શ્લોક ૧૧૪

गुणिनां गुणवत्ताया ज्ञोयं ह्येतत् परं फलम् । कृष्णे भक्तिश्च सत्सङ्गो।न्यथा यान्ति विदो।प्यधः ।११४


અને વિદ્યાદિક ગુણવાળા પુરુષના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું, જે ભગવાનને વિષે ભક્તિ કરવી અને સત્સંગ કરવો. ભક્તિ અને સત્સંગ વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પુરુષની અંદર વિદ્યાદિક રૂડા ગુણો હોય પણ જો ભક્તિ ન હોય તો એ ગુણો નકામા છે. ભક્તિ અને સત્સંગ વિના કોઇપણ ગુણોની સાર્થકતા નથી. ''प्रायेण भक्तियोगेन सत्सङ्गेन विनोद्धव । नोपायो विद्यते सद्दयङ् प्रायणं हि सतामहम्'' ।। इति ।। ભાગવતમાં શ્રીકૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે- હે ઉદ્ધવ ! ભક્તિયોગ અને સત્સંગ વિના મોટે ભાગે મોક્ષનો બીજો કોઇ સારો ઉપાય નથી. કારણ કે સત્સંગે કરીને ભક્તિયોગ ઉત્પન્ન થાય છે. અને ભક્તિયોગ વડે જ હું પામવા યોગ્ય છું. અર્થાત્ વિદ્યાદિક ગુણો વડે પરમાત્માની પ્રાપ્તિ શાસ્ત્રોમાં બતાવી નથી. પણ એક જ પરમાત્માની ભકિત વડે જ પરમાત્માની પ્રાપ્તિ શાસ્ત્રોમાં બતાવી છે. અને એ ભક્તિ પણ સત્સંગથી પ્રાપ્ત કરી શકાય છે. તેથી બુદ્ધિમાન પુરુષોની એજ બુદ્ધિ છે, અને ડાહ્યા પુરુષોનું એજ ડહાપણ છે કે, મરણધર્મવાળા અસત્ય શરીરથી પરમાત્માને પ્રાપ્ત કરવા. એક પરમાત્માની પ્રાપ્તિ સિવાય આ લોકની ગમે તેટલી ધન સંપત્તિ પ્રાપ્ત કરે, ગમે તેટલી વિદ્યા પ્રાપ્ત કરે, એ કાંઇ બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ નથી. અને ડાહ્યા પુરુષોનું ડહાપણ નથી. જેમ વિધવા સ્ત્રીને આભૂષણો શોભાડતાં નથી. તેમ ભક્તિ રહિત પુરુષને વિદ્યાદિક રૂડા ગુણો શોભાડતા નથી. ''तत्कर्म हरितोषं यत् सा विद्या तन्मति र्यया'' ।। इति ।। આ ભાગવતના વાક્યમાં પ્રતિપાદન કરેલું છે કે- તે જ કર્મ છે કે, જે કર્મથી ભગવાન પ્રસન્ન થાય. કર્મ કરવા છતાં જો ભગવાન પ્રસન્ન થાય નહિ, તો એ કર્મ નથી પણ અકર્મ જ છે. એજ રીતે તેજ વિદ્યા છે કે, જે વિદ્યાથી ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થાય. વિદ્યા પ્રાપ્ત કરવા છતાંપણ જો ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન ન થાય તો, એ વિદ્યા નથી પણ અવિદ્યા જ છે. અને જો ભક્તિ ઉત્પન્ન ન થાય તો એ વિદ્યા નિરર્થક કહેલી છે. માટે ખૂબ પરિશ્રમ કરીને પ્રાપ્ત કરેલી વિદ્યાનું એજ ફળ ઋષિઓએ કહેલું છે કે, જે વિદ્યાથી ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થાય. અને જો ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન ન થાય તો તેના પરિશ્રમનું કાંઇ પણ ફળ નથી. તેણે પરિશ્રમ કર્યો એજ એનું ફળ છે. ''शब्दब्रह्मणि निष्णातो न निष्णायात् परे यदि । श्रमस्तस्य श्रमफलो ह्यधेनुमिव रक्षतः'' ।। इति ।। આ ભાગવતના શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાન ઉદ્ધવજી પ્રત્યે કહે છે કે- હે ઉદ્ધવ ! જેમ વિયાએલી ગાય વસુકી જઇને દૂધ ન આપતી હોય, તેવી ગાયનું રક્ષણ કરનાર મનુષ્યને કેવળ ગાયની રક્ષા કરવાનો પરિશ્રમ જ ફળરૂપે મળે છે, પણ પરિશ્રમનું ફળ દૂધ મળતું નથી. તેમ જે પુરુષ શાસ્ત્રોમાં નિષ્ણાત હોય, છતાં જો પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાન દ્વારા ભક્તિ સંપાદન કરવામાં નિષ્ણાત ન હોય, તેને શાસ્ત્ર ભણવામાં જે પરિશ્રમ થયો હોય એજ ફળરૂપે મળે છે. પણ ખરો પુરુષાર્થ જે મોક્ષ ફળરૂપે મળતો નથી. અર્થાત્ શાસ્ત્ર અભ્યાસનું ફળ મોક્ષ જ હોવું જોઇએ. એજ કારણથી કહેલું છે કે, વિદ્યાદિક ગુણવાળા પુરુષના ગુણવાનપણાનું પરમ ફળ ભગવાનને વિષે ભક્તિ અને સત્સંગ જાણવો.


