શ્લોક ૧૦૮

स श्रीकृष्णः परंब्रह्म भगवान् पुरूषोत्तमः । उपास्य इष्टदेवो नः सर्वाविर्भावकारणम् ।।१०८।।


અને તે ઇશ્વર કોણ ? તો પરંબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ તે ઇશ્વર છે. અને તે શ્રીકૃષ્ણ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ છે. અને સર્વે અવતારોના કારણ છે. 


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું તાત્પર્ય સમજાવતાં કહે છે કે- શ્રીજીમહારાજે પૂર્વના એકસો પાંચથી એકસો સાત સુધીના, આ ત્રણ શ્લોકમાં જીવ, માયા અને ઇશ્વર આ ત્રણ તત્ત્વનો ઉલ્લેખ કરેલો છે. અને વચનામૃતની અંદર શ્રીજીમહારાજે જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ ભેદોનો ઉલ્લેખ કરેલો છે. 


તેમાં શિક્ષાપત્રીની અંદર જે ''ઇશ્વર'' શબ્દનો ઉલ્લેખ છે, અને વચનામૃતમાં કહેલા જે પાંચ ભેદો તેની અંદર જે ''ઇશ્વર'' શબ્દનો ઉલ્લેખ છે, એ બન્નેમાં ભેદ છે. જેમ કે- જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ ભેદોમાં જે ઇશ્વર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ ઇશ્વર શબ્દ તો આ એક બ્રહ્માંડના અધિપતિ વૈરાજપુરુષ રૂપ ઇશ્વરને માટે ઉલ્લેખાયો છે. અને એ વૈરાજપુરુષનો જીવકોટીની અંદર અંતર્ભાવ થાય છે. જેમ આપણો આ જીવ એક શરીરનું સંચાલન કરે છે. તેમ વૈરાજપુરુષ આ એક બ્રહ્માંડનું સંચાલન કરે છે. આવાં બ્રહ્માંડો અનેક છે, તેથી ઇશ્વરો પણ અનેક છે. જીવ તપાદિકે કરીને ઇશ્વરકોટીને પામી શકે છે. આ આપણા શરીરનું સંચાલન કરનારો જીવ જેમ બદ્ધ છે. તેમ આ બ્રહ્માંડનું સંચાલન કરનાર ઇશ્વર પણ બદ્ધ છે. છતાં પરમાત્માએ તેને બ્રહ્માંડનું સંચાલન કરવા રૂપ ઉંચો અધિકાર સોંપ્યો છે. તેથી તે ઉચ્ચકક્ષાના આધિકારિક જીવો કહેવાય છે. પણ છે તો જીવ જ. અને વળી જીવો અને ઇશ્વરો માયાથી બંધાયેલા હોવાથી - જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મ આ પાંચભેદોના અનુક્રમમાં જીવો અને ઇશ્વરોનું માયાથી પહેલાં નિરૂપણ કરવામાં આવ્યું છે. અને મધ્યે આવરણરૂપ માયાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પાંચ ભેદોના અનુક્રમમાં માયાનું નિરૂપણ કર્યા પછી, ચોથા ક્રમે જે બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે બ્રહ્મનો પણ જીવકોટીની અંદર જ અંતર્ભાવ કરવામાં આવે છે. છતાં એ બ્રહ્મ માયાના ભાવથી રહિત છે, તેથી માયાનું નિરૂપણ કર્યા પછી, ચોથા ક્રમે એ બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જીવો અને ઇશ્વરો પરમાત્માની ઉપાસનાદિકે કરીને જ્યારે માયાના તમામ ભાવોથી મુક્ત થાય છે, ત્યારે બ્રહ્મ પદવીને પામે છે. અક્ષરબ્રહ્મ અને તેની અંદર રહેલા મુક્તો અને નિત્યમુક્તો આ સર્વને બ્રહ્મશબ્દથી કહેવામાં આવ્યા છે. અને હવે પાંચ ભેદોમાં અંતિમ જે પરબ્રહ્મ તત્ત્વ છે. એતો જીવો, ઇશ્વરો, માયા અને બ્રહ્મ આ ચારેની અંદર નિયામકપણે રહેલ છે. સર્વેના કર્મફળને આપનારા છે. અને અનંતકોટી બ્રહ્માંડોના અધિપતિ છે. જેને પરમેશ્વર કહે છે. પરમાત્મા કહે છે, નારાયણ કહે છે. આ રીતે પાંચ ભેદોમાં જે બીજા નંબરે ઇશ્વર શબ્દનો ઉલ્લેખ થયો છે, એ આ એક બ્રહ્માંડના અધિપતિ વૈરાજપુરુષરૂપ ઇશ્વરને માટે થયો છે, એમ જાણવું.


