શ્લોક ૧૦૭

हृदये जीववज्जीवे यो।न्तर्यामितया स्थितः । ज्ञोयः स्वतंत्र ईशो।सौ सर्वकर्मफलप्रदः ।।१०।।


અને જેમ હૃદયમાં જીવ રહ્યો છે, તેમ જ તે જીવને વિષે અંતર્યામિપણે ઇશ્વર રહ્યા છે. તે ઇશ્વર સ્વતંત્ર છે, અને સર્વે જીવોને કર્મફળ આપનારા છે, એમ જાણવા.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- શ્રીજીમહારાજે આ શ્લોકમાં અંતર્યામિપણું, સ્વતંત્રપણું અને સર્વના કર્મફળને આપવાપણું આ ત્રણ વિશેષણોથી ઇશ્વરના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. ઇશ્વરનાં આ ત્રણે વિશેષણોની વ્યાખ્યા કરતાં શતાનંદ સ્વામી પ્રથમ ઇશ્વરના અંતર્યામિપણાની વ્યાખ્યા કરે છે.


''(१) इश्वरस्य अंतर्यामित्वम्'' - 

ઇશ્વર એટલે પરબ્રહ્મ પરમાત્મા. એ પરમાત્મા હૃદયને વિષે જેમ જીવ રહ્યો છે, તેમ જીવમાં અંતર્યામિપણે રહ્યા છે. ''अन्तः स्थित्वा यमयति- नियमयति इति अन्तर्यामी'' અંતર્યામિ એટલે પરમાત્મા જીવની અંદર રહીને નિયમન કરે છે. જીવની અંદર રહેવું તેને અંતર્યામિપણું કહેવાતું નથી, પણ જીવની અંદર રહીને નિયમન કરવું તેને અંતર્યામિપણું કહેવાય છે. પરમાત્મા સર્વે જીવાત્માઓને વિષે અને સર્વે બ્રહ્માદિક ઇશ્વરોને વિષે નિયન્તારૂપે રહેલા છે. પરમાત્મા નિયમન અને શાસન કર્તા છે. આ વિષયમાં ભગવદ્ગીતાનું વચન પ્રમાણ છે. ''इश्वरः सर्वभूतानां हृद्देशे।र्जुन तिष्ठति । भ्रामयन् सर्वभूतानि यन्त्रारुढानि मायया'' ।। इति ।। આ શ્લોકનો એ ભાવ છે કે- પરમાત્મા સર્વે ભૂતપ્રાણી માત્રના હૃદયમાં અંતર્યામિરૂપે વિરાજમાન છે. અને કર્મને અનુસારે શરીરરૂપી યંત્રમાં બેઠેલાં સર્વે પ્રાણીઓને ભ્રમણ કરાવે છે. આ રીતે પરમાત્માને જીવની અંદર પ્રવેશીને શાસન કર્તા કહેલા છે. રાજાઓ પણ પ્રજા ઉપર શાસન કરે છે, પણ એ રાજાઓનું શાસન બહારથી હોય છે, અંદર પ્રવેશીને હોતું નથી. તેથી પ્રજા કોઇ સમયે રાજાના નિયન્ત્રણમાં રહેતી નથી. અને રાજા ઉપર બળવો પણ કરી શકે છે. પણ પરમાત્માનું શાસન રાજાઓની પેઠે કેવળ બહારથી નથી. પરંતુ જીવાત્માઓની અંદર પ્રવેશીને શાસન કરે છે. પરમાત્મા જીવાત્માના અંતઃકરણને પકડી શકે છે અને પરિવર્તિત પણ કરી શકે છે. તેથી જીવાત્માઓ કોઇ દિવસ પરમાત્માના નિયંત્રણથી બહાર થઇ શકતા નથી. હમેશાં પરમાત્માના નિયંત્રણમાં જ રહે છે. આ રીતે પરમાત્મા જેમ જીવોમાં નિયન્તાપણે રહેલા છે. તેમ બ્રહ્માદિક ઇશ્વરોની અંદર પણ નિયન્તાપણે રહેલા છે. આ વિષયમાં શ્વેતાશ્વેતરોપનિષદનું વચન પ્રમાણ છે.- ''तमीश्वराणां परमं महेश्वरं ते दैवतानां परमं च दैवतम्'' ।। इति ।। આ શ્રુતિનો એ અર્થ છે કે- પરમાત્મા સર્વે બ્રહ્માદિક ઇશ્વરોના પણ ઇશ્વર છે. અને ઇન્દ્રાદિક સર્વે દેવતાઓના પણ દૈવત છે. અર્થાત્ સર્વે દેવો તથા ઇશ્વરોની અંદર પણ નિયન્તારૂપે રહેલા છે. પરમાત્માના શાસનથી કોઇપણ બહાર નથી, આવો અભિપ્રાય છે.


