धर्मो ज्ञोयः सदाचारः श्रुतिस्मृत्युपपादितः । माहात्म्यज्ञानयुग्भूरिस्नेहो भक्तिश्च माधवे ।।१०३।।
અને મારા આશ્રિતો હોય તેમણે, શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલો જે સદાચાર તેને ધર્મ જાણવો. અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાનથી યુક્ત જે ઘણો સ્નેહ, તેને ભક્તિ જાણવી.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું તાત્પર્ય સમજાવે છે કે- શ્રુતિ એટલે વેદ, અને સ્મૃતિ એટલે યાજ્ઞાવલ્ક્યાદિ ઋષિઓએ રચેલી ધર્મસંહિતા, તેમણે અધિકારને અનુસારે અવશ્ય પાલન કરવા માટે વિધાન કરેલો જે સદાચાર, તેને ધર્મ જાણવો. સદાચાર એટલે લોક તથા શાસ્ત્રથી વિરુદ્ધ ન હોય એવો જે આચાર, તેને ધર્મ જાણવો. શ્રુતિ તથા સ્મૃતિની અંદર પ્રતિપાદન કરેલો જે આચાર, લોકથી જો વિરૂદ્ધ હોય તો તે સદાચાર કહી શકાય નહિ. અને જે આચાર લોકમાં પ્રચલિત હોય, અને જો શ્રુતિ અને સ્મૃતિઓથી વિરૂદ્ધ હોય તો સદાચાર કહી શકાય નહિ. અર્થાત્ લોકમાં પ્રચલિત હોય, અને શાસ્ત્રોથી પણ વિરૂદ્ધ ન હોય, આવો જે સદાચાર, તેને જ ધર્મ જાણવો.
અને વળી કેવળ વેદથી ધર્મનો નિર્ણય કરી શકાતો નથી. કારણ કે વેદની અંદર તો જે મનુષ્ય જેવા સત્વાદિક ગુણોથી યુક્ત હોય, તેને અનુસરીને જ સમગ્ર વિધાનો કરેલાં હોય છે. કેટલાંક વિધાનો સત્વગુણી મનુષ્યોને માટે હોય છે. કેટલાંક વિધાનો રજોગુણી મનુષ્યોને માટે હોય છે. અને કેટલાંક વિધાનો તમોગુણી મનુષ્યોને માટે હોય છે. જેમ કે વેદની અંદર એક શ્યેનયાગ વર્ણવેલો છે. એ યાગની અંદર જો વિધિપૂર્વક બાજ પક્ષીને હોમવામાં આવે, તો પોતાનો શત્રુ જ્યાં હોય ત્યાં જ મૃત્યુ પામી જાય છે. આ વિધાન સત્વગુણી મનુષ્યને માટે નથી. આ વિધાન તો રાગી એવા તમોગુણ પ્રધાન મનુષ્યને માટે છે. આ રીતે વેદ એક વિશાળ સમુદ્ર છે. એ વેદરૂપી સમુદ્રમાંથી જેને જેટલું યોગ્ય હોય તેટલું જ ગ્રહણ કરવા યોગ્ય હોય છે, પણ સર્વે એક અધિકારીને ગ્રહણ કરવા યોગ્ય હોતું નથી. તેથી કેવળ વેદથી ધર્મનો નિર્ણય થઇ શકતો નથી. માટે ધર્મના નિર્ણયને માટે સ્મૃતિ શાસ્ત્રને પણ તપાસવાં. અર્થાત્ વેદમાં જે પ્રતિપાદન કરેલું હોય, એ જો સ્મૃતિ શાસ્ત્રમાં હોય, અને વેદ તથા સ્મૃતિમાં જે પ્રતિપાદન કરવામાં આવેલું હોય, એ જો મહાપુરુષોના આચરણમાં હોય, તો જ તેને ધર્મ કહી શકાય છે. ત્રણ જગ્યાએ જે આચાર મળતો આવતો હોય તેને જ ધર્મ કહી શકાય છે. મહાભારતના મોક્ષધર્મમાં પણ ત્રણ પ્રકારનું ધર્મનું લક્ષણ કહેલું છે.