શ્લોક ૨૪

स्ववर्णाश्रमधर्मो यः स हातव्यो न केनचित् । परधर्मो न चाचर्यो न च पाखण्डकल्पितः ।।२४।।


અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ, તે કોઇપણ સત્સંગીએ ત્યાગ કરવો નહિ, અને પરધર્મનું આચરણ કરવું નહિ, તથા પાખંડ ધર્મનું આચરણ કરવું નહિ, અને કલ્પિત ધર્મનું પણ આચરણ કરવું નહિ. 


શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, સૃષ્ટિના આરંભકાળથી વેદોએ વર્ણાશ્રમની મર્યાદા બાંધી છે. એ વર્ણાશ્રમની મર્યાદા અનાદિ કાળની છે, આજ કાલની નથી. માટે એ વર્ણાશ્રમની મર્યાદામાં રહીને પ્રભુનું ભજન કરવું, પણ મર્યાદાનું ક્યારેય પણ ઉલ્લંઘન કરવું નહિ.


શ્રીજીમહારાજે આ શ્લોકમાં ''મારા આશ્રિતોએ વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવું'' આમ નહિ કહેતાં ''કોઇ પણ મારા આશ્રિતોએ વર્ણાશ્રમના ધર્મનો ત્યાગ કરવો નહિ'' આ રીતે ત્યાગ શબ્દનો પ્રયોગ કર્યો છે, એનું કારણ એ છે કે, જીવનમાં કોઇવાર ભક્તો પણ ભક્તિ અને જ્ઞાનના બળથી વર્ણાશ્રમધર્મનો ત્યાગ કરી દેતા હોય છે. આવા પ્રસંગો ક્યારેક બનતા હોય છે. તેના નિવારણને માટે જેને ભક્તિ અને જ્ઞાનનું બળ હોય, એવા પુરૂષે પણ જ્યાં સુધી દેહની સ્મૃતિ હોય, ત્યાં સુધી વર્ણાશ્રમધર્મનો ત્યાગ કરવો જોઇએ નહિ, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. અને જો એ ધર્મનો ત્યાગ કરી દેવામાં આવે તો આલોકમાં તેમ જ પરલોકમાં અનર્થની પ્રાપ્તિ થાય છે. ધર્મ છે એ ભુક્તિ અને મુક્તિના સાધનરૂપ છે. સકામભાવથી જો ધર્મનું પાલન કરેલું હોય, તો સ્વર્ગાદિક ભુક્તિ આપે છે. અને નિષ્કામભાવથી કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે ધર્મનું જો સેવન કરેલું હોય, તો એ ધર્મ મુક્તિ આપે છે. આ વિષયમાં ભાગવતનું વચન પ્રમાણરૂપ છે- धर्म आचरितः पुंसां वाङ्मनःकायबुद्धिभिः । लोकान् विशोकान् वितरतियथानन्त्यमसङ्गिनाम् ।। इति ।। આ શ્લોકનો એજ અર્થ છે કે, સકામી પુરૂષોને ધર્મ સ્વર્ગાદિક લોક આપે છે. અને નિષ્કામી પુરૂષોને મોક્ષરૂપી ફળ આપે છે. માટે નિષ્કામભાવથી કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે ધર્મનું પાલન કરવું જોઇએ.


અને વળી ધર્મ સર્વે સાધનોનું મૂળ છે. ભગવાનની પ્રાપ્તિનાં સર્વે સાધનોમાં ધર્મની જ પ્રધાનતા છે. ધર્મ વિના નથી જ્ઞાનની પ્રાપ્તિ થતી, અને નથી ભક્તિની પ્રાપ્તિ થતી. તેથી સર્વે સાધનોના મૂળ રૂપ જે ધર્મ, તેનો જો ત્યાગ કરી દેવામાં આવે તો, સર્વે સાધનનું મૂળ છેદાયું કહેવાય છે. ''मूलं नाशे कुतः शाखा'' જેમ કોઇ વૃક્ષનું મૂળ છેદાઇ જાય, તો એ વૃક્ષની ડાળખીઓ છેદાઇ જાય એમાં કહેવું જ શું ? એતો છેદાઇ જ જાય. તેમ ધર્મનો ત્યાગ કરવાથી સર્વે સાધનો છેદાણાં કહેવાય છે. માટે કોઇપણ મારા આશ્રિતો હોય તેમણે ધર્મનો ત્યાગ કરવો નહિ. આવો અભિપ્રાય છે. 


