શ્લોક ૮૧-૮૨

सर्ववैष्णवराजश्रीवल्लभाचार्यनन्दनः । श्रीविठ्ठलेशः कृतवान् यं व्रतोत्सवनिर्णयम् ।।८१।।

कार्यास्तमनुसृत्यैव सर्व एव व्रतोत्सवाः । सेवारीतिश्च कृष्णस्य ग्राह्या तदुदितैव हि ।।८२।।


અને સર્વે વૈષ્ણવોના રાજા એવા શ્રી વલ્લભાચાર્યના પુત્ર જે વિઠ્ઠલનાથજીએ, જે વ્રતો અને ઉત્સવોનો નિર્ણય કરેલો છે. તે નિર્ણયને અનુસરીને જ સર્વે વ્રતો અને ઉત્સવો કરવા. અને વિઠ્ઠલનાથજીએ ભગવાનની સેવા કરવાની જે રીતિ કહેલી છે, એજ રીતિ ગ્રહણ કરવી. 


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- અગ્નિના અવતારપણે પ્રસિદ્ધ એવા જે શ્રી વલ્લભાચાર્ય, તેના પુત્રપણે પ્રગટ થયેલા ભગવાન વિઠ્ઠલનાથજીએ, શરણે આવેલા જનોને જણાવવા માટે ''અમુક તિથિએ આ વ્રત કરવું'' આ રીતે એકાદશી આદિક વ્રતોનો અને અન્નકૂટાદિક ઉત્સવોનો નિર્ણય કરેલો છે. તે નિર્ણયને અનુસારે જ સર્વે વ્રતો અને ઉત્સવો કરવા, પણ બીજાએ કહેલી રીતિ વડે વ્રતો અને ઉત્સવો કરવા નહિ. તેમાં વિઠ્ઠલનાથજીએ કહેલા વ્રતોના નિર્ણયનું અહીં, શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કેવળ એક દિશા સૂચન કરે છે. રાત્રી અને દિવસની મળીને કુલ ૬૦ ઘડી થાય છે. તેમાં પંચાવન ઘડીની જો દશમી હોય, તો એ દશમીનો એકાદશીમાં વેધ આવ્યો કહેવાય. તેથી દશમીના વેધવાળી એકાદશીનો ઉપવાસ કરવો નહિ. દશમી જો પંચાવન ઘડીથી ઓછી હોય, તો એ એકાદશી શુદ્ધ કહેવાય છે. તેથી શુદ્ધ એકાદશીને દિવસે ઉપવાસ કરવો. હવે દશમીનો વેધ એકાદશીમાં આવતો ન હોય, પણ શુદ્ધ બે એકાદશી આવી જતી હોય, તો બીજી એકાદશીનો ઉપવાસ કરવો. અને દશમના વેધથી રહિત એકાદશીનો ક્ષય હોય, અને બે બારસ જો આવી જતી હોય, તો પહેલી બારસનો ઉપવાસ કરવો. અને બીજી બારસનાં પારણાં કરવાં. આ રીતે કઇ તિથિએ વ્રત કરવું, એ તમામ વ્રતોનો નિર્ણય વિઠ્ઠલનાથજીએ કરેલો છે. હવે વિઠ્ઠલનાથજીએ કહેલા ઉત્સવના નિર્ણયનું દિશા સૂચન, શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કરે છે- કાર્તિક માસના શુક્લ પક્ષની એકમને દિવસે જો ચંદ્રદર્શન હોય, તો તેના આગલે દિવસે એટલે દિવાળીને દિવસે અન્નકૂટનો ઉત્સવ કરવો. અને ચંદ્રદર્શન જો બીજને દિવસે હોય, તો એકમને દિવસે અન્નકૂટનો ઉત્સવ કરવો. અર્થાત્ ચંદ્રદર્શનના આગલે દિવસે અન્નકૂટનો ઉત્સવ કરવો, પણ આ અન્નકૂટના ઉત્સવમાં તિથિનો આગ્રહ નથી. આ રીતે તમામ ઉત્સવોની તિથિઓનો નિર્ણય વિઠ્ઠલનાથજીએ કરેલો છે. માટે તેના નિર્ણયને અનુસરીને જ સર્વે વ્રતો અને ઉત્સવો કરવા.


અને વળી વિઠ્ઠલનાથજીએ કહેલી સેવા રીતિનું પણ દિશા સૂચન, શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી અહીં કરે છે- શિયાળાની સીઝન આવે, ત્યારે ભગવાનને ગરમ વસ્ત્રો ધારણ કરાવવાં, વસંત પંચમી આવે એટલે ભગવાનને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવાં, અખાત્રીજ આવે એટલે શ્વેત વસ્ત્રો ધારણ કરાવવાં, અષાઢી બીજથી કસુંબલ વસ્ત્રો ધારણ કરાવવાં. ઉનાળાની સીઝનમાં ભગવાનને ઠંડા જળથી સ્નાન કરાવવું, શિયાળાની સીઝનમાં ગરમ જળથી સ્નાન કરાવવું, અમુક સમયે ભગવાનને આવા અલંકારો ધારણ કરાવવા, અમુક સમયે ભગવાનને અમુક પ્રકારના ભોગો નિવેદન કરવા, વગેરે ભગવાનની સેવા કરવાની જે રીતિ વિઠ્ઠલનાથજીએ કહેલી છે. એજ રીતિ ગ્રહણ કરવી. અર્થાત્ વિઠ્ઠલનાથજીએ બતાવેલા માર્ગવડે જ ભગવાનની સેવા કરવી. શ્રીજીમહારાજને કહેવાનો એ ભાવ છે કે, વિઠ્ઠલનાથજીએ વ્રતો અને ઉત્સવોની ગ્રાહ્ય તિથિનો જે નિર્ણય કરેલો છે, એવો બીજો કોઇ આચાર્યે કરેલો નથી. તેમજ ભગવાનની પ્રેમભક્તિથી સેવા કરવાની રીતિ વિઠ્ઠલનાથજીએ જેવી બતાવેલી છે, તેવી બીજા કોઇ આચાર્યે બતાવી નથી. માટે મારા આશ્રિતો હોય તેમણે વિઠ્ઠલનાથજીના જ કહેવા પ્રમાણે વ્રતો અને ઉત્સવો કરવા. તેમજ સેવા રીતિ પણ વિઠ્ઠલનાથજીના કહેવા પ્રમાણે જ કરવી. ।।૮૧-૮૨।।