दैव्यामापदि कष्टायां मानुष्यां वा गदादिषु । यथा स्वपररक्षा स्यात्तथा वृत्त्यं न चान्यथा ।।११९।।
અને મારા આશ્રિતો હોય તેમણે, કોઇ સમયે કષ્ટને આપનારી દેવ સંબન્ધી આપત્તિ આવી પડે, તથા મનુષ્ય સંબન્ધી કોઇ આપત્તિ આવી પડે, તથા રોગાદિક આપત્તિ આવી પડે ત્યારે, એ આપત્તિમાં પોતાની અને બીજાની જેમ રક્ષા થાય તેમ વર્તવું . પણ એથી બીજી રીતે વર્તવું નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આપત્તિમાં ફસાયેલા મનુષ્યોની સેવા કરવી, રક્ષા કરવી, અને આપત્તિમાંથી બહાર નીકળવામાં એકબીજાને મદદરૂપ થવું, આ મનુષ્યોનો પરમ માનવ ધર્મ કહેલો છે. કોઇ સમયે અતિ વૃષ્ટિ થાય, દુષ્કાળ આવી પડે, અને ભૂકંપ થાય, અચાનક અગ્નિ ઉત્પન્ન થાય, ઇત્યાદિક દેવસંબન્ધી આપત્તિઓ કહેવાય છે. તો જ્યારે દેવસંબન્ધી આપત્તિઓ આવી પડે ત્યારે ધર્મ, અધર્મ, નાત, જાત, સ્પર્શ અને અસ્પર્શ જોયા વિના કેવળ પોતાની અને બીજાની રક્ષા થાય એવી રીતે વર્તવું. તેવી જ રીતે રાજકુળના કોઇ મનુષ્ય થકી કાંઇ આપત્તિ આવી પડેલી હોય, કોઇ ચોર ધન લુંટી લેતા હોય, ઇત્યાદિક મનુષ્ય સંબન્ધી આપત્તિઓ કહેવાય છે. તો મનુષ્યો થકી આવતી આપત્તિઓમાં પણ પરસ્પર એક બીજાના દેહાદિકનું રક્ષણ થાય, એ રીતે વર્તવું. પણ એ સમયે જેનાં જેવાં પ્રારબ્ધ એમ સમજીને બેસી રહેવું નહિ. યથાશક્તિ મદદ કરીને બીજાને આપત્તિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો, અને પોતાની પણ રક્ષા કરવી. તેવી જ રીતે શરીરમાં કોઇ રોગ આવી પડેલો હોય, શસ્ત્રોના કોઇ ઘા વાગેલા હોય, ઇત્યાદિક આપત્તિને વિષે પણ ઔષધાદિકે કરીને કે કોઇપણ રીતે મદદ કરીને પરસ્પર એક બીજાના દેહાદિકનું રક્ષણ કરવું. પણ પ્રારબ્ધ ઉપર છોડીને બેસી રહેવું નહિ.
ધર્મશાસ્ત્રોમાં આપત્કાળના ધર્મો જુદા લખાયેલા છે, અને સ્વસ્થકાળના ધર્મો પણ જુદા લખાયેલા છે. ''अन्यो धर्मः समस्थस्य विषमस्थस्य चा।परः'' ।। इति ।। મહાભારતમાં કહેલું છે કે- મનુષ્ય જ્યારે સ્વસ્થ દશામાં રહેલો હોય તે સમયના ધર્મો જુદા છે. અને કોઇપણ આપત્તિમાં આવી પડેલો હોય તે સમયના પણ ધર્મો જુદા છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં બન્નેના ધર્મો જુદા જુદા વર્ણવેલા છે. માટે ભગવાનની ભક્તિમાં અનુકુળ એવો જે આ દેહ, તેનું રક્ષણ કરવા માટે આપત્કાળમાં પરધર્મનું આચરણ કરવાની પણ શાસ્ત્રોએ છુટ આપેલી છે. આ વિષયમાં વસિષ્ઠ સ્મૃતિ પ્રમાણરૂપ છે.- ''आत्मनो वा परस्यापि कार्यं रक्षणमापदः । परधर्मानृतास्पृश्यस्पर्शाद्यैरपि भूमिप'' ।। इति ।। આ સ્મૃતિનો એ ભાવ છે કે- આપત્કાળમાં પરધર્મનું આચરણ કરીને, ખોટું બોલીને, તથા નહિં સ્પર્શ કરવા યોગ્ય વસ્તુનો સ્પર્શ કરીને પણ, આપત્તિ થકી પોતાનું અને બીજાનું રક્ષણ કરવું જોઇએ. માટે શ્રીહરિનો ભાવ એ છે કે, કોઇપણ આપત્તિના સમયમાં જે રીતે પોતાનું તથા બીજાનું રક્ષણ થાય એ રીતે વર્તવું, પણ એથી બીજી રીતે વર્તવું નહિ. ।।૧૧૯।।