हृत्स्थो।णुसूक्ष्मश्चिद्रूपो ज्ञाता व्याप्याखिलां तनुम् । ज्ञानशक्त्या स्थितो जीवो ज्ञोयोच्छेद्यादिलक्षणः ।।१०५।।
અને જે જીવ છે તે હૃદયમાં રહ્યો છે, અણુસરખો સૂક્ષ્મ છે, ચૈતન્યરૂપ છે, જાણનારો છે, પોતાની જ્ઞાનશક્તિ વડે નખથી શિખાપર્યંત વ્યાપીને રહેલો છે, અને અછેદ્ય, અજર, અમર ઇત્યાદિક લક્ષણવાળો જીવ છે, એમ અમારા આશ્રિતોએ જાણવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું તાત્પર્ય સમજાવતાં કહે છે કે- શ્રીજીમહારાજે પૂર્વના શ્લોકમાં કહ્યું, જે જીવ, માયા અને ઇશ્વરના સ્વરૂપને જેમ છે તેમ જાણવું તેને જ્ઞાન કહેવામાં આવે છે. તેમાં હવે અનુક્રમે પ્રથમ જીવના સ્વરૂપને કેવી રીતે જાણવું, એ બાબત આ શ્લોકમાં સમજાવેલી છે. શાસ્ત્રજન્ય આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન છે, એ ઉપાસનાની આધારશીલા છે. મનુષ્ય ત્યારે જ પરમાત્માની ઉપાસના કરી શકે છે કે, જ્યારે પોતાના સ્વરૂપને પરમાત્મા કરતાં ન્યૂન જાણે અને પરમાત્માને પોતાથી અધિક જાણે. અર્થાત્ આત્માને એક પરમાત્માનો જ શેષ જાણે, અને પરમાત્માને શેષી જાણે. આત્માને દાસ અને સેવક સમજે, અને પરમાત્માને સ્વામી સમજે. આવો જે સ્વામી સેવક ભાવ છે, એ સદાયને માટે રહે છે, મોક્ષદશામાં પણ રહે છે. આ રીતે સર્વપ્રકારે આત્મા કરતાં પરમાત્માને ઉત્કૃષ્ટ અને વિલક્ષણ સમજે, તો જ જીવાત્મા પરમાત્માની ઉપાસના કરી શકે છે. માટે શાસ્ત્ર જન્ય જે આત્મા અને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એજ ઉપાસનાની આધારશીલા કહેલી છે. આત્મા પરમાત્માના યથાર્થ જ્ઞાનથી ઉપાસના ઉત્પન્ન થાય છે. અર્થાત્ બ્રહ્મવિદ્યાનો પ્રારંભ થાય છે. અને એ બ્રહ્મવિદ્યા રૂપ ઉપાસનાની પુષ્ટિ વર્ણાશ્રમ ધર્મના યથાર્થ પાલનથી થાય છે, આવો વિવેક છે. એજ કારણથી શ્રીજીમહારાજે પ્રથમ આ શ્લોકમાં સંક્ષેપથી જીવાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નિરૂપણ કરેલું છે. તેમાં જે વિશેષણો દ્વારા વિશિષ્ય જીવાત્માના સ્વરૂપનું નિરૂપણ શ્રીજીમહારાજે કરેલું છે, એ વિશેષણો આ શ્લોકમાં નવ નિરૂપણ કર્યાં છે. જેમ કે- ''हृत्स्थः, (२)अणुसूक्ष्मः, (३)चिद्रुपः, (४)ज्ञाता, (५)ज्ञानशक्त्या अखिलां तनुं व्याप्य स्थितः, (६)अच्छेद्यः, ()अजरः, (८)अमरः, (९)अजन्मा.'' ।। इति ।। આ નવ જીવાત્માના વિશેષણોનું અનુક્રમે વર્ણન કરતાં, શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- (૧) ''हृत्स्थः'' શ્રીજીમહારાજ કહે છે કે- આ શરીરમાં જીવાત્મા હૃદયકમળની અંદર રહેલો છે. અને આ વિષયમાં છાંદોગ્ય ઉપનિષદ પણ પ્રમાણરૂપ છે- ''अथ यदिदमस्मिन् ब्रह्मपुरे दहरं पुंडरीकं वेश्म दहरो।स्मिन्नन्तर आकाशस्तस्मिन्यदन्तस्तदन्वेष्टव्यं तद्वा जिज्ञासितव्यम्'' ।। इति ।। આ છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિમાં પ્રતિપાદન કરેલું છે કે, આ શરીરમાં કમળની સમાન આકારવાળું અને અત્યંત સૂક્ષ્મ હૃદય નામનું એક 'વેશ્મ' એટલે ઘર અને એ હૃદયરૂપી ઘરની અંદર અંગુઠા જેવડો આકાશ રહેલો છે, જેને દહરાકાશ પણ કહે છે. એ દહરાકાશને વિષે જીવાત્મા રહેલો છે. અને જીવાત્મામાં પરમાત્મા રહેલા છે. અને તે પરમાત્મા શોધવા યોગ્ય છે, અને ઉપાસના કરવા યોગ્ય છે. આ છાંદોગ્ય ઉપનિષદના પ્રમાણથી એ સિદ્ધ થાય છે કે, જીવાત્મા હૃદયરૂપી ઘરમાં રહેલો છે. અર્થાત્ હૃદયસ્થાન એ જીવાત્માનું ઘર છે.
