ભગવાન શ્રીહરિએ અનુક્રમ પ્રાપ્ત બ્રહ્માંડ રચનાનું સંક્ષેપથી કરેલું નિરૃપણ.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ !
હવે આવરણ ભૂમિના અધોદળથી આરંભીને ઊર્ધ્વદળ પર્યંત અનુક્રમથી બ્રહ્માંડની સર્વે રચનાનું સંક્ષેપથી વર્ણન કરીએ છીએ.૧
નીચેના દળની ઉપર ચારે તરફ વિસ્તરેલું ગર્ભોદક નામનું મહાજળ રહેલું છે. એ જળ ઉપર મહાકૂર્મ છે. તેની ઉપર શેષ રહેલા છે.૨
હજાર ફણાધારી તે શેષની એક ફણા ઉપર સમગ્ર ભૂગોળનો પિંડ રહ્યો છે. આ ભૂગોળના આંતર છિદ્રોમાં એક બીજા ઉપર રહેલા સાત લોક રહેલા છે.૩
તેમાં પ્રથમ ભૂપુટના છિદ્રમાં મનોહર પાતાળલોક રહ્યો છે. જે લોકમાં રત્ન જેવી ઉજ્જવલ ફણાવાળા વાસુકિ આદિક નાગદેવતાઓ વસે છે.૪
એ પાતાળલોકની ઉપર રસાતળ લોક છે તેમાં દૈત્યો અને દાનવો વસે છે. તેની ઉપર મહાતળ લોક છે તેમાં તક્ષકાદિક નાગદેવતાઓ વસે છે.પ
તે મહાતળની ઉપર તળાતળલોક રહ્યો છે. તે લોકમાં પોતાના ગણોએ સહિત મયદાનવ રહે છે, તે તળાતળની ઉપર સુતળલોક છે, તેમાં શ્રીવિષ્ણુ ભગવાનની સાથે બલિરાજા રહેલા છે.૬
તેની ઉપર વિતળલોક છે તેમાં હાટકેશ્વર શિવજી રહ્યા છે, તે વિતળની ઉપર અતળલોક છે. તેમાં પોતાના ગણોએ સહિત બલદાનવ રહે છે.૭
અને આ પૃથ્વીલોક આઠમો છે, તેના મધ્યે મેરુ પર્વત આવેલો છે, તે મેરુની ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને શિવનાં દિવ્ય નગરો આવેલાં છે.૮
હે નિષ્પાપમુનિ !
તે મેરુપર્વતમાં પૂર્વાદિ આઠે દિશાઓમાં ઇન્દ્રાદિક દિગ્પાળોની અમરાવતી આદિક આઠ નગરીઓ આવેલી છે.૯
ખારા સમુદ્રથી વીંટાયેલો અને ભારત આદિ નવખંડોથી યુક્ત એવો જંબુદ્વિપ તે મેરુપર્વતની ચારે તરફ રહ્યો છે.૧૦
તે નવખંડોમાં ઇલાવૃત ખંડમાં શ્રીસંકર્ષણ ઉપાસ્ય ઇષ્ટદેવ છે, ભદ્રાશ્વખંડમાં હયગ્રીવ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે, હરિવર્ષખંડમાં નૃસિંહ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે.૧૧
કેતુમાલાખંડમાં કામદેવરૃપી ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે, રમ્યકખંડમાં મત્સ્યમૂર્તિ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે, હિરણ્યમયખંડમાં કૂર્મરૃપ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે.૧૨