અને વળી ભક્તિ અને સત્સંગ વિના તો જાણે અજાણે સ્ત્રી, પુત્ર અને ધનાદિકને વિષે આસક્ત થયેલા પુરુષો ભલે વેદશાસ્ત્રને ભણેલા હોય છતાં ''अधः यान्ति'' ।। इति ।। વિદ્વાન પુરુષો ''અધઃ'' એટલે મનુષ્યથી નીચયોનિને પામે છે. અથવા તો નરકને પામે છે. સ્કંદપુરાણમાં પ્રતિપાદન કરેલું છે કે- ''यद्यन्ते नीयते याम्यैर्दूतैर्भक्तिं विना हरेः'' ।। इति ।। પોતે અતિ પરિશ્રમથી વિદ્યાદિક ગુણો સંપાદન કર્યા હોય, છતાંપણ જો ભગવાનમાં ભક્તિ ન હોય, અને કેવળ સ્ત્રી, ધનાદિકને વિષે આસક્ત થયેલા હોય, આવા પુરુષોને તો યમદૂતો યમલોકને વિષે લઇ જાય છે. અને વળી ભાગવતમાં પ્રહ્લાદજીએ પણ કહેલું છે કે- ''विद्वानपीत्थं दनुजाः कुटुम्बं पुष्णन् स्वर्लोकाय न कल्पते वै'' ।। इति ।। હે દૈત્ય બાળકો ! પુરુષ પોતે જાણતો હોય કે ભગવાનની ભક્તિ કરવાથી જ કલ્યાણ થાય છે. અને વેદશાસ્ત્રના પારને પામેલો હોય છતાંપણ અજ્ઞાનીની પેઠે જો કેવળ પોતાના કુટુંબનું જ પોષણ કરે છે, અને સ્ત્રી, ધનાદિકને વિષે આસક્ત થાય છે, તો એ પુરુષ મોક્ષને માટે કલ્પાતો નથી, પરંતુ નરકને માટે જ કલ્પાય છે. વળી વેદો પણ એનું રક્ષણ કરી શકતા નથી. જેમ પક્ષીનાં બચ્ચાં હોય તેમને જ્યારે પાંખો આવે છે ત્યારે માળાનો ત્યાગ કરી દે છે. તેમ પુરુષ ભલે વેદ ભણેલો હોય, પણ જો પુરુષની ભક્તિ ન હોય અને કેવળ સ્ત્રી, ધનાદિકને વિષે જ આસક્ત થયેલો હોય, તો તે પુરુષને અંતકાળે વેદો પણ ત્યાગ કરી દે છે. અર્થાત્ વેદો એનું રક્ષણ કરી શકતા નથી. માટે જ ભક્તિ અને સત્સંગ વિના તો વિદ્વાનો હોય એ પણ અધોગતિને જ પામે છે, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૧૧૪।।