શ્લોક ૧૯

अग्राह्यान्नेन पक्वं यदन्नं तदुदकं च न । जगन्नाथपुरो।न्यत्र ग्राह्यं कृष्णप्रसाद्यपि ।।१९।।


અને મારા આશ્રિતો હોય તેમણે, જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ પોતાને ગ્રહણ કરવા યોગ્ય ન હોય, તો તે ભગવાનની પ્રસાદીના માહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના બીજા સ્થાનકને વિષે ગ્રહણ કરવું નહિ; પણ જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેમાં દોષ નથી.


શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે, શ્રીજીમહારાજે આ શ્લોકમાં પવિત્ર આહારને મહત્વ આપેલું છે. જો આહાર પવિત્ર અને સાત્વિક હશે તો જ જીવન સાત્વિક બનીને આધ્યાત્મિક માર્ગના પંથે સ્થિર થઇ શકશે. માટે જેમનું અન્ન તથા જેમના પાત્રનું જળ કોઇપણ અપવિત્રતાના કારણે પોતાથી સ્વીકારી શકાય એમ ન હોય તો એ સ્વીકારવું નહિ, પણ જગન્નાથપુરીને વિષે જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવામાં દોષ નથી. એ સિવાય પ્રસાદીના માહાત્મ્યથી પણ લેવું નહિ.

જગન્નાથ ભગવાનનું શાસ્ત્રોમાં બહુ મોટું માહાત્મ્ય બતાવેલું છે. પુરાણ પ્રસિદ્ધ એક કથા છે કે- જગન્નાથ ભગવાનની જ્યારે સ્થાપના થઇ ત્યારે સર્વે દેવતાઓ જગન્નાથ ભગવાનનાં દર્શન કરવા પધાર્યા હતા. લાખો માણસોની જન મેદની ભેળી થઇ હતી. તે વખતે પણ ભાતનો પ્રસાદ વહેંચાતો હતો. સર્વે જનો નીચે પડી ગયેલો ભાત પણ પ્રસાદીના માહાત્મ્યથી લેતા હતા. એ સમયે મહાદેવજી પણ એક ભાતનો દાણો મુખની અંદર મુક્યો. તેને જોઇને બ્રહ્માજી પણ વાંકા વળ્યા, પ્રસાદીનો ભાતનો દાણો હાથમાં લીધો પણ બ્રહ્માજીને શંકા થતાં એ ભાતનો દાણો મુખમાં મુક્યો નહિ. તેથી બ્રહ્માજીને મંદિરમાં જગન્નાથ ભગવાનનાં દર્શન થયાં નહિ. તે સમયે બ્રહ્માજી શંકરને કહેવા લાગ્યા કે, આ મંદિરમાં જગન્નાથ ભગવાન બિરાજ્યા છે એ કઇ જગ્યાએ છે ? મંદિર તો ખાલી છે. ત્યારે શંકરે કહ્યું કે, અમને તો બધાને દર્શન થાય છે. તમને કેમ થતાં નથી ? વિચાર વિમર્શ કર્યા પછી જ્યાં બ્રહ્માજીએ નીચે પડેલો ભાતનો દાણો ઉપાડીને મુખમાં મુક્યો, ત્યાં જ બ્રહ્માજીને જગન્નાથજીનાં દર્શન થયાં. તેથી જગન્નાથજીના પ્રસાદનું માહાત્મ્ય એવું છે કે, એમાં વર્ણાશ્રમનો બાધ આવતો નથી. આ તો એક જગન્નાથપુરીની વાત શ્રીજી મહારાજે લખી, પણ શતાનંદ સ્વામી કહે છે કે, આ સત્સંગમાં મોટા મોટા ઉત્સવો થાય છે, તેમાં લાખો ભક્તજનો ભેળા થતા હોય છે. કેટલાક ઉંચ જાતિના હોય છે, કેટલાક નીચ જાતિના હોય છે. બધા વર્ણના મનુષ્યો હોય છે, તો ત્યાં પણ જગન્નાથપુરી સમજીને પ્રસાદ લઇ લેવામાં દોષ નથી. એ સિવાય બીજે આપણે ગયા હોઇએ અને કોઇ પ્રસાદી આપતું હોય તો ત્યાં પોતાને ગ્રહણ કરવા યોગ્ય ન હોય, તો તે પ્રસાદી પણ ગ્રહણ કરવી નહિ. કારણ કે આહાર શુદ્ધિ એ અગત્યની બાબત છે. ગમે તેનું ખાનારો માણસ ક્યારેય પણ સુવિચારી બની શકતો નથી. એની બુદ્ધિમાં સારા વિચારો આવતા નથી. અને સાંભળેલા સારા વિચારો સ્થિર થતા નથી. કારણ કે આહાર તેવો ઓડકાર, જેવો આહાર હોય તેવું અંતઃકરણ થાય છે. અનાજથી માણસનું અંતઃકરણ બદલાઇ જાય છે. રસોઇ જો અતિ પવિત્ર રીતે થતી હોય, અને ભગવાનને અપર્ણ થતી હોય તો માણસના વિચારો જરૂર બદલાઇ જાય છે. માટે ભક્તજનો હોય તેમણે આહાર શુદ્ધ રાખવો, આવું તાત્પર્ય છે. ।।૧૯।।