व्यभिचारो न कर्तव्यः पुम्भिः स्त्रीभिश्च मां श्रितैः । द्युतादि व्यसनं त्याज्यं नाद्यं भङ्गादि मादकम् ।।१८।।
અને અમારા આશ્રિત પુરૂષો તથા સ્ત્રીઓ હોય, તેમણે વ્યભિચાર ક્યારેય પણ કરવો નહિ. અને જુગાર આદિક વ્યસનોનો ત્યાગ કરી દેવો; અને ભાંગ, ગાંજો, અફીણ આદિક કેફ કરનારી વસ્તુનું ક્યારેય પણ ભક્ષણ કરવું નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજે સદાચારને અતિ મહત્વ આપેલું છે. ગૃહસ્થો માટે સદાચારમાં સારામાં સારૂં પાસું એકપત્ની વ્રત છે. પોતાની પત્ની સિવાય બીજી તમામ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ, બહેનભાવ, કે દીકરીભાવ રહે, આવા ગૃહસ્થને બ્રહ્મચારીની સમાન ઉત્તમ કહેલો છે. અને જો ગૃહસ્થ પુરૂષો કે સ્ત્રીઓના હૃદયમાં પાપમય વાસનાનો પ્રવેશ થાય, અને એ પ્રવેશને પોતે અટકાવી શકે નહિ, અને જો અનિષ્ઠ આચરણ કરે, તો એ ગૃહસ્થ મહાપાપી બને છે. અને આ લોકમાં પણ મહાન નિંદાને પામે છે. આ વિષયમાં અહીં મનુસ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે. व्यभिचारात्तु भर्तुः स्त्री लोके निन्द्यतां प्राप्नोति शृगालयोनिमाप्नोति पापरोगैश्च पीडयते ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે સ્ત્રી જો વ્યભિચાર કર્મ કરે, અર્થાત્ જો પરપુરૂષનો સંગ કરે તો એ સ્ત્રી આ લોકમાં નિંદાને પાત્ર બને છે. અને પરલોકમાં શિયાળીની યોનિને પામે છે. અને એ યોનિમાં પાપ તથા રોગ વડે પીડા પામે છે. એ જ પ્રમાણે પુરૂષ જો પરસ્ત્રીનો સંગ કરે, તો પુરૂષ પણ આ લોકમાં નિંદાને પાત્ર બને છે. અને પરલોકમાં શિયાળની યોનિને પામે છે. અને એ યોનિમાં પાપ અને રોગ વડે પીડા પામે છે. આ રીતે બન્નેને સમાન દોષ કહ્યો છે.
તેવી જ રીતે મહાભારતના આનુશાસનિક પર્વમાં પણ મહાન દોષ બતાવ્યો છે- परदारेषु ये मूढाश्चक्षुर्दुष्टं प्रयुञ्जते । तेन दुष्टस्वभावेन जात्यन्धास्ते भवन्ति हि ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- જે પુરૂષો સ્ત્રીઓ ઉપર ખોટી દૃષ્ટિ કરે છે, એ પુરૂષો પોતાના જ દુષ્ટ સ્વભાવે કરીને જન્મથી જ આંધળા થાય છે. અને વળી વાસુદેવમાહાત્મ્યમાં પણ બતાવેલું છે કે- ગૃહસ્થાશ્રમી પુરૂષોએ કામભાવે કરીને પરસ્ત્રીઓને ક્યારેય પણ જોવી નહિ. અને શ્રાદ્ધ, પર્વ અને વ્રત આદિક દિવસોમાં પોતાની સ્ત્રીનો પણ સંગ કરવો નહિ. અને વળી દેવળસ્મૃતિની અંદર પણ વ્યભિચારના વિષયમાં મહાન દોષ બતાવેલો છે- या कामेना।न्यपुरुषं योषा।भिसरति क्वचित् । सा खरी सप्तजन्मनि निरयान्ते।तिरुग् भवेत् ।। इति ।। આ શ્લોકનો અભિપ્રાય એ છે કે- જે સ્ત્રી કામાસક્ત થઇને પરપુરૂષનો સંગ કરે છે. એ સ્ત્રી પ્રથમ નરકને પામે છે. અને નરકનું દુઃખ ભોગવી લીધા પછી સાત જન્મ પર્યંત ગધેડીના જન્મને પામે છે, અને અતિ રોગી થાય છે. એજ રીતે ભાગવત શાસ્ત્રમાં પણ પ્રતિપાદન કરેલું છે કે- જે સ્ત્રી અને પુરૂષ બન્ને પરસ્પર જો વ્યભિચાર કર્મ કરે છે, તો યમદૂતો નરકમાં ચાબુકવડે પ્રહાર કરતા થકા અગ્નિથી તપાવેલી લાલચોળ લોઢાની સ્ત્રીની પૂતળી સાથે પુરૂષને આલિંગન કરાવે છે. અને પુરૂષના પૂતળાંની સાથે સ્ત્રીને આલિંગન કરાવે છે. આ રીતે વ્યભિચાર કર્મનું મહાન દુઃખ તમામ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. માટે મન વડે કરીને પણ વ્યભિચાર કરવો નહિ, આવું તાત્પર્ય છે.
