શ્લોક ८०

उपवासदिने त्याज्या दिवानिद्रा प्रयत्नतः । उपवासस्तया नश्येन्मैथुनेनेव यन्नृणाम् ।।८०।।


મારા આશ્રિતો હોય તેમણે, જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય, તે દિવસે પ્રયત્ન પૂર્વક દિવસની નિદ્રાનો ત્યાગ કરી દેવો. કારણ કે જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમ જ દિવસની નિદ્રાએ કરીને પણ મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે. 


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આ લોકને વિષે મોટે ભાગે ઉપવાસને દિવસે બીજું કોઇ કામ ન હોવાથી સ્વસ્થ રહેવા માટે, અને જલ્દી સમય પસાર થઇ જાય, તેને માટે દિવસની નિદ્રા કરવામાં આવતી હોય છે. અર્થાત્ દિવસની નિદ્રાએ કરીને સમય વ્યતીત કરવામાં આવતો હોય છે. તેથી શ્રીજીમહારાજે પોતાના ભક્તજનોને વ્રત ઉપવાસને દિવસે દિવસની નિદ્રા ન થાય, અને જેમ બને તેમ ભગવાનની સન્મુખ રહેવાય, એ ઉદૃેશથી અહીં દિવસની નિદ્રાનો વિશેષે કરીને નિષેધ કરેલો છે.


આ શ્લોકનો એ ભાવ છે કે, સર્વે વ્રતોમાં બ્રહ્મચર્યનું આવશ્યકપણું કહેલું છે. બ્રહ્મચર્યથી રહિત વ્રતોનું નિષ્ફળપણું કહેલું છે. અને બ્રહ્મચર્યનો નાશ વીર્યના સ્રાવથી થાય છે. અને વીર્યસ્રાવનાં ઋષિઓએ બે કારણો બતાવેલાં છે.- ''तद्धेतुस्तु स्त्रीप्रसङ्गः स्वप्नं चेति ऋषिभिद्वे र्धोच्यते'' ।। इति ।। એક સ્ત્રીના પ્રસંગ થકી વીર્યનો સ્રાવ થાય છે. અને બીજું કારણ દિવસની નિદ્રા કરવાથી આવતા સ્વપ્ન થકી વીર્યનો સ્રાવ થાય છે. તેમાં સ્ત્રીનો પ્રસંગ સર્વપ્રકારે ત્યાગ કરી દેવાથી, અને ચક્ષુરાદિ ઇંદ્રિયોને નિયમમાં રાખવાથી, પહેલા કારણથી થતો જે વીર્યનો સ્રાવ અટકાવી શકાય છે. અને સ્વપ્નથી થતા વીર્ય સ્રાવને તો, દિવસની નિદ્રા ત્યાગ કરવાથી અટકાવી શકાય છે. માટે વ્રતિ હોય તેમણે બ્રહ્મચર્યના નાશમાં કારણરૂપ, સ્ત્રીનો પ્રસંગ અને દિવસની નિદ્રા, આ બન્નેનો સર્વપ્રકારે ત્યાગ કરી દેવો, આવું તાત્પર્ય છે. ।।૮૦।।