શ્લોક ૧૧૩

तस्यैव सर्वथा भक्तिः कर्तव्या मनुजैर्भुवि । निःश्रेयस्करं किञ्चित्ततो।न्यन्नेति दृश्यताम् ।।११३।।


અને આ પૃથ્વી ઉપર મારા આશ્રિત સર્વે મનુષ્યો હોય તેમણે, પૂર્વે કહ્યા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની જ ભક્તિ સર્વ પ્રકારે કરવી. અને એ ભક્તિ સિવાય બીજું કોઇપણ કલ્યાણકારી સાધન નથી એમ જાણવું.


શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આ પૃથ્વી ઉપર તેમાં પણ ભરતખંડને વિષે દેવતાઓ પણ મનુષ્ય જન્મને ઇચ્છે છે- ''यद्यत्र नः स्वर्गसुखावशेषितं स्विष्टस्य सूक्तस्य कृतस्य शोभनम् । तेनाजनाभे स्मृतिमज्जन्मनः स्याद्वर्षे हरि भजतां शं तनोति'' ।। इति ।। ભાગવતમાં દેવતાઓ કહે છે કે- અમોએ પૂર્વ જન્મમાં કાંઇક પૂણ્ય કર્મ કરેલાં હશે, તેણે કરીને અત્યારે અમોને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થયેલી છે. અને હવે સ્વર્ગલોકનું સુખ ભોગવતાં જો કાંઇક પૂણ્ય બાકી રહેલું હોય તો તેણે કરીને અમોને ભરતખંડમાં મનુષ્યજન્મ પ્રાપ્ત થાય. કારણ કે મનુષ્ય જન્મથી ભગવાનનું સ્મરણ થઇ શકે છે. આ રીતે દેવતાઓ પણ મનુષ્ય જન્મની ચાહના આ ભરતખંડમાં કરે છે. માટે આ ભરતખંડમાં જન્મેલા મનુષ્યો હોય, તેમણે સર્વ પ્રકારે ભગવાનની જ ભક્તિ કરવી જોઇએ. કારણ કે ભગવાનની ભક્તિ કરવામાં મનુષ્યોને જ મુખ્ય અધિકાર છે, નહિ કે પશુઓને. પશુઓથી તો ભગવાનની ભક્તિ થઇ શકે નહિ. એક જ મનુષ્ય એવું પ્રાણી છે કે જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઇને જાણેલી વસ્તુને કહી શકે છે, જાણેલી વસ્તુને જોઇ શકે છે. અને આવતી કાલે શું થવાનું છે તેને પણ જાણી શકે છે. આ લોક તથા પરલોકને પણ જાણી શકે છે. અને આ મરણધર્મવાળા દેહથી જો મોક્ષને ઇચ્છે તો મોક્ષથી પણ સંપન્ન થઇ શકે છે. અને બીજાં જે પશુઓ છે, તેમને તો ખાવું અને પીવું એટલું જ જ્ઞાન હોય છે. પશુઓ જાણેલી વસ્તુને કહી શકતાં નથી, અને આવતી કાલે શું થવાનું છે તેને જાણી શકતાં નથી. માટે પશુઓ ભગવાનની ભક્તિ કરીને પોતાનું કલ્યાણ કરી શકતાં નથી. એક જ મનુષ્ય ભક્તિ કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે. એટલા જ માટે આ મનુષ્ય જન્મની અતિ દુર્લભતા કહેલી છે- ''अहो अमीषां किमकारिशोभनं प्रसन्न एषां स्विदुतं स्वयं हरिः । यैर्जन्मलब्धं नृषु भारताजिरे मुकुन्दसेवौपायिकं स्पृहा हि नः'' ।। इति ।। ભાગવતમાં દેવતાઓ કહે છે કે- અહો ! ! ! જેમણે આ ભરતખંડમાં મનુષ્ય જન્મ મેળવેલો છે, તેમણે કોણ જાણે શું પુણ્ય કર્મ કરેલાં હશે ? શું એમના ઉપર સાક્ષાત્ ભગવાન પ્રસન્ન થયા હશે ? કે જેથી ભગવાનની સેવામાં