અને વળી શિક્ષાપત્રીની અંદર શ્રીજીમહારાજે પૂર્વના ત્રણ શ્લોકમાં જીવ, માયા અને ઇશ્વર આ ત્રણ તત્ત્વોનો ઉલ્લેખ કરેલો છે.
તો આ શિક્ષાપત્રીમાં ઉલ્લેખ પામેલાં ત્રણ તત્ત્વોમાં જે ઇશ્વર તત્ત્વ છે, એ કોણ છે ? આવી શંકા ઉપસ્થિત કરીને, ઇશ્વર તત્ત્વનું નિરૃપણ આ એકસોઆઠમા શ્લોકની અંદર શ્રીજીમહારાજે કર્યું છે. આ શ્લોકનું વિવરણ કરતાં શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- પૂર્વના શ્લોકમાં જે ઇશ્વર તત્ત્વનું નિરૃપણ કર્યું, એ ઇશ્વર સાક્ષાત્ શ્રીકૃષ્ણ જ છે. અને એ શ્રીકૃષ્ણ કેવા છે ? તો એના પ્રત્યુત્તરમાં પાંચ વિશેષણો આપેલાં છે. (१) परंब्रह्म, (२) भगवान्, (३) पुरुषोत्तमः, (४) नः उपास्य ईष्टदेवः, (५) सर्वाविर्भावकारणम् ।। इति ।। આ પાંચ વિશેષણોની અનુક્રમે વ્યાખ્યા કરતાં, શતાનંદ સ્વામી પ્રથમ પરંબ્રહ્મ શબ્દની વ્યાખ્યા કરે છે. 


(१) परंब्रह्म, - 

શ્રીકૃષ્ણ છે એ પરંબ્રહ્મ છે. પરમ્ એટલે સર્વોત્કૃષ્ટ, અને બ્રહ્મ એટલે મોટા, સર્વત્ર વ્યાપક. ''अपारमहिमत्वात् सर्वेभ्यो।धिकं भवतीति ब्रह्म'' ।। इति ।। અપાર મહિમાને લીધે જે સર્વથી અધિક હોય, સર્વથી મોટા હોય તેને કહેવાય બ્રહ્મ. અર્થાત્ સર્વત્ર વ્યાપક તત્ત્વ. તો શ્રીકૃષ્ણ પોતાની અંતર્યામિ શક્તિથી અનંતકોટિ બ્રહ્માંડોમાં વ્યાપીને રહેલા છે. માટે પરમાત્મા શ્રીકૃષ્ણને બ્રહ્મ શબ્દથી કહેવામાં આવે છે. હવે ''પરમ્ બ્રહ્મ'' અહીં પરમ્ આવું વિશેષણ શા માટે ? તેના પ્રત્યુત્તરમાં કહે છે કે- શાસ્ત્રોમાં પ્રકૃતિને પણ બ્રહ્મ શબ્દથી કહેલી છે. જેમ કે- ''मम योनिर्महद् ब्रह्म'' ।। इति ।। અને પરમાત્મા શ્રીકૃષ્ણ તો પ્રકૃતિ થકી શ્રેષ્ઠ અને વિલક્ષણ છે. માટે પરંબ્રહ્મ કહેવાય છે.


અને વળી શાસ્ત્રોમાં અક્ષરધામને બ્રહ્મ શબ્દથી કહેલું છે. જેમ કે- ''ब्रह्माख्यं धाम ते यान्ति शान्ताः'' ।। इति ।। પણ ભગવાન શ્રીકૃષ્ણ તો અક્ષરધામ થકી પણ પર છે, શ્રેષ્ઠ છે, સર્વોત્કૃષ્ટ છે. અક્ષરધામથી વિલક્ષણ છે. માટે પરંબ્રહ્મ કહેવામાં આવે છે.