- ''सदाचारः स्मृतिः वेदास्त्रिविधं धर्मलक्षणम्'' ।। इति ।। આ વાક્યનું તાત્પર્ય એછે કે, સદાચાર એટલે મહાપુરુષોનો શ્રેષ્ઠ આચાર, સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર, અને ત્રીજો વેદ. આ ત્રણ ધર્મનું લક્ષણ છે. અર્થાત્ જે આચાર વેદમાં હોય એજ સ્મૃતિમાં હોય. અને જે આચાર વેદ અને સ્મૃતિ આ બન્નેમાં હોય, એજ આચાર જો મહાપુરુષોના આચરણમાં હોય, તો જ એ ધર્મ માની શકાય છે. આ પ્રમાણે ત્રણેમાં મળતો જે આચાર તેને જ ધર્મ કહેવાય છે. આ રીતે ત્રણે દ્વારા નિર્ણય પામેલ જે ધર્મે, તેનું પાલન કરનાર મનુષ્ય ઉત્તમ સુખને પામે છે. આ વિષયમાં મનુસ્મૃતિ પ્રમાણભૂત છે.- ''श्रुतिस्मृत्युदितं धर्ममनुतिष्ठन् हि मानवः । इह कीर्तिमवाप्नोति प्रेत्य चानुत्तमं सुखम्'' ।। इति ।। આ શ્લોકનો ભાવ એ છે કે- શ્રુતિ અને સ્મૃતિમાં કહેલા ધર્મનું આચરણ કરનારો મનુષ્ય આ લોકમાં મોટી કીર્તિને પામે છે. અને મરીને ઉત્તમ સુખને પામે છે. અર્થાત્ ધર્મ જ સર્વે સુખનું મૂળ છે. ધર્મ વિના તો કોઇ પુરુષાર્થની સિદ્ધિ થઇ શકતી નથી. માટે શ્રુતિ સ્મૃતિ અને મહાપુરુષોના આચરણ દ્વારા ધર્મનો નિર્ણય કરીને દેશ-કાળને અનુસારે ધર્મનું પાલન કરવું, આવો અભિપ્રાય છે.
અને વળી ભગવાનના માહાત્મ્યજ્ઞાનથી યુક્ત એવો ભગવાનને વિષે સર્વાધિક સ્નેહ-પ્રેમ તેને ભક્તિ કહેલી છે. ભગવાનનું માહાત્મ્ય એટલે ભગવાનની મોટાઇ, ભગવાનનું સામર્થ્ય, ભગવાનનું પરપણું વગેરે. કોઇ પણ વસ્તુનું જ્યાં સુધી માહાત્મ્ય સમજાયેલું ન હોય, ત્યાં સુધી એ વસ્તુમાં પ્રેમ થતો નથી. જ્યારે વસ્તુનું યથાર્થ માહાત્મ્ય સમજાય છે, ત્યારે જ એ વસ્તુમાં ભાવ ઉત્પન્ન થાય છે. ભગવાન તો સર્વ થકી પર રહેલું એવું જે અક્ષરધામ તેના થકી પણ પર છે. ભગવાન અક્ષર, કાલ, માયા, આદિક સર્વેના નિયામક છે. સ્વતંત્ર, સર્વે ઐશ્વર્યોથી સંપન્ન અને સર્વપ્રકારે ઉપાસના કરવા યોગ્ય છે. ભગવાનની મરજી વિના તો એક પાંદડું પણ ખરવા સમર્થ નથી. ભગવાન સર્વે જીવોને કર્મના બંધન થકી મુકાવવામાં સમર્થ છે. સર્વે બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરનારા છે. સૂર્ય અને ચંદ્ર પણ જે ભગવાનની આજ્ઞામાં રહીને હમેશાં વિચરણ કરે છે. સમુદ્ર પણ ભગવાનની આજ્ઞામાં રહીને પોતાની મર્યાદા ઓળંગતો નથી. બ્રહ્માદિક દેવતાઓ પણ હમેશાં ભગવાનની આજ્ઞામાં રહીને જ પોતાનું કાર્ય કરે છે. આ પ્રમાણે ભગવાનનું માહાત્મ્ય જેમ છે એમ જો જાણેલું હોય, તો જ ભગવાનમાં સ્નેહ ઉત્પન્ન થાય છે. આવો માહાત્મ્યજ્ઞાન પૂર્વકનો જે સ્નેહ તેને જ ભક્તિ કહેવાય છે.