कृष्णस्तदवताराश्च ध्येयास्तत्प्रतिमापि च । न तु जीवा नृदेवाद्या भक्ता ब्रह्मविदो।पि च ।।११५।।
અને શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના અવતારો તે ધ્યાન કરવા યોગ્ય છે. તથા શ્રીકૃષ્ણની જે પ્રતિમાઓ એ પણ ધ્યાન કરવા યોગ્ય છે, માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય, દેવાદિક જીવો ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ધ્યાનનું પ્રકરણ આવે છે, ત્યાં ત્યાં સર્વત્ર ભગવાનના સ્વરૂપોનું જ ધ્યાન કરવાનો ઉપદેશ કરેલો છે. શાસ્ત્રમાં ભગવાનનાં પાંચ સ્વરૂપો પ્રતિપાદન કરેલાં છે- ''પર સ્વરૂપ, વ્યૂહ સ્વરૂપ, વિભવ સ્વરૂપ, અંતર્યામિ સ્વરૂપ, અને પ્રતિમા સ્વરૂપ''.
આ પાંચ પરમાત્માના સ્વરૂપોને મધ્યે જે પરમાત્માનું સ્વરૂપ અક્ષરધામમાં રહેલું છે. રાધા, લક્ષ્મી આદિક અનંતકોટી મુક્તો જેની સેવા કરી રહ્યા છે. એ પરમાત્માનું પર સ્વરૂપ કહેવામાં આવે છે. પર સ્વરૂપ આપણાં ઇન્દ્રિયો અને અંતઃકરણથી અગોચર છે. અર્થાત્ ઇન્દ્રિયો અને અંતઃકરણથી ગ્રહણ કર્યામાં આવતું નથી. જેમ સૂર્યદેવે પોતાની કિરણો દ્વારા ગ્રહણ કરેલું જળ આકાશમાં વરાળરૂપે રહેલું છે. એ જળ આપણાં ઇન્દ્રિયો અને અંતઃકરણથી અગોચર છે. તેથી એ જળ ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાતું નથી. અને આકાશમાં વરાળરૂપે રહેલું જળ, મનુષ્યને પીવા કે વસ્ત્ર ધોવા માટે ઉપયોગમાં આવી શકતું નથી. તેમ અક્ષરધામમાં રહેલું જે પરમાત્માનું પર સ્વરૂપ છે, એ ઇન્દ્રિયો અને અંતઃકરણથી અગોચર છે. છતાં શાસ્ત્રોમાં બતાવેલાં ચિહ્નો ઉપરથી ધ્યાન થઇ શકે છે. પણ એ પર સ્વરૂપ મનુષ્યોને સેવા, પૂજા તથા દર્શનાદિકના ઉપયોગમાં આવી શકતું નથી, કે જે રીતે આકાશમાં વરાળરૂપે રહેલું જળ ઉપયોગમાં આવી શકતું નથી.
અને જેમ આકાશમાં વરાળરૂપે રહેલું જળ વાદળાંના રૂપમાં ઉત્પન્ન થાય છે, છતાં તે જળ પણ મનુષ્યોને પીવા કે વસ્ત્ર ધોવા માટે કામ આવતું નથી. એજ રીતે અક્ષરધામમાં રહેલું પર સ્વરૂપ છે, એ પર સ્વરૂપ આ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પલયરૂપી કાર્યને માટે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અને અનિરૂદ્ધ આ ચતુર્વ્યૂહ રૂપે પ્રગટ થાય છે. છતાં આ ચતુર્વ્યૂહ સ્વરૂપ પૃથ્વી પરના મનુષ્યોને સેવા, પૂજા તથા દર્શનાદિકના ઉપયોગમાં આવી શકતું નથી. જે આકાશમાં વાદળાંરૂપે જળ ઉત્પન્ન થયું હોવા છતાં ઉપયોગમાં આવી શકતું નથી. એ ચતુર્વ્યૂહ સ્વરૂપનું સેવન બ્રહ્માદિક ઇશ્વરો જ કરી શકે છે.
