શ્લોક ૧૧૮

कारणीया पुरश्चर्या पुण्यस्थाने।स्य शक्तितः । विष्णुनामसहस्रादेश्चापि कार्येप्सितप्रदा ।।११८।।


અને મારા આશ્રિતો હોય તેમણે, પવિત્ર સ્થાનમાં બેસીને આ દશમસ્કંધનું પુરશ્ચરણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, અથવા કરાવવું. અને એજ રીતે વિષ્ણુસહસ્રનામ આદિક જે સચ્છાસ્ત્ર તેનું પણ પુરશ્ચરણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું અથવા કરાવવું. કારણ કે એ પુરશ્ચરણ મનવાંછિત ફળને આપનારૂં છે.


 શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ભગવાનનું મંદિર હોય કે પછી ગંગાદિક પવિત્ર નદીઓ હોય, કે કોઇ પવિત્ર પ્રદેશ હોય ત્યાં બેસીને આ દશમસ્કંધનું ૧૦૮ પારાયણો કરવા રૂપ જે પુરશ્ચરણ, તે પોતાના સામર્થ્ય પ્રમાણે બ્રાહ્મણ દ્વારા કરાવવું. અથવા પોતાની પાઠ કરવામાં સામર્થી હોય તો પોતે જ જાતે કરવું. અને પુરશ્ચરણ પણ અર્થના અનુસંધાનની સાથે અને શ્રદ્ધા પૂર્વક કરવું. કારણ કે શ્રદ્ધા વિના કરાયેલું કોઇપણ કર્મ નિષ્ફળ કહેલું છે.


હવે અહીં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી ભાવ સમજાવતાં કહે છે કે- પોતાની શક્તિ પ્રમાણે પુરશ્ચરણ કરવું. આમ જે શ્રીજીમહારાજે કહ્યું. તે શક્તિની તારતમ્યતા દાન, દક્ષિણાદિકમાં જાણવી. પણ પારાયણોની ન્યૂનતામાં એ શક્તિની તારતમ્યતા જાણવી નહિ. પારાયણો તો ૧૦૮ કરવાથી જ પુરશ્ચરણ પૂર્ણ કર્યું કહેવાય છે. માટે પૂર્ણ ૧૦૮ પારાયણોરૂપ પુરશ્ચરણ કર્યા પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી. આવો ભાવ છે. અને વળી વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર, ભગવદ્ગીતા, શ્રીકૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર આદિકનું પણ પુરશ્ચરણ પોતાની શક્તિ પ્રમાણે કરવું અથવા કરાવવું. આવો અભિપ્રાય છે. ।।૧૧૮।।