શ્લોક ૧૫

न भक्ष्यं सर्वथा मांसं यज्ञाशिष्टमपि क्वचित् । न पेयं च सुरामद्यमपि देवनिवेदितम् ।।१५।।

અને વળી મારા આશ્રિતોએ યજ્ઞા કરતાં બાકી રહેલા માંસનું પણ ભક્ષણ કરવું નહિ, અને દેવને નિવેદન કરેલું એવું સુરા હોય કે મદ્ય હોય તેનું પણ પાન કરવું નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- જેમ બીજાના વધથી અને પોતાના વધથી દૂર રહેવું, એ જ રીતે માંસ ભક્ષણથી પણ સર્વ પ્રકારે દૂર રહેવું. ભક્તોએ યજ્ઞા કરતાં બાકી રહેલા માંસનું પણ ભક્ષણ કરવું નહિ, એટલે ભક્તો તો મોક્ષ માર્ગે રહેલા હોવાથી ક્યારેય પણ હિંસામય યજ્ઞા કરે જ નહિ. પરંતુ બીજા સ્થાનકને વિષે કોઇએ હિંસામય યજ્ઞા કરેલો હોય, અને પોતાને આમંત્રિત કર્યા હોય, અને એ યજ્ઞામાં દેવતાઓને કે પિતૃઓને માંસ અર્પણ કરેલું હોય અને દેવ તથા પિતૃઓને અર્પણ કરતાં બાકી રહેલું પ્રસાદીનું માંસ હોય છતાં પણ મારા આશ્રિતોએ ભક્ષણ કરવું નહિ. માંસ તો સર્વ અપવિત્ર વસ્તુઓમાં સર્વથી અધિક અપવિત્ર છે. તેના સ્પર્શનો પણ ત્યાગ કરવો ઘટે, તો પછી માંસનું ભક્ષણ તો થાય જ ક્યાંથી ? ન જ થાય.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- જેનો આહાર શુદ્ધ હશે, તેનું અંતઃકરણ શુદ્ધ થશે. અને આહાર જેનો અશુદ્ધ હશે તેનું અંતઃકરણ પણ અશુદ્ધ થશે. તેનું પ્રમાણ દાનધર્મમાં ભીષ્મપિતાએ કહ્યું છે કે- પુરૂષ ગમે તેવા મોટા મોટા યજ્ઞો કરે, પણ જો તેનો આહાર શુદ્ધ ન હોય તો તેનું અંતઃકરણ શુદ્ધ થતું નથી. કદાચ કોઇ યજ્ઞો ન કરી શકે, પણ જો તેનો આહાર પવિત્ર હશે તો એનું અંતઃકરણ પવિત્ર થશે જ. અને અંતઃકરણ શુદ્ધ થવાથી સારા વિચારો પ્રાપ્ત કરી શકશે.


અને માંસ કાંઇ વનવેલી કે વૃક્ષ થકી ઉત્પન્ન થતું નથી. માટે સર્વ પ્રકારે માંસ ભક્ષણ કરવામાં દોષ જ છે. મનુસ્મૃતિમાં કહેલું છે કે- ''ना।कृत्वा प्राणिनां हिंसां मांसमुत्पद्यते क्वचित् । न च प्राणिवधः स्वर्ग्यस्तस्मान्मांसं न भक्षयेत् ।। इति ।। માંસની ઉત્પત્તિને માટે પ્રાણીનો વધ આવશ્યક છે. અને પ્રાણીઓનો વધ કાંઇ સ્વર્ગ સુખને આપનારો નથી. માટે માંસ ભક્ષણમાં સર્વપ્રકારે દોષ કહ્યો છે.


