શ્લોક ૧૧૬

निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम् । विभाव्य तेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा ।।११६।।


અને અમારા આશ્રિતો હોય તેમણે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ દેહો થકી વિલક્ષણ એવા પોતાના આત્માની બ્રહ્મરૂપની ભાવના કરીને, બ્રહ્મરૂપ આત્મા દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનની સર્વપ્રકારે ભક્તિ કરવી.


શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું તાત્પર્ય સમજાવતાં કહે છે કે- ભક્તિ બે પ્રકારની છે. એક સાધન ભક્તિ અને બીજી સાધ્યભક્તિ. દેહભાવથી યુક્તપણે જે શ્રવણ, કીર્તનાદિક નવ પ્રકારની ભક્તિ કરવામાં આવે, તેને સાધન ભક્તિ કહેલી છે. અને આત્મભાવથી યુક્ત બ્રહ્મરૂપ થઇને જે ભગવાનની આરાધના કરવામાં આવે, એ સાધ્ય ભક્તિ કહેલી છે. આ સાધ્ય ભક્તિ કાંઇ આ શિક્ષાપત્રીનો શ્લોક વાંચતાની સાથે કે સાંભળતાંની સાથે આવી શક્તી નથી. કારણ કે અનાદિ કાળથી આ જીવાત્માનો દેહની સાથે એક મેક થઇને રહેવાનો અભ્યાસ થયેલો છે. તેથી જીવાત્માને દેહભાવથી રહિત થવું એ બહુ જ કઠીન છે. છતાં સાધન ભક્તિ કરતાં કરતાં ધીરે ધીરે જ્યારે શુદ્ધિ થાય છે. ત્યારે જ દેહભાવ છુટવા માંડે છે, અને આત્મભાવ દૃઢ થવા માંડે છે. અને જ્યારે આત્મભાવ દૃઢ થાય છે ત્યારે જ બ્રહ્મભાવ પ્રાપ્ત થાય છે. અર્થાત્ જીવાત્માની અંદર બ્રહ્મના ''अपहतपाप्मत्वादि'' ગુણોનો આવિર્ભાવ થાય છે. અને જ્યારે જીવાત્માની અંદર બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ થાય છે, ત્યારે જીવાત્મા બ્રહ્મની સમાન ગુણવાળો થાય છે, પણ બ્રહ્મ જ થઇ જતો નથી. કેટલાકનું માનવું છે કે- જીવ જ બ્રહ્મ (ભગવાન) થઇ જાય છે. તેથી બ્રહ્મ થયા પછી કોઇની ભક્તિ કરવાની રહેતી નથી. આ વાતનું શ્રીજીમહારાજે ખંડન કરેલું છે કે, બ્રહ્મરૂપ થઇને એટલે અક્ષરબ્રહ્મસ્વરૂપ થઇને પણ પરબ્રહ્મની ભક્તિ કરવી. અર્થાત્ જે સાધ્ય ભક્તિ છે એ તો બ્રહ્મરૂપ થયા પછી જ પ્રાપ્ત થાય છે. જેને પ્રેમલક્ષણા ભક્તિ પણ કહેવામાં આવે છે.દેહાભિમાનની સાથે ભગવાનની ભક્તિ કરવામાં ઘણાં બધાં વિઘ્નો રહેલાં છે. કારણ કે કામ, ક્રોધ, લોભ એ આદિક અનેક દોષો દેહાભિમાનને અનુસરીને જ રહેલા છે. તેથી એ સર્વે દોષો ભગવાનની ભક્તિ કરવામાં આવરણરૂપ છે. એજ કારણથી દેહાભિમાની પુરુષને સર્વે દોષો શાન્તિથી ભગવાનની ભક્તિ કરવા દેતા જ નથી. અને દેહાભિમાની પુરુષને જરા દેહની અંદર દુઃખ આવે એટલે તરત જ ભક્તિ મોળી પડી જાય છે. પણ આત્મભાવથી યુક્ત જે ભક્તિ છે, એ ભક્તિ તો મોટાં મોટાં વિઘ્નો વડે પણ પરાભવ પામતી નથી. માટે આત્મા ઉપર દેહાભિમાનરૂપ જે કવચ રહેલું છે, એ કવચને હટાવીને ભગવાનની ભક્તિ કરવી. આ પ્રમાણે બ્રહ્મ થઇને પરબ્રહ્મની ભક્તિ કરવી એજ સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. યોગાદિક સાધનો વડે આત્માનો યથાર્થ અનુભવ કરીને બ્રહ્મરૂપ થયેલા આત્મા દ્વારા ભગવાનની ભક્તિ હમેશાં કરવી. બ્રહ્મ થઇને જે પરબ્રહ્મની ભક્તિ કરે છે, તેને શ્રીકૃષ્ણ ભગવાને ઉત્તમ ભક્ત કહેલો છે.- ''चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनो।र्जुन । आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ।। तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनो।त्यर्थमहं स च मम प्रियः'' ।। इति ।। શ્રીકૃષ્ણ ભગવાન કહે છે- હે અર્જુન ! પૂણ્યશાળી એવા ચાર પ્રકારના જનો મને ભજે છે. આર્ત, અર્થાર્થી, જીજ્ઞાસુ અને જ્ઞાની.


