શ્લોક ૨૩

दृष्ट्वा शिवालयादीनि देवागाराणि वर्त्मनि । प्रणम्य तानि तद्देवदर्शनं कार्यमादरात् ।।२३।।


અને વળી મારા આશ્રિત હોય તેમણે, માર્ગને વિષે ચાલતાં શિવાલયાદિક જે દેવમંદિર આવે, તેને જોઇને નમસ્કાર કરવો. અને મંદિરમાં પધરાવેલા જે દેવ હોય તેનું આદર થકી દર્શન કરવું. 


શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આપણે ઘેરથી બહાર ગમે ત્યાં જતા હોઇએ, ત્યાં માર્ગમાં શિવ, ગણેશ, સૂર્યનારાયણ, પાર્વતીજી આદિક કોઇપણ દેવ મંદિરો આવે તો એ દેવ મંદિરોને જ પ્રથમ પ્રણામ કરી લેવા, આ પહેલો વિધિ છે. અને બીજો વિધિ એ છે કે, એ મંદિરોની અંદર જે દેવો પધરાવેલા હોય, એ દેવોનાં આદર થકી દર્શન કરવાં. અને જો એમ ન કરે તો એ દેવના અપરાધની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં વસિષ્ઠસ્મૃતિનું વચન પ્રમાણરૂપ છે. देवताप्रतिमां दृष्ट्वा यतिं च दृष्ट्वा च योगिनम् । नमस्कारं न यः कुर्यात् प्रायश्चित्तीयते हि सः ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, દેવતાઓની પ્રતિમાને કે કોઇ સાધુમહાત્માઓને જોઇને જે પુરૂષ નમસ્કાર કરતો નથી, અને આગળ વધે છે. એ પુરૂષ પ્રાયશ્ચિતને યોગ્ય થાય છે. અર્થાત્ એ અપરાધી બને છે. વાલ્મિકિરામાયણમાં એક કથા આવે છે કે, ગાયને નમસ્કાર નહિ કરવાથી દિલીપરાજાને અપરાધ થયો, અને તેથી રાજાને સંતાનો થયાં નહિ. પછી ગુરૂ વસિષ્ઠ પાસે જઇને પ્રાયશ્ચિત માગ્યું, અને વસિષ્ઠના કહેવા પ્રમાણે ગાયની સેવા દિલીપ રાજાએ કરી, અને ત્યારબાદ સંતાન થયું. આ રીતે ગાયને નમસ્કાર કર્યા વગર આગળ વધવાથી જો આટલો દોષ લાગતો હોય, તો પછી દેવ કે ભગવાનના મહાન ભક્તોને નમસ્કાર કર્યા વગર આગળ વધીએ તો જરૂર દોષ લાગે છે. શતાનંદ સ્વામી કહે છે કે, આપણે જેને આપણા ઇષ્ટદેવ માનતા હોઇએ, એ સિવાયના કોઇપણ દેવને નમસ્કાર કરવાથી પતિવ્રતા ભક્તિનો ક્યારેય પણ ભંગ થતો નથી. નિષ્કુળાનંદ સ્વામીએ પણ પોતાના કાવ્યમાં કહ્યું છે કે, જેમ આકાશમાં બાણ છોડવાથી, એ બાણ ગમે ત્યાં પૃથ્વી ઉપર જ પડે છે. એ જ રીતે સર્વ નમસ્કાર કેશવ ભગવાનને જ પ્રાપ્ત થાય છે. આવો અભિપ્રાય છે. ।।૨૩।।