ઉપયોગી મનુષ્ય જન્મ મેળવેલો છે. જે મનુષ્ય જન્મની આપણે પણ સ્પૃહા કરીએ છીએ. આ પ્રમાણે દેવતાઓ પણ ભરતખંડમાં મનુષ્ય જન્મની અતિ દુર્લભતા કહેલી છે. આ મનુષ્ય શરીર જ્યારે ત્યારે મળતું નથી. આવું દુર્લભ જે મનુષ્ય શરીર તેને પ્રાપ્ત કરીને હમેશાં ભગવાનની ભક્તિ કરવી જોઇએ. અને જે પુરુષ ભગવાનની ભક્તિ કરતો નથી, એ પુરુષ ખરેખર ભગવાનની માયાથી મોહ પામેલો છે- ''ये।भ्यर्थितामपि च नो नृगतिं प्रपन्ना ज्ञानं च तत्त्वविषयं सहधर्म यत्र । नाराधनं भगवतो वितरन्त्यमुष्य संमोहिता बततया बत मायया ते'' ।। इति ।। ભાગવતમાં બ્રહ્માજી દેવતાઓ પ્રત્યે કહે છે કે- હે દેવતાઓ ! આ મનુષ્ય શરીર અતિ દુર્લભ છે. જે મનુષ્ય શરીરની આપણે પણ પ્રાર્થના કરીએ છીએ. આવા દુર્લભ મનુષ્ય શરીરને પામી કરી જે મનુષ્યો ભગવાનની આરાધના કરતા નથી, તે મનુષ્યો ખરેખર વિસ્તારને પામેલી ભગવાનની માયા વડે મોહિત થયેલા છે. નહિ તો આવું દુર્લભ મનુષ્ય શરીર પામી કરીને ભગવાનની ભક્તિ કેમ ન કરે ? અને નથી કરતા માટે મોહ પામેલા જ છે, એમ જાણવું.


અને ભાગવતમાં કપિલ ભગવાન દેવહુતિ માતા પ્રત્યે કહે છે કે- હે માતાજી ! તીવ્ર ભક્તિયોગ વડે મારે વિષે અર્પણ કરેલા મનને સ્થિર કરવું, એટલો જ મનુષ્યનો આ લોકમાં કલ્યાણનો ઉદય છે, કોઇ શ્રીમંત થાય, કોઇ શેઠ થાય, કોઇ રાજા થાય, એ કાંઇ કલ્યાણનો ઉદય નથી. એનાથી ક્યારેક પતન થવાનું છે. કલ્યાણનો ઉદય તો એક ભગવાનની ભક્તિથી જ થાય છે. આ પ્રમાણે ભગવાને પોતે જ કહેલું છે. અને વળી આ શ્લોકમાં શ્રીજીમહારાજે ભાર મુકેલો છે કે- એક જ શ્રીકૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી. તેથી બીજા દેવતાઓની ભક્તિ કરવાનો નિષેધ સૂચવેલો છે. કારણ કે મોક્ષ આપી શકે એવી દેવતાઓમાં શક્તિ નથી. મોક્ષ તો એક પરમાત્મા જ આપી શકે છે. આ વિષયમાં ભાગવતનું વચન પ્રમાણરૂપ છે.- ''वरं वृणीश्व भद्रं ते ऋते कैवल्यमद्य नः । एक एवेश्वरस्तस्य भगवान् विष्णुरव्ययः'' ।। इति ।। આ શ્લોકનો એ ભાવ છે કે- મુચુકુન્દ રાજા ઘણા સમય પર્યંત દેવતાઓના સેનાપતિ રહ્યા હતા. પછી જ્યારે શંકરના પુત્ર કાર્તિક સ્વામી પ્રગટ થયા ત્યારે દેવતાઓએ મુચુકુન્દ રાજાને કહ્યું કે, રાજન્ ! તમે હવે નિવૃત્ત થાઓ, તમારું આ કાર્ય હવે શંકરના પુત્ર કાર્તિકસ્વામી સંભાળશે. તમોએ ઘણા સમય સુધી અમારી રક્ષા કરી, માટે અમારી પાસેથી કાંઇક વરદાન માગો. તે સમયે મુચુકુંદ રાજાએ કહ્યું કે- મને મોક્ષ આપો. ત્યારે દેવતાઓએ કહ્યું કે રાજન્ ! મોક્ષ તો અમો ન આપી શકીએ, મોક્ષના સ્વામી તો કેવળ એક વિષ્ણુ જ છે. માટે મોક્ષ સિવાય બીજું કાંઇક અમારી પાસેથી માગો. તે સમયે