અધ્યાય - ૩ - ભગવાન શ્રીહરિએ બ્રહ્મચર્યાશ્રમના ધર્મોનું વિસ્તારથી કરેલું નિરૃપણ.

ભગવાન શ્રીહરિએ બ્રહ્મચર્યાશ્રમના ધર્મોનું વિસ્તારથી કરેલું નિરૃપણ. યજ્ઞાોપવીત બનાવવાની રીત. બ્રહ્મચારી માટે વિદ્યાપ્રાપ્તિનાં ચાર ચરણ. વિદ્યાર્થીના બારગુણો અને બાર દોષો. વેદાધ્યયન શરૃ કરવાનો વિધિ. વેદાધ્યયન સમાપ્ત કરવાનો વિધિ. બ્રહ્મચારીના ચાર ભેદ.

શ્રીનારાયણમુનિ કહે છે, હે રૃડી બુદ્ધિવાળા વિપ્ર ! બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ ચાર પ્રકારના આશ્રમો કહેલા છે.૧ 

તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણવર્ણના જનો માટે જ કહ્યા છે. તેમાં કોઇ મુનિએ તો ક્ષત્રિય અને વૈશ્યને માટે છેલા સંન્યાસ આશ્રમનો પણ નિષેધ કરેલો છે. તેમાં એવો નિર્ણય સમજવો કે જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને માટે નિષેધ નથી, પરંતુ મંદ વૈરાગ્યવાળા માટે જ નિષેધ છે.૨ 

હે વિપ્ર !
તે ચાર આશ્રમને મધ્યે પ્રથમ બ્રહ્મચર્યાશ્રમમાં રહેલા દ્વિજાતિજનો માટેના ધર્મોનું યથાયોગ્ય હું વર્ણન કરૃં છું, તેને તમે સાંભળો.૩ 

દ્વિજાતિના બાળકે પૂર્વે જાતકર્માદિ સંસ્કારો પ્રાપ્ત કર્યા હોય છતાં પણ જ્યારે તે ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરે છે, ત્યારે જ તેને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે.૪ 

બ્રાહ્મણ બાળકના ઉપનયન સંસ્કાર ગર્ભથી આઠમા વર્ષે, ક્ષત્રિયના અગિયારમે વર્ષે અને વૈશ્યના બારમે વર્ષે કરવાના કહેલા છે.૫ 

તીક્ષ્ણબુદ્ધિવાળા બ્રાહ્મણ બાળકને ગર્ભથી પાંચમા વર્ષે, ક્ષત્રિયને આઠમા વર્ષે અને વૈશ્યને નવમા વર્ષે પણ ઉપનયન સંસ્કાર કરી શકાય છે.૬ 

અથવા બ્રહ્મચર્યવ્રત પ્રાપ્ત કરવા ઇચ્છતો તીક્ષ્ણ બુદ્ધિવાળો બ્રાહ્મણ બાળક પાંચમે વર્ષે મેખલા- ઉપનયન ધારણ કરવાને યોગ્ય થાય છે, બળપ્રાપ્તિ કરવા ઇચ્છતો ક્ષત્રિય બાળક છઠ્ઠે વર્ષે મેખલા ધારણ કરવા યોગ્ય થાય છે. અને ધનપ્રાપ્તિ કરવા ઇચ્છતો વૈશ્ય બાળક આઠમે વર્ષે મેખલા ધારણ કરવા યોગ્ય થાય છે.૭ 

હે વિપ્ર !
આ સર્વે સંસ્કારોને મધ્યે મૌંજીબંધન - ઉપનયન સંસ્કાર દ્વિજપણું પ્રાપ્ત કરવામાં કારણભૂત છે. તેથી તે સંસ્કાર વિધિપૂર્વક રૃડી રીતે કરવો.૮ 

બ્રાહ્મણને વસંતઋતુમાં, ક્ષત્રિયને ગ્રીષ્મઋતુમાં અને વૈશ્યને શરદઋતુમાં ઉપનયન સંસ્કાર કરવા. અથવા માઘમાસથી આરંભીને જેઠમાસ પર્યંતના પાંચ મહિનાઓ સર્વે દ્વિજાતિઓ માટે ઉપનયન સંસ્કારમાં યોગ્ય કહેલા છે.૯ 

પુત્રના જન્મ મહિનામાં ઉપનયનાદિ મંગલ કાર્યો કરવાં નહિ, તેમજ જન્મનક્ષત્રમાં પણ કરવાં નહિ, તેમજ જન્મને દિવસે પણ મંગલકાર્યો કરવાં નહિ. પ્રથમ પુત્ર કે પુત્રીનાં પણ જેઠમાસમાં ઉપનયનાદિ મંગલ કાર્યો કરવાં નહિ.૧૦ 

જન્મમાસમાં, જન્મનક્ષત્રમાં કે જન્મ તિથિના વિપરીત દળમાં અર્થાત્ શુદ પક્ષમાં જન્મ હોય તો વદપક્ષમાં ઉપનયનાદિ મંગલ કાર્ય કરવું, એવો ગર્ગાચાર્ય, ભાર્ગવમુનિ અને શૌનકમુનિનો મત છે.૧૧ 