અને વેદને પણ બ્રહ્મ શબ્દથી કહેલા છે. પરમાત્મા શ્રીકૃષ્ણ તો વેદ થકી પણ વિલક્ષણ છે, માટે પરંબ્રહ્મ કહેવાય છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં બ્રહ્મ શબ્દથી પ્રકૃતિ, અક્ષરધામ અને વેદને કહેલા છે. પરમાત્મા શ્રીકૃષ્ણને આ ત્રણેથી વિલક્ષણ કહેવા માટે, પરંબ્રહ્મ આવા શબ્દથી કહેલા છે, આવું તાત્પર્ય છે.


(२) भगवान् - 

અને વળી પરમાત્મા શ્રીકૃષ્ણને વિષે ''ભગ'' શબ્દથી વાચ્ય એવા છ ગુણો રહેલા છે. તેથી તેને ભગવાન કહેવાય છે. ''ભગ'' શબ્દથી કહેવા યોગ્ય ગુણો વિષ્ણુપુરાણમાં બતાવેલા છે- ''ऐश्वर्यस्य समग्रस्य धर्मस्य यशसः श्रियः । ज्ञानवैराग्ययोश्चैव षण्णां भग इतीङ्गना'' ।। इति ।। સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય આ છ ભગો કહેવાય છે. તે ભગો શ્રીકૃષ્ણને વિષે રહેલા છે. માટે શ્રીકૃષ્ણને ભગવાન કહેવાય છે. અને વળી વિષ્ણુપુરાણમાં જ ભગવાન શબ્દનો અર્થ કહેલો છે કે, જે આ જગતની ઉત્પત્તિને, પ્રલયને અને સર્વે પ્રાણીઓનાં જે જન્મ અને મરણ થાય છે તેને પણ જાણે, અને મોક્ષ કરનારી જે વિદ્યા અને નરકમાં પાડનારી જે અવિદ્યા તેમને પણ જાણે, તેને કહેવાય ભગવાન. જો કે આ ભગવાન શબ્દ એક જ પરમાત્મા શ્રીકૃષ્ણનો વાચક છે. છતાં પણ ભગવાન શ્રીકૃષ્ણને અખંડ ધારી રહેલા એવા મહાન સમર્થ જે પુરુષો હોય, તેને પણ ભગવાન શબ્દથી કહેવાય છે. આ પ્રમાણે ઇશ્વર એવા શ્રીકૃષ્ણને ભગવાન કહેલા છે. અને એ શ્રીકૃષ્ણને લઇને જ નારદાદિકને પણ ભગવાન કહેલા છે, આવું તાત્પર્ય છે.


(३) पुरुषोत्तमः - 

અને વળી પરમાત્મા શ્રીકૃષ્ણ, ક્ષર અને અક્ષર આ બે પ્રકારના પુરુષો થકી ઉત્તમ છે, માટે પુરુષોત્તમ કહેવાય છે. ''क्षराक्षराभ्याम् उत्तमः इति पुरुषोत्तमः'' ।। इति ।। પરમાત્મા શ્રીકૃષ્ણ, ક્ષર શબ્દથી કહેલા બદ્ધ જીવો અને ઇશ્વરો થકી પર છે, ઉત્તમ છે. અને અક્ષર શબ્દથી કહેલ જે અક્ષરધામ અને મુક્તો તે થકી પણ ઉત્તમ છે. આ પ્રમાણે ક્ષર અને અક્ષર પુરુષો થકી ઉત્તમ છે, માટે પુરુષોત્તમ કહેવાય છે. ભગવદ્ગીતામાં પણ કહેલું છે કે- ''द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च । क्षरः सर्वाणि भूतानि कूटस्थो।क्षर उच्यते ।। उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।। આ લોકમાં જે બદ્ધ જીવો છે તેને ક્ષરપુરુષો કહેવાય છે. અને જે મુક્ત જીવો છે તેને અક્ષર પુરુષો કહેવાય છે. ક્ષર અને અક્ષર પુરુષો થકી જે અન્ય છે. અર્થાત્ આ બન્ને થકી પર અને ઉત્તમ છે તેને પુરુષોત્તમ કહેલા છે. આ પ્રમાણે ઇશ્વર એવા શ્રીકૃષ્ણને પુરુષોત્તમ શબ્દથી કહેલા છે, આવું તાત્પર્ય છે.