(२) ईश्वरस्य स्वतन्त्रत्वम् - 

અને વળી ઇશ્વર જે પરમાત્મા તે સ્વતંત્ર છે. અર્થાત્ ઇશ્વર ઉપર સંચાલન કરનાર બીજો કોઇ નથી. પરમાત્મા જીવોના, બ્રહ્માદિક ઇશ્વરોના, કાળ, માયા, અક્ષરબ્રહ્મ અને ધામમાં રહેલા સર્વે મુક્તોના પણ નિયન્તા છે. આ રીતે પરમાત્મા અનંતકોટી બ્રહ્માંડોના નિયન્તા છે. માટે પરમાત્મા સ્વતંત્ર છે. અને વળી પરમાત્માનું નિયન્તાપણું અંદર પ્રવેશીને છે. રાજાઓનું બહારથી નિયન્તાપણું હોવાને કારણે કોઇક સમયે પ્રજા રાજાઓને પરતંત્ર બનાવી શકે છે. પણ પરમાત્માનું નિયન્તાપણું અંદર પ્રવેશીને હોવાથી પરમાત્મા કોઇ દિવસ પરતંત્ર બની શકે જ નહિ. પરમાત્મા સર્વદા સ્વતંત્ર જ છે.


(३) ईश्वरस्य सर्वकर्मफलप्रदत्वम् - 

અને વળી પરમાત્મા સર્વે જીવો અને ઇશ્વરોની અંદર પ્રવેશીને જ તેનાં તેનાં કર્મફળને આપે છે. રાજાઓ પણ પ્રજાને કર્મના ફળરૂપે દંડ તો આપે છે, પણ બહાર રહીને આપે છે. તેથી ક્યારેક પ્રજા રાજાના દંડ થકી છટકી શકે છે. પણ પરમાત્મા તો અંદર પ્રવેશીને તેનાં તેનાં કર્મફળને આપે છે. તેથી કોઇપણ જીવ કે ઇશ્વરો પરમાત્માના દંડ થકી ક્યારેય પણ છટકી શકે નહિ. જેને જેવાં કર્મ કરેલાં હોય તેને તેવું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. તેમાંથી જરા પણ લાગવગથી ન્યૂન કે અધિક થતું નથી. આ વિષયમાં ભાગવતનું વચન પ્રમાણ છે. ईशाभिसृष्टं ह्यवरुन्ध्महे।ङ्ग दुःखं वा गुणकर्मसङ्गतः'' ।। इति ।। આ શ્લોકમાં બ્રહ્મા પ્રિયવ્રત રાજાને કહે છે કે- હે રાજન્ ! જેમ માણસ પશુને નાથે છે, પછી માણસ જ્યાં દોરે ત્યાં તે પશુ જાય છે. બે પગવાળો માણસ ચાર પગવાળા પશુને ચાબુકથી વશ કરે છે. એજ પ્રમાણે બ્રહ્માજી કહે છે કે, અમો સર્વે દેવતાઓ ભગવાનની પાસે નાથેલાં પશુની સમાન છીએ. તેથી પરમાત્મા જેમ ચલાવે તેમ ચાલીએ છીએ. અને અમો અમારાં કર્મને અનુસારે પરમાત્માએ આપેલું સુખ અને દુઃખ પરવશ થઇને ભોગવીએ છીએ. આમ જ્યાં કહેલું છે ત્યાં પણ પરમાત્મા સર્વના કર્મફળને આપનારા છે. એમ જાણવું. 