શતાનંદ સ્વામી વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- કામ વડે વિહ્વળ બનેલા કેટલાક પુરૂષો એવો બકવાદ કરે છે કે, સ્ત્રી અને પુરૂષને પરસ્પર જો પ્રેમ ઉત્પન્ન થાય અને પરસ્પર સંમતિથી જો કામક્રીડા કરવામાં આવે તો દોષ લાગતો નથી, પરંતુ બળાત્કારમાં જ દોષ છે.
શતાનંદ સ્વામી આનું ખંડન કરતાં કહે છે કે- આ વાત બિલકુલ અયોગ્ય છે. પાપ અને પુણ્યની વ્યાખ્યા એ જ છે કે, જે મહારાજની આજ્ઞાનું પાલન કરવું, એ પુણ્ય છે. અને મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ જ પાપ છે. બીજી કોઇ પાપ પુણ્યની વ્યાખ્યા જ નથી. માટે પરસ્પર સંમતિથી જે કામક્રીડા કરવામાં આવે, એ પણ આજ્ઞાનું ઉલ્લંઘન જ છે. અને આજ્ઞાનું ઉલ્લંઘન એજ પાપ છે. શ્રીજીમહારાજની આજ્ઞા એવી છે કે, અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ ગૃહસ્થ જે સ્ત્રી પરણેલી હોય, એ સિવાયની તમામ સ્ત્રીઓમાં મા, બહેન અને દીકરીની ભાવના રાખવી. અને એ ભાવના જો ન રહી શકે, તો આજ્ઞાનું ઉલ્લંઘન છે. અને આજ્ઞાનું ઉલ્લંઘન એજ પાપ છે. બીજી કોઇ પાપની વ્યાખ્યા નથી. માટે પરસ્પર પ્રેમથી કે સંમતિથી પણ અનિષ્ઠ કર્મ કરવું નહિ. આવું તાત્પર્ય છે.
અને વળી કેટલાક એવો બકવાદ કરે છે કે, જે વસ્તુ આપણે બજારમાંથી ખરીદેલી હોય, એ વસ્તુના માલિક આપણે કહેવાઇએ છીએ, તેમ બજારમાંથી પૈસા આપીને ખરીદેલી સ્ત્રી છે, એ પરસ્ત્રી કહેવાતી નથી. એતો પોતાની જ સ્ત્રી કહેવાય છે. માટે તેનો સંગ કરવામાં દોષ નથી.
ભાષ્યકાર શતાનંદ સ્વામી આ વાતનું ખંડન કરતાં કહે છે કે- જે સ્ત્રીઓ ધનથી પોતાના શરીરને વહેંચતી હોય, એવી સ્ત્રીઓને તો શાસ્ત્રમાં વેશ્યા કહેલી છે. અને વેશ્યા સ્ત્રીનો સંગ કરવામાં અધિક દોષ શાસ્ત્રમાં બતાવ્યો છે. માટે સહજાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે- અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ પોતે જે સ્ત્રીને પરણ્યો હોય, એ સિવાયની તમામ સ્ત્રીઓને વિષે કામભાવથી થતી અનિષ્ઠ ક્રિયાનો ત્યાગ કરી દેવો.
અને વળી જુગાર આદિક વ્યસનોનો ત્યાગ કરી દેવો. જે પોતાને કલ્યાણના માર્ગથકી પાડે, કલ્યાણનો માર્ગ ત્યાગ કરાવે તેને કહેવાય વ્યસન. માટે નિર્વ્યસની એવા પુરૂષો જ મોક્ષના અધિકારી છે. વ્યસની કોઇ દિવસ સંયમી અને સાત્વિક બની શકતો નથી. વ્યસનનો ત્યાગ કરે એજ ભક્ત બની શકે છે. વ્યસન માણસને લાચાર બનાવી દે છે. જે વસ્તુનું વ્યસન હોય, એ વસ્તુ જો એક દિવસ પ્રાપ્ત ન થાય તો વ્યસનીને માટે આકાશ પાતાળ એક થઇ જતાં હોય છે. આખો દિવસ એ બેચેની અનુભવતો હોય છે. આ મનુષ્ય દેહ ઇશ્વરે આપ્યો છે. એ અન્ન અને પાણી વિના ચાલે નહિ. પણ એ સિવાયનું જેટલું જેટલું શરીરમાં પેઠું એ બધાં વ્યસનો છે. વ્યસનો કેવળ ધનનો જ નાશ કરે છે એવું નથી, પરંતુ શરીરનો પણ નાશ કરે છે. શરીરનો નાશ એટલે આરોગ્યનો નાશ. વ્યસનો બુદ્ધિનો નાશ કરે છે. બુદ્ધિનો નાશ એટલે સાર અસારનો વિચાર કરવાની શક્તિનો નાશ.