અને વળી જીવાત્માની ત્રણ અવસ્થા શાસ્ત્રો બતાવે છે- જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ- ''अवस्थीयते।स्यां जीवेन भोगार्थम् इति अवस्था ।। હવે અવસ્થા કોને કહેવાય ? તો કહે છે કે કર્મને અનુસારે પંચવિષયના ભોગો સંપાદન કરવા માટે શરીરના અમુક સ્થાનમાં જીવને જે રહેવું તેને ''અવસ્થા'' કહેવાય છે. સત્વગુણ પ્રધાનપણે જીવાત્માએ જે કર્મો કરેલાં હોય, એ કર્મનું ફળ જીવાત્મા નેત્રસ્થાનમાં રહીને સંપાદન કરે છે. માટે નેત્રસ્થાનમાં રહીને સત્વગુણાત્મક કર્મનાં ફળો જે સંપાદન કરવાં, એજ જીવાત્માની જાગ્રત અવસ્થા કહેવાય છે. અને તેથી જ જાગ્રત અવસ્થા નેત્રસ્થાનમાં રહેલી કહેવાય છે. તેથી જીવ આ જાગ્રત અવસ્થામાં નેત્રસ્થાનને વિષે રહીને બાહ્યશબ્દાદિક પંચવિષયોના યથાર્થ અનુભવમાં પ્રવૃત્ત રહે છે. આ વિષયમાં માંડૂક્ય ઉપનિષદ પ્રમાણરૂપ છે.- ''जागरितस्थानो बहिः प्रज्ञाः स्थूलभाक्'' ।। इति ।।
અને જ્યારે રાત્રી પડે છે, અથવા જીવ જ્યારે આરામની તૈયારી કરે છે, ત્યારે જીવાત્મા માયાને આધીન થઇને નેત્રસ્થાનમાંથી હટીને હૃદયસ્થાનમાં જવા નીકળે છે. તે સમયે નાડીમાર્ગમાં કંઠદેશને પામીને સ્વપ્ન અવસ્થાને અનુભવે છે. રજોગુણ પ્રધાનપણે જીવાત્માએ જે કર્મો કરેલાં હોય, એ કર્મનું ફળ જીવાત્મા કંઠદેશમાં રહીને સંપાદન કરે છે. માટે કંઠસ્થાનમાં રહીને રજોગુણાત્મક કર્મનાં ફળો જે સંપાદન કરવાં, એ જ જીવાત્માની સ્વપ્ન અવસ્થા કહેવાય છે. અને તેથી જ સ્વપ્ન અવસ્થા કંઠસ્થાનમાં રહેલી કહેવાય છે. આ સ્વપ્ન અવસ્થામાં જીવાત્મા આભ્યન્તર શબ્દાદિક પંચવિષયોના અયથાર્થ અનુભવમાં પ્રવૃત્ત રહે છે. આ વિષયમાં પણ માંડૂક્ય ઉપનિષદ પ્રમાણરૂપ છે- ''स्वप्नस्थानो।न्तःप्रज्ञाः प्रविविक्तभुक्'' इति
અને કંઠસ્થાનથી જ્યારે જીવ માયાને આધીન થઇને પાછો પોતાનું ઘર જે હૃદયસ્થાન ત્યાં પહોંચે છે, ત્યારે મસ્તકનું જે કાર્યાલય છે, એ સંપૂર્ણ બંધ થઇ જાય છે. તેથી હૃદયસ્થાનમાં આવીને જીવ સુષુપ્તિ અવસ્થાને અનુભવે છે. અર્થાત્ ગાઢ નિદ્રાને અનુભવે છે. તમોગુણ પ્રધાનપણે જીવાત્માએ જે કર્મો કરેલાં હોય, એ કર્મોનું ફળ જીવાત્મા હૃદયરૂપી પોતાના સ્થાનમાં રહીને સંપાદન કરે છે. માટે હૃદયરૂપી પોતાના સ્થાનમાં રહીને તમોગુણાત્મક કર્મનાં ફળો જે સંપાદન કરવાં, એજ જીવાત્માની સુષુપ્તિ અવસ્થા કહેવાય છે. અને તેથી જ સુષુપ્તિ અવસ્થા હૃદયસ્થાનકમાં રહેલી કહેવાય છે. આ અવસ્થામાં જીવાત્મા બાહ્ય તથા આભ્યન્તર શબ્દાદિક પંચવિષયોના વિચારોથી શૂન્ય (રહિત) થઇને આરામ કરે છે. આ વિષયમાં માંડૂક્ય ઉપનિષદ પ્રમાણરૂપ છે.''यत्र सुप्तो न कञ्चन कामं कामयते, न कञ्चन स्वप्नं पश्यति, तत् सुषुप्तम् । सुषुप्तस्थानः प्राज्ञाः एकीभूतः'' ।। इति ।।