(४) नः उपास्य इष्टदेवः - 

અને વળી શ્રીજીમહારાજ કહે છે કે- એ શ્રીકૃષ્ણ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ છે. શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે- આ શિક્ષાપત્રીમાં જ્યાં જ્યાં ''શ્રીકૃષ્ણ'' આવો શબ્દ આવે છે. એ શ્રીકૃષ્ણ શબ્દ, વસુદેવ દેવકી થકી પુત્રરૃપે પ્રગટ થયેલા તો છે જ. પરંતુ બ્રહ્મપુર ધામની અંદર જે અવતારી પુરુષ રહ્યા છે, તેનું નામ પણ શ્રીકૃષ્ણ છે. તેથી શ્રીકૃષ્ણ અનાદિ શબ્દ છે. વસુદેવ દેવકી થકી પ્રગટ થયા પછી શ્રીકૃષ્ણ નામ વિશેષપણે પ્રવર્તેલું છે. પરંતુ મૂળ જે પરમાત્મા તત્ત્વ છે, તેનું નામ પણ શ્રીકૃષ્ણ છે. તેથી આ પૃથ્વી ઉપર અવતારી પુરુષના જે જે અવતારો હોય તેને પણ શ્રીકૃષ્ણ કહી શકાય છે. કારણ કે અવતાર અને અવતારીનું અભેદપણું શાસ્ત્રમાં વર્ણવેલું છે. માટે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ જે ભગવાન સહજાનંદ સ્વામી છે, તેમને પણ શ્રીકૃષ્ણ કહી શકાય છે. એજ કારણથી શ્રીજીમહારાજે અહીં પરોક્ષપણે કહ્યું છે કે, એ શ્રીકૃષ્ણ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ છે. પણ પોતે શ્રીજીમહારાજ એ મૂળ તત્ત્વ શ્રીકૃષ્ણ થકી જુદા નથી. મૂળ તત્ત્વ અવતારી જે શ્રીકૃષ્ણ છે, એજ આપણા ઇષ્ટદેવ સહજાનંદ સ્વામી છે, આવું તાત્પર્ય છે.


(५) सर्वाविर्भावकारणम् - 

અને વળી જે શ્રીકૃષ્ણ છે, એ સર્વે અવતારોના કારણરૃપ છે. આ પૃથ્વી ઉપર જે જે અવતારો થાય છે, એ સર્વે અવતારો મૂળ તત્ત્વ જે શ્રીકૃષ્ણ તે થકી જ થાય છે. તેથી આપણા ઇષ્ટદેવ જે સહજાનંદ સ્વામી છે એપણ શ્રીકૃષ્ણના જ અવતાર છે. કારણ કે અવતાર શબ્દની વ્યુત્ત્પતિ જ એવી છે કે- ''अवतरति इति अवतारः'' આ પૃથ્વી ઉપર જે ઉતરે તેને કહેવાય અવતાર. તો આપણા ઇષ્ટદેવ સહજાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર અવતર્યા છે, તેથી સહજાનંદ સ્વામી મૂલ તત્ત્વ જે શ્રીકૃષ્ણ તેના જ અવતાર છે. છતાં પણ અવતાર અને અવતારીનું અભેદપણું છે. આ રીતે અભેદપણાનો સ્વીકાર કરીને અવતારી પણ કહી શકાય છે. આવું તાત્પર્ય છે. 


