થ અને અગ્નિતીર્થનાં લક્ષણ :-
હે વિપ્ર !
આ સંધ્યાવિધિ કર્મમાં અંગુઠાની મૂળ રેખાથી જળ સ્વીકારવું તે બ્રાહ્મતીર્થ કહેલું છે, તર્જની આંગળીના મૂળથી જે જળ અર્પણ કરવું તે પિતૃતીર્થ કહેલું છે.૨૧
કનિષ્ઠિકા આંગળીના મૂળના ભાગથી પાછળના ભાગમાં પ્રાજાપત્ય તીર્થ કહેલું છે, આંગળીના આગળના ભાગમાં દૈવતીર્થ કહેલું છે. જમણા હાથની મધ્યેના ભાગને વહ્નિતીર્થ તથા સોમ તીર્થ કહેલું છે.૨૨
દ્વિજાતિ જનોએ તે તે દેવના કાર્યમાં તે તે તીર્થોનો સ્વીકાર કરવો. આવી રીતે ત્રણ વખત આચમન કરી ને ત્રણ વખત પ્રાણાયામ કરવા.૨૩
''ઁ આપો જ્યોતી રસામૃતં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ્'' આ પ્રમાણેના શિરોમંત્રની સાથે ઁ ભૂઃ, ઁભુવઃ, ઁમહઃ, ઁ જનઃ, ઁ તપઃ, ઁ સત્યમ્, આ પ્રમાણેના સીત વ્યાહૃતિ મંત્રના ઉચ્ચારણ કરવા પૂર્વક દશ પ્રણવયુક્ત ગાયત્રી મંત્રનો દ્વિજપુરુષે પ્રાણાયામમાં જપ કરવો.૨૪
જમણા હાથની પાંચ આંગળીથી નાસિકાના અગ્રભાગમાં પ્રાણવાયુને રોકવો. આ પ્રણવમુદ્રા સર્વપાપનો નાશ કરનારી કહેલી છે. ને આ પ્રણવમુદ્રા વાનપ્રસ્થી અને ગૃહસ્થાશ્રમી માટે કહેલી છે.૨૫
તેજ રીતે કનિષ્ઠિકા, અનામિકા અને અંગુઠાથી નાસિકાના અગ્રભાગને બંધ કરવો, તે ઁકારમુદ્રા કહેલી છે. તે બ્રહ્મચારી અને સંન્યાસી માટે કહેલી છે.૨૬
બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સ્વરૃપી સાક્ષાત્ સૂર્યનારાયણનું ધ્યાન કરીને દ્વિજાતિ પુરુષોએ સૂર્યોદયથી પહેલાં અર્ઘ્ય પ્રદાન કરવું, તે ઁકારે સહિત ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવા પૂર્વક પ્રદાન કરવું.૨૭
સૂર્યને અર્ઘ્યદાન શા માટે અર્પણ કરવું ? તે કહે છે, અર્ઘ્ય સિવાયના બીજા શસ્ત્રોથી પ્રતિકાર ન થઇ શકે તેવા મંદેહ નામના રાક્ષસો ઉગતા સૂર્યને નિત્યે પીડે છે, તે અર્ઘ્ય પ્રદાનથી રાક્ષસોનો વિનાશ થાય છે.૨૮
એ રાક્ષસો બ્રહ્માજીના વરદાનથી બીજા દિવસે ફરી જીવતા થાય છે. તેથી દ્વિજાતિપુરુષોએ પ્રતિદિન સંધ્યા ઉપાસના કરવી, જે દ્વિજાતિ પુરુષ સૂર્યને સહાય કરવા અને મંદેહા નામના રાક્ષસોનો વિનાશ કરવા ત્રણ અંજલી અર્ઘ્ય અર્પણ કરતો નથી, તે દ્વિજાતિ પુરુષ પણ મંદેહા નામના રાક્ષસ ભાવને પામી જાય છે.૩૦
હે વિપ્ર !
હવે અર્ઘ્ય દાનનો પ્રકાર કહું છું, દ્વિજાતિ પુરુષોએ પ્રાતઃકાળે શરીરને સહેજ આગળના ભાગે નમાવી અર્ઘ્ય પ્રદાન કરવું, મધ્યાહ્ને શરીરે સરળ ઊભા રહીને અર્ઘ્ય પ્રદાન કરવું અને સાયંકાળે બેસીને અર્ઘ્ય પ્રદાન કરવું.૩૧
પ્રાતઃકાળે બન્ને હાથથી સ્વસ્તિક કરી સૂર્યની ઉપાસના કરવી, મધ્યાહ્ને બન્ને બાહુ સરળ કરી સૂર્યની ઉપાસના કરવી, અને સાયંકાળે બન્ને હાથને કમળના ડોડાની આકૃતિથી સૂર્યની ઉપાસના કરવી.૩૨
તેમાં પ્રાતઃકાળે તારા દેખાતા હોય ને સંધ્યાવંદન કરે તે ઉત્તમ સંધ્યા છે. તારા દેખાતા બંધ થાય તે મધ્ય અને સૂર્યોદય થઇ જાય તે કનિષ્ઠ સંધ્યા કહેલી છે. આ પ્રમાણે ત્રણ પ્રકારની સંધ્યા કહેલી છે. મધ્યાહ્ન સંધ્યામાં સંગવકાળથી પૂર્વે ને સૂર્યોદય પછી બારમી ઘડીએ ઉત્તમ કહેલી છે.અર્થાત સૂર્યોદય પછી સાડાચાર કલાકે કરવામાં આવતી મધ્યાહ્ન સંધ્યા ઉત્તમ કહેલી છે. બપોરના બારવાગ્યાના સમયે કરવામાં આવેલી સંધ્યા મધ્યમ કહેલી છે. જ્યારે બપોર નમતા કરેલી મધ્યાહ્ન સંધ્યા કનિષ્ઠ કહેલી છે. આ પ્રમાણે ત્રણ પ્રકારની મધ્યાહ્ન સંધ્યા છે.૩૪
સાયં સંધ્યા સૂર્યદર્શને સહિત કરે તે ઉત્તમ, તારામંડળના દર્શને રહિત કરે તે મધ્યમ અને તારામંડળના દર્શને સહિત કરે તે કનિષ્ઠ કહેલી છે. આવી રીતે સાયં સંધ્યા પણ ત્રણ પ્રકારની કહેલી છે.૩૫
હે વિપ્ર !
આ પૃથ્વીપર જે દ્વિજાતિજનો લૌકિકકાર્યમાં આસક્તિ રાખી કહેલા સમયે સંધ્યાની ઉપાસના કરતો નથી, તેને શૂદ્ર સમાન જાણવો. તે જીવતો હોવા છતાં મરેલો છે, એમ જાણવું. અને આવો દ્વિજ મનુષ્યનું શરીર છોડયા પછી કૂતરાનાં શરીરને પામે છે, એમાં કોઇ સંશય નથી.૩૬
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ ત્રણ વર્ણના જનો માટે અવશ્ય કરવા યોગ્ય સ્નાન અને સંધ્યાવિધિનું નિરૃપણ કર્યું એ નામે ચોથો અધ્યાય પૂર્ણ થયો. --૪--