અને જેમ વાદળાંરૂપે આકાશમાં રહેલું જળ આ પૃથ્વી ઉપર અવતરે છે, તેમ પરમાત્મા ધર્મનું રક્ષણ કરવા આ પૃથ્વી ઉપર રામકૃષ્ણાદિક રૂપે અવતરે છે. આ રામકૃષ્ણાદિક જે અવતારો છે તેને પરમાત્માનું વિભવ સ્વરૂપ કહેવામાં આવે છે. જેમ વરસાદનું જળ હમેશને માટે ઉપયોગમાં આવતું નથી. પરંતુ મનુષ્યો એ જળનો સંગ્રહ કરીને ઉપયોગ કરી શકે છે. અને પછીના સમયમાં તો એ જળ વહીને સમુદ્રમાં ચાલ્યું જાય છે. તેમ પરમાત્માના આ પૃથ્વી ઉપર જ્યારે રામકૃષ્ણાદિક અવતારો થાય છે, ત્યારે જે મનુષ્યો આ પૃથ્વી ઉપર હાજર હોય એ મનુષ્યો અવતારોનું ધ્યાન, સેવા, પૂજા વિગેરે કરી શકે છે. અને પછીના સમયમાં તો એ અવતારો ચાલ્યા ગયા હોય છે. તો આ પૃથ્વી ઉપર અવતરેલું પરમાત્માનું વિભવ સ્વરૂપ સદાયને માટે સર્વે મનુષ્યોને તે રીતે દર્શનાદિકમાં ઉપયોગી નથી, કે જે રીતે આકાશમાંથી અવતરેલું જળ સદાયને માટે બધા મનુષ્યોને ઉપયોગી નથી.
હવે આવ્યું પરમાત્માનું ચોથું અંતર્યામિ સ્વરૂપ, કે જે અંતર્યામિ સ્વરૂપ સર્વેના હૃદયમાં રહેલું છે. તે પાતાળમાં રહેલા જળની સમાન છે. પાતાળમાં રહેલું જળ જેમ પૃથ્વીમાંથી બહાર ઉદ્ધાર્યા સિવાય મનુષ્યોને ઉપયોગમાં આવી શકતું નથી. અતિ પરિશ્રમે કરીને જ્યારે કૂવાદિકનું નિર્માણ કરવામાં આવે, અને પછી યંત્રાદિકે કરીને પાણીને પાતાળમાંથી બહાર ઉદ્ધારવામાં આવે, ત્યારે જ મનુષ્યો જળનો ઉપયોગ કરી શકે છે. એજ રીતે હૃદયમાં રહેલા પરમાત્માના અંતર્યામિ સ્વરૂપને જ્યારે યોગાદિક સાધનો વડે પ્રગટ કરવામાં આવે. ત્યારે જ એ અંતર્યામિ સ્વરૂપ મનુષ્યોને દર્શન ધ્યાનાદિકમાં ઉપયોગી થઇ શકે છે.
હવે પાંચમા પ્રતિમાસ્વરૂપે જે પરમાત્મા છે, એતો હાથમાં રહેલા જળના પ્યાલાની સમાન છે. હાથમાં રહેલું જળ જ્યારે પીવાની ઇચ્છા થાય ત્યારે પી શકાય છે. તેમ મૂર્તિરૂપે રહેલા પરમાત્માનું દર્શન, ધ્યાન, સેવા, પૂજાદિક જ્યારે ઇચ્છા થાય ત્યારે કરી શકાય છે. ધાતુપાષણની જે પ્રતિમા હોય, તેમની જ્યારે વેદ વિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે, ત્યારે એ સાક્ષાત્ પરમાત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ પ્રમાણે પરમાત્માનાં પાંચ સ્વરૂપો શાસ્ત્રમાં વર્ણવેલાં છે. આ પાંચ સ્વરૂપોમાં અક્ષરધામની અંદર રહેલું જે પરમાત્માનું પરસ્વરૂપ છે. અને બીજું જે વાસુદેવાદિ ચતુર્વ્યૂહ સ્વરૂપ છે. આ બન્ને પરમાત્માનાં સ્વરૂપો ઇન્દ્રિયો અને અંતઃકરણથી અગોચર છે, છતાં શાસ્ત્રોમાં બતાવેલાં લક્ષણો અથવા ચિહ્નો ઉપરથી એ બન્ને પરમાત્માના સ્વરૂપોનું ધ્યાન તો થઇ શકે છે. પણ એ સ્વરૂપનાં સાક્ષાત્ દર્શનાદિક થઇ શકતાં નથી.