અને વળી મહાભારતમાં એક કથા છે કે- ઇન્દ્રે હિંસામય યજ્ઞાનો આરંભ કર્યો. તે સમયે ત્યાં વસિષ્ઠાદિક ઋષિઓ જઇ પહોંચ્યા છે. ત્યાં ઋષિઓ અને ઇન્દ્રનો સંવાદ છે. ઇન્દ્ર કહે છે કે વેદોમાં હિંસામય યજ્ઞો લખાયેલા છે. માટે વેદો હિંસા પરાયણ છે. ઋષિઓ કહે છે કે નહિ, વેદમાં હિંસામય યજ્ઞો વિધિરૂપે લખાયેલા નથી. માટે વેદો હિંસા પરાયણ નથી, પરંતુ અહિંસા પરાયણ છે. આમ બન્નેનો જ્યારે સંવાદ ચાલી રહ્યો હતો. તે સમયે ઉપરિચરવસુ નામના રાજા ત્યાં પધાર્યા છે. ઋષિઓએ ઉપરિચરવસુ રાજાને સંશય પૂછયો કે, હે રાજન્ ! હિંસામય યજ્ઞો થાય કે નહિ ? અર્થાત્ માંસનું ભક્ષણ થાય કે નહિ ? તે સમયે વસુ રાજાએ વિચાર કર્યો કે કોનો કયો પક્ષ છે, એ હું જરા પુછી લઉં.


રાજા પુછે છે, હે ઋષિઓ ! તમારો પક્ષ કયો છે ? અને દેવતાઓનો પક્ષ કયો છે ? ત્યારે ઋષિઓએ કહ્યું કે- હિંસામય યજ્ઞો દ્વારા પણ માંસ ભક્ષણ ન થાય એ અમારો પક્ષ છે. અને હિંસામય યજ્ઞો વેદ માન્ય છે, માટે હિંસામય યજ્ઞો દ્વારા માંસનું ભક્ષણ થાય, એ દેવતાઓનો પક્ષ છે.


તે સમયે ઇન્દ્ર વસુ રાજાનો મિત્ર થતો હતો. તેથી ઇન્દ્રનો ખોટો પક્ષ રાખીને રાજાએ કહ્યું કે- હિંસામય યજ્ઞો થાય છે અને નથી પણ થતા. અર્થાત્ વેદો હિંસા પરાયણ છે અને અહિંસા પરાયણ પણ છે. આમ જ્યાં રાજાએ વેદોને હિંસા પરાયણ કહ્યા તે જ સમયે આકાશ ઉપરથી પૃથ્વી ઉપર પડી ગયા. તે વસુ રાજા યજ્ઞોના પુણ્યથી આકાશમાં વિચરણ કરતા હતા.


ફરીવાર ઋષિઓએ રાજાને સમજાવ્યા કે તમોએ વેદને હિંસાપરાયણ કહ્યા તેથી તમો આકાશ ઉપરથી પૃથ્વી પર પડી ગયા છો. માટે હજુ પણ તમે કહો કે વેદો હિંસાપરાયણ નથી. ત્યારે ફરીવાર પણ રાજાએ કહ્યું કે ના, મેં કહ્યું એ બરાબર છે. આમ જ્યાં કહ્યું ત્યાં પૃથ્વી ફાટી અને રાજા પૃથ્વીમાં પ્રવેશી મહાન કષ્ટને પામ્યા. આ રીતે હિંસામય યજ્ઞો દ્વારા પણ માંસ ભક્ષણમાં મોટો દોષ છે. માટે સર્વ પ્રકારે માંસ ભક્ષણ કરવું નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામીએ તો સત્સંગીજીવનમાં છાલ સહિત અગ્નિમાં શેકાયેલી લીલી સીંગોને પણ ખાવાની મનાઇ કરી છે. आर्द्रा बल्लास्तथाढक्यो भृष्टाः स्युर्यद्यनिस्तुषाः । पुम्भिर्न भक्ष्यास्ते सूक्ष्मजीवान्तसम्भवात् ।। इति ।। વાલ, તુવેર, વટાણા, ચોરા ઇત્યાદિક સીંગ ધાન્યો જો છાલ ઉતાર્યા વિના અગ્નિમાં શેકેલ હોય કે પાણીમાં બાફેલ હોય તો મારા આશ્રિત એવા સ્ત્રી-પુરૂષોએ ક્યારે પણ એ સીંગો ખાવી નહિ. કારણ કે સીંગોને શેકતી વખતે કે બાફતી વખતે બહારથી દેખાતા ન હોય એવા સૂક્ષ્મ કીડાઓ સીંગોની અંદર જ ઉત્પન્ન થયેલા હોય છે, તેનો નાશ થાય છે. માટે એક તો હિંસારૂપ દોષ લાગે છે, અને બીજો આપણે એ સીંગોનું ભક્ષણ કરીએ એટલે માંસ ભક્ષણનો દોષ લાગે છે. આ પ્રકારે બે દોષ લાગતા હોવાને કારણે મારા આશ્રિતોએ એ વસ્તુનું ભક્ષણ કરવું નહિ.