દેવગુરૃ બૃહસ્પતિનું સામર્થ્ય જોઇને ઉપનયન સંસ્કાર કરવો. જો બૃહસ્પતિ નિર્બળ હોય તો ચૈત્ર માસમાં સૂર્ય મીન રાશીમાં વર્તો હોય ત્યારે સંસ્કાર કરવો.૧૨ 

પોતાની સાખાના પતિનું સામર્થ્ય જોઇને અને માર્તંડચિંતામણિના કહેવા પ્રમાણેની લગ્નશુદ્ધિ જોઇને પોતપોતાની શાખાને અનુસારે દિવસના પૂર્વભાગમાં ઉપનયન સંસ્કાર કરવો.૧૩ 

ઉપનયન આપવાનો અધિકાર કોને છે ? તે કહીએ છીએ. પિતાએ જ પુત્રનો ઉપનયન સંસ્કાર કરવો. જો તે ન હોય તો કાકાએ કરવો અને તે ન હોય તો મોટાભાઇએ ઉપનયન સંસ્કાર કરવો.૧૪ 

યજ્ઞોપવીત બનાવવાની રીત :-
હે વિપ્ર !
પવિત્ર સ્થાનમાં બેસી સર્વે તંતુ સરખા ભાગે લેવા, તે તૂટેલા ન હોય, શુદ્ધ કપાસમાંથી તૈયાર કરેલા હોય તેવા લેવા. અને તે તંતુને ચાર આંગળીમાં છન્નુ વખત વીંટાળીને ગણવો, તે તંતુને ત્રેવડો કરી જમણો હાથ ઊંચો કરી તેમને વળ આપવો. વળી ફરી ત્રેવળો કરી ડાબો હાથ ઊંચો કરી તેમને વળ આપવો. આમ નવ વળ થયા. તેમને ફરી ત્રેવળો કરવો, ત્યારે તે યજ્ઞોપવીત તૈયાર થાય છે. આવી યજ્ઞોપવીતને એક ગાંઠ વાળવી બાકીનો વિસ્તાર કૃત્યચિંતામણિ થકી જાણવો.૧૫-૧૬ 

હે વિપ્ર !
અગ્નિહોત્રાદિ શ્રૌતકર્મમાં અને ગર્ભાધાન-સંસ્કારાદિ સ્માર્ત કર્મમાં બે યજ્ઞોપવીત ધારણ કરવી, ઉત્તરીયવસ્ત્રના અભાવમાં ત્રીજી યજ્ઞોપવિત ધારણ કરવી. જો ઉત્તરીય વસ્ત્ર ધારણ કરેલું હોય તો બે ધારણ કરવી.૧૭ 

બ્રહ્મચારીએ એક યજ્ઞોપવીત ધારણ કરવી, ગૃહસ્થ તથા વાનપ્રસ્થે બે યજ્ઞોપવીત અને સન્યાસીએ એક યજ્ઞોપવીત ધારણ કરવી, એમ કેટલાકનો મત છે. જે અમને માન્ય છે.૧૮ 

બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ક્રમ પ્રમાણે કપાસ, શણ અને મેષલોમથી તૈયાર કરેલી યજ્ઞોપવિત ધારણ કરવી. અથવા ત્રણે વર્ણના દ્વિજોને માટે કપાસના તંતુમાંથી તૈયાર કરેલી પ્રશંસનીય કહેલી છે.૧૯ 

હે વિપ્ર !
જે યજ્ઞોપવીત, પાછળ પીઠથી લઇ નાભી સુધી ધારણ કરતાં, કેડ સુધી પહોંચે તે યજ્ઞોપવીત ધારણ કરવા યોગ્ય કહેલી છે. તેનાથી વધુ લાંબી કે, તેનાથી ઊંચી ધારણ ન કરવી.૨૦ 

બ્રાહ્મણની મેખલા મુંજના તંતુમાંથી તૈયાર કરવી, ક્ષત્રિયની મેખલા કાશતંતુમાંથી તૈયાર કરવી અને વૈશ્યની મેખલા શણના તંતુમાંથી તૈયાર કરવી, અને તે મેખલા પોતાના પ્રવરની સંખ્યા પ્રમાણે ગાંઠો મારેલી, ત્રેવળી, સુંદર અને સરખી હોવી જોઇએ.૨૧ 

હવે દંડની રીત, બ્રાહ્મણનો દંડ, પલાશ-ખાખરાનો અથવા બિલ્લીવૃક્ષના કાષ્ઠનો, કેશ પર્યંત લાંબો હોવો જોઇએ. ક્ષત્રિયનો દંડ વટવૃક્ષનો અથવા ખેરના વૃક્ષનો લલાટ પર્યંત હોવો જોઇએ અને વૈશ્યનો દંડ પીલુડીના અથવા ઉમરડાના કાષ્ઠનો નાસિકાના અગ્રભાગ પર્યંતનો લાંબો હોવો જોઇએ, હવે કોને કેવું અજીન ધારણ કરવું તે કહે છે, બ્રાહ્મણે કાળિયારમૃગનું અજીન ધારણ કરવું, ક્ષત્રિયે રુરુમૃગનું અને વૈશ્યે બકરાનું અજીન ધારણ કરવું.૨ર-૨૩ 

