શ્લોક ૧૦૪

वैराग्यं ज्ञोयमप्रीतिः श्रीकृष्णेतरवस्तुषु । ज्ञानं च जीवमायेशरूपाणां सुष्ठु वेदनम् ।।१०४।।


અને અમારા આશ્રિતો હોય તેમણે, ભગવાન વિના બીજા પદાર્થોમાં જે પ્રીતિ નહિ, તેને વૈરાગ્ય જાણવો. અને જીવ, માયા, તથા ઇશ્વર આ ત્રણના સ્વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહેલું છે, એમ જાણવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- એક જ ભગવાનમાં દૃઢ સ્નેહને કારણે તૃણથી આરંભીને મૂળ પ્રકૃતિ પર્યન્તનાં સ્થાવર જંગમ સર્વે પદાર્થોમાં જે કાળગ્રાસ બુદ્ધિ અર્થાત્ સર્વે પદાર્થો કાળના કોડીયારૂપ છે. કાળે કરીને બધાં પદાર્થો એક દિવસ નાશ પામી જાય છે. આવી નાશવંત બુદ્ધિથી એ પદાર્થોને ભોગવવામાં જે ઉદાસીનપણું તેને વૈરાગ્ય જાણવો. વૈરાગ્યનું લક્ષણ વાસુદેવમાહાત્મ્યમાં પ્રતિપાદન કરેલું છે- ''इत्थं प्रभोः कालशक्त्या लयैरेतैश्चतुर्विधैः । असद्बुध्वा।खिलं तत्रा।रुचिर्वैराग्यमुच्यते'' ।। इति ।। આ પદ્યનું તાત્પર્ય એ છે કે- આ બ્રહ્માંડોના જે પ્રલયો થાય છે, એ ચાર પ્રકારના કહ્યા છે- નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યન્તિક પ્રલય. ભગવાનની કાળ શક્તિથી થતા જે ચાર પ્રકારના પ્રલયો વડે આ સંપૂર્ણ જગત નાશ પામી જાય છે. આ રીતે સમગ્ર જગતને અસત્ય જાણીને, તેમાં જે અરૂચિ તેને વૈરાગ્ય કહેલો છે, એમ જાણવું.


અને વળી જીવ, માયા તથા ઇશ્વર આ ત્રણેનાં સ્વરૂપને સારી રીતે જે જાણવાં, એ જ્ઞાનનું લક્ષણ છે એમ જાણવું. જીવ એટલે ''जीवयति चेतयति इति जीवः'' આ શરીરને જે ચેતન રાખે, શરીરને જે જીવાડે તેને જીવ કહેલો છે. માયા એટલે પ્રકૃતિ, જે ભગવાનની શક્તિ કહેલી છે. અને આ બ્રહ્માંડરૂપે તથા શરીરરૂપે પરિણામને પામે છે. અને ઇશ્વર એટલે સર્વના નિયામક પરંબ્રહ્મ પરમાત્મા. આ ત્રણના સ્વરૂપને પ્રમાણપૂર્વક રૂડી રીતે જાણવાં તેનું નામ જ્ઞાન. ''ज्ञायते इति ज्ञानम्'' જે કોઇ પદાર્થને જાણવું તેને જ્ઞાન કહેવામાં આવે છે. પરંતુ આધ્યાત્મિકમાર્ગમાં તો જીવ, માયા અને ઇશ્વરના સ્વરૂપને રૂડી રીતે જાણવાં તથા એ ત્રણેના સ્વરૂપનો પરસ્પર સંબન્ધ શું છે, તેને જે જાણવું તેને જ્ઞાન માનેલું છે. ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહેલું છે કે- ''क्षेत्रक्षेत्रज्ञायो र्ज्ञाानं यत्तज्ज्ञाानं मतं मम'' ।। इति ।। હે અર્જુન ! ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞાના સ્વરૂપને જે જાણવું, તેને અમોએ જ્ઞાન માનેલું છે. તેમાં ક્ષેત્ર એટલે જીવ અને માયા, અને ક્ષેત્રજ્ઞા એટલે જીવ અને માયારૂપી ક્ષેત્રને જાણનારા પરમાત્મા. જીવ અને માયાની અંદર પરમાત્મા અંતર્યામિપણે રહેલા છે. તેથી જીવ અને માયા આ બન્ને પરમાત્માનાં શરીરો કહેવાય છે. અને એજ કારણથી ક્ષેત્ર કહેવાય છે. અને પરમાત્મા એ બન્ને ક્ષેત્રના શરીરિ આત્મા છે, અને એ બન્ને ક્ષેત્રને જાણનારા છે, માટે પરમાત્માને ક્ષેત્રજ્ઞા કહેવામાં આવે છે. તો આ રીતે ક્ષેત્ર જે જીવ અને માયા, અને ક્ષેત્રજ્ઞા જે પરમાત્મા આ ત્રણેનાં સ્વરૂપને તથા ત્રણેના સંબન્ધને રૂડી રીતે જે જાણવું, તેને જ્ઞાન કહેવામાં આવે છે, આવો ભાવ છે. ।।૧૦૪।।