મુચુકુંદ રાજાએ દેવતાઓ પાસેથી નિદ્રા માગેલી હતી. આ પ્રમાણે ભાગવતમાં પ્રતિપાદન કરેલું છે. તેથી સિદ્ધ થાય છે કે બીજા દેવતાઓમાં મોક્ષ આપવાની શક્તિ નથી. માટે આ પૃથ્વી ઉપર મનુષ્ય જન્મને પામીને એક શ્રીકૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી, આવો ભાવ છે. અને વળી ભાગવતમાં કપિલ ભગવાને દેવહૂતિ માતા પ્રત્યે કહેલું છે કે- હે માતાજી ! ભગવાન એવો જે હું તે મારું શરણું સ્વીકાર્યા સિવાય મનુષ્યોને તીવ્ર સંસારનો ભય ક્યારેય પણ નિવૃત્તિ પામતો નથી. જ્યારે મારું શરણું સ્વીકારે, અર્થાત્ જ્યારે મારી ભક્તિ કરે ત્યારે જ સંસારનો તીવ્ર ભય નિવૃત્તિને પામે છે. એ સિવાય બીજા કોઇ દેવતાઓનું શરણું સ્વીકારવાથી કે તેમની ભક્તિ કરવાથી સંસારનો જે તીવ્ર ભય છે, એ નિવૃત્ત થતો નથી. માટે એક શ્રીકૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી જોઇએ.


આ શ્લોકમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે- સર્વ પ્રકારે ભગવાનની ભક્તિ કરવી. સર્વપ્રકારે એટલે આ મનુષ્ય દેહ ક્ષણભંગુર છે, નાશવંત છે, ક્યારે પડી જશે તેનો સમય કોઇ નિશ્ચિંત નથી. માટે બીજા કાર્યોમાં જે આદર તેનો ત્યાગ કરીને જ સર્વપ્રકારે ભગવાનની ભક્તિ કરી લેવી. આવું સૂચવેલું છે. ભગવાનની ભક્તિ કરવામાં ક્યારેય પણ વૃદ્ધાવસ્થાની રાહ જોવી નહિ. કારણ કે યુવાન છે એ વૃદ્ધ થશે કે વૃદ્ધ થયાથી પહેલાં જ મૃત્યુ પામી જશે, એનો કોઇ નિશ્ચય નથી. ''को हि जानाति कस्याद्य मृत्युकालो भविष्यति । युवैव धर्मशीलः स्यादनित्यं खलु जीवितम्'' ।। इति ।। ભાગવતમાં પ્રહ્લાદજી નાના નાના વિદ્યાર્થી બાળકોને સમજાવે છે કે- હે બાળકો ! આસુરી વિદ્યા ભણવામાં આપણું કાંઇ નહિ પાકે. માટે આપણે સર્વે નારાયણનું નામ લઇએ, નારાયણનું ભજન કરીએ, નારાયણની ભક્તિ કરવાથી આ જીવનો મોક્ષ થઇ જાય છે. તે સમયે બાળકોએ કહ્યું કે, હમણાં તો આપણે યુવાન છીએ. વૃદ્ધ થશું ત્યારે નારાયણનું નામ લઇશું. અર્થાત્ મોટા થઇને ભગવાનની ભક્તિ કરીશું. અત્યારે તો ભણવાનો સમય છે. ત્યારે પ્રહ્લાદ કહે છે કે- હે બાળકો ! કોણ મોટો થઇને વૃદ્ધ થશે તેની કોઇને ખબર છે ? અને કોનું મૃત્યુ પહેલું થશે, એ પણ કોણ જાણે છે ? મૃત્યુનો સમય કોઇ નિશ્ચિત નથી. માટે એમ સમજવું જોઇએ નહિ કે હમણાં યુવાન છીએ, તેથી ભગવાનની ભક્તિ નહિ કરીએ, અને વૃદ્ધાવસ્થામાં ભગવાનની ભક્તિ કરી લેશું. એ યુવાન વૃદ્ધ થશે તેની કોઇ પણ ખાતરી નથી. કદાચ એ યુવાન વૃદ્ધ થયા પહેલાં પણ મરી જાય. માટે બીજા કાર્યોમાં જે આદર તેનો ત્યાગ કરીને સર્વ પ્રકારે યુવાવસ્થામાં જ ભગવાનની ભક્તિ કરી લેવી, આવો ભાવ છે.