હે વિપ્ર !
હવે ગાયત્રીમંત્ર ઉપદેશનો વિધિ કહીએ છીએ. બુદ્ધિમાન આચાર્યે પૂર્વમુખે અગ્નિથી ઉત્તરની બાજુએ બેસવું અને પશ્ચિમદિશા તરફ મુખ રાખીને બેઠેલા બ્રહ્મચારીને ગાયત્રીમંત્રનો ઉપદેશ કરવો.૨૪ 

હવે ભિક્ષાવિધિ કહીએ છીએ. બ્રહ્મચારીએ અગ્નિને પ્રદક્ષિણા આપી, સૂર્યનું અભિવાદન કરી, દંડ તથા મૃગચર્મ અને યજ્ઞોપવિતે યુક્ત થઇ મેખલા ધારણ કરીને ભિક્ષા કરવા જવું.૨૫ 

તેમાં બ્રાહ્મણ બ્રહ્મચારીએ ''ભવતિ ભિક્ષાં દેહિ,'' ક્ષત્રિય બ્રહ્મચારીએ ''ભિક્ષાં ભવતિ દેહિ,'' અને વૈશ્ય બ્રહ્મચારીએ ''ભિક્ષાં દેહિ ભવતિ,'' આ પ્રમાણે બોલવું. આ રીતે ક્રમશઃ ભવત્ શબ્દને પહેલાં, મધ્યે અને અંતે મૂકીને ભિક્ષાચરણ કરવું.૨૬ 

હે સુવ્રત !
જ્યાં સુધી ત્રણે વર્ણના બાળકોનો ઉપનયન સંસ્કાર કરવામાં ન આવ્યો હોય ત્યાં સુધી જ તે ઇચ્છાનુસાર ફરી શકે કે જમી શકે છે, પરંતુ ઉપનયન સંસ્કાર થયા પછી ઇચ્છાનુસાર વર્તી શકે નહિ.૨૭ 

કારણ કે રૃડી રીતે ઉપનયન સંસ્કાર પામેલો તે દ્વિજ બ્રહ્મચારી કહેવાય છે. એટલા માટે તેણે નિયમમાં તત્પર થઇ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતાં ગુરુકુળમાં ગુરુને ઘેર નિવાસ કરવો.૨૮ 

વિધિપૂર્વક હાથમાં દર્ભ ધારણ કરેલા બ્રહ્મચારીએ મેખલા, મૃગચર્મ, વસ્ત્રો, જટા, દંડ, કમંડલું અને યજ્ઞોપવીત ધારણ કરવાં.૨૯ 

આવા પ્રકારના આચારે યુક્ત થઇ બ્રહ્મચારીએ ગુરુ બોલાવે ત્યારે ગુરુની સમીપે જવું, અને ગુરુના મુખ સામે દૃષ્ટિ રાખીને વેદોનું અધ્યયન કરવું.૩૦ 

અધ્યયનના પ્રારંભમાં અને અંતે ગુરુના ચરણમાં મસ્તક ઝુકાવી નમસ્કાર કરવા, અનધ્યયનના દિવસોને છોડી બાકીના દિવસોમાં જ વેદાધ્યયન કરવું.૩૧ 

હે વિપ્ર !
ગુરુએ શિષ્યને તાડન કરીને પણ વિદ્યાનો અભ્યાસ કરાવવો. શિષ્યની ઉદ્ધતાઇ છોડાવવા માટે તેને તાડન કરવામાં ગુરુને દોષ લાગતો નથી.૩૨ 

ગુરુએ શિષ્યના શરીરના નીચેના ભાગમાં ધીરેથી તાડન કરવું પરંતુ મસ્તક કે હૃદયમાં તાડન ન કરવું. જો આવા ઉત્તમ અંગો ઉપર તાડન કરે તો ગુરુ દોષના ભાગી થાય છે.૩૩ 

શાસ્ત્રાનુસાર પાંચ વર્ષ પર્યંત પુત્રનું લાલન-પાલન કરવું, ત્યાર પછીના દશ વર્ષ પર્યંત તાડન કરવું, અને સોળમું વર્ષ પ્રાપ્ત થાય ત્યારે તેમની સાથે મિત્રની જેમ આચરણ કરવું.૩૪ 

વિદ્યા પ્રાપ્ત કરવા ઇચ્છતા બ્રહ્મચારીએ જીતેન્દ્રિય થઇ નિત્યે ગુરુની સેવા કરવી, વિદ્યા પ્રાપ્તિના અંગભૂત બ્રહ્મચર્યનાં ચાર ચરણ છે.૩૫ 

બ્રહ્મચારી માટે વિદ્યાપ્રાપ્તિનાં ચાર ચરણ :- આચાર્ય એવા ગુરુને જ પોતાનાં માતા, પિતા જાણી તેમનો કોઇ પણ પ્રકારનો દ્રોહ નહીં કરીને વિનયાદિ શિષ્યોના ધર્મોનું પાલન કરતાં કરતાં વિદ્યા ભણવી, આ બ્રહ્મચર્યનું પ્રથમ ચરણ કહેલું છે.૩૬ 