કુરુખંડમાં વરાહ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે, કિંપુરુષખંડમાં શ્રીરામ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે અને આ ભરતખંડમાં શ્રીનરનારાયણ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે.૧૩
ખારા સમુદ્રથી વીંટાએલા આ લાખ યોજન વિસ્તારવાળા જંબુદ્વિપથી ઉત્તરોત્તર વર્તતા દ્વિપો બમણા વિસ્તારવાળા જાણવા, અને તે તે દ્વિપને વીંટાઇને રહેલા સમુદ્રો પણ બમણા વિસ્તાર વાળા જાણવા.૧૪
તેમાં જંબુદ્વિપથી ઉત્તરવર્તી શેરડીરસના સમુદ્રથી વીંટાયેલો પ્લક્ષદ્વીપ આવેલો છે, તેમાં રહેલા લોકો સૂર્યમૂર્તિ એવા ભગવાન શ્રીહરિની ઉપાસના કરે છે.૧૫
તેનાથી પર સુરાસમુદ્રથી વીંટાયેલો શાલ્મલિદ્વીપ આવેલો છે, તેમાં રહેલા મનુષ્યો ચંદ્રરૃપી શ્રીહરિની ઉપાસના કરે છે.૧૬
તેનાથી પર ઘૃતોદસમુદ્રથી વીંટાયેલો કુશદ્વીપ આવેલો છે, તેમાં રહેલા લોકો અગ્નિરૃપ શ્રીહરિની ઉપાસના કરે છે.૧૭
તેનાથી પર ક્ષીરોદસમુદ્રથી વીંટાયેલો ક્રૌંચદ્વીપ આવેલો છે, તેમાં રહેલા લોકો જળદેવરૃપ રહેલા શ્રીવાસુદેવની ઉપાસના કરે છે.૧૮
તેનાથી પર દધિસમુદ્રથી વીંટાયેલો શાકદ્વીપ આવેલો છે, તેમાં રહેલા જનો વાયુરૃપ શ્રીહરિની ઉપાસના કરે છે.૧૯
તેનાથી પર સ્વાદુજળ સમુદ્રથી વીંટાયેલો પુષ્કર નામનો દ્વીપ આવેલો છે, તેમાં રહેલા લોકો પુષ્કર એવા કમળ ઉપર બેઠેલા બ્રહ્મારૃપ શ્રીહરિની ઉપાસના કરે છે.૨૦
તેનાથી પર કાંચની ભૂમિ છે અને તેનાથી પર લોકાલોક પર્વત આવેલો છે, તે લોકાલોક પર્વતની ઉપર ચારે દિશાઓમાં ચાર દિગ્ગજો રહેલા છે.૨૧
આ પર્વત ઉપર બ્રહ્માંડની રક્ષા કરવામાં સમર્થ એવા સાક્ષાત્ મહાપુરુષ ભગવાન પોતાના વિષ્વક્સેન આદિક પાર્ષદોની સાથે લોકની રક્ષા કરવા માટે જ બિરાજે છે.૨૨
હે સદ્બુદ્ધિવાળા મુનિ ! આવા ભુર્લોક- પૃથ્વીલોકથી ઉપર ભુવર્લોક છે તેમાં ભૂત, પ્રેત, પિશાચોનું ક્રીડાસ્થાન છે.૨૩
પૃથ્વીના મધ્યભાગમાં રહેલા મેરુ પર્વત ઉપર રહેલા ઇન્દ્રાદિ દિગ્પાળોના નગરોની ચારે તરફ દિવ્ય રથ ઉપર બેસીને બ્રહ્માંડના મધ્ય ભાગમાં સૂર્યદેવ પરિભ્રમણ કરે છે.૨૪
આ સૂર્યમંડળની ઉપર ચંદ્ર અને નક્ષત્રો, તેનાથી ઉપર શુક્ર, તેનાથી ઉપર બુધ, તેનાથી ઉપર મંગળ અને તેનાથી ઉપર બૃહસ્પતિનાં મંડળો વિરાજે છે.૨૫
બૃહસ્પતિનાં મંડળની ઉપર શનિનું મંડળ રહેલું છે, તેનાથી ઉપર સપ્તર્ષિનું મંડળ, તેનાથી ઉપર વૈષ્ણવધામરૃપ ધ્રુવજીનું પદ આવેલું છે.૨૬