અને ત્રીજું રામકૃષ્ણાદિક અવતારો રૂપ જે પરમાત્માનું વિભવસ્વરૂપ છે. એ સાક્ષાત્ ઇન્દ્રિયો અને અંતઃકરણને ગોચર હોય છે. તેથી વિભવસ્વરૂપનું ધ્યાન દર્શનાદિક થઇ શકે છે. પણ સર્વે મનુષ્યો એ સ્વરૂપનાં દર્શન ધ્યાનાદિક કરી શકતા નથી. એ સમયે જે મનુષ્યો આ પૃથ્વી ઉપર હાજર હોય, અને અવતારોને મળી ચૂકેલા હોય, એ દર્શન, ધ્યાનાદિકનું સુખ લઇ શકે છે. પછીના જે મનુષ્યો હોય, એ તો રામકૃષ્ણાદિક અવતારોની જે પ્રતિમાઓ પ્રસ્થાપિત કરેલી હોય, એ પ્રતિમાઓ દ્વારા અવતારસ્વરૂપ પરમાત્માનાં દર્શન, ધ્યાનાદિકનું સુખ મેળવી શકે છે. અને એ પ્રતિમાઓ સાક્ષાત્ ભગવાનના અવતારોનું જ પ્રતીક હોવાથી હમેશને માટે ધ્યાન કરવા યોગ્ય છે. માટે મૂળસ્વરૂપ જે ભગવાન શ્રીકૃષ્ણ, શાસ્ત્રમાં બતાવેલાં લક્ષણો અને ચિહ્નોના આધારે ધ્યાન કરવા યોગ્ય છે. અને મૂળસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણના જે રામ, નૃસિંહ, વરાહ, વામનાદિક જે અવતારો એ પણ શાસ્ત્રમાં બતાવેલાં લક્ષણો અને ચિહ્નોના આધારે ધ્યાન કરવા યોગ્ય છે. તથા ધાતુ પાષાણની અવતારોની જે પ્રતિમાઓ હોય, એ પ્રતિમાઓની અંદર ધાતુભાવ કે પથ્થરભાવનો ત્યાગ કરી, પ્રત્યક્ષ પરમાત્માની ભાવના પ્રગટ કરીને હમેશને માટે એ પ્રતિમાઓ ધ્યાન કરવા યોગ્ય છે, આ પ્રમાણે સર્વત્ર ધ્યાન પ્રકરણમાં પ્રતિપાદન કરેલું છે. એ સિવાય દેવ, મનુષ્યાદિક જીવો ભલે બ્રહ્મની સાથે સાધર્મ્યપણાને પામેલા હોય, છતાં એ ધ્યાન કરવા યોગ્ય નથી. શાસ્ત્રોમાં જ્યાં ધ્યાનનું પ્રકરણ આવે ત્યાં સર્વત્ર દેવ, મનુષ્યાદિ જીવોનું ધ્યાન કરવાનો નિષેધ જ કરેલો છે. કેમ કે- ''आब्रह्मस्तम्बपर्यन्ता जगदन्तर्व्यवस्थिताः । प्राणिनः कर्मजनितसंसारवशवर्तिनः ।। यतस्ततो न ते ध्याने ध्यानिनामुपकारकाः । अविद्यान्तर्गताः सर्वे ते हि संसारगोचराः'' ।। इति ।। વિષ્ણુધર્મમાં પ્રતિપાદન કરેલું છે કે- તૃણથી આરંભીને બ્રહ્મા પર્યંતનાં સર્વે પ્રાણીઓ પરમાત્માની મહાન શક્તિરૂપ જે માયા તેને વશ વર્તનારા છે. માટે દેવાદિક કોઇપણ જીવો ધ્યાનમાં ઉપકારક નથી. કારણ કે બ્રહ્માદિક ઇશ્વરો પણ સંસારમાં જ ભ્રમણ કરનારા છે. તેથી એ સર્વને બદ્ધ કહેલા છે. માટે બદ્ધજીવોનું ધ્યાન કરવાથી તો બદ્ધપણાની જ પ્રાપ્તિ થાય, પણ મોક્ષની પ્રાપ્તિ ક્યારેય પણ થાય નહિ. માટે દેવ, મનુષ્યાદિક જીવો સર્વપ્રકારે ધ્યાન કરવા યોગ્ય નથી.