ગુરુપત્ની અને ગુરુપુત્રને વિનયથી માન આપતાં બહાર અંદર પવિત્રપણે વર્તી જીતેન્દ્રિય થઇ વિદ્યાનો અભ્યાસ કરવો એ બ્રહ્મચર્યનું બીજું ચરણ છે.૩૭ 

ગુરુએ વિદ્યા ભણાવવારૃપ કરેલો ઉપકાર પોતાની જડતાનો વિનાશ કરનાર છે, એમ જાણી પ્રીતિથી ગુરુની સેવા કરવી, તે બ્રહ્મચર્યનું ત્રીજું ચરણ છે.૩૮ 

આળસ છોડી સાવધાન થઇ કાયા, મન, વાણી, પ્રાણ, તથા ધન અર્પણ કરીને ગુરુનું પ્રિય કરવું, એ બ્રહ્મચર્યનું ચોથું ચરણ કહેલું છે.૩૯ 

વિદ્યાર્થીના બારગુણો અને બાર દોષો :- હે વિપ્ર ! વિદ્યાના બાર ગુણો કહેલા છે, તેમાં આત્મા-પરમાત્મા સંબંધી યથાર્થ જ્ઞાન, કોઇનો દ્રોહ ન થાય તેવું સત્ય ભાષણ, ક્રોધ ઉત્પન્ન થાય તેવું કારણ હોવા છતાં સહનશીલ સ્વભાવ, નહીં કરવા યોગ્ય કાર્ય કરવામાં શરમ, મત્સર દોષનો અભાવ, આપત્કાળમાં પણ ધીરજ, તપ, શમ, દમ, અનસૂયા, પાત્રમાં દાન અર્પણ,અને વિષ્ણુની પૂજા કરવી. આ બાર વિદ્યાર્થીના ગુણો મનાયેલા છે.૪૦ 

તેમજ કામ, ક્રોધ, શોક, મોહ, તૃષ્ણા, ઇર્ષ્યા, નિર્દયતા, પદાર્થોની સ્પૃહા, દ્રવ્ય વાપરવામાં લોભ, પરના ગુણોમાં દોષ જોવારૃપ અસૂયા, પરની નિંદા અને માન આ બાર વિદ્યાર્થીઓના દોષો મનાયેલા છે.૪૧ 

તે બાર દોષોનો ત્યાગ કરી બાર ગુણોએ યુક્ત થઇ બ્રહ્મચારીએ વેદાભ્યાસ કરવો, અને સર્વકાળ વેદાર્થનું ચિંતવન કર્યા કરવું.૪૨ 

બ્રહ્મચારીએ સાવધાન થઇ સાંજે તથા પ્રાતઃકાળે અગ્નિ અને સૂર્યની ઉપાસના કરવી. પ્રાતઃસંધ્યા અને ગાયત્રી મંત્રનો જપ કરીને ગુરુ આદિકને વંદન કરવા.૪૩ 

ગુરૃ આદિકનું અભિવાદન કરવાના સ્વભાવવાળા તથા જ્ઞાનવૃદ્ધની સેવા કરવામાં પ્રીતિવાળા બ્રહ્મચારીની આયુષ્ય, યશ, બલ અને બુદ્ધિ પ્રતિદિન અધિકને અધિક વૃદ્ધિ પામે છે.૪૪ 

પ્રાતઃકાળે અને સાયંકાળે પવિત્ર બ્રાહ્મણના ઘરની ભિક્ષા કરવી, તે ભિક્ષાં મળેલા અન્નનું ગુરુની આગળ નિવેદન કરી તેમની આજ્ઞાથી જમવુ.૪૫ 

અતિભોજન આરોગ્યકર થતું નથી. આયુષ્યની વૃદ્ધિ કરનારૃં, સ્વર્ગને આપનારૃં કે ધર્મની વૃદ્ધિ કરનારૃં થતું નથી. પરંતુ લોકનિંદાને માટે થાય છે. તેથી અતિભોજનનો સર્વ પ્રકારે ત્યાગ રાખવો.૪૬ 

વળી તે બ્રહ્મચારીએ આપત્કાળ પડયા વિના નિરંતર એક જ ઘરનું અન્ન ન જમવું. બ્રાહ્મણજાતિના બ્રહ્મચારીએ પોતાના નિયમને નહીં છોડીને કદાચિત કોઇ શ્રાદ્ધમાં ભોજન કરવા બોલાવે તો ઇચ્છાનુસાર ભોજન કરવું, અહીં જાતિએ કરીને બ્રાહ્મણ કહ્યું તેનું કારણ એ છે કે ક્ષત્રિયાદિ બ્રહ્મચારીઓએ શ્રાદ્ધમાં જમવા જવું નહિ.૪૭ 

વળી બ્રહ્મચારીએ હમેશાં ભક્તિભાવની સાથે બે હાથ જોડીને ગુરુની આગળ ઊભા રહેવું. તું અહીં બેસ, એમ ગુરુજી કહે ત્યારે જ તેમની સન્મુખ બેસવું.૪૮ 

