त्रिगुणात्मा तमः कृष्णशक्तिर्देहतदीययोः । जीवस्य चाहंममताहेतुर्मायावगम्यताम् ।।१०६।।
અને જે માયા છે એ ત્રિગુણાત્મિકા છે, અંધકારરૂપ છે, ભગવાનની શક્તિ છે. અને દેહ તથા દેહના સંબન્ધીઓમાં અહંતા અને મમતા કરાવનારી છે, આવી માયા જાણવી.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- માયા છે એ પરમાત્માના મિલનમાં જીવાત્માને માટે અવરોધરૂપ બનીને રહેલી છે. અર્થાત્ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે પડદારૂપ બનીને રહેલી છે. એજ કારણથી જ્યાં જીવ, માયા અને ઇશ્વર આ ત્રણ તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવે છે. ત્યાં અનુક્રમમાં માયાનું જીવ અને ઇશ્વરની મધ્યે નિરૂપણ કરવામાં આવે છે. આ શિક્ષાપત્રીમાં પણ શ્રીજીમહારાજે જીવના સ્વરૂપનું નિરૂપણ કર્યા પછી બીજા નંબરે માયાનું નિરૂપણ કર્યું છે. અને ત્યાર પછી ઇશ્વરના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે.
હવે માયાના સ્વરૂપનું નિરૂપણ કરતાં શ્રીજીમહારાજે આ શ્લોકમાં માયાનાં પાંચ મુખ્ય વિશેષણો નિરૂપણ કર્યાં છે. જેમ કે- ''(१) त्रिगुणात्मा, (२) तमः, (३) कृष्णशक्तिः, (४) देहे।हंताहेतुः (५) तदीये ममताहेतुः ।। આ પાંચ માયાનાં વિશેષણોની અનુક્રમે અહીં વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેમાં પ્રથમ.
(१) त्रिगुणात्मा, ''त्रयो गुणाः स्वरूपभूता यस्या इति त्रिगुणात्मा ।।'' -
ત્રણ ગુણો છે સ્વરૂપ ભૂત જેમના આવી માયા છે. અર્થાત્ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણવાળી માયા છે. માયા આ ત્રણ ગુણોથી જીવાત્માને બાંધી રાખે છે, અને પુણ્ય પાપરૂપ કર્મોને કરાવે છે. તેમાં સત્ત્વગુણ પ્રકાશસ્વરૂપ છે. તેથી જ્યારે અંતઃકરણમાં સત્ત્વગુણ વર્તતો હોય, ત્યારે ''હું કોણ છું ?'' તેનો જેમ છે એમ પ્રકાશ વર્તતો હોય છે. અને સત્વગુણના આનંદ, તપ, શાન્તિ અને સંતોષ આદિક સ્વાભાવિક ગુણો વર્તતા હોય છે. અને રજોગુણ વિક્ષેપસ્વરૂપ છે. તેથી જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે મન અતિ ચંચળ હોય છે. અને સંકલ્પદ્વારા અનેક પ્રકારના વિક્ષેપો ઉત્પન્ન કરે છે. અને રજોગુણના અસ્થિરપણું, પ્રવૃત્તિશીલપણું, ભેદદૃષ્ટિ, નાનાપ્રકારના મદો આદિક સ્વાભાવિક ગુણો વર્તતા હોય છે. અને તમોગુણ મૂઢ સ્વરૂપ છે. તેથી જ્યારે તમોગુણ વર્તતો હોય ત્યારે જીવની અંદર મૂઢતા હોય છે. સારૂં નરસું કાંઇપણ વિચારી શકતો નથી. અને તમોગુણના અજ્ઞાન, મોહ, નિદ્રા, આળસ, પ્રમાદ આદિક સ્વાભાવિક ગુણો વર્તતા હોય છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણે ગુણો હૃદયની અંદર વારાફરતી વર્તતા હોય છે. જ્યારે એક ગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે બીજા બે ગુણો ગૌણપણે હોયછે. આ રીતે સૃષ્ટિદશામાં ત્રણે ગુણો વિષમભાવે વર્તતા હોય છે. અને પ્રલયદશામાં આ ત્રણે ગુણો સામ્ય અવસ્થાએ વર્તતા હોય છે. આ પ્રમાણે માયાના આ ત્રણગુણો છે, તેથી માયાને ત્રિગુણાત્મિકા કહેલી છે.
(२) तमः -
અને વળી એ માયા પોતે ગાઢ અંધકારસ્વરૂપ છે. જેમ અંધકાર પદાર્થોને ઢાંકી દે છે. તેમ માયા અજ્ઞાનરૂપી અંધકારથી જીવાત્માના સ્વરૂપને ઢાંકી દે છે. તેથી દેહાભિમાનથી રહિત શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકાશી શકતું નથી. ''तमो नाम-स्वरूपा।प्रकाशः'' તમ એટલે આત્મસ્વરૂપનો અપ્રકાશ. અર્થાત્ અજ્ઞાનરૂપી અંધકારને કારણે આત્મસ્વરૂપ ''હું આત્મા છું અને સર્વદા દેહથી પૃથક્ છું.'' આ રીતે પ્રકાશી શકતું નથી. પણ ''હું મનુષ્ય છું, હું દેવ છું, હું વિદ્વાન છું'' આ રીતે દેહ ભાવથી યુક્તપણે પ્રકાશે છે. આ પ્રમાણે માયા જીવાત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેનારી છે, તેથી તમોરૂપ કહેલી છે.