તેની સમીપે અતિશય શોભાયમાન સ્વર્ગલોક છે, તેમાં ત્રિલોકનો ઇશ ઇન્દ્રદેવ સર્વે દેવતાઓના ગણની સાથે વિરાજે છે.૨૭
આ ધ્રુવપદ પર્યંત પૂર્વોક્ત સૂર્યાદિ ગ્રહોનું ચક્ર શિશુમાર ચક્રને આશરે રહેલું છે. આ શિશુમારચક્રમની ઉપર શોભાયમાન મહર્લોક આવેલો છે.૨૮
આ મહર્લોકની ઉપર જનલોક, તેથી ઉપર તપલોક છે, આ ત્રણે લોકમાં ઋષિઓનાં મંડળો વિરાજે છે.૨૯
આ તપલોકની ઉપર સત્યલોક આવેલો છે, તે વિશ્વસ્રષ્ટા બ્રહ્માનું સ્થાન છે. આ પૂર્વોક્ત ચૌદે લોક ચારે બાજુથી ગાઢ અંધકારથી ઘેરાયેલા છે.૩૦
હે મુનિ ! તે ગાઢઅંધકારથી પર ગર્ભોદક રહ્યું છે. તેનાથી પર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્ત્વ અને પ્રકૃતિ, આ આઠ આવરણો આવેલાં છે. આ આવરણો ક્રમશઃ એક એકથી દશ દશ ગણા મોટાં છે.૩૧
તેનાથી પર મૂળપ્રકૃતિ એવી મહામાયા છે, તે પોતાના પતિ મહાપુરુષની સાથે વિરાજે છે. તેનાથી પર પરમજ્યોતિ વિરાજે છે. તેજ ભગવાન શ્રીવાસુદેવનારાયણનું નિવાસ સ્થાન છે. જેને શ્રુતિઓ બ્રહ્મપુર પણ કહે છે.૩૨
હે મુનિ ! આ પ્રમાણે રહેલા બ્રહ્માંડ વિષે યોગમાર્ગને વિશેષપણે જાણતો યોગી સમાધિ દ્વારા તે તે લોકમાં જવા માટે નાડીમાર્ગે પ્રવેશ કરીને ત્યાં જઈ તે તે સ્થાનમાં રહેલા મુક્તો અને તેના વૈભવોને પ્રત્યક્ષ નિહાળે છે.૩૩
યોગીપુરુષ મહામાયાથી પર રહેલા ભગવાનના બ્રહ્મપુરધામને પૂર્વોક્ત સુષુમ્ણાનાડી દ્વારા પ્રવેશ કરી ત્યાં જઇ સર્વેનું દર્શન કરી ફરી ભૌતિક શરીરમાં પ્રવેશ કરીને જાગ્રત થાય છે.૩૪
આ પ્રમાણે તે યોગીને શ્રીવાસુદેવનારાયણ ભગવાનને વિષે અતિશય ગાઢ પ્રેમ ઉત્પન્ન થવાથી સમાધિમાં જવા આવવામાં સ્વતંત્રપણું પ્રાપ્ત થાય છે. તેથી બુદ્ધિમાન યોગીએ તે સમાધિના હેતુભૂત ભગવદ્ પ્રેમની વૃદ્ધિ થાય તે માટે ગુરુ પાસેથી યોગનો અભ્યાસ કરવો.૩૫
હે નિષ્પાપ મુનિ !
ભક્તિયોગમાં નિપુણ સદ્ગુરુ પાસેથી શીખવામાં આવેલો પૂર્વોક્ત ભક્તિયોગ જ આ લોકમાં યોગનો અભ્યાસ કરતા યોગીને તત્કાળ સિદ્ધિ આપે છે. પરંતુ આવા ભક્તિયોગ વિના ગુરુપાસેથી શીખેલો યોગ ઇચ્છિત સિદ્ધિને આપતો નથી.૩૬
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતાં શ્રીહરિએ બ્રહ્માંડ રચનાનું નિરૃપણ કર્યું, એ નામે બાસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૨--