શ્લોક ૧૧૧ - ૧૧૨

एते राधादयो भक्तास्तस्य स्युः पार्श्वतः क्वचित् । क्वचित्तदङ्गेतिस्नेहात्स तु ज्ञोयस्तदैकलः ।।१११।।
अतश्चास्य स्वरूपेषु भेदो ज्ञोयो न सर्वथा । चतुरादिभुजत्वं तु द्विबाहोस्तस्य चैच्छिकम् ।।११२।।


અને એ રાધાદિક ભક્તો ક્યારેક તો શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે, અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના અંગને વિષે રહે છે, ત્યારે તો તે શ્રીકૃષ્ણ એકલા જ હોય છે એમ જાણવું. (૧૧૧) એ જ કારણથી શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરૂપો તેમને વિષે સર્વપ્રકારે ભેદ જાણવો નહિ. અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે, તે તો દ્વિભુજ એવા જે શ્રીકૃષ્ણની ઇચ્છાએ કરીને છે એમ જાણવુ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ બન્ને શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ભગવાનની પડખે વર્તતા જે રાધાદિક ભક્તો, કોઇ સમયે સર્વે મનુષ્યો જોઇ શકે, એ રીતે ભગવાનના પડખામાં સમીપે જ રહેલા હોય છે. તે સમયે તો રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ, રામકૃષ્ણ, સત્યાકૃષ્ણ આવા નામથી શ્રીકૃષ્ણને જાણવા. અને કોઇ સમયે એ રાધાદિક ભક્તો ગાઢ સ્નેહના વશપણાથી શ્રીકૃષ્ણના હૃદયાદિક અંગમાં લીન રહેલા હોય છે. ત્યારે તો સર્વેને એકલા શ્રીકૃષ્ણ જ જોયામાં આવે છે. પરંતુ રાધાદિક ભક્તો જોયામાં આવતા નથી. ત્યારે ભગવાન ''શ્રીકૃષ્ણ'' આવા નામવાળા હોય છે એમ જાણવું. એટલા જ માટે જે મંદિરમાં એક જ શ્રીકૃષ્ણની મૂર્તિ હોય ત્યાં પણ રાધાદિક સેવકોનું મંડળ સાથે જ હોય છે, એમ જાણવું. માટે જે કારણથી એક જ શ્રીકૃષ્ણ પોતાની પડખે વર્તતા સેવકોના ભેદથી રાધાકૃષ્ણાદિક નામો વડે કહેવાય છે, એજ કારણથી પ્રસિદ્ધ મોટાં મંદિરોમાં સ્થાપન કરેલાં રાધાકૃષ્ણ, નરનારાયણ આદિક નામવાળાં ભગવાનનાં સ્વરૂપોમાં સર્વપ્રકારે ભેદ જાણવો નહિ. હવે અહીં પ્રતિવાદી શંકા કરતાં કહે છે કે- પડખે વર્તતા સેવકોના ભેદથી ભલે પરમાત્માના સ્વરૂપમાં ભેદ ન હોય, પણ દ્વિભુજ, ચતુર્ભુજ, સહસ્રભુજ આ રીતે જ્યાં આકાર જ બદલાઇ જાય છે, ત્યાં તો ભેદ હોવો જ જોઇએ.


આના ઉત્તરમાં શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- વસ્તુતાએ શ્રીકૃષ્ણ ભગવાન તો દ્વિભુજ (બે હસ્ત યુક્ત) જ છે. છતાં નટ જેમ પોતાની ઇચ્છાથી અનેક રૂપો ધારણ કરે છે. તેમ દ્વિભુજ એવા શ્રીકૃષ્ણ પોતાની ઇચ્છાથી જ ક્યારેક ચતુર્ભુજરૂપે, ક્યારેક અષ્ટભુજ રૂપે, ક્યારેક સહસ્રભુજ રૂપે થાય છે. યોગમાયાના નિયંતા અને સત્ય સંકલ્પ એવા શ્રીકૃષ્ણ પોતાની ઇચ્છાથી જ, ભક્તોના મનોરથો પૂર્ણ કરવા માટે ચતુર્ભુજાદિક રૂપે થાય છે. માટે ભગવાનના સ્વરૂપોમાં સર્વ પ્રકારે ભેદ જાણવો નહિ, આવું તાત્પર્ય છે. ।।૧૧૧-૧૧૨।।