અને વળી પરધર્મનું આચરણ કરવું નહિ. પરધર્મ એટલે બીજાઓનો ધર્મ. ગૃહસ્થના ધર્મો ત્યાગીઓ માટે પરધર્મ કહેવાય, અને ત્યાગીઓના ધર્મો ગૃહસ્થ માટે પરધર્મ કહેવાય. આમ પરસ્પર એકબીજાના જે ધર્મ તેને પરધર્મ કહેવાય છે. વચનામૃતમાં ભગવાન સહજાનંદ સ્વામીએ કહેલું છે કે- ગૃહસ્થના ધર્મો ત્યાગીને માટે દૂષણરૂપ છે, અને ત્યાગીના ધર્મો ગૃહસ્થ માટે દૂષણરૂપ છે. ગૃહસ્થોને અલંકારો ધારણ કરવાં એ શોભારૂપ છે. તો ત્યાગીને એ દૂષણરૂપછે. ત્યાગીને સ્ત્રીનો ત્યાગ રાખવો એ શોભારૂપ છે. તો ગૃહસ્થને એ દૂષણરૂપ છે. આ રીતે પરસ્પર અકબીજાના ધર્મો દૂષણરૂપ છે, અને તેને પરધર્મ કહેવાય છે. ગીતામાં પણ કહ્યું છે કે- ''स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ।। इति ।। પોતાના ધર્મમાં રહીને જ જીવન વ્યતીત કરવું, એ કલ્યાણકારી છે. પણ પરનો જે ધર્મ છે, એતો ભયને આપનારો છે. માટે પરધર્મનું કદી પણ આચરણ કરવું નહિ.


અને વળી પાખંડ ધર્મનું આચરણ પણ કરવું નહિ. જેમાં વેદની ધર્મમર્યાદાનું ખંડન થઇ જતું હોય, એ પાખંડ ધર્મ કહેવાય છે. અર્થાત્ વેદ વિરૂદ્ધ ધર્મ. જેમ કે અહિંસા છે એજ વેદ માન્ય ધર્મ છે, માટે વેદ અહિંસા પરાયણ છે. છતાં કોઇ માંસભક્ષણની આસક્તિએ કરીને વેદ વિરૂદ્ધ એવા હિંસામય યજ્ઞાને પણ ધર્મ માની લે છે. એ વેદ વિરૂદ્ધ પાખંડ ધર્મ કહેવાય છે. કારણ કે હિંસામય યજ્ઞામાં ધર્મમર્યાદાનું ખંડન થઇ જાય છે. માટે હિંસામય યજ્ઞો કરવારૂપ જે ધર્મ છે, એ પાખંડ ધર્મ છે. અર્થાત્ વેદ વિરૂદ્ધ ધર્મ છે.


અને વળી કલ્પિત ધર્મનું આચરણ કરવું નહિ. કલ્પિત એટલે શાસ્ત્રના આધાર વિના પોતાની ઇચ્છાએ કલ્પેલો ધર્મ, તેને કલ્પિત ધર્મ કહેવાય છે. જેમ કે શ્રીજીમહારાજે કહ્યું કે, વેદાદિક આઠ સચ્છાસ્ત્રો અમોને ઇષ્ટ છે. માટે એ ભણવાં અને સાંભળવાં, આ શાસ્ત્રીય ધર્મ છે. પણ આમાં કેટલાકની એવી કલ્પના હોય છે કે, શ્રીજીમહારાજને એ વેદાદિક આઠ સચ્છાસ્ત્રો ઇષ્ટ છે, પણ માન્ય નથી. આવી રીતે પોતાની ઇચ્છાથી કલ્પના કરીને એ શાસ્ત્રોને ભણવા સાંભળવામાં અરૂચિ બતાવવી, એ કલ્પિત ધર્મ કહેવાય છે. કારણ કે આમાં કોઇ શાસ્ત્રોનો આધાર નથી. કેવળ પોતાની જ કલ્પના છે. માટે કલ્પિત ધર્મનું આચરણ કરવું નહિ. પાખંડ ધર્મ અને કલ્પિત ધર્મ આ બન્ને અધર્મની જ શાખાઓ છે. માટે ધર્મજ્ઞા એવા પુરૂષોએ અધર્મની પેઠે જ તેનો ત્યાગ કરી દેવો આવો અભિપ્રાય છે. ।।૨૪।।