अकार्याचरणे क्वापि जाते स्वस्य परस्य वा । अङ्गच्छेदो न कर्तव्यः शस्त्राद्यैश्च क्रुधापि वा ।।१६।।
અને ક્યારેક પોતાવતે કાંઇક અયોગ્યાચરણ થઇ ગયું હોય અથવા બીજાવતે અયોગ્યાચરણ થઇ ગયું હોય, તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન કરવું નહિ, અથવા ક્રોધે કરીને પણ પોતાના કે બીજાના અંગનું છેદન કરવું નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, જેમ કોઇ પણ પ્રાણીઓની હિંસા કરવી નહિ. તેજ રીતે કોઇ પણ પ્રાણીઓના અંગનું છેદન પણ કરવું નહિ. ક્યારેક લોક અને શાસ્ત્રમાં નિષેધ કરેલા પાપકર્મનું આચરણ પોતાથી અથવા બીજાથી થઇ ગયું હોય, તો તલવાર, છરી, સજાયો આદિક શસ્ત્રોવડે કરીને પોતાના અથવા પોતાનો અપરાધ કરનાર સ્ત્રી, પુરૂષ, પશુ, પક્ષી આદિક બીજાના કર્ણ, નાસિકા, શિશ્ન આદિક અંગનું છેદન કરવું નહિ. ભગવાને આપેલા અખંડિત શરીરને જો પોતે ખંડિત કરી નાખે છે, તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય છે. અને એના ઉપર ભગવાનનો કુરાજીપો થાય છે. તેથી વારંવાર જન્મમરણરૂપી સંસૃતિમાં ભ્રમણ પ્રાપ્ત થાય છે.
શતાનંદ સ્વામી સમજાવે છે કે, પોતાના હાથવડે ચોરી ઇત્યાદિક અયોગ્ય કર્મ થઇ ગયું હોય, અથવા નેત્રો વડે પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ ઇત્યાદિક પાપ કર્મ થઇ ગયું હોય, અને પછી વિચારે કે મારા હાથથી અથવા નેત્રોથી આવું અયોગ્ય કર્મ થયું. માટે મારે હવે હસ્ત તથા નેત્રો જોઇએ જ નહિ. આમ આવેશમાં આવીને હસ્તને કાપી નાખે, નેત્રોને ફોડી નાખે, તેણે કરીને હૃદયમાં રહેલા વેગો કાંઇ દૂર થઇ જતા નથી, અને એ પુરૂષ કાંઇ જીતેન્દ્રિય પણ કહેવાતો નથી. કારણ કે સર્વે ઇન્દ્રિયોનો નાયક મન છે, અર્થાત્ ઇન્દ્રિયોને પ્રેરણા આપનાર મન છે. અને મનને પ્રેરણા આપનારી બુદ્ધિ છે. બુદ્ધિ જેવો નિશ્ચય કરે છે. એ પ્રમાણે મન, ઇન્દ્રિયોને પ્રવર્તાવે છે. માટે ઇન્દ્રિયોને છેદી નાખવાથી કોઇ અર્થ સિદ્ધ થતો નથી. સાત્વિક વાતાવરણમાં રહીને, અને સાત્વિક કર્મથી જ્યારે બુદ્ધિને સાત્વિક બનાવવામાં આવે, ત્યારે જ મન અને ઇન્દ્રિયો ઉપર કાબુ આવી શકે છે. ત્યારે જ પુરુષ જીતેન્દ્રિય બની શકે છે. એમ છતાં પણ જો ક્યારેક પ્રકૃતિને પરવશ બનીને પોતાથી તથા બીજાથી કાંઇક અયોગ્ય આચરણ થઇ ગયું હોય, તો શાસ્ત્રને અનુસારે યથાશક્તિ પ્રાયશ્ચિત વ્રત કરવું, અથવા બીજા પાસે કરાવવું એ યોગ્ય છે. પણ અંગોનું છેદન કરી નાખવું એ યોગ્ય નથી, આવું તાત્પર્ય છે.
અને વળી સ્કંદપુરાણમાં કહેલું છે કે- परस्य त्रासजननी नोच्चार्या वागपि क्वचित् ।। इति ।। બીજાને ત્રાસ ઉત્પન્ન કરનારી વાણી પણ ક્યારેય બોલવી નહિ. ''આજે હું મારા અંગને કાપી નાખીશ, કે તમે આ દેવદત્તનું અંગ કાપી નાખો'' આવું પોતાના તથા બીજાના અંગને છેદવાનું વચન પણ બોલવું નહિ. બોલવામાં પણ પાપ છે, આવો ભાવ છે.
તેવી જ રીતે કોઇ દુર્જન પુરૂષોએ, અથવા પોતાના સંબન્ધીઓએ મર્મસ્થળને ભેદી નાખે એવું કઠોર વચન કહેલું હોય, અને તેણે કરીને પોતાને ક્રોધ ઉત્પન્ન થાય, અરે ! મને આમ કહ્યું, આમ આવેશમાં આવીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન કરવું નહીં. કારણ કે ક્રોધ છે એ પોતે કરેલા સમગ્ર પુણ્યમાત્રને બાળી નાખનાર છે. માટે ક્રોધને નિયમમાં કરી લેવો, પણ અંગોનું છેદન કરવું નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૬।।