ગુરુની નજર આગળ પોતાની ઇચ્છાનુસાર બેસવું નહિ, તેમજ ગુરુની ચાલ, બોલી, કે ચેષ્ટાનું અનુકરણ કરી હાંસી ઉડાવવી નહિ.૪૯ 

જ્યાં કોઇ ગુરુજીની નિંદા કરતું હોય ત્યાંથી તત્કાળ ઉઠી જવું, કાન બંધ કરી દેવા, અથવા જો શક્તિશાળી હોય તો પોતાના ગુરુની નિંદા કરનારને શિક્ષા કરવી.૫૦

ગુરુની પૂજા દર્શન દૂર ઊભીને ન કરવાં. ક્રોધ કરવા પૂર્વક પૂજા ન કરવી. ગુરુપત્ની બાજુમાં બેઠાં હોય ત્યારે પણ પૂજા, દર્શન ન કરવાં. ગુરુને ઉચ્ચ સ્વરે ક્યારેય સામે જવાબ ન વાળવો.૫૧ 

ગુરુજીને પાણીનો ઘડો ભરી આપવો, દર્ભ, પુષ્પ કે સમિધ લાવી આપવાં, અંગ ઉપર તેલમર્દન કરી આપવું, યોગ્ય સમયે શરીર ઉપર ચંદનનો લેપ કરવો.૫૨ 

ગુરુએ ઉતારીને મૂકેલી પુષ્પમાળા, ગુરુની શય્યા, પાદુકા, આસન, છાયા અને ખાટલાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહિ.૫૩ 

ગુરુનું પ્રિય કરનારા બ્રહ્મચારીએ તેમને દાતણ કરવા માટે લાવી આપવું, ગુરુના સંબંધી જનોને પણ જેની જરૃરત હોય તે દાતણ આદિ લાવીને તેમને આપવા માટે પોતાની પાસે રાખવું. પોતાને જે કાંઇ પણ કરવાની ઇચ્છા હોય તે ગુરુને જણાવવું. ગુરુજીને પૂછયા વિના કોઇ પણ સ્થળે જવું નહિ.૫૪ 

ગુરૃની આગળ ક્યારેય પણ લાંબા પગ કરીને બેસવું નહિ. મલ્લની જેમ ભુજાઓ ઠપકારવી નહિ. ખડખડાટ હસવું નહિ અને શયન કરવું નહિ.૫૫ 

ઉતાવળી ગતિએ ચાલતા ગુરુની પાછળ શિષ્યે ઉતાવળા ચાલવું, ધીરે ચાલતા હોય ત્યારે તેજ રીતે અનુસરવું. ગુરુના નામનો ઉચ્ચાર કરવો નહિ, ગુરુની અનુમતિ વિના પ્રશ્નનો ઉત્તર પણ આપવો નહિ.૫૬ 

નિરંતર જીતેન્દ્રિય, જિતઅંતઃકરણ, જિતક્રોધ ને બહાર અંદર પવિત્ર રહેવું. ગુરુની આગળ હમેશાં મધુરવાણી બોલવી.૫૭ 

સ્ત્રીઓની કથાનું શ્રવણ, કીર્તન, દર્શન, સંકલ્પ, ક્રીડા, એકાંતમાં ભાષણ અને સ્ત્રી સંબંધી નિશ્ચયનો બ્રહ્મચારીએ નિયમમાં તત્પર થઇ હમેશાં ત્યાગ રાખવો. તેમના અંગના સ્પર્શનો તો વિશેષે કરીને ત્યાગ રાખવો. વળી બ્રહ્મચારીએ સ્ત્રીનો સંગ કરનાર સ્ત્રીલંપટ પુરુષોનો ક્યારેય પણ સંગ ન કરવો.૫૮-૫૯ 

ગુરુપત્નીને ગુરુની જેમ જ આદર આપવો, ગુરુપુત્રને પણ ગુરુની જેમ જ પૂજવો. ક્યારેય પણ ગુરુપત્ની અને ગુરુપુત્રનું અપમાન ન કરવું.૬૦ 

ગુરુની જેમ આદરનું કહ્યું ,તેમાં ગુરુપત્નીના અંગ ઉપર તૈલમર્દન, સ્નાન, પાદસેવન, કેશપ્રસાધન ન કરવું.૬૧ 

જો ગુરુપત્ની યુવાન હોય તો ચરણ સ્પર્શ કર્યા વિના ભૂમિપર વંદન કરતાં કરતાં પોતાના ગોત્ર અને શાખાનું ઉચ્ચારણ કરી હું તમને નમસ્કાર કરું છું, એમ બોલવું.૬૨

પરંતુ ચરણમાં માથું સ્પર્શવા દેવું નહિ. ગુરુપત્નીના અંગનો ક્યારેય પણ સ્પર્શ કરવો નહિ, કારણ કે જો સ્પર્શ કરે તો બ્રહ્મચારીના બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય છે.૬૩