અને વળી ઇષ્ટદેવપણે માન્ય એવા કાલીભૈરવાદિકને નિવેદન કરેલ સુરા અને મદ્ય તેનું પણ પાન કરવું નહિ. શાસ્ત્રોમાં ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય બતાવેલું છે. મનુસ્મૃતિમાં ત્રણ પ્રકારની સુરાનું વર્ણન કરેલું છે, જેમ કે- ''गौडी माध्वी तथा पैष्टी विज्ञोया त्रिविधा सुरा ।। इति ।।'' એક તો ગોળમાંથી બનાવેલી, બીજી મહુડામાંથી બનાવેલી, ત્રીજી લોટમાંથી બનાવેલી. આમ ત્રણ પ્રકારની સુરા શાસ્ત્રમાં બતાવેલી છે. અને અગિયાર પ્રકારનું મદ્ય પણ શાસ્ત્રમાં વર્ણવેલું છે. पानसं द्राक्षमाधूकं खार्जूरं तालमैक्षवम् । माधूत्थं सैरमारिष्टं मैरेयं नालिकेरजम् ।। इति ।। એક તો ફાનસ નામના ફળમાંથી બનાવેલું, બીજું દ્રાક્ષમાંથી, ત્રીજું મહુડામાંથી, ચોથું ખજુરમાંથી, પાંચમું તાળમાંથી, છઠ્ઠું શેરડીમાંથી, સાતમું મધમાંથી, આઠમું સિંધડીમાંથી, નવમું અરિઠામાંથી, દશમું ધાત્રી, ધાવળી અને ગોળના પાણીમાંથી, અને અગિયારમું નાળીયેરમાંથી બનાવેલું. આ રીતે અગિયાર પ્રકારનાં મદ્યો શાસ્ત્રમાં બતાવ્યાં છે.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે, આ રીતે એ સમયમાં સુરા અને મદ્યના નક્કી કરેલા પ્રકારો હતા. જેમ કે ત્રણ પ્રકારની સુરા, અને અગિયાર પ્રકારનું મદ્ય. સુરા એટલે પીતાંની સાથે જ બુદ્ધિમાં મોહ ઉપજાવે, સાન ભાન ભુલાવી દે, જેને તીવ્ર નશો કહે છે. અને મદ્ય એટલે હળવો નશો. આવાં અગિયાર પ્રકારનાં મદ્યો તે વખતે વર્ણવ્યાં છે. અત્યારે તો અનેક પ્રકારનાં બને છે. પણ જે પીવામાં કેફ ચડે, જે પીવાથી વિચારતંત્ર જ બદલાઇ જાય, એવી કેફી વસ્તુ મારા આશ્રિતોએ ક્યારેય પણ પીવી નહિ. આવો ભાવ છે. 


હવે અહીં પ્રતિવાદી એવી શંકા કરે છે કે, જેને દારૂનું પાન કરવામાં અતિ આસક્તિ હોય, જે અતિ રાગથી દારૂનું પાન કરતા હોય, તેને માટે ભલે તમો મનાઇ કરો, પણ દેવતાઓને નિવેદન કરેલા દારૂને પ્રસાદરૂપ સમજીને પીવામાં શું દોષ છે ? શતાનંદ સ્વામી એનો ઉત્તર આપતાં કહે છે કે- સાંભળો - દેવતાઓ સાત્વિક છે. મનુષ્યો રાજસી છે. અને અસુરો તામસી છે. આ મોટો પ્રસિદ્ધ રાજમાર્ગ છે. તેમાં દેવતાઓને સુરાનું નિવેદન કરવું, એજ પ્રથમ ઘટીત નથી. દેવોને સુરાનું નિવેદન થાય જ નહિ. કારણ કે સુરા એ અસુરોનું અન્ન કહેલું છે. પરંતુ દેવતાઓનું અન્ન નથી. દેવતાઓનું પૂજન તો દૂધપાક, પુષ્પો આદિક સાત્વિક ઉપચારોથી કહેલું છે. માટે દેવોને નિવેદન કરેલું પ્રસાદરૂપ એવું પણ સુરા કે મદ્ય તેનું ક્યારેય પણ પાન કરવું નહિ. આવો અભિપ્રાય છે. ।।૧૫।।