અને વળી ભાગવતમાં કહેલું છે કે- ''प्रमत्तमुच्चैरिति कृत्यचिन्तया प्रवृद्धलोभं विषयेषु लालसम् । त्वमप्रमतः सहसा।भिपद्यसे क्षुल्लोलिहानो।हिरिवाखुमन्तकः'' ।। इति ।। જેમ કોઇ ઉંદર હોય એ દાણા ભેગા કરતો હોય, અને હજુ ઘણા ભેળા કરી લઉં આવો લોભ પણ હોય, અને ભેળા કરેલા એ દાણાને ખાવા પીવામાં બહુ લાલસાવાળો થયો હોય, આવા ઉંદરને અચાનક કાળો સર્પ ગલેફાં ચાટતો ચાટતો આવે અને પકડી લે છે. દાણા બધા ત્યાં જ રહી જાય છે. તેમ મનુષ્ય આ કાર્ય કરવું છે, હજી પણ આ કાર્ય કરવું છે, આવા પ્રકારની ચિંતા વડે ગાફલ રહેલો હોય. અને લોભી થયેલો હોય કે આટલું ધન ભેળું કરી લઉં, આવી રીતે લોભી બનેલા મનુષ્યને અચાનક કાળરૂપી સર્પ આવીને પકડી જાય છે. કાંઇ ભેળું થતું નથી, ભેળું થયા પહેલાં પણ કાળ એને પકડી જાય છે. માટે બીજા કાર્યોમાં જે આદર તેનો ત્યાગ કરીને સર્વપ્રકારે યુવાવસ્થામાં જ ભગવાનની ભક્તિ કરી લેવી.


અને વળી ભાગવતમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહેલું છે કે- આ શરીર મરણ ધર્મવાળું છે. અર્થાત્ મરી જાય એવું છે, નાશવંત છે. છતાં પણ આ નાશવંત શરીરથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થો સાધી શકાય છે. માટે વિદ્વાન પુરુષો હોય તેમણે તો જ્યાં સુધી શરીરનું મૃત્યુ ન થાય ત્યાં સુધીમાં કલ્યાણને માટે પ્રયત્ન કરી લેવો જોઇએ. કારણ કે મૃત્યુ કોઇની રાહ જોતું નથી. માટે કલ્યાણ સંબન્ધી કાર્ય જો આવતી કાલને માટે કરવાનું નક્કી કરેલું હોય, તો આજે જ કરી લેવું, આવતી કાલની રાહ જોવી નહિ. અને બપોર પછી જો કરવાનું નક્કી કરેલું હોય, તો બપોર પહેલાં જ કરી લેવું. કારણ કે આ મનુષ્ય શરીરનું મૃત્યુ અનિશ્ચિત છે. મૃત્યુનો કોઇ સમય નિશ્ચિત નથી.