હવે શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ બતાવતાં કહે છે કે- પૂર્વના એકસોસાતમા શ્લોકમાં જે ઇશ્વરનું વર્ણન કરવામાં આવ્યું એ ઇશ્વર કોને જાણવા ? આવી શંકા ઉપસ્થિત કરીને તેના પ્રત્યુત્તરમાં એમ કહ્યું કે- જેને પરંબ્રહ્મ ભગવાન્ પુરુષોત્તમ કહે છે. અને જે સર્વે અવતારોના કારણ છે, અને જે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ છે. આવા જે શ્રીકૃષ્ણ તેને જ ઇશ્વર જાણવા, આ રીતે શ્રીજીમહારાજે આ શ્લોકમાં પ્રતિપાદન કર્યું છે. પણ શ્રીજીમહારાજ પોતે જ ઇશ્વર હોવાથી કહી શકતા હતા કે પૂર્વના એકસોસાતમા શ્લોકમાં વર્ણન કરાયેલા જે ઇશ્વર છે, એ હું જ છું. પણ શ્રીજીમહારાજે એમ કહ્યું નહિ, કારણ કે અત્યારે શ્રીજીમહારાજ ઉપદેષ્ટા ગુરુ તરીકે શિષ્યો પ્રત્યે શિક્ષાપત્રી લખી રહ્યા છે. તેથી ઉપદેષ્ટા ગુરુ તરીકેની ફરજ બજાવીને એવું સૂચવેલું છે કે, કોઇપણ ઉપદેષ્ટા ગુરુઓએ શિષ્યને પોતામાં કદી પણ જોડવા જોઇએ નહિ. :-


અને વળી ઇશ્વર તત્ત્વ એક જ છે. ક્યારેય પણ બે માની શકાય નહિ. ઇશ્વરની આકૃતિઓ અનન્ત માની શકાય, ઇશ્વરનાં નામો પણ અનન્ત માની શકાય, પણ અનંત આકૃતિઓના અને શક્તિઓના આશ્રયરૃપ, તેમજ અનંત નામોના નામી એવું જે ઇશ્વરનું સ્વરૃપ છે, તેને અનંત માની શકાય નહિ. રૃપે કરીને અર્થાત્ આકૃતિએ કરીને, નામે કરીને અવતારોમાં ભેદ માની શકાય, પણ અનંત શક્તિઓના આશ્રયરૃપ જે સ્વરૃપ છે, તેણે કરીને અવતારોમાં ક્યારેય પણ ભેદ માની શકાય નહીં. અને સ્વરૃપે કરીને તો અવતાર તથા અવતારીમાં પણ ભેદ માની શકાય નહિ. સ્વરૃપ સર્વત્ર એક જ છે. પણ રૃપ જુદાં જુદાં હોય છે. આપણું આ શરીર છે એ રૃપ છે, અને આપણા આ શરીરમાં આશ્રયરૃપે રહેલો જે જીવાત્મા તેને સ્વરૃપ કહેવામાં આવે છે. રૃપ અને સ્વરૃપ હમેશાં પૃથક્ પૃથક્ હોય છે. એ જ રીતે પરમાત્માની શુદ્ધસત્વની જે આકૃતિ તેને રૃપ કહેવાય છે. અને એ આકૃતિની અંદર અનંતશક્તિઓના આશ્રયરૃપ જે પરબ્રહ્મ તત્ત્વ છે તેને સ્વરૃપ કહેવામાં આવે છે. તેથી પરમાત્મા અનંત આકૃતિઓને ધારણ કરે છતાં તેેની અંદર અનંત શક્તિઓના આશ્રયરૃપ પરબ્રહ્મ તત્ત્વ એક જ હોય છે. આ રીતે પરબ્રહ્મ તત્ત્વ સ્વરૃપે કરીને સર્વે અવતારોમાં એક જ હોય છે. અને અવતાર તથા અવતારીમાં પણ એક જ હોય છે. પણ ઇશ્વર તત્ત્વ જુદાં જુદાં હોતાં નથી. તેથી શ્રીજીમહારાજ પોતે અહીં કહી શકતા હતા કે પૂર્વ શ્લોકમાં જે ઇશ્વર તત્ત્વનું વર્ણન કરેલું છે, એ ઇશ્વર તત્ત્વ હું જ છું. છતાં પણ અહીં ઇશ્વર તત્ત્વ તરીકે પરોક્ષપણે જે શ્રીકૃષ્ણનો નિર્દેશ કર્યો છે, એ નિર્દેશ ઇશ્વરના સ્વરૃપની અંદર એકતાને સૂચવે છે. આવો અભિપ્રાય છે. ।।૧૦૮।।