શ્લોક ૨૦

मिथ्यापवादः कस्मिंश्चिदपि स्वार्थस्य सिद्धये । नारोप्यो नापशब्दाश्च भाषणीयाः कदाचन ।।२०।।

અને વળી મારા આશ્રિતોએ પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઇના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરવો નહિ. અને અપશબ્દો ક્યારેય પણ બોલવા નહિ.


શતાનંદ સ્વામી આ શ્લોકનો અભિપ્રાય વર્ણવતાં કહે છે કે, શરીરથી જ પાપ થાય એવું નથી. મન, કર્મ અને વચનથી પાપકર્મ થાય છે. કોઇનું ખરાબ ચિંતવીએ એ જેમ મનનું પાપ છે, ચોરી ઇત્યાદિક કર્મ કરીએ એ જેમ શરીરસંબંધી કર્મનું પાપ છે. એજ રીતે ખરાબ અને ખોટી વાણી વાપરીએ એ વચનનું પાપ છે. મિથ્યાપવાદ એ એક વાણીનો ભયંકર દોષ છે. અર્થાત્ વાણીનું બહુ જ મોટું પાપ છે. કોઇના ઉપર ખોટી રીતે આરોપ મુકવાથી પંચમહાપાપ કરતાં પણ ભયંકર પાપ લાગે છે. આ વિષયમાં આદિત્યપુરાણનું વચન પ્રમાણરૂપ છે- यानि मिथ्या।भिशस्तानां पतन्त्यश्रूणि रोदनात् । तानि पुत्रान् पशून् घ्नन्ति तेषां मिथ्या।भिशंसिनाम् ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, જેમના ઉપર મિથ્યાપવાદ આરોપણ કરવામાં આવેલો હોય, તેના મનમાં બહુ જ દુઃખ થાય છે કે મેં કાંઇ કર્યું નથી, છતાં આ ખોટી રીતે મને બદનામ કરે છે. આમ ઘણું દુઃખ થવાથી તેનું હૈયું ભરાઇ આવે છે. અને આંખોમાંથી અશ્રુઓ સરી પડે છે. એ આંસુઓનાં જેટલાં બિંદુઓ આ પૃથ્વી ઉપર પડે છે, તેટલા મિથ્યા અપવાદ કરનારના પુત્રો અને પશુઓ નાશ પામી જાય છે. અર્થાત્ આંખમાંથી સરી પડેલાં અશ્રુઓ જ પુત્રો અને પશુઓનો નાશ કરી નાખે છે. અને શાસ્ત્રોમાં બ્રહ્મહત્યા આદિક પંચ મહાપાપો કહ્યાં છે. તો એ પંચમહાપાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવ્યું છે, પણ મિથ્યા અપવાદનું તો પ્રાયશ્ચિત પણ શાસ્ત્રમાં બતાવ્યું નથી. નરકમાં નિવાસ એજ એનું પ્રાયશ્ચિત છે. યાજ્ઞાવલ્ક્યઋષિએ પણ મિથ્યાપવાદ આરોપણનો મહાન દોષ કહ્યો છે. मिथ्या।भिशंसिनो दोषो द्विः समो भूतवादिनः । मिथ्या।भिशस्तदोषं च समादत्ते मृषा वदन् ।। इति ।। મિતાક્ષરા નામની ટીકામાં વિજ્ઞાનેશ્વર પંડિતે આ શ્લોકનો અર્થ કરેલો છે કે, બીજા કોઇની ચડતી થતી હોય, બીજો કોઇ પોતાથી આગળ નીકળી જતો હોય, તેને જોઇને પ્રથમ ઇર્ષ્યા ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી ઇર્ષ્યાને કારણે એને પાછો પાડી નાખવા માટે ઘણો ઘણો ક્રોધ ઉત્પન્ન થાય છે. અને ક્રોધે કરીને તો તેનું અંતઃકરણ કલુષિત બની જાય છે. અર્થાત્ અંતઃકરણ અંધકારમય બની જાય છે. એ સારૂં નરસું વિચારી શકતો નથી. અને પછી વિચાર્યા વિના બીજાની આગળ ખોટી ખોટી વાતો કરે છે કે- આને તો પરસ્ત્રીનો સંગ કર્યો છે, બ્રહ્મહત્યા કરેલી છે, એ સિવાય પણ આને ઘણાં ઘણાં દુષ્કર્મો કરેલાં છે. તમને ખબર નહિ હોય, પણ મને બધી ખબર છે. આ રીતે કર્યું કાંઇ ન હોય, છતાં ઇર્ષ્યાને કારણે મિથ્યા અપવાદ આરોપણ કરે છે. યાજ્ઞાવલ્ક્ય કહે છે કે, આ રીતે મિથ્યાપવાદ આરોપણ કરનાર પુરૂષનેજ પાપ બે ઘણું લાગે છે. પોતે કાંઇ પાપ કર્યું ન હોય, છતાં બીજા ઉપર જે પાપોનો કેવળ આરોપ મૂકે છે, એજ પાપો પોતાને બમણાં લાગે છે.