- ''माहात्म्यज्ञानपूर्वकस्तु सुदृढः सर्वतो।धिकः । स्नेहो भक्तिरिति प्रोक्ता यया मुक्तिर्नचान्यथा'' ।। इति ।। આ શ્લોકનો ભાવ એ છે કે- માહાત્મ્યજ્ઞાન પૂર્વક અતિદૃઢ અને સર્વથી અધિક એવો જે ભગવાનમાં સ્નેહ તેને ભક્તિ કહેલી છે. અને આવી ભક્તિ વડે જ મોક્ષ થાય છે. એ સિવાય બીજા કોઇ સાધનથી મોક્ષ થતો નથી. બીજાં સાધનોનું અનુષ્ઠાન કરવાથી તો ભક્તિનો ઉદય થાય છે. અને ભક્તિના ઉદયથી જ મોક્ષ થાય છે. આ ફળરૂપ પ્રેમલક્ષણા ભક્તિનું પ્રતિપાદન કર્યું છે. કારણ કે ભક્તિ પણ બે પ્રકારની છે- એક સાધનરૂપ ભક્તિ અને બીજી ફળરૂપ ભક્તિ. જે ફળરૂપ ભક્તિ છે તેને પ્રેમલક્ષણા ભક્તિ, તથા પરાભક્તિ પણ કહેવાય છે. તેમાં - ''श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् । अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्'' ।। इति ।। આ શ્રવણકીર્તનાદિક જે નવ પ્રકારની ભક્તિ છે, તેને સાધનરૂપ ભક્તિ કહેલી છે. અને સાધનરૂપ ભક્તિ કરતાં કરતાં જે ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. તેને ફળરૂપ તથા પ્રેમલક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. આવી ફળરૂપ પ્રેમલક્ષણા ભક્તિ તો ભાગવતમાં ગોપીઓને વિષે મોટે ભાગે વર્ણવેલી છે. જેમ કે- ''गोपीनां परमानन्द आसीत् गोविन्ददर्शने । क्षणं युगशतमिवयासां येन विना।भवत्'' ।। इति ।। શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે- હે રાજન્ ! ગોપીઓને પરમાત્મા શ્રીકૃષ્ણને વિષે અપાર સ્નેહ રહેલો હતો. તેથી ગોપીઓને જ્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન થતાં, ત્યાં સુધી જ આનંદ રહેતો હતો. ભગવાનનાં દર્શન વિના તો એક ક્ષણ પણ મહાન યુગની સમાન લાગતો હતો. અને વળી ગોપીઓ બ્રહ્માને પણ ગાળો દેતી હતી કે- હે બ્રહ્મા ! તારી બુદ્ધિ ઓછી છે. આ અમારાં નેત્રોની અંદર પાંપણો શા માટે બનાવ્યાં છે. જે પાંપણો ભગવાનનાં દર્શન કરવામાં આડાં આવે છે. આ રીતે ગોપીઓમાં ફળરૂપ પ્રેમલક્ષણા ભક્તિ હતી, તેનું ભાગવતમાં વર્ણન કરેલું છે. તો ગોપીઓની પેઠે ભગવાનમાં સર્વથી અધિક જે સ્નેહ, તેને જ ભક્તિ કહેવાય છે, એમ ભક્તજનોએ જાણવુંં. આવો ભાવ છે. ।।૧૦૩।।