હવે અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે- જીવાત્મા સ્વરૂપે કરીને તો હૃદયસ્થાનમાં જ સ્થિર રહેલો છે. તેથી એ જીવાત્મા સ્વરૂપે કરીને કાંઇ નેત્રસ્થાન કે કંઠસ્થાનમાં જતો નથી. પણ જીવાત્માની જે ચૈતન્ય શક્તિ છે, જેને ધર્મભૂત જ્ઞાન પણ કહે છે. આવી ચૈતન્ય શક્તિ પ્રસરણ પામીને પ્રથમ કંઠ સ્થાનમાં જાય છે, ત્યારે સ્વપ્ન અવસ્થા કહેવાય છે. અને પછી ત્યાંથી જ્યારે એ ચૈતન્ય શક્તિ નેત્રસ્થાનમાં જાય છે, ત્યારે જાગ્રત અવસ્થા કહેવાય છે. અને વળી જ્યારે રાત્રી પડે છે, ત્યારે ફરી કંઠદેશને પામે છે, અને સ્વપ્નદશાને અનુભવે છે. અને હૃદયને પામીને સુષુપ્તિ દશાને અનુભવે છે. અર્થાત્ ચૈતન્ય શક્તિ પાછી જ્યારે હૃદયને વિષે સ્વસ્વરૂપમાં આવીને લય પામે છે, તેને સુષુપ્તિ અવસ્થા કહેવાય છે.
જેમ સૌભરીઋષિ માંધાતાની પચાસ કન્યાઓની સાથે વિહાર કરવા માટે પોતે પચાસ શરીરો ધારણ કર્યાં હતાં. ત્યારે સર્વે શરીરોની અંદર કાંઇ જીવાત્માનું સ્વરૂપ ન હતું. જીવાત્માતો એક જ શરીરમાં રહેલો હતો. બીજાં ઓગણપચાસ શરીરોમાં તો પ્રસરણ પામેલી જે પોતાની ચૈતન્ય શક્તિ, તે દ્વારા સૌભરીઋષિ વિષયભોગને સંપાદન કરતા હતા. અને પોતાની ચૈતન્ય શક્તિ દ્વારા જ ઓગણપચાસ શરીરોનું નિયંત્રણ થતું હતું. એજ રીતે જીવાત્મા એકજ હૃદયસ્થાનમાં રહેલો છે. અને નેત્રાદિક સ્થાનમાં પ્રસરણ પામેલી પોતાની ચૈતન્ય શક્તિ દ્વારા કર્મભોગને સંપાદન કરે છે. માટે જીવાત્માને રહેવાનું સ્થાન તો આ શરીરમાં એકજ હૃદય છે. હૃદયમાં જ જીવાત્મા વિશેષ સત્તાથી રહેલો છે. આવો સર્વ શાસ્ત્રોનો અભિપ્રાય છે.
(२)अणुसूक्ष्मः,-
અને વળી હૃદયસ્થાનમાં રહેલો જીવાત્મા અણુ સરખો સૂક્ષ્મ છે. તેથી આ સ્થૂલ નેત્રોથી જોઇ શકાતો નથી. ભગવદ્ગીતામાં પણ પ્રતિપાદન કરેલું છે. ''सूक्ष्माणामप्यहं जीवः'' ।। इति ।। શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે- હે અર્જુન ! સર્વે સૂક્ષ્મ વસ્તુઓમાં જીવ અતિ સૂક્ષ્મ છે. અને એ સૂક્ષ્મ જીવની અંદર પણ હું અંતર્યામિપણે રહેલો છું.