પિતાની બહેન-ફૂઇ, માતાની બહેન-માસી, ભાઇની પત્ની, પોતાની માતા, અપરમાતા અને બહેન આ સર્વેને ગુરુપત્નીની જેમ પૂજ્ય માનવાં.૬૪ 

બ્રહ્મચારીએ ક્યારેય પણ ગુરુનો ત્યાગ ન કરવો. કામ, લોભ, અને મોહને કારણે ગુરુનો ત્યાગ કરે છે, તેની અધોગતિ થાય છે.૬૫ 

હે વિપ્ર !
વિદ્યાદિકના ગર્વને કારણે શાસ્ત્રવિહિત કાર્ય-અકાર્યને નહીં જાણતા અને વિવેક ભૂલી કુમાર્ગે ગમન કરતા ગુરુનો ત્યાગ કરવાનું મનુએ કહેલું છે.૬૬ 

જે ગુરુ પાસેથી લૌકિક, વૈદિક કે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે ગુરુની શિષ્યે ક્યારેય પણ અવગણના કરવી નહિ.૬૭ 

વળી બ્રહ્મચારીએ જનસમુદાય થકી કાળા સર્પની જેમ ભય પામવું. મિષ્ટાન્ન ભોજનથી મૃત્યુની જેમ ભય પામવું, અને સ્ત્રી થકી રાક્ષસીની જેમ ભય પામવું, આવી રીતનો સાવધાન બ્રહ્મચારી જ વિદ્યાને પ્રાપ્ત કરી શકે છે.૬૮ 

પાસા (પત્તા) ખેલવા, પુસ્તકની બહુ શુશ્રૂષા કરવી, સ્ત્રીઓની સાથે વાર્તાલાપ કરવો, તેને વારંવાર જોવી, આળસ અને અતિશય નિદ્રા કરવી,આ છ વિદ્યાભ્યાસમાં વિઘ્ન કરનારાં કહેલાં છે.૬૯ આ પ્રમાણે વિદ્યાભ્યાસ કરતાં કરતાં શિષ્યે ગુરુને ઘેર નિવાસ કરવો, ત્રિકાલ સ્નાન કરવું ને કુસંગનો ત્યાગ કરવો.૭૦ 

હે વિપ્ર !
બ્રહ્મચારીએ પુષ્પમાલા ધારણ ન કરવી, શરીર ઉપર અત્તર, ચંદનાનિદકનો રાગ ન કરવો, બહુ પ્રકારના રસાસ્વાદમાં આસક્તિ ન રાખવી, શરીર ઉપર કુંકુમ ન ધારવું, સુગંધીમાન પુષ્પાદિકનો સંબંધ ન રાખવો, દાંતને ઘસીને અતિશય ઉજળા ન કરવા.૭૧ 

વળી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર બ્રહ્મચારીએ અંગે તેલમર્દન કરી સ્નાન ન કરવું, નેત્રમાં આંજણ ન આંજવું,છત્રી ધારણ ન કરવી, અરીસામાં મુખ જોવું નહિ, દ્યુતક્રીડાનો ત્યાગ રાખવો. ગીત વાજિંત્ર અને નૃત્યનો પણ ત્યાગ રાખવો.૭૨

પ્રાણિમાત્રનો દ્રોહ ન કરવો, ચાડી ચુગલી કરવી નહિ, લોભ, કામ અને ભયનો ત્યાગ કરવો, મધ અથવા મદ્ય અને માંસભક્ષણ ક્યારેય કરવું નહિં, લસણ, ડુંગળી આદિક અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ ન કરવું.૭૩ 

બ્રહ્મચારીએ પ્રાતઃ કે સાયંકાળે દિવસે કે રાત્રીના પહેલા અને છેલ્લા યામમાં નિદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ રાખવો, કોઇની નિંદા ન કરવી, પગરખાં ન પહેરવાં, ધીરજશાળી બ્રહ્મચારીએ નાટક, ચેટક જોવાં નહિ, સાંસારિક ગીતો નું શ્રવણ તો સર્વ પ્રકારે ન કરવું, અસત્યવાણી ન બોલવી, જો પોતાનો કે પારકાનો દ્રોહ થાય એમ હોય તો સત્ય વાણી બોલવી નહિ, તે સમયે અસત્ય બોલવામાં દોષ નથી.૭૫ 

વળી બ્રહ્મચારીએ ખાટલા ઉપર સૂવું નહિ, તાંબુલનું ભક્ષણ કરવું નહિ, તેમજ સમયે સમયે કરવા યોગ્ય સ્નાન સંધ્યાદિ સમગ્ર વૈદિક વિધિનું અનુષ્ઠાન અવશ્ય કરવું.૭૬ 

વેદાધ્યયન શરૃ કરવાનો વિધિ :-
પોતાના ગૃહ્યસૂત્રને અનુસારે બ્રહ્મચારીએ વેદોનું ઉપાકર્મ (અધ્યયન કરવાની શરૃઆત) કરવું, તેમાં ઋગ્વેદી બ્રહ્મચારીએ શ્રાવણ માસમાં શ્રવણ નક્ષત્રમાં દિવસના પૂર્વભાગમાં ઉપાકર્મ કરવું. યજુર્વેદી બ્રહ્મચારીએ શ્રાવણમાસની પૂર્ણિમાની તિથિએ મધ્યાહ્ને વિધિપૂર્વક ઉપાકર્મ કરવું. સામવેદી બ્રહ્મચારીએ શ્રાવણમાસમાં હસ્ત નક્ષત્રમાં ઉપાકર્મ કરવું.૭૭ 

