श्रव्यः श्रीमद्बागवतदशमस्कन्ध आदरात् । प्रत्यहं वा सकृद्वर्षे वर्षे वाच्यो।थ पण्डितैः ।।११।।
અને મારા આશ્રિતો હોય તેમણે, શ્રીમદ્ભાગવતનો દશમસ્કન્ધ પ્રતિદિન આદર પૂર્વક સાંભળવો. અથવા વર્ષે એકવાર સાંભળવો. અને પંડિત હોય તેમણે પ્રતિદિન વાંચવો અથવા વર્ષે એકવાર વાંચવો.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પૂર્વે ભગવાનની ભક્તિ કરવાનું જે વિધાન કરેલું છે, એ ભક્તિની પુષ્ટિ ભાગવતના દશમસ્કંધ થકી થાય છે. ભાગવતની અંદર મનુષ્યોથી ન બની શકે એવી અનેક આશ્ચર્યકારી ઘટનાઓ વર્ણવેલી છે. રમતમાત્રમાં ભગવાન શ્રીકૃષ્ણે કંસાદિક અસુરોનો નાશ કરેલો છે. અને શરદ ઋતુની રાત્રીઓને વિષે ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓની સાથે વૃન્દાવનમાં વિહાર કર્યો છતાં પોતાનું વીર્ય સ્ખલિત થવા દીધું નહિ. અર્થાત્ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહ્યા. અને બ્રહ્માજી જ્યારે વાછરડાં તથા ગોપબાળોને ઉપાડીને સત્યલોકમાં લઇ ગયા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતે પોતાની યોગ શક્તિથી વાછરડાંઓ અને ગોપબાળો રૂપે થઇને, એક વર્ષ પર્યંત વિહાર કર્યો હતો. ઇત્યાદિક અનેક દિવ્ય અને આશ્ચર્યકારી પરમાત્માની લીલાઓ આ દશમસ્કંધમાં વર્ણવેલી છે. તેથી આ દશમસ્કંધનું શ્રવણ કરવાથી પરમાત્માનું અલૌકિક માહાત્મ્ય જાણ્યામાં આવે છે. તેથી ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. અને ત્યારે જ મનુષ્ય પરમાત્માની મહાન શક્તિરૂપ માયાને તરીને બ્રહ્મપદને પામે છે. એજ કારણથી શ્રીજીમહારાજે આ શ્લોકમાં આજ્ઞા કરેલી છે કે, ભક્તજનોએ આદરપૂર્વક એટલે શ્રદ્ધાથી પ્રતિદિન ભાગવતનો દશમસ્કંધ સાંભળવો. શ્રદ્ધા વિના જો સાંભળેલો હોય તો ઇષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. ''अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतञ्च यत् । असदित्युच्यते पार्थ न च तत् प्रेत्य नो इह'' ।। इति ।। ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહેલું છે કે- હે પાર્થ ! શ્રદ્ધા વિના જો હોમ કરેલો હોય, દાન કરેલું હોય, તપ તપેલું હોય, અથવા તો કોઇ પણ કર્મ શ્રદ્ધા વિના જો કરવામાં આવેલું હોય, તો એ સર્વે અસત્ કહેલું છે અને આલોકમાં કોઇપણ ફળ આપનારૂં થતું નથી. અને મરીને પરલોકમાં પણ ફળ આપનાર થતું નથી. માટે આ શ્રીમદ્ભાગવતનો દશમસ્કંધ શ્રદ્ધાથી પ્રતિદિન સાંભળવો. અને જે દરરોજ સાંભળવામાં સમર્થ ન હોય, તેમણે દર વર્ષે એકવાર પણ સાંભળવો. અને જે પંડિત હોય અર્થાત્ સંસ્કૃત ગ્રંથનો પાઠ કરવામાં જે સમર્થ હોય, તેમણે પ્રતિદિન દશમસ્કંધ વાંચવો, અને જે પ્રતિદિન વાંચવામાં અસમર્થ હોય, તેમણે વર્ષે વર્ષે એકવાર પણ વાંચવો. કારણ કે આ દશમસ્કંધનું શ્રવણ કરવાથી અને વાંચવાથી સમગ્ર અનર્થોનો નાશ થઇ જાય છે. અને દેહને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. આવો શ્રીજીમહારાજનો અભિપ્રાય છે. ।।૧૧૭।।