હવે અહીં પ્રતિવાદી શંકા ઉપસ્થિત કરતાં કહે છે કે- દેવ, મનુષ્યાદિક જે જીવો છે, એ માયાને જ વશ વર્તનારા છે, તેથી એ સર્વે બદ્ધ છે, અને બદ્ધજીવોનું ધ્યાન થઇ શકે નહિ, આમ જે કહ્યું છે, તે બરાબર છે. પણ જે જીવો મુક્ત થઇને ભગવાનના ધામને પામેલા હોય, એવા મુક્ત જીવોનું ધ્યાન કરવામાં શું દોષ છે ?
આના ઉત્તરમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી પ્રમાણ ઉપસ્થિત કરતાં કહે છે કે- ''पश्चादुद्बूतबोधाश्च ध्याने नैवोपकारकाः । नैसर्गिको न वै बोधस्तेषामप्यन्यतो यतः'' ।। इति ।। પૂર્વે સંસારમાં બંધાયેલા જ હોય, અને પછીથી ભગવાનની ઉપાસનાદિકે કરીને મુક્ત થયા હોય, આવા મુક્તો પણ ધ્યાનમાં ઉપકારક નથી. કારણ કે એ મુક્તો સ્વાભાવિક શુદ્ધ નથી, પછીથી ઉપાસનાદિકે કરીને શુદ્ધ થયા છે. માટે મુક્તોનું પણ ધ્યાન કરવું નહિ.
અને વળી પ્રતિવાદી શંકા ઉપસ્થિત કરતાં કહે છે કે- પાછળથી જે મુક્ત દશાને પામેલા હોય, એ મુક્તોનું ધ્યાન ન કરવું એ બરાબર છે. પણ જે સદાયને માટે મુક્ત જ છે, આ સંસારમાં ક્યારેય પણ આવેલા નથી તેથી એ સ્વાભાવિક શુદ્ધ છે. આવા નિત્યમુક્તોનું ધ્યાન કરવામાં શું દોષ છે ?
આના ઉત્તરમાં શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- નિત્યમુક્તો સ્વાભાવિક શુદ્ધ છે, છતાં પણ એ નિત્ય મુક્તોનું સ્વરૂપ, સ્થિતિ અને પ્રવૃત્તિ સદાયને માટે પરમાત્માને આધીન છે. એ નિત્યમુક્તો પણ સ્વતંત્ર નથી. માટે પરતંત્ર એવા નિત્ય મુક્તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. ''तस्मात्तदमलं ब्रह्मैवध्येयम्'' ।। इति ।। સ્વાભાવિક શુદ્ધ અને સ્વતંત્ર એક જ પરમાત્મા છે. માટે પરમાત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે. અને પરમાત્માના પ્રતીકરૂપ જે પ્રતિમાઓ છે, એ પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું, પણ એ સિવાય કોઇ દેવાદિકનું ધ્યાન કરવું નહિ. તેમાં પણ ધ્યાનના ત્રણ પ્રકારો છે- સાઙ્ગધ્યાન, સલીલ ધ્યાન અને સપાર્ષદ ધ્યાન. તેમાં પરમાત્માના એક એક અઙ્ગનું જે ધ્યાન કરવું, તેને સાઙ્ગધ્યાન કહેવામાં આવે છે. અને પરમાત્માએ જે જે લીલાઓ કરી હોય, એ લીલાઓની સાથે જે પરમાત્માનું ધ્યાન કરવું, એ સલીલ ધ્યાન કહેવામાં આવે છે. અને મુક્તોએ સહિત જે પરમાત્માનું ધ્યાન કરવું, તેને સપાર્ષદ ધ્યાન કહેવામાં આવે છે. આમાં મુક્તોની સાથે ભગવાનનું ધ્યાન કરવામાં કોઇ દોષ નથી. પણ એકલા મુક્તોનું ધ્યાન કરવું નહિ. કારણ કે મુક્તોની સાથે જે ભગવાનનું ધ્યાન છે, તેમાં પ્રધાનતા ભગવાનની જ હોય છે. અર્થાત્ એ ધ્યાનમાં ધ્યેય તત્ત્વ તો પરમાત્મા જ હોય છે. બીજા મુક્તો તો ભગવાનની સાથે સેવકરૂપે હોય છે. તેથી સપાર્ષદ ધ્યાન થઇ શકે છે, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૧૧૫।।