અને વળી ભાગવતમાં દત્તાત્રેય ભગવાને યદુરાજા પ્રત્યે કહેલું છે કે- ''लब्ध्वा सुदुर्लभमिदं बहुसम्भवान्ते मानुष्यमर्थदमनित्यमपीह धीरः । तूर्णं यतेत न पतेदनुमृत्यु यावन्निःश्रेयसाय विषयः खलु सर्वतः स्यात्'' ।। इति ।। હે રાજન્ ! આ મનુષ્ય શરીર બહુ દુર્લભ છે. જ્યારે ત્યારે મળતું નથી. બહુ જન્મોને અંતે આ મનુષ્ય શરીર મળેલું છે. જો કે આ શરીર મરણધર્મવાળું છે, તેથી પડી જાય એવું નાશવંત છે, છતાં આ શરીરથી અનેક પુરુષાર્થો સાધી શકાય છે. મોક્ષ પણ આ નાશવંત શરીરથી જ સાધી શકાય છે. માટે આ મનુષ્ય શરીરને પામી કરી, જ્યાં સુધીમાં આ શરીર મૃત્યુને વશ ન થાય, ત્યાં સુધીમાં ડાહ્યા પુરુષોએ કલ્યાણને માટે પ્રયત્ન કરી લેવો જોઇએ. કદાચ તમે કહેશો કે, જો કલ્યાણને માટે પ્રયત્ન કરીએ તો વિષયો ક્યારે ભોગવીએ. તો કહું છું કે વિષયો તો પશુ, પક્ષી, શ્વાન, સુકર, ડુકર, આદિક સર્વે યોનિઓમાં વિના પ્રયત્ને પ્રાપ્ત થાય છે. પણ ભગવાનની ભક્તિ તો આ એક મનુષ્ય શરીરથી જ થઇ શકે છે. માટે બીજા સર્વે કાર્યોનો જે આદર તેનો ત્યાગ કરીને સર્વપ્રકારે યુવાવસ્થામાં જ ભગવાનની ભક્તિ કરી લેવી, વૃદ્ધાવસ્થાની રાહ જોવી નહિ. આવો અભિપ્રાય છે.


અથવા તો સર્વપ્રકારે ભગવાનની ભક્તિ કરી લેવી, આમ જે શ્રીજીમહારાજે કહ્યું. તેમાં સર્વપ્રકારે એટલે મન, કર્મ અને વચનથી ભગવાનની ભક્તિ કરી લેવી, આવું શ્રીજીમહારાજે સૂચવેલું છે. ભાગવતમાં નળકુબેર અને મણીગ્રીવની કથા છે. એક વખત નળકુબેર અને મણીગ્રીવ આ બન્ને ધનના મદથી ઉદ્ધત થઇને નગ્ન સ્ત્રીઓની સાથે નગ્ન થઇને સ્નાન કરતા હતા. તે સમયે ફરતા ફરતા નારદજી ત્યાં પધાર્યા, એટલે નારદમુનિને જોઇને સ્ત્રીઓ તો શરમાઇ ગઇ, અને તત્કાળ જ કપડાં પહેરી લીધાં. પણ નળકુબેર અને મણીગ્રીવે કપડાં પહેર્યાં નહિ. અને વૃક્ષનાં ઠોઠાંની પેઠે નગ્ન જ નારદમુનિની આગળ ઉભા રહ્યા. વળી નમ્યા પણ નહિ, અને નારદમુનિની કાંઇપણ મર્યાદા રાખી નહિ. એટલે નારદમુનિએ વિચાર કર્યો કે આ કેટલા બધા ઉદ્ધત થઇ ગયા છે. નગ્ન થઇને નગ્ન સ્ત્રીઓની સાથે સ્નાન કરી રહ્યા છે. અને હું અહીં આવ્યો છતાં પણ કપડાં ધારણ કરતા નથી. આવા ઉદ્ધતને કાંઇક સજા થવી જ જોઇએ. જ્યાં સુધી સજા થાય નહિ, ત્યાં સુધી માણસ સમજે નહિ. જે માણસને જીંદગીમાં કોઇ દિવસ કાંઇ દરિદ્રતા ન આવી હોય, એ માણસને દરિદ્રતાના દુઃખની શું ખબર પડે ? કાંઇ પણ ખબર પડે નહિ. વળી જે માણસને પગમાં કોઇ દિવસ કાંટો ન લાગ્યો હોય, તેને કાંટાની વેદનાની શું ખબર પડે ? કાંટો જ્યારે લાગે ત્યારે ખબર પડે. તેમ આ બન્નેને જો કાંઇક સજા મળે તો જ ભાન આવે, પરંતુ જ્યાં સુધી સજા મળશે નહિ ત્યાં સુધી પોતાની ઉદ્ધતાઇનો ત્યાગ કરશે નહિ. આ પ્રમાણે નારદમુનિ વિચાર કરીને પછી બન્નેને શાપ આપ્યો કે- તમો બન્ને ઝાડના ઠોઠાની પેઠે નગ્ન ઉભા છો માટે વૃક્ષની યોનિને પામી જાઓ. આ પ્રમાણે નારદમુનિએ શાપ આપ્યો. એટલે એ બન્નેને ભાન આવ્યું કે, આ બહુ ખોટું થયું, નારદમુનિનો અપરાધ થયો. હવે મુનિએ શાપ આપી દીધો એટલે વૃક્ષતો થવું જ પડશે. આમ વિચારીને એ બન્ને તરત જ નારદમુનિના ચરણમાં પડયા, અને પ્રાર્થના કરવા લાગ્યા કે અમારા ઉપર કાંઇક અનુગ્રહ કરો, અમારી ભુલ થઇ, હવે બીજી વાર આવું નહિ કરીએ. વૃક્ષની યોનિમાં અમો બહુ દુઃખી થઇશું, માટે અમોને મુક્ત કરો. આ પ્રમાણે બહુ બહુ આજીજી કરી એટલે નારદજી અનુગ્રહ કરતાં કહ્યું કે- તમને વૃક્ષ તો થવું જ પડશે. છતાં વૃક્ષની યોનિમાં પણ તમને ભગવાન મળશે, અને તમારો ઉદ્ધાર કરશે. આ પ્રમાણે અનુગ્રહ કરીને નારદજી તો ચાલ્યા ગયા. અને નળકુબેર અને મણીગ્રીવ આ બન્ને યમુના નદીના કિનારે યમલાર્જુન નામના વૃક્ષપણાને પામ્યા. અને એક સમયે યશોદાજીએ ભગવાન શ્રીકૃષ્ણને ખાંડણીયા સાથે બાંધેલા હતા. ભગવાન શ્રીકૃષ્ણ તો એ ખાંડણીયાને ઢસડતા ઢસડતા યમુના નદીના કિનારે જ્યાં આ બે વૃક્ષો ઉભાં હતાં, એ બે વૃક્ષોના મધ્યમાંથી પસાર થયા. ભગવાન શ્રીકૃષ્ણ તો બન્ને વૃક્ષના મધ્યમાંથી નીકળી ગયા પણ ખાંડણીયો એ બન્ને વૃક્ષોમાં ફસાયો. ભગવાન શ્રીકૃષ્ણે જોરથી બળ કર્યું એટલે એ બન્ને વૃક્ષો તુટીને પૃથ્વી ઉપર પડયાં. અને એ વૃક્ષમાંથી બે દેવની સમાન પુરુષો ઉત્પન્ન થઇને ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. ''वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तवपादयोर्नः । स्मृत्यां शिरस्तव निवासजगत्प्रणामे दृष्टिः सतां दर्शने।स्तु भवत्तनूनाम्'' ।। इति ।। નારદમુનિના શાપથી વૃક્ષની યોનિને પામેલા નળકુબેર અને મણીગ્રીવ વૃક્ષયોનિ થકી મુક્ત થઇને ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે- હે પ્રભુ ! આપના અનુગ્રહથી અમો વૃક્ષયોનિ થકી મુક્ત થઇને સુખી થયા છીએ. હવે અમો તમારી પાસેથી એ માગીએ છીએ કે, અમારી વાણી હમેશાં તમારા ગુણોનું ગાન કરવામાં રહે. અમારા કાન હમેશાં તમારી કથા સાંભળવામાં રહે, અમારા હાથ હમેશાં તમારા સંબન્ધવાળી ક્રિયા કરવામાં રહે, અમારું મન હમેશાં તમારા ચરણોનું સ્મરણ કરવામાં રહે, અમારું મસ્તક હમેશાં તમારો જેમાં નિવાસ છે, એવા જગતને પ્રણામ કરવામાં રહે; અને અમારાં નેત્રો હમેશાં તમારા એકાંતિક સાધુપુરુષોનાં દર્શન કરવામાં રહે. આ પ્રમાણે નળકુબેર અને મણીગ્રીવે પણ ભગવાનની પાસે મન, કર્મ અને વચનથી ભગવાનની ભક્તિ જ માગી છે. માટે સર્વે ભક્તજનો હોય તેમણે મન, કર્મ અને વચનથી સર્વપ્રકારે ભગવાનની ભક્તિ કરવી, આવો અભિપ્રાય છે.