જો શ્રાવણ માસમાં સૂર્ય સિંહ રાશિને સ્થાને હોય તો જ કરવું, નહિ તો ભાદરવા માસમાં ઉપાકર્મ કરવું, સામવેદીઓએ ઉપાકર્મની શરૃઆત બપોર પછીના સમયથી કરવી.૭૮ 

જો શ્રાવણ મહિનાની પૂર્ણિમાને દિવસે સંક્રાંત પર્વણિ હોય, સૂર્યનું બીજી રાશિમાં સંક્રમણ થતું હોય અથવા ચંદ્રગ્રહણ હોય તો શ્રાવણ મહિનામાં હસ્ત નક્ષત્ર યુક્ત કોઇ પણ તિથિને દિવસે અથવા પાંચમને દિવસે ઉપાકર્મ કરવું, યોગ્ય મનાયેલું છે.૭૯ 

જો મધ્યરાત્રીના પહેલા ભાગમાં સંક્રાંતિ હોય કે ગ્રહણ હોય તો ઉપાકર્મ કરવું નહિ, ને જો પછીના ભાગમાં સંક્રાંતિ કે ગ્રહણ હોય તો પૂર્ણિમાને દિવસે ઉપાકર્મ કરવું દોષરૃપ નથી.૮૦ 

વેદાધ્યયન સમાપ્ત કરવાનો વિધિ :- હે વિપ્ર ! વેદાધ્યયનને પ્રારંભ કરવાનો વિધિ કહ્યો, હવે વેદાધ્યયનનો ઉત્સર્ગ (સમાપ્તિ) કરવાનો વિધિ કહું છું. પોષ માસના રોહિણી નક્ષત્રમાં અથવા અષ્ટકાના (વદ સાતમ, આઠમ અને નવમી)ને દિવસે ગામની બહાર જળાશયની સમીપે બ્રહ્મચારીએ વેદોનો ઉત્સર્ગ વિધિ કરવો.૮૧ 

કેટલાક મુનિઓ વેદના ઉપાકર્મને દિવસેજ વેદોત્સર્ગ વિધિ પણ કરે છે, આ બન્ને કર્મમાં ઋષિઓનું પૂજન કરવાનું કહેલું છે.૮૨ 

આવા પ્રકારના સદાચારે યુક્ત, ધીરજશાળી ને નિર્દંભી બ્રહ્મચારીને ગુરુએ વેદ શાસ્ત્ર અને પુરાણોનો અભ્યાસ કરાવવો.૮૩ 

બહુ સમય પર્યંત બ્રહ્મચારીની પરીક્ષા કરીને ગુરુએ નિષ્કપટ થઇને સમગ્ર જ્ઞાનનો શિષ્યને ઉપદેશ આપવો અને સામે શિષ્યે પણ રુચિ અનુસાર એક, બે, ત્રણ અથવા ચાર વેદનું અધ્યયન કરી ગુરુને દક્ષિણાઆપી ગુરુની આજ્ઞા લઇ વેદાધ્યયનવ્રત્તની સમાપ્તિનો સમાવર્તન સંસ્કાર કરવો.૮્૪-૮૫ 

બ્રહ્મચારીએ પોતાના વૈરાગ્યની મંદતા, મધ્યમતા અને તીવ્રતાને જોઇ ઘેર જવું, જેમ કે મંદ વૈરાગ્યવાળા બ્રહ્મચારીએ ગૃહસ્થાશ્રમી થવું, મધ્યમ વૈરાગ્યવાળાએ વાનપ્રસ્થી અને તીવ્રવૈરાગ્યવાળાએ સંન્યાસી કે નૈષ્ઠિકબ્રહ્મચારી થવું.૮૬ 

બ્રહ્મચારીના ચાર ભેદ :- 

હે ઉત્તમ વિપ્ર ! 
બ્રહ્મચારી પણ સાવિત્ર, પ્રાજાપત્ય, બ્રાહ્મ અને નૈષ્ઠિક એમ ચાર પ્રકારના કહેલા છે.૮૭ 

તેમાં જે બ્રહ્મચારી વિધિપૂર્વક ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરી ગાયત્રી મંત્રનો પાઠ કરતાં કરતાં ત્રણ દિવસ અહોરાત્રી બ્રહ્મચર્યવ્રતને ધારણ કરે, તેને પહેલો સાવિત્ર બ્રહ્મચારી કહ્યો છે.૮૮ 

