શ્લોક ૧૦૯-૧૧૦

स राधया युतो ज्ञोयो राधाकृष्ण इति प्रभुः । रुक्मिण्या रमयोपेतो लक्ष्मीनारायणः स हि ।।१०९।।
ज्ञोयो।र्जुनेन युक्तो।सौ नरनारायणाभिधः । बलभद्रादियोगेन तत्तन्नामोच्यते स च ।।११०।।


અને ઇશ્વર એવા જે શ્રીકૃષ્ણ રાધિકાજીએ યુક્ત હોય ત્યારે ''રાધાકૃષ્ણ'' એવે નામે જાણવા; અને રુક્મિણીરૂપ જે લક્ષ્મીજી તેણે યુક્ત હોય ત્યારે ''લક્ષ્મીનારાયણ'' એવે નામે જાણવા. (૧૦૯) અને એ શ્રીકૃષ્ણ અર્જુનથી યુક્ત હોય ત્યારે ''નરનારાયણ'' એવે નામે જાણવા. અને વળી તે શ્રીકૃષ્ણ બલભદ્રાદિકને યોગે કરીને તે તે નામે કહેવાય છે, એમ જાણવું. 


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ બન્ને શ્લોકનું તાત્પર્ય સમજાવતાં કહે છે કે, ભગવાનનાં સ્વરૂપોમાં પરસ્પર ભેદ જાણવો નહિ. પૂર્વના ૧૦૭ મા શ્લોકમાં જે ઇશ્વર વર્ણવ્યા, એ ઇશ્વર કોણ છે ? આવી શંકા ઉપસ્થિત કરીને ૧૦૮ મા શ્લોકમાં કહ્યું કે એ ઇશ્વર કૃષ્ણ જ જાણવા, માટે તે શ્રીકૃષ્ણ જ્યારે શ્રીવૃષભાનુ નામના ગોપનાં પુત્રી જે રાધિકા તેથી યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવા નામથી શાસ્ત્રમાં કહેલા હોય છે. અને એજ શ્રીકૃષ્ણ ભીષ્મકને ઘેર પ્રાદુર્ભાવ પામેલાં રુક્મિણીરૂપ લક્ષ્મીથી યુક્ત હોય, ત્યારે લક્ષ્મીનારાયણ એવા નામથી શાસ્ત્રમાં કહેલા હોય છે, એમ જાણવું. સાક્ષાત્ લક્ષ્મીજી ભીષ્મકને ત્યાં રુક્મિણી નામથી પ્રગટ થયાં હતાં. આ વિષયમાં વિષ્ણુ પુરાણનું વચન પ્રમાણરૂપ છે- ''राघवत्वे।भवत् सीता रुक्मिणी कृष्णजन्मनि'' ।। इति ।। આ વિષ્ણુપુરાણના વચનમાં કહેલું છે કે- રામાવતારમાં લક્ષ્મીજી સીતારૂપે જન્મ ધારણ કર્યો હતો. અને શ્રીકૃષ્ણાવતારમાં લક્ષ્મીજી રૂક્મિણીરૂપે જન્મ ધારણ કર્યો હતો. માટે રુક્મિણીથી યુક્ત એવા જે શ્રીકૃષ્ણ તેને લક્ષ્મીનારાયણ નામથી જાણવા. અને વળી અર્જુનમાં નર ભગવાનનો આવેશ હતો. આ બાબતમાં મહાભારતનું વચન પ્રમાણરૂપ છે- ''अर्जुने तु नरावेशः कृष्णो नारायणः स्वयम्'' ।। इति ।। અર્જુનમાં નર ભગવાનનો આવેશ હતો, અને શ્રીકૃષ્ણ સ્વયં નારાયણ હતા. માટે એજ શ્રીકૃષ્ણ અર્જુનથી યુક્ત હોય, ત્યારે નરનારાયણ આવા નામથી શાસ્ત્રમાં કહેલા હોય છે. એમ જાણવું. અને વળી એજ શ્રીકૃષ્ણ બલરામથી યુક્ત હોય, ત્યારે રામકૃષ્ણ આવા નામથી શાસ્ત્રમાં કહેલા હોય છે, એમ મારા આશ્રિતોએ જાણવું. ।।૧૦૯-૧૧૦।।