स्तेनकर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित् । सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञाया ।।१।।
અને વળી મારા આશ્રિતો હોય તેમણે, ધર્મકાર્ય કરવાને અર્થે પણ ચોરીનું કર્મ ન કરવું, અને ધણીયાતી જે કાષ્ટ પુષ્પાદિક વસ્તુ, તે તેના ધણીની આજ્ઞા વિના લેવી નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- ધર્મને અર્થે પણ ચોરી ન થાય, તો પોતાના કુટુંબના પોષણાદિકને માટે કે પોતા માટે તો ચોરી ક્યાંથી થાય ? ન જ થાય.
ચોરીનું કર્મ એટલે ધણીની હાજરીમાં બળાત્કારે, અથવા તો ધણીની ગેરહાજરીમાં પારકા દ્રવ્યમાત્રનું હરણ કરી લેવું, પારકું દ્રવ્ય લુંટી લેવું તેને કહેવાય ચોરીનું કર્મ, આવું ચોરીનું કર્મ કોઇ ધર્મ સંબંધી કાર્યને માટે પણ કરવું નહિ. કારણ કે ચોરીનું દ્રવ્ય બીજાના અંતઃકરણને ક્લેશ આપીને મેળવેલું હોય છે. અને એ અન્યાયનું કહેવાય છે. માટે એ ચોરીનું દ્રવ્ય ધર્મકાર્ય માટે યોગ્ય જ નથી. નીતિ અને ન્યાયથી પ્રાપ્ત કરેલું દ્રવ્ય હોય એ જ ધર્મકાર્ય માટે યોગ્ય છે.
શતાનંદ સ્વામી સમજાવે છે કે- આપણા મનમાં ક્યારેક એમ થાય જે હું ભગવાનનાં દર્શન માટે મંદિરમાં જાઉં છું, અને આ વસ્તુ પણ ભગવાનને અર્પણ કરવી છે, આમાં આપણને ક્યાં સ્વાર્થ છે, કેવળ ભગવાનને માટે લેવી છે ને ? એમ માનીને કોઇની વાડીમાંથી પુષ્પાદિક વસ્તુ ચોરીને ભગવાનને અર્પણ કરવામાં આવે, તો એ અર્પણ ક્રિયામાં કાંઇ પાપ નથી, એમાં તો પુણ્ય જ છે. પણ એ પુણ્ય તો જેમની વસ્તુ હોય તેમને જ મળે છે. પોતાના ભાગમાં તો પોતે ચોરી કરી, તેનું પાપ જ મળે છે. આ વિષયમાં દાનખંડને વિષે યમસ્મૃતિનું વાક્ય છે. अपहृत्य परस्यार्थं दानं यस्तु प्रयच्छति । स दाता नरकं याति यस्यार्थास्तस्य तत्फलम् ।। इति ।। આ વાક્યનો એ અર્થ છે કે- પારકા દ્રવ્યનું હરણ કરીને દાન આપવું કે કોઇપણ ધર્મસંબન્ધી કાર્ય કરવું, તેમાં બે ક્રિયાઓ થાય છે. એક ક્રિયા પાપરૂપ છે, અને બીજી ક્રિયા પુણ્યરૂપ છે. પારકું દ્રવ્ય ચોરી લેવું એ ક્રિયા પાપરૂપ છે. અને પારકા દ્રવ્ય વડે જે ધર્મસંબન્ધી કાર્ય કરવું, એ ક્રિયા પુણ્યરૂપ છે. પણ એ પુણ્ય જેની વસ્તુ હોય તેના ખાતામાં જમા થાય છે. અને ચોરી કરીને ધર્મકાર્ય કરનાર પુરૂષના ખાતામાં તો પાપ જ જમા થાય છે. પણ પુણ્ય નહિ. માટે મારા આશ્રિતોએ ન્યાયથી મેળવેલા દ્રવ્યથી જ ધર્મસંબન્ધી કાર્ય કરવું, આવો અભિપ્રાય છે.