(३)चिद्रुपः, -
અને વળી હૃદયસ્થાનમાં રહેલો અને અતિ સૂક્ષ્મ એવો જે આત્મા છે, એ ચૈતન્યસ્વરૂપ છે. અર્થાત્ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ જે હોય, એ હમેશાં પ્રકાશક અને સ્વયંપ્રકાશ હોય છે. જેમ કે- આ પુસ્તક છે, આ મંદિર છે, આ પ્રમાણે પોતા સિવાયની બીજી વસ્તુનો પ્રકાશ કરે છે. અર્થાત્ બીજી વસ્તુનું યથાર્થ વર્ણન કરે છે. માટે આત્માને પ્રકાશક કહ્યો છે. અને એ આત્મા પોતે પોતાનો પણ પ્રકાશ કરે છે. જેમ કે- ''હું આત્મા છું'' આ પ્રમાણે જ્ઞાનસ્વરૂપ આત્મા પોતાનો પણ પ્રકાશ કરે છે, માટે આત્માને સ્વયંપ્રકાશ કહેલો છે. આત્મા જેમ બીજી વસ્તુનો પ્રકાશ કરી શકે છે. તેમ જે જડવસ્તુ છે, એ બીજાનો પ્રકાશ કરી શકતું નથી. જેમ કે જડ વસ્તુ ''આ પુસ્તક છે'' આ રીતે બીજી વસ્તુનો પ્રકાશ કરી શકતું નથી. અને ''હું પુસ્તક છું'' આ રીતે પોતાનો પણ પ્રકાશ કરી શકતું નથી. માટે આત્મા જડ વસ્તુથી સર્વપ્રકારે વિલક્ષણ જ્ઞાનસ્વરૂપ છે.
(४)ज्ञाता, -
અને વળી આત્મા જાણનારો છે. અર્થાત્ જ્ઞાનગુણના આશ્રયરૂપ છે. જાણવારૂપ જે જ્ઞાન છે, એ આત્માના આધારે રહેલું છે. જેમ સૂર્યનો પ્રકાશ છે, એ સૂર્યના આધારે રહેલો છે. તેમ ધર્મભૂત જ્ઞાન છે, એ આત્માના આધારે રહેલું છે. તેથી આત્માને ધર્મી, જ્ઞાની, જ્ઞાતા આવા શબ્દથી કહેવાય છે. અર્થાત્ બુદ્ધિતત્ત્વદ્વારા જે જે જ્ઞાન થાય છે, એ જ્ઞાનનો આશ્રય આત્મા છે. અર્થાત્ આત્મા પોતાની અપૃથક્ ચૈતન્યશક્તિ દ્વારા અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવને જાણનારો છે. માટે જ્ઞાતા કહેવાય છે.
(५)ज्ञानशक्त्या अखिलां तनुं व्याप्य स्थितः, -
અને વળી આ જીવાત્મા પોતાની ચૈતન્યશક્તિથી નખથી શિખાપર્યંત સંપૂર્ણ શરીરમાં વ્યાપીને રહેલો છે. જીવાત્માનું વિશેષ અસ્તિત્ત્વ હૃદયમાં છે. અર્થાત્ સ્વસ્વરૂપે જીવાત્મા હૃદયમાં રહેલો છે. અને ચૈતન્યશક્તિદ્વારા જીવાત્માનું સામાન્ય અસ્તિત્ત્વ સારાયે શરીરમાં છે. એજ કારણથી શરીરમાં કોઇપણ જગ્યાએ કાંઇક દુઃખ થાય, તેની જાણ તરત જ હૃદયમાં જીવાત્માને થઇ જાય છે.
(६)अच्छेद्यः, -
આ જીવાત્મા કોઇપણ વસ્તુથી છેદી શકાતો નથી. શસ્ત્રાદિકે કરીને શરીરનું છેદન થાય છે, પણ આત્માનું છેદન થતું નથી. ''नैनं छिन्दन्ति शस्त्राणि'' ।। इति ।। આ ભગવદ્ગીતાનું વાક્ય પણ બતાવે છે કે જીવાત્માને કોઇપણ છેદી શકતું નથી. માટે જીવાત્માને અચ્છેદ્ય કહ્યો છે.
(७)अजरः, (८)अमरः, (९)अजन्मा.'' -
જીવાત્માને ક્યારેય પણ જરાવસ્થા પ્રાપ્ત નથી. અર્થાત્ જીવાત્મા ક્યારેય પણ વૃદ્ધ થતો નથી, માટે જીવાત્માને અજર કહ્યો છે. અને ક્યારેય મૃત્યુ પણ પામતો નથી, માટે અમર કહ્યો છે. અને મૃત્યુ ન પામતો હોવાને કારણે જન્મે પણ નહિ, માટે અજન્મા કહ્યો છે. આ શરીરનું જ જન્મ મરણ છે, પરંતુ જીવાત્માનું નહિ. શરીરનો યોગ એ જ જીવાત્માનો જન્મ કહેવાય છે. અને શરીરનો વિયોગ એજ તેનું મરણ કહેવાય છે. પણ વાસ્તવમાં જીવાત્માનું જન્મ અને મરણ નથી. આવું જીવાત્માનું સ્વરૂપ છે એમ જાણવું, આવો અભિપ્રાય છે. ।।૧૦૫।।