અને વળી જે પુરુષો દુર્લભ એવા મનુષ્ય શરીરને પામી કરી ભગવાનની ભક્તિ કરતા નથી, તે પુરુષોને મોટા અનર્થની પ્રાપ્તિ થાય છે, અને તે પુરુષો આત્મહત્યારા કહેલા છે, અને પોતાના આત્માને જ છેતરનારા કહેલા છે.- ''प्राप्ता नृजातिं त्विह ये च जन्तवो ज्ञानक्रियाद्रव्यकलापसंभृताम् । न वै यतेरन्न पुनर्भवाय ते भूयो वनौका इव यान्ति बन्धनम्'' ।। इति ।। ભાગવતની અંદર દેવતાઓએ કહેલું છે કે- આ લોકમાં સર્વે અવયવોથી સંપન્ન એવું મનુષ્ય શરીર તેને પામીને જે પુરુષો મોક્ષને માટે પ્રયત્ન કરતા નથી, અને ગાફલ રહે છે. તે પુરુષો ફરીવાર પશુ, પક્ષી આદિક યોનિને પામી કરી એવા મોટા બંધનને પામી જાય છે કે, જે રીતે પક્ષી એકવાર પારાધીની જાળ થકી મુક્ત થયેલું હોય, અને ફરીવાર જો ગાફલતા રાખીને એ જ વૃક્ષ ઉપર બેસે તો ફરીવાર પારાધીના બંધનને પામી જઇ મૃત્યુને વશ થાય છે. માટે ગાફલતાનો ત્યાગ કરી સર્વપ્રકારે ભગવાનની ભક્તિ કરી લેવી.


અને વળી ભાગવતમાં કથા છે કે- મુચુકુંદ રાજા દેવતાઓ પાસેથી નિદ્રાનું વરદાન પ્રાપ્ત કરીને આ પૃથ્વી ઉપર રૈવતાચળ પર્વતની ગુફામાં સૂતા હતા. તે સમયે કાળયવન ભગવાન શ્રીકૃષ્ણની પાછળ થયો એટલે ભગવાન શ્રીકૃષ્ણ આગળ આગળ દોડયા. અને રૈવતાચળ પર્વતની ગુફામાં જ્યાં મુચુકુંદ રાજા સૂતા હતા, ત્યાં પોતાની કાંમળી મુચુકુંદ રાજાને ઓઢાડી દીધી, અને પોતે ત્યાં અદૃશ્ય થઇ ગયા. આ બાજુ કાળયવને પણ એ ગુફાની અંદર પ્રવેશ કર્યો. અને એક પુરુષને કાંમળી ઓઢીને સૂતેલો જોયો. એટલે કાળયવને વિચાર કર્યો કે, આ જે સૂતેલો છે એ શ્રીકૃષ્ણ જ છે. એમ માની કાળયવને તેને એક લાત મારી. એટલે મુચુકુંદ રાજા જાગીને જ્યાં કાળયવનની સામું જોયું ત્યાં તો કાળયવન બળીને ભસ્મ થઇ ગયો. કારણ કે મુચુકુન્દ રાજાએ દેવતાઓ પાસેથી વરદાન મેળવેલું હતું કે, મને કોઇ નિદ્રામાંથી જગાડે અને એની સામું જો હું જોઉં, તો એ બળીને ભસ્મ થઇ જાય.