અને વળી કોઇપણ વસ્તુ ધણીયાતી હોય, એ વસ્તુ તેના ધણીની આજ્ઞા વિના લેવી નહિ. કોઇપણ વસ્તુ પોતાને જોઇતી હોય, તો તેના ધણીની આજ્ઞા લઇને જ લેવી. અને જે વસ્તુનો કોઇ ધણી ન હોય, એવી વસ્તુ લેવામાં કોઇ દોષ નથી. મોટે ભાગે ધણી વિનાની કોઇ વસ્તુ હોતી નથી. વસ્તુનો કોઇ ને કોઇ ધણી હોય છે. કોઇ જંગલ કે પહાડો હોય એ પણ સરકારની હસ્તક હોય છે. તેથી માલિકીની વસ્તુ તેના માલિકની આજ્ઞા વિના લેવી નહિ.
અને વળી શાસ્ત્રોમાં કોઇક જગ્યાએ ચોરી કરવાની છુટ પણ આપેલી છે. જેમ કે- द्विजस्तृणैंधपुष्पाणि सर्वतः स्ववदाहरेत् ।। इति ।। આ વાક્યનો એ અર્થ છે કે- ગાયને માટે ઘાસ જોઇતું હોય, યજ્ઞાને માટે કાષ્ટ જોઇતાં હોય, અથવા દેવને માટે પુષ્પ જોઇતાં હોય, તો બધી જગ્યાએથી પોતાનું જાણીને લઇ લેવું. આમાં શતાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે- પહેલાના સત્યયુગના સમયમાં, કોઇ ગાય માટે ઘાસ લે, કે હોમને માટે કાષ્ટ લે, અથવા દેવને માટે પુષ્પ લે, તેમાં કદાચ કોઇ એમના માલિક બોલતા નહિ હોય. કારણ કે- પહેલાના સમયમાં મોટે ભાગે મનુષ્યો સાત્વિક હતાં, અને ગાય તથા દેવને વિષે ભાવનાવાળાં હતાં. પણ અત્યારના સમયમાં જો કોઇ આ સ્મૃતિને સંભારીને કોઇની વાડીમાં ગાયને માટે ઘાસ કે દેવને માટે પુષ્પ લેવા માટે પ્રવેશ કરે, તો એની શું દશા થાય ? કારણ કે વાડીના માલિકને યજ્ઞાનો, દેવનો કે ગાયનો મહિમા ન પણ હોય, તેથી ઝઘડા સિવાય ઘાસ કે પુષ્પાદિક કાંઇ પણ પ્રાપ્ત થાય નહિ. કેવળ કલહ જ પ્રાપ્ત થાય છે. માટે શતાનંદ સ્વામીનો તો અભિપ્રાય એવો છે કે, આ કળીયુગમાં જે કોઇપણ વસ્તુ જોઇતી હોય, તો ધણીને પૂછીને જ લેવી.
અને વળી મનુઋષિએ ક્યારેક આપત્કાળમાં ચોરીની છૂટ પણ આપેલી છે. द्विजो।ध्वगः क्षीणवृत्तिः द्वाविक्षू द्वे च मूलके । आददानः परक्षेत्रात् न दण्डं दातुमहर्ति ।। इति ।। આ વાક્યનો એ અર્થ છે કે- કોઇ સમયે કોઇ પુરૂષ માર્ગમાં ભટકતો હોય, બહુ ભૂખ લાગેલી હોય તો એ પુરૂષ જો બીજાની વાડીમાંથી બે શેરડીના સાંઠા કે બે મૂળા લઇ લે તો એ રાજાના દંડને યોગ્ય નથી. તેવી જ રીતે કોઇ પુરૂષને ત્રણ ઉપવાસ થઇ ગયા હોય, એવો પુરૂષ ચોથે દિવસે કોઇકની વાડીમાંથી એક ટક ચાલે તેટલું જો અન્ન ગ્રહણ કરી લે, તો પણ એને દોષ લાગતો નથી.
આમાં શતાનંદ સ્વામીનો અભિપ્રાય એ છે કે, માલિક જો હાજર હોય, તો માલિકને પુછીને જ લેવું. પણ માલિક જો હાજર ન હોય, અને પોતાને ત્રણ ઉપવાસ થઇ ગયા હોય, એવો પુરૂષ જો ચોથે દિવસે એક ટક જેટલું અન્ન લઇ લે, અથવા બે શેરડીના સાંઠા કે બે મૂળા લઇ લે, તો એ દોષનો ભાગીદાર બનતો નથી. કારણ કે એ આપત્કાળનો વિષય છે. આપત્કાળમાં તો આપત્કાળના ધર્મ પ્રમાણે રહેવું, આવું શ્રીહરિનું તાત્પર્ય છે. ।।૧૭।।