(३) कृष्णशक्तिः, -
અને વળી માયા ભગવાનની શક્તિ છે. આ વિષયમાં ભાગવતનું પ્રમાણ અહીં નિરૂપણ કરેલું છે- ''स्वशक्त्या मायया युक्तः सृजत्यत्ति च पाति च'' ।। इति ।। આ પદ્યનો એ અર્થ છે કે, પોતાની શક્તિરૂપ માયાથી વિશિષ્ટ થઇને પરમાત્મા આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. ભગવાનની સૃષ્ટિરૂપ કાર્યમાં માયા એક ઉપકરણ છે. અર્થાત્ સાધનરૂપ છે. અને ભગવાનનું અપૃથક્ વિશેષણ છે. માયા ભગવાન થકી પૃથક્ રહી શકતી નથી. માટે ભગવાનની શક્તિ કહેવામાં આવે છે. અને અંશ પણ કહેવામાં આવે છે. વિશિષ્ટ વસ્તુનું જે અપૃથક્ વિશેષણ તેને અંશ શબ્દથી કહેવાય છે.
જેમ આ શરીર માયાનું જ કાર્ય છે. અને જીવાત્માના ભોગને માટે એક ઉપકરણ છે. અને જીવાત્માથી પૃથક્ આ શરીરનું અસ્તિત્વ નથી. પરંતુ જીવાત્માને લઇને જ આ શરીરનું અસ્તિત્વ છે. જીવાત્મા નીકળી ગયા પછી આ શરીરનું અસ્તિત્વ રહેતું નથી. તરત જ શરીર મટીને શબનું અસ્તિત્વ આવી જાય છે. અને અંતે પંચ મહાભૂતમાં ભળી જાય છે. આ પ્રમાણે આ શરીર જીવાત્માના ભોગને માટે ઉપકરણ હોવાથી, અને જીવાત્મા વિના શરીરનું અસ્તિત્વ ન હોવાથી શરીરને જીવાત્માની શક્તિ તથા અંશ કહેવાય છે. તેજ રીતે ભગવાનની સૃષ્ટિરૂપ કાર્યમાં માયા એક સાધનરૂપ છે. અને ભગવાન વિના માયાનું અસ્તિત્વ પણ નથી, ભગવાનને લઇને જ માયાનું અસ્તિત્વ છે. તેથી માયાને ભગવાનની શક્તિ તથા અંશ કહેવાય છે. અને ભગવાનની શક્તિ છે, તેથી માયા સર્વપ્રકારે ભગવાનને આધીન છે. એજ કારણથી માયા જેમની શક્તિ છે, જેમને આધીન છે, એવા પરમાત્માની શરણાગતિ સ્વીકારીએ તો જ માયાથી આપણે બચી શકીએ છીએ. માટે માયા થકી મુક્ત થવાને ઇચ્છતા એવા પુરુષો હોય તેમણે સર્વપ્રકારે માયાના નિયન્તા એવા પરમાત્માની શરણાગતિ સ્વીકારવી જોઇએ. શરણાગત ભક્ત ઉપર જ્યારે ઇશ્વરનો અનુગ્રહ થાય છે, ત્યારે જ માયાથી મુક્તિ થાય છે, એ સિવાય ક્યારેય પણ માયા થકી મુક્તિ થતી નથી. આવો સર્વ શાસ્ત્રોનો અભિપ્રાય છે.
(४) देहे।हंताहेतुः माया -
અને વળી માયા દેહની અંદર અહંકારને ઉત્પન્ન કરનારી છે. જો કે આત્મા સર્વપ્રકારે શરીરથી વિલક્ષણ છે છતાં ''હું શરીર છું'' આવો અહંકાર જે કરે છે, તેનું કારણ માયા છે. જીવાત્માનો એક જ પ્રકારનો અહંકાર હોવો જોઇએ કે, હું ભગવાનનો દાસ છું. આ રીતે દાસત્વનો જે અહંકાર એજ શુદ્ધ અને સાત્વિક અહંકાર છે. એ વાસ્તવિક અહંકારને ઢાંકીને માયા શરીરમાં અહંકાર ઉત્પન્ન કરે છે. કે ''હું મનુષ્ય છું, હું કાળો છું, હું ધોળો છું.'' આ પ્રમાણે દેહમાં અહંકાર ઉત્પન્ન કરનારી માયા જાણવી.
(५) तदीये ममताहेतुः माया -
અને વળી આ માયા દેહના સંબન્ધીઓમાં મમતા ઉત્પન્ન કરનારી છે. મમતાનો અર્થ થાય છે ''મારું'' મારું એ શેષે ષષ્ઠી વિભક્તિ છે. એટલે આ પદાર્થ કે પુત્ર કે પત્ની એ આદિક મારા શેષભૂત છે. અને હું એમનો શેષી છું. આવો મમતાનો અર્થ છે. વાસ્તવિક રીતે સંપૂર્ણ જગત પરમાત્માના શેષભૂત છે. અને પરમાત્મા સંપૂર્ણ જગતના શેષી (માલિક) છે. આ સંપૂર્ણ જગત પરમાત્માના શેષભૂત છે. આ વાસ્તવિક અર્થને ઢાંકીને માયા શરીર સંબન્ધી પદાર્થોમાં મમતા ઉત્પન્ન કરે છે કે- ''આ મારો પુત્ર છે, આ મારી પત્ની છે, આ મારી વસ્તુ છે.'' આ પ્રમાણે દેહ સંબન્ધી કોઇપણ પદાર્થોમાં મમતા ઉત્પન્ન કરનારી માયા જાણવી. આ રીતે ભક્તજનોએ માયાનું સ્વરૂપ જાણવું, આવો અભિપ્રાય છે. ।।૧૦૬।।