જે વેદનું અધ્યયન કરતાં એક વર્ષ પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરે તેને બીજો પ્રાજાપત્ય કહેલો છે. જે વેદાધ્યયન પર્યંત અથવા બાર વર્ષ પર્યંત બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે તેને ત્રીજો બ્રાહ્મ બ્રહ્મચારી કહેલો છે અને જે બ્રહ્મચારી જીવન પર્યંત ગુરુકુલમાં નિવાસ કરીને રહે ને આજીવન બ્રહ્મચર્યવ્રત પાળે તેને ચોથો નૈષ્ઠિક બ્રહ્મચારી કહેલો છે. આ ચાર પ્રકારના બ્રહ્મચારીઓમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. એમ જાણવું, આપ્રમાણે શાસ્ત્રોનો નિર્ણય છે.૮૯-૯૦ 

હે વિપ્ર !
ત્રણે વર્ણના બ્રહ્મચારીઓથી અજાણતાં માંસ અથવા સુરા મિશ્રિત અન્નાદિકનું ભક્ષણ થઇ જાય તો તેનો ઉપનયન સંસ્કાર ફરી કરવો પડે છે.૯૧ 

ગુરુની સેવા કરતાં બ્રહ્મચારીએ પોતાના નિયમોનું દૃઢતા પૂર્વક પાલન કરવું. જાણીને અથવા અજાણતાં પોતાના વ્રતાદિ નિયમોનો ભંગ થાય તો તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત કરવું.૯૨ 

બ્રહ્મચારીએ રોગાદિ આપત્કાળ પડયા વિના સાત અહોરાત્રી ભિક્ષા કર્યા વિના કે અગ્નિમાં હોમ કર્યા વિના વીતાવે તો તે પ્રાયશ્ચિત્તમાં અવકીર્ણિવ્રતનું આચરણ કરે, આ વ્રતનો વિધિ પ્રાયશ્ચિત પ્રકરણમાંથી જાણી લેવો.૯૩ 

હે વિપ્ર !
જો બ્રહ્મચારી ભિક્ષામાં મળેલા અસત્ અન્નનું ભક્ષણ કરે, ઉલટી કરે, નગ્ન સ્ત્રીનું નિરીક્ષણ કરે, નગ્ન શયન કરે, સૂર્યોદય સમયે કે સૂર્યાસ્ત સમયે અને દિવસે શયન કરે, સ્મશાનનું ઉલ્લંઘન કરે, અશ્વાદિક વાહનોમાં બેસે, પૂજ્ય વ્યક્તિની પૂજાનું ઉલ્લંઘન કરે, યજ્ઞોપવિત વિના ભોજનાદિ ક્રિયા કરે, મણિ, રત્ન આદિક પદાર્થનો દાનમાં સ્વીકાર કરે, વૃક્ષોનો ઘાત કરે, સર્પાદિ જીવોનો ઘાત કરે. આ સર્વેમાંથી કોઇ પણ એક નિયમનો ભંગ થાય તો બ્રહ્મચારીએ તેની શુદ્ધિને માટે સ્નાન કરી આચમન કરી, ઉત્તમ સ્થળે બેસી ત્રણ પ્રાણાયામ કરી ગાયત્રીમંત્રના એકહજાર ને આઠની સંખ્યામાં જપ કરે, અર્થાત્ ગાયત્રીનો જપ કરતાં દશ માળા ફેરવે.૯૪-૯૭ 

હે વિપ્ર !
સર્વે કોઇ વ્રત ભંગમાં જે કોઇ પ્રાયશ્ચિત કરવાનાં કહેલાં છે. તે સર્વેને માટે હિતકારી પ્રાયશ્ચિત અમે આગળ કહીશું.૯૮ 

હે સન્મતિ વિપ્ર ! નૈષ્ઠિક બ્રહ્મચારી, વાનપ્રસ્થી, સંન્યાસી અને અવધિવાળા બ્રહ્મચારીને માટે જન્મનું કે મરણનું સૂતક પાળવાનું ઋષિમુનિઓએ કહ્યું નથી.૯૯ 

પોતાના આચાર્ય, ઉપાધ્યાય, માતા, પિતા અને ગુરુનો અગ્નિસંસ્કાર કરી બ્રહ્મચારી તત્કાળ સ્નાન કરીને શુદ્ધ થાય છે.૧૦૦ 

બ્રહ્મચારીએ પોતાના આચાર્યઆદિના સૂતકમાં પોતાના નિત્યકર્મ જે સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, વિષ્ણુની પૂજા આદિક કોઇ નિયમોનો ત્યાગ કરવો નહિ. પોતાના વ્રતનું પાલન કરતા થકા જ તે આચાર્યાદિકની િંપંડોદક ક્રિયા કરવી ૧૦૧ 

હે ઉત્તમ શિવરામવિપ્ર !
મેં પહેલા બ્રહ્મચર્યાશ્રમના સમગ્ર ધર્મો સંક્ષેપથી તમને શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે કહ્યા. હવે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણે વર્ણના જનોના શાસ્ત્રોક્ત આગ્નિક વિધિ હું તમને કુંહું છું.૧૦૨ 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મોપદેશમાં ભગવાન શ્રીહરિએ પહેલા બ્રહ્મચર્યાશ્રમના સમગ્ર ધર્મોનું નિરૃપણ કર્યું .એ નામે ત્રીજો અધ્યાય પૂર્ણ થયો. --૩--