આ બાજુ કાળયવનનું મૃત્યુ થતાં ભગવાન શ્રીકૃષ્ણ ફરીવાર દૃશ્યરૂપે થયા, અને કોમળ ચરણે ગુફામાં ફરવા લાગ્યા. તે સમયે મુચુકુંદ રાજાએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે- ''તમો કોણ છો ?'' ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે- પહેલાં તમે તમારું વૃતાંત કહો. પછી હું મારું વૃતાંત કહીશ. તે સમયે મુચુકુંદ રાજાએ સમગ્ર પોતાનું વૃત્તાંત કહ્યું, અને ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે પણ પોતાનું વૃત્તાંત કહ્યું. એ સાંભળીને મુચુકુંદ રાજાએ ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરેલી છે કે- ''लब्ध्वा जनो दुर्लभमत्र मानुषं कथञ्चिदव्यङ्गमयत्नतो।नद्य । पादारविन्दं न भजत्यसन्मति र्गृहान्धकूपे पतितो यथा पशुः'' ।। इति ।। હે પ્રભુ ! સર્વે હસ્ત, ચરણ આદિક અવયવોથી સંપન્ન, અનેક જન્મોને અંતે કેવળ તમારી કૃપાથી જ પ્રાપ્ત થયેલા એવા જે દુર્લભ મનુષ્ય જન્મને પામીને જે પુરુષો તમારા ચરણકમળનું ભજન કરતા નથી, તે પુરુષો ખરેખર સંસારરૂપી અંધારા કૂવામાં જ પડેલા છે. એ કાંઇ દેખતા જ નથી. અને એમને કાંઇ ભાન જ નથી. જો ભાન હોય તો ભગવાનનું ભજન કરે. અને જો ભગવાનનું ભજન નથી કરતા તો એ ભાન વિનાના જ છે. અને સંસારરૂપી ઘોર અંધારા કૂવામાં પડેલા જ છે. આ પ્રમાણે જ્યાં મુચુકુંદ રાજાએ ભગવાનની સ્તુતિ કરેલી છે. ત્યાં પણ ભગવાનની ભક્તિ નહિ કરનારા પુરુષોને મોટા અનર્થની પ્રાપ્તિ કહેલી છે.


અને વળી ભાગવતમાં કહેલું છે કે- આ પૃથ્વી ઉપર મહા મહેનતે મોક્ષના સાધનરૂપ એવા મનુષ્ય શરીરને પામી કરી, જે પુરુષો કેવળ વિષયોને વિષે જ આસક્ત થાય છે, અને ભગવાનનું ભજન કરતા નથી તે પુરુષો ખરેખર છેતરાયેલા છે. અને તે પુરુષોને શાસ્ત્રમાં આત્મહત્યારા કહેલા છે. કારણ કે તે પુરુષો ભગવાનનું ભજન નહિ કરીને પોતાના આત્માને અધોગતિમાં નાખનારા છે. માટે આ પૃથ્વી ઉપર સર્વે બીજાં કાર્યોનો જે આદર તેનો ત્યાગ કરીને, સર્વપ્રકારે ભગવાનની ભક્તિ કરવી, કારણ કે ભક્તિ સિવાય બીજું કાંઇપણ કલ્યાણકારી સાધન નથી. ભક્તિ છે એજ સાક્ષાત્ કલ્યાણને કરનારી છે. બીજાં જે દાન, વ્રત, તપ, જપ, હોમ, સ્વાધ્યાય અને સંયમ આદિક સાધનો છે, એ સાધનોથી ભગવાનની ભક્તિ સાધી શકાય છે. અને ભક્તિથી જ મોક્ષ મેળવી શકાય છે. અર્થાત્ બીજાં સાધનોને મોક્ષ સાથે પરંપરા સંબન્ધ છે. પણ ભક્તિનો મોક્ષ સાથે સાક્ષાત્ સંબન્ધ છે. માટે સર્વે સાધનો કરતાં ભક્તિનું ઉત્કૃષ્ટપણું કહેલું છે, આવો અભિપ્રાય છે. ।।૧૧૩।।