તેમાં પોતાને એકવાર કાંઇક ઐશ્વર્ય પ્રાપ્ત થયેલું હોય, અને પછી એ ઐશ્વર્ય દેશકાળના યોગે નાશ પામી ગયું હોય. તો તેને ફરીવાર પ્રાપ્ત કરવાને માટે દુઃખથી યુક્ત થઇને, જે ભગવાનની ભક્તિ કરતો હોય તેને આર્ત કહેવાય છે.


પૂર્વે ક્યારેય નહિ પ્રાપ્ત થયેલા ઐશ્વર્યને કે સ્વર્ગાદિકના સુખને મેળવવાને માટે ભગવાનની ભક્તિ કરતો હોય તેને અર્થાર્થી કહેવાય છે.


અને જે કેવળ પોતાના સ્વરૂપને અર્થાત્ આત્મસ્વરૂપને જોવા માટે ભગવાનની ભક્તિ કરતો હોય તેને જીજ્ઞાસુ કહેવાય છે.


અને જે પુરુષ કેવળ ભગવાનને રાજી કરવા માટે નિષ્કામ ભાવથી બ્રહ્મ થઇને પરબ્રહ્મની ભક્તિ કરતો હોય તેને જ્ઞાની કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે- આ રીતે ચાર પ્રકારના ભક્તો મને ભજે છે. તેમાં જ્ઞાની ભક્ત નિત્ય મારી સાથે જોડાયેલો રહે છે. અને બીજા જે ત્રણ ભક્તો છે, એતો જ્યાં સુધી પોતાનો સ્વાર્થ સિદ્ધ ન થાય ત્યાં સુધી જ જોડાયેલા રહે છે. અને સ્વાર્થ સિદ્ધ થતાંની સાથે મને છોડી દે છે. અને વળી જ્ઞાનીને ''एक भक्तिं'' એક જ મારે વિષે ભક્તિ છે. જ્યારે બીજા ત્રણ ભક્તોને પોતપોતાના સ્વાર્થમાં ભક્તિ છે. અર્થાત્ પોતપોતાના ઇચ્છિત પદાર્થોમાં ભક્તિ છે. અને તેને મેળવવા માટે મારી ભક્તિ કરે છે. આ પ્રમાણે બીજા ત્રણ ભક્તોને મારી સાથે પરંપરા સંબન્ધ છે. અને જ્ઞાનીને તો સાક્ષાત્ સંબન્ધ છે. માટે જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ કહેલો છે. આ પ્રમાણે ત્રણે દેહના ભાવથી પૃથક્ થઇને કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે જ જે ભગવાનને ભજતો હોય, તેનાથી કોઇપણ ઉત્તમ ભક્ત શાસ્ત્રોમાં કહેલો નથી. માટે મારા આશ્રિતો હોય, તેમણે દેહના ભાવથી રહિત એવા પોતાના આત્માની બ્રહ્મરૂપની ભાવના કરી અને બ્રહ્મરૂપે કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે, હમેશાં ભગવાનની ભક્તિ કરવી, આવું તાત્પર્ય છે. ।।૧૧૬।।