અને હવે મિથ્યા અપવાદ તો નહિ, પરંતુ મનુષ્ય માત્ર ભુલને પાત્ર છે. તેથી કોઇ મનુષ્યથી કાંઇ ભુલ થઇ ગઇ હોય, એ આપણે જાણતા હોઇએ કે, આ કર્મ અમૂક વ્યક્તિએ કરેલું છે. છતાં જાહેરમાં પ્રકાશ કરવું નહિ. જેણે પાપકર્મ કર્યું છે, તેને એકાંતમાં બોલાવીને સમજાવવો કે આ કર્મ તને શોભતું નથી. આ પાપકર્મ જ છે. અને આ તારા માટે હિતકારી નથી. આમ સમજાવીને સારે રસ્તે વાળવો, જીવનું હિત કરવું એ સજ્જનોનું કર્તવ્ય છે. અને જો પાપ કરનારી વ્યક્તિને સમજાવ્યા વિના અને ચેતવણી આપ્યા વિના એ પાપને જન સમક્ષ જાહેરમાં પ્રકાશ કરી દે તો ''भूतवादिनः समः'' ।। इति ।। બન્નેને સમાન દોષ લાગે છે. પોતે એ દોષથી રહિત હોય છતાં એ દોષનો ભાગીદારી બને છે.


કેવળ એટલું જ નહિ, જેના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરેલો હોય, તેણે જન્મથી આરંભીને બીજાં પણ જે જે પાપો કર્યાં હોય, એ સર્વે પાપો મિથ્યા અપવાદ આરોપણ કરનારને વળગે છે. આ રીતે વિજ્ઞાનેશ્વર પંડિતે યાજ્ઞાવલ્ક્ય ઋષિના શ્લોકની વ્યાખ્યા કરી છે.


અને વળી જેવી રીતે મિથ્યા અપવાદ એ વાણીનું પાપ છે, તેવી જ રીતે અપશબ્દો બોલવા એ પણ વાણીનું જ પાપ છે. વાણી એવી વસ્તુ છે કે અમૃત વાણીમાંથી ઝરે છે, અને ઝેર પણ વાણીમાંથી જ ઝરે છે. કહેવાય છે કે તલવારનો ઘા રુઝાઇ શકે છે, પણ વાણીનો ઘા કોઇ દિવસ રુઝાઇ શકતો નથી. અપશબ્દો એટલે જે વાણી બોલવાથી સામી વ્યક્તિને દુઃખ થઇ જતું હોય, સામી વ્યક્તિનું મર્મ સ્થળ ભેદાઇ જતું હોય, આવી નીચની વાણી જે બોલવી તેને અપશબ્દો કહેવાય છે. ગ્રામ્યવાર્તાને પણ અપશબ્દો કહેવાય છે. ગાળો દેવી તેને પણ અપશબ્દો કહેવાય છે. માટે સહજાનંદ સ્વામીનો એ અભિપ્રાય છે કે મારા આશ્રિતોએ વાણી વગર વિચારે બોલવી નહિ, પાણી અને વાણી આ બન્નેનો ગાળીને ઉપયોગ કરવો. પાણીને વસ્ત્રથી ગાળવું, અને વાણીને વિવેક તથા વિચારથી ગાળવી. ।।૨૦।।