।। जीवेभ्यः ईश्वरस्य पृथक्त्वम् - 

અહીં તમામ જીવો તથા ઇશ્વરોનું નિયમ્યપણું કહ્યું, અને પરમાત્માનું નિયામકપણું કહ્યું. જીવો તથા બ્રહ્માદિક ઇશ્વરોનું પરતંત્રપણું અને પરમાત્માનું સ્વતંત્રપણું કહ્યું. જીવોનું કર્મફળ ભોક્તાપણું અને પરમાત્માનું કર્મફળપ્રદાતાપણું કહ્યું. તેથી સિદ્ધ થાય છે કે- જીવતત્ત્વથી પરમાત્મતત્ત્વ જુદું છે. જીવ એક પૃથક્ તત્ત્વ છે. અને પરમાત્મા પણ પૃથક્ તત્ત્વ છે. જીવ અને પરમાત્મા તત્ત્વ અનાદિ છે. જીવ દાસ છે, અને પરમાત્મા સ્વામી છે. જીવ પરમાત્માનું ક્ષેત્ર છે અને પરમાત્મા ક્ષેત્રજ્ઞા છે. જીવ શરીર છે અને પરમાત્મા શરીરિ આત્મા છે. જીવ વ્યાપ્ય અને પરમાત્મા વ્યાપક છે. જીવ પાલ્ય છે અને પરમાત્મા પાલક છે. જીવ શાસ્ય છે અને પરમાત્મા શાસક છે. જીવ ઉપાસક છે અને પરમાત્મા ઉપાસ્ય છે. આ પ્રમાણે પરમાત્મા અને જીવાત્મા બન્ને વિપરીત ધર્મોથી યુક્ત છે. માટે બન્નેની અંદર પરસ્પર ભેદ સિદ્ધ થાય છે. અને વળી જીવ અને પરમાત્માના ભેદનું વાસ્તવિકપણું અને અનાદિપણું ભગવદ્ગીતામાં પણ વર્ણવેલું છે. ''न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः । न चैव न भविष्यामः सर्वे वयमतः परम्'' ।। इति ।। આ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે- હે અર્જુન ! હું આથી પહેલાં ભૂતકાળમાં ન હતો એમ નહિ, પરંતુ હતો જ. અને હે અર્જુન ! તું પણ આથી પહેલાં ન હતો એમ નહિ, પરંતુ હતો જ. અને આ યુદ્ધમાં ઉભેલા રાજાઓ પણ આથી પહેલાં ન હતા, એમ નહિ પરંતુ એ પણ સર્વે હતા જ. અને હવે પછી ભવિષ્યમાં પણ આપણે સર્વે નહિ હોઇએ એમ પણ નહિ. પરંતુ ભવિષ્યમાં સર્વે હોઇશું. વળી ભગવાન કહે છે- હે અર્જુન ! જેમ હું નિત્ય છું, મારો કદીપણ નાશ નથી, તેમાં કોઇ જાતનો સંશય નથી. તેમ તમો પણ સર્વે નિત્ય જ છો. મારી પેઠે તમારો પણ કદી નાશ નથી. આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે પણ આત્મા પરમાત્માનો ભેદ બતાવેલો છે, અને બન્નેનું અવિનાશીપણું પણ બતાવેલું છે, અને પરસ્પર આત્માઓ પણ એક બીજાથી ભિન્ન છે. તેથી પરસ્પર આત્માઓનો પણ ભેદ સત્ય અને અનાદિ બતાવેલો છે. આ પ્રમાણે જીવ, માયા અને ઇશ્વર આ ત્રણેના સ્વરૂપને જે રૂડી રીતે જાણવાં તેને જ્ઞાન કહેલું છે. એમ સર્વે મારા આશ્રિતો હોય તેમણે જાણવું. ।।૧૦૭।।