શ્લોક ૨૨

देवतायै भवेद्यस्यै सुरामांसनिवेदनम् । यत्पुरोजादिहिंसा च न भक्ष्यं तन्निवेदितम् ।।२२।।


અને અમારા આશ્રિતો હોય તેમણે, જે દેવતાને સુરા અને માંસનું નિવેદન થતું હોય, અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય; તે દેવતાને નિવેદન કરેલું નૈવેદ્ય ભલે અન્ન જળ હોય તો પણ ભક્ષણ કરવું નહિ.


શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- આ પ્રકૃતિ મંડળની અંદર જેમ મનુષ્ય રાજસી અને તામસી હોય છે. તેમ દેવતાઓ પણ રાજસી અને તામસી હોય છે. જ્યાં સુરા, માંસનું નિવેદન થતું હોય, બકરાં આદિક જીવની હિંસા થતી હોય, ત્યાં સાત્વિક દેવતાઓનો વાસ હોય જ નહિ. અને સાત્વિક દેવતાઓ સુરા અને માંસનો કદી પણ સ્વીકાર કરે જ નહિ. રાજસિક અને તામસિક જે દેવતાઓ હોય, એ જ સુરામાંસનો સ્વીકાર કરે છે. માટે રાજસ, તામસ એવા કોઇપણ દેવતાઓને નિવેદન કરેલું ભલે અન્ન હોય, તો પણ ભક્ષણ કરવું નહિ. કારણ કે એ અન્ન ઉપર રાજસિક અને તામસિક દેવતાઓની દૃષ્ટિ પડેલી હોય છે. તેથી ખાનારની સાત્વિકતાનો નાશ કરે છે. ખાનારનું અંતઃકરણ પણ રાજસિક તામસિક ભાવથી વ્યાપ્ત બને છે. આ વિષયમાં વિષ્ણુધર્મનું વચન પ્રમાણરૂપ છે. मद्यमांसाशिनो नाद्यमन्नं हिसारुचेरपि । वैष्णवेन विशेषेण सत्वनाशकरं हि तत् ।। इति ।। આ શ્લોકનો એ અભિપ્રાય છે કે- મદ્ય માંસ ભક્ષણ કરનારા કે હિંસામાં રૂચીવાળા દેવો હોય કે મનુષ્યો હોય, તેમનું અન્ન કોઇએ ભક્ષણ કરવું નહિ. વૈષ્ણવો હોય તેમણે તો વિશેષે કરીને ભક્ષણ કરવું નહિ. કારણ કે આવું અન્ન સત્વનો નાશ કરે છે. સત્વનો નાશ થવાથી સારા વિચારોનો નાશ થાય છે. અને સારા વિચારોનો નાશ થવાથી મનુષ્યનું અધઃપતન થાય છે. માટે શ્રીજીમહારાજનો અભિપ્રાય એવો છે કે, રાજસિક તામસિક મનુષ્યોનો સંગ જેમ સર્વ પ્રકારે છોડી દેવો જોઇએ. એ જ રીતે એવા દેવોનો સંગ પણ સર્વ પ્રકારે છોડી દેવો જોઇએ. છતાં પણ કોઇ દેવોની અવજ્ઞા કરવી નહિ. નમસ્કાર માત્ર કરી લેવા, આ બાબત હવે પછીના શ્લોકમાં શ્રીજીમહારાજ કહે છે. ।।૨૨।।