देवतातीर्थविप्राणां साध्वीनां च सतामपि । वेदानां च न कर्तव्या निन्दा श्रव्या न च क्वचित् ।।२१
અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ તેમની નિંદા ક્યારેય કરવી નહિ, અને સાંભળવી પણ નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, અપશબ્દો બોલવા, ગાળો દેવી, મિથ્યાપવાદ આરોપણ કરવો, એ જેમ વાણીનું પાપ છે. તેમ કોઇની પણ નિન્દા કરવી એ પણ વાણીનું પાપ છે. શ્રીજીમહારાજે આ શ્લોકમાં પણ વાણીને કાબુમાં રાખવાની ભલામણ કરેલી છે, દેવતા, તીર્થ, બ્રાહ્મણ, સાધુપુરૂષો, પતિવ્રતા સ્ત્રી, અને વેદો, આ છ જણાની નિંદા તો મશ્કરીમાં પણ કરવી નહિ. અને વિનયથી રહિત એવા કોઇ પુરૂષો જો નિંદા કરતા હોય, તો સાંભળવી પણ નહિ. ખરાબ બોલવામાં જેમ પાપ છે, તેમ ખરાબ સાંભળવામાં પણ પાપ છે. માટે વાણીથી કોઇના ગુણોને હલકા કરવા નહિ. વાણીને બરાબર વિવેકથી બોલવી. જે પુરૂષો વાણીના દોષને જીતી શકતા નથી, એ પુરૂષો કોઇના પણ આદરપાત્ર બની શકતા નથી. અને જે પુરૂષો વાણીનો સંયમ રાખે છે, જેટલું જોઇએ તેટલું જ બોલે છે, પ્રયોજન વિનાનું ક્યારેય બોલતા નથી, અને તેમાં પણ મધુર વાણીથી બીજાના હૈયાને આનંદિત અને સત્કૃત કરે છે, તે પુરૂષો તો સર્વે દેવતાઓના પણ આદર પાત્ર બની જાય છે. માટે કોઇ વ્યક્તિની સાથે આપણને ન ગમે તો એ એને રસ્તે, આપણે આપણા રસ્તે, પણ નિંદા ક્યારેય કરવી નહિ. કારણ કે બીજાની નિંદા કરવાથી તેનાં પાપ ધોવાય છે અને આપણાં તો પુણ્ય ધોવાય છે. આ બાબતમાં વ્યાસમુનિનું વચન પ્રમાણરૂપ છે- निन्दा।न्यस्यात्मनः श्लाघा द्वयं सुकृतनाशकृत ।। इति ।। આ વાક્યનો એ અર્થ છે કે બીજાની નિન્દા, અને પોતાની પ્રશંસા, આ બન્ને પોતાના પુણ્યને જ નાશ કરનાર છે. માટે બીજા કોઇની પણ નિંદા કરવી નહિ. તેમાં પણ દેવતાઓની નિંદા તો આત્માને અધોગતિમાં જ નાખનારી છે. માટે ગમે તે દેવ હોય, આપણને ઠીક લાગે તો માથું નમાવવું અને જો ઠીક ન લાગે તો માથું ન નમાવવું. પણ કોઇ દેવની નિંદા તો ક્યારેય પણ કરવી નહિ. કારણ કે દેવોની નિંદા કરવામાં લાભ તો એક પૈસા ભાર પણ નથી, જે છે એ તો નુકશાન જ છે.
અને વળી તીર્થની પણ નિંદા કરવી નહિ, કારણ કે તીર્થની નિંદા કરવાથી તીર્થની અંદર મહતા છે, તેમાં તો કોઇ પણ ઉણપ આવતી નથી. જે ઉણપ આવે છે, એ તો નિંદા કરનારની અંદર જ આવે છે, તો નિંદા કરવાથી લાભ શું ? બધી રીતે ખોટ જ છે. માટે બુદ્ધિમાન પુરૂષો હોય તેમણે ખોટનો વ્યાપાર તો ક્યારેય કરવો ન જોઇએ.
અને વળી બ્રાહ્મણોની પણ નિંદા કરવી નહિ. મનુષ્યોમાં બ્રાહ્મણોનું પ્રાથમિક પૂજ્ય સ્થાન છે. બ્રાહ્મણો ગુરૂની સમાન કહેવાય છે. માટે બ્રાહ્મણોની નિંદા એ ગુરૂની નિંદા સમાન છે. અને ગુરૂની નિંદા તો પોતાની આયુષ્યને બાળી નાખનાર છે. આ વિષયમાં મહાભારતનું વચન પ્રમાણરૂપ છે. गुरुनिन्दा दहत्यायुर्मनुष्याणां न संशयः ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, ગુરૂની નિંદા મનુષ્યોની આયુષ્યને બાળી નાખે છે. એમાં કોઇ જાતનો સંશય નથી.
અને વળી પતિવ્રતા સ્ત્રીની પણ નિંદા કરવી નહિ. કારણ કે પતિવ્રતા સ્ત્રીનો મોટો મહિમા છે. સત્સંગીજીવન બતાવે છે કે, વાયુ પણ પતિવ્રતા સ્ત્રીનો સ્પર્શ કરતાં ડરે છે. અને પતિવ્રતા સ્ત્રીનાં દર્શન પણ પાપનો નાશ કરે છે. માટે પતિવ્રતા સ્ત્રીની નિંદાથી દૂર રહેવું.
અને વળી વેદની પણ નિંદા કરવી નહિ. વેદ તો સાક્ષાત્ ભગવાનના મુખમાંથી આવિર્ભાવને પામેલા છે. માટે વેદની નિંદાને તો બ્રહ્મહત્યાની સમાન કહેલી છે. આ વિષયમાં યાજ્ઞાવલ્ક્ય મુનિનું વચન પ્રમાણરૂપ છે. वेदनिन्दा ब्रह्महत्या समं ज्ञोयम् ।। इति ।।
હવે અહીં શતાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે, જેમ મહાપુરૂષોની નિંદા કરવી નહિ. તેમ કોઇ સામાન્ય જનની પણ નિંદા કરવી નહિ. કેમ કે આપણે જેમની નિંદા કરીએ, એમનાં તો પાપો જ ધોવાય છે, અને આપણી અંદર પ્રવેશે છે. માટે નિંદા કરવાથી આપણને પાપ સિવાય બીજું કશું જ મળતું નથી, આવું તાત્પર્ય છે. ।।૨૧।।