દક્ષે મનુષ્યનાં દશ પ્રકારનાં વ્યસનો બતાવ્યાં છે. स्त्री द्यूतं मृगया मद्यं नृत्यं गीतं वृथाटनम् । वाद्यं निन्दा दिवा स्वापो व्यसनानि नृणां दश ।। इति ।। આ શ્લોકનો એવો અર્થ છે કે- સ્ત્રી એક વ્યસન છે કારણ કે સ્ત્રીમાં આસક્તિ થતાં પુરૂષને કલ્યાણના માર્ગથકી પાડે છે. જે કલ્યાણના માર્ગથકી પાડે એનું નામ વ્યસન. જુગાર એ પણ એક ભયંકર વ્યસન છે. તેજ રીતે મૃગયા કરવી, મદ્યનું પાન કરવું, નૃત્ય કરવું, ગ્રામ્ય ગીતો ગાવાં, ખોટી રીતે ફરવું, વ્યર્થ વાજીંત્રો વગાડવાં, એ પણ એક વ્યસન છે. કારણ કે જેને વાજીંત્રનું વ્યસન પડી ગયું હોય એ રાત્રી દિવસ કાંઇ જુએ જ નહિ. પરની નિંદા કરવી એ પણ એક વ્યસન છે. કારણ કે બીજાની નિંદા કરવાનું જેને વ્યસન પડી ગયું હોય, તેને થોડી ઘણી નિંદા કર્યા સિવાય શાંતિ જ આવે નહિ. તેથી એ નિંદા મોક્ષમાર્ગ થકી પાડનારી છે, માટે નિંદા એ વ્યસન છે. દિવસની નિદ્રા એ પણ એક વ્યસન છે, કારણ કે જેને દિવસની નિદ્રા કરવાની ટેવ હોય, તેને જો દિવસની નિદ્રા મળે નહિ, તો એ બેચેની અનુભવે છે. આ રીતે દક્ષે મનુષ્યોનાં દશ પ્રકારનાં વ્યસનો બતાવ્યાં છે.
શ્રીજીમહારાજનો અભિપ્રાય એવો છે કે- જેવી રીતે સોનાની થાળીમાં લોખંડનો દાગ જરા પણ શોભે નહિ. તે જ રીતે ભગવાનના ભક્તને વ્યસનો પણ જરા શોભે નહિ. માટે ભક્તોએ વ્યસનોનો સર્વપ્રકારે ત્યાગ કરી દેવો જોઇએ.
અને વળી ભાંગ, ગાંજો, અફીણ, માજમ એ આદિક કેફ કરનારી વસ્તુનું પણ ભક્ષણ કરવું નહિ. જેમ મદ્ય (દારૂ) મદ ઉત્પન્ન કરે છે, અને વિચારતંત્રમાં ફેરફાર કરી નાખે છે. તેવી જ રીતે ભાંગ, ગાંજો, અફીણાદિક કેફ કરનારી વસ્તુનું ભક્ષણ પણ શરીરમાં મદ ઉત્પન્ન કરે છે. અને વિચારતંત્રને બદલાવી નાખે છે. માટે જ નારદીય પુરાણમાં કહેલું છે કે- न भक्ष्यं मादकं किञ्चिच्चित्तविभ्रमकृद्धि तद् ।। इति ।। ચિત્તની વિભ્રાંતિને કરનારી, કોઇપણ વસ્તુનું ભક્ષણ કરવું નહિ. અર્થાત્ હમેશાં સાત્વિક વસ્તુને શરીરમાં પ્રવેશ આપવો, જેથી હમેશાં સાત્વિક વિચારો રહે, અને હમેશાં સદ્માર્ગે ચાલવાના સારા વિચારો ચિત્તમાં પ્રકટે. માટે ચિત્તની વિભ્રાતિને કરનાર કોઇપણ માદક વસ્તુનું